માંસાહાર એ નૈતિક કે આધ્યાત્મિક જ નહીં, બહુ મોટી આર્થિક સમસ્યા પણ છે
એક શાકાહારી માણસની સરખામણીમાં એક માંસાહારી માણસના ખોરાક માટે ૧૭ ગણી વધારે જમીન જોઈએ, ૧૪ ગણું વધારે પાણી જોઈએ અને ૧૦ ગણી વધારે ઉર્જા જોઈએ. પૃથ્વી પર ખેતીલાયક જમીન, પાણી, ઉર્જા, જંગલોની અછત સતત વધી રહી છે… અને આ જ તમામ વસ્તુઓ માંસાહારીઓનું પેટ ભરવા માટે વધુમાં વધુ ખર્ચાય છે.
—————————
વાત-વિચાર – એડિટ પેજ – ગુજરાત સમાચાર
—————————
શાકાહાર વિરુદ્ધ માંસાહારના મામલામાં તર્ક-કુતર્ક સતત થતાં આવ્યાં છે તે વાત આપણે ગયા શનિવારે માંડી હતી. પોતાનું સંપૂર્ણ જીવન વેદાંત-ઉપનિષદના પ્રચાર-પ્રસારમાં લગાવી દેનાર આચાર્ય પ્રશાંત માંસાહારના સમર્થનમાં થતી સૌથી પ્રચલિત દલીલોનું તર્કબદ્ધ ખંડન કરે છે. દલીલ-પ્રતિદલીલોનો સિલસિલો આગળ ધપાવીએ, એમના જ શબ્દોમાં.
દલીલ ૪ : દુનિયાના બધા લોકો શાકાહારી બની જશે તો ૮૦૦ કરોડ લોકોનું પેટ ભરાય એટલું અનાજ અને શાકભાજી પેદા ક્યાંથી થશે? દુનિયામાંથી વનસ્પતિ-વૃક્ષોનો સફાયો નહીં થઈ જાય?
આ વાતને આ રીતે સમજો. એક શાકાહારી માણસને ટકાવી રાખવા માટે માની લો કે એક વૃક્ષ કાપવું પડે છે, તો એની સામે એક માંસાહારી માણસને જીવતો રાખવા માટે પ૦ વૃક્ષો કાપવા પડે છે. કેમ? કેમ કે માંસ આવે છે અન્નમાંથી, ઘાસમાંથી. આ અન્ન અને ઘાસ ક્યાંથી આવે છે? ખેતરમાંથી. આ ખેતર ક્યાંથી આવે છે? ખેતર માટે જમીન જોઈએ અને આવી અધધધ જમીન જંગલો કાપી-કાપીને તૈયાર કરવામાં આવી છે. પૃથ્વી પર જેટલું અન્ન ઊગાડવામાં આવે છે, એમાંથી ૬૦થી ૭૦ ટકા અન્ન માણસ સુધી પહોંચતું જ નથી, કેમ કે આટલું અન્ન જાનવરોને ખવડાવી દેવું પડે છે. શા માટે? કે જેથી માંસાહારીઓ તે જાનવરોનું માંસ ખાઈ શકે.
‘ધ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશન’માં છપાયેલા એક અભ્યાસલેખ અનુસાર, એક શાકાહારી માણસની સરખામણીમાં એક માંસાહારી માણસના ખોરાક માટે ૧૭ ગણી વધારે જમીન જોઈએ, ૧૪ ગણું વધારે પાણી જોઈએ અને ૧૦ ગણી વધારે ઉર્જા (વિજળી વગેરે) જોઈએ. પૃથ્વી પર ખેતીલાયક જમીન, પાણી, ઉર્જા, જંગલોની અછત સતત વધી રહી છે… અને આ જ બધી વસ્તુઓ માંસાહારીઓનું પેટ ભરવા માટે વધુમાં વધુ ખર્ચાય છે. મોટા ભાગના માંસાહારીઓ આ હકીકત જાણતા જ નથી. તેમને ખબર જ નથી કે એમની થાળીમાં જે માંસની વાનગી પિરસાઈ છે તેને લીધે પ્રકૃતિના કેટલાય જીવો અને પર્યાવરણનાં કેટલાંય સંસાધનોનો ખાત્મો બોલી ગયો હોય છે.
દલીલ ૫ : કેમ, પશુપાલન કરવાથી આથક લાભ પણ થાય જ છેને?
હાર્વર્ડ યુનિવસટીમાં પ્રવૃત્ત પ્રોફેસર ઓફ મેડિસીન વોલ્ટ વિલેટે કહેલી વાત તમને ચોંકાવી દેશે. દુનિયામાં બધા માણસોને પૂરતું અન્ન મળતું નથી, અસંખ્ય લોકો ભૂખમરાથી પીડાય છે. જો આપણી પાસે વધારાનું ફક્ત ચાર કરોડ ટન અનાજ હોય તો દુનિયાના તમામ ભૂખ્યાઓનું પેટ ભરાઈ જાય. વાસ્તવિકતા શું છે? આપણે દર વર્ષે ૭૫ કરોડ ટન અનાજ પશુઓને ચારા રૃપે ખવડાવી દઈએ છીએ. આ ક્યા પશુઓ છે? આ ફેક્ટરીમાં બનતી નિર્જીવ વસ્તુની જેમ પેદા કરીને ઉછેરવામાં આવતાં પ્રાણીઓ છે, કે જેમને પછી કાપી નાખવામાં આવે છે એ એમનું માંસ માંસાહારીઓના પેટમાં પહોંચી જાય છે. આ પશુઓને અપાતા ૭૫ કરોડ ટન અનાજમાંથી ફક્ત ચાર જ કરોડ ટન જો માણસના ભાગે આવે તો આખી દુનિયામાંથી ભૂખમરો નાબૂદ થઈ જાય, કોઈ બાળક કે ી-પુરુષ કુપોષણનો ભોગ ન બને. જરા વિચારો કે એક માંસાહારી માણસ અજાણપણે કેટલા માણસોને ભૂખ્યા રાખવાનો અપરાધ કરી બેસે છે.
હવે જરા હાર્વર્ડ યુનિવસટીનો હેલ્થ-રિલેટેડ ડેટા પણ જાણી લો. હૃદયરોગ, સ્ટ્રોક, ટાઇપ-ટુ ડાયાબિટીસ અને અમુક કેન્સરનો સીધો સંબંધ માંસાહાર સાથે છે તે વાત વૈજ્ઞાાનિક રીતે પૂરવાર થઈ ચૂકી છે. જો આખી દુનિયા અતિ શુદ્ધ શાકાહાર એટલે કે વિગન ડાયટ તરફ વળે (કે જેમાં માંસ-ઈંડાં જ નહીં, દૂધ અને દૂધની બનાવટો ખાવા પર પણ મનાઈ છે) તો દર વર્ષે ૮૧ લાખ માણસોનાં મોત ઓછાં થશે. ઉપરાંત, ઉપર ગણાવી તે બીમારીઓની દવા ને સારવારનો ખર્ચ અને બીમારીને લીધે વેડફાયેલા માનવકલાકોને ગણતરીમાં લઈએ તો પ્રતિ વર્ષ ૭૦૦થી ૧૦૦૦ બિલિયન ડોલર રૃપિયાની બચત થાય. ૧૦૦૦ બિલિયન ડોલર એટલે કેટલું નાણું? આખા ભારતની વર્તમાન અર્થવ્યવસ્થાનું કદ ૩૦૦૦ બિલિયન ડોલર છે. તેના પરથી કલ્પના કરો કે ૧૦૦૦ બિલિયન ડોલર કેટલો જંગી આંકડો છે. આટલું નાણું બચાવી શકાય છે, જો માણસ પોતાની માંસની હવસ કાબૂમાં રાખે, તો.
દુનિયાની ગરીબીનાં સૌથી મોટાં કારણોમાંનું એક કારણ માંસાહાર છે. કેવી રીતે? હવા-પાણી-જમીન અને કુદરતી સંસાધનોને થતું નુક્સાન અને માનવ-સ્વાસ્થ્યને થતું નુક્સાન – આનો સરવાળો કરો તો સમજાશે કે દુનિયાની જીડીપીનો કેટલો મોટો હિસ્સો નોનવેજ ઇન્ડસ્ટ્રીની સવસિંગ પાછળ વપરાઈ રહ્યો છે. ક્લાયમેટ ચેન્જને કારણે દુનિયાની અર્થવ્યવસ્થાને જે નુક્સાન થાય છે એના આંકડા ચક્કર આવી જાય એટલા મોટા છે. ૨૦૨૨માં ક્લાયમેટ ચેન્જને કારણે એકલા અમેરિકામાં જે કુદરતી હોનારતો થઈ તેને લીધે ૧૬૫ બિલિયન ડોલરનું નુક્સાન થયું હતું. વિચારો કે દુનિયાના તમામ દેશોને ગણતરીમાં લઈએ તો ક્લાયમેટ ચેન્જને કારણે થતું નુક્સાન કેટલું જબરદસ્ત હશે. એક સ્વિસ સ્ટડી અંદાજ માંડે છે કે ૨૦૫૦ સુધીમાં ક્લાયમેટ ચેન્જના પાપે ગ્લોબલ અર્થતંત્રને ૧૧થી ૧૪ ટકા જેટલું (એટલે કે લગભગ ૨૩ ટ્રિલિયન ડોલર) જેટલું સંકોચાઈ ગયું હશે.
…અને માસાંહાર એ ક્લાયમેટ ચેન્જ માટેનું બીજા નંબરનું સૌથી મોટું કારણ છે. આ સીધી અને સ્પષ્ટ હકીકત છે, જેની લોકોને ખબર હોતી નથી. ક્લાયમેટ ચેન્જ અથવા કહો કે ગ્રીનહાઉસ ગેસ પેદા થવામાં ૩૦થી ૩૫ ટકા ફાળો માંસાહાર અને ડેરી ઉદ્યોગ (એનિમલ ફાર્મિંગ) છે. લોકો દલીલ કરતા હોય છે કે માંસના ઉત્પાદન અને નિકાસને કારણે અર્થતંત્રને વેગ મળે છે, એનું શું? ભારતના માંસ ઉદ્યોગનું આર્થિક કદ લગભગ ૫૦ બિલિયન ડોલર જેટલું છે. ૧૦ ટકાનું માર્જિન ગણો તો માંસ ઉદ્યોગ પાંચ બિલિયન ડોલરની કમાણી કરે છે. આની સામે, ગયા વર્ષે ક્લાયમેન્ટ ચેન્જ સંબંધિત કુદરતી હોનારતોથી ભારતને જે આર્થિક ફટકો પડયો તે લગભગ ૧૫૦ બિલિયન ડોલર જેટલો હતો. આનો ત્રીજો ભાગ, એટલે કે લગભગ ૫૦ બિલિયન ડોલરનો ફટકો માંસ ઉદ્યોગને કારણે પડયો હતો. પાંચ બિલિયન ડોલરની આવક સામે ૫૦ બિલિયન ડોલરનું નુક્સાન. આ તો કેવળ પર્યાવરણ સંબંધિત આંકડા થયા. આપણે જો માસાંહારથી થતું કુલ નુક્સાન માપવું હોય તો એન્વાર્યમેન્ટલ કોસ્ટ ઉપરાંત હેલ્થ કોસ્ટ અને ઇકોનોમિક્સ અને મેનેજમેન્ટમાં જેને સબ-ઓપ્ટિમલ ડિસ્ટ્રિબ્યુશન યુટીલાઇઝેશન ઓફ રિસોર્સીસ કહે છે તેની કોસ્ટ પણ ગણતરીમાં લેવી પડે.
ભારતમાં માંસને નિકાસને ઉત્તરોત્તર ઉત્તેજન મળી રહ્યું છે. આપણે માનીએ છીએ કે માંસના નિકાસની આપણી ઇકોનોમીને ફાયદો થાય છે. હકીકત એ છે કે આપણને એક રુપિયાના ફાયદાની સામે દસ રુપિયાનું નુક્સાન થઈ રહ્યું છે. આ સીધુંસાદું અર્થશાસ્ત્ર નથી જનતાને સમજાતું, નથી સરકારોને. પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી, પ્રાણીઓની હિંસા ન કરવી એવી વાતો થાય ત્યારે લોકોને લાગે કે આ તો બધી નૈતિક કે આધ્યાત્મિક મુદ્દા છે. ના. માંસાહાર એ નૈતિક કે આધ્યાત્મિક જ નહીં, બહુ મોટી આર્થિક સમસ્યા પણ છે.
દલીલ-૬ : …પણ માંસાહાર નહીં કરીએ તો વિટામિન બી-ટ્વેલ્વ કેવી રીતે મળશે?
તમે માંસ ખરીદવા માટે ક્યાં જાઓ છો? બજારમાં. શા માટે? કારણ કે તમને માંસમાંથી વિટામીન બી-ટ્વેલ્વ જોઈએ છે. તો પછી તમે બજારમાંથી સીધા બી-ટ્વેલ્વની ટેબ્લેટ્સ જ કેમ ખરીદી લેતા નથી? બી-ટ્વેલ્વની પ્લાન્ટ-બેઝ્ડ ટેબલેટ્સ આસાનીથી મળે છે અને માંસ કરતાં ખાસ્સી સસ્તી મળે છે. બીજું, બી-ટ્વેલ્વ માંસમાં નથી હોતું, માટીમાં હોય છે. પ્રાણી પોતે બી-ટ્વેલ્વ બનાવતું નથી. પ્રાણી જ્યારે ઘાસ વગેરે ખાય છે ત્યારે તેની સાથે ચોંટેલી માટી એના પેટમાં જાય છે અને એમાંથી બી-ટ્વેલ્વ બને છે.
દલીલ-7 : હું કંઈ પણ ખાઉં, એ મારો અંગત મામલો છે. એનાથી બીજાઓને શા માટે ફર્ક પડવો જોઈએ?
ધારો કે હું ઘરમાં ડિઝલથી ચાલતું જનરેટર ફિટ કરાવું છે, જે ખૂબ અવાજ કરે છે અને કાળા ધુમાડો છોડે છે. હું એમ ન કહી શકું કે હું મારા ઘરમાં કોઈ પણ ઉપકરણ ફિટ કરાવું, એ મારો વ્યક્તિગત મામલો છે, એનાથી બીજાઓને શું કામ પ્રોબ્લેમ થવો જોઈએ? હું મારા ઘરમાં કાન ફાડી નાખે એટલા મોટા અવાજે સ્પીકરમાં ઘોંઘાટિયું સંગીત વગાડું તો પાડોશીઓને વિરોધ કરવાનો હક છે જ. એક જમાનામાં પ્લેન સુધ્ધાંમાં સ્મોકિંગ કરવાની છૂટ હતી, પણ પછી વૈજ્ઞાાનિક રીતે પૂરવાર થયું કે સિગારેટના ધુમાડા (પેસિવ સ્મોકિંગ)થી બીજાઓના સ્વાસ્થ્ય પર પર માઠી અસર થાય છે. તેથી જાહેર જગ્યાઓ પર ધ્રમ્રપાન પર મનાઇ ફરમાવતો કાયદો પસાર કરવામાં આવ્યો. હું મારી વ્યક્તિગત કાર રસ્તાની વચ્ચોવચ્ચ પાર્ક ન કરી શકું, રાઇટ? એ જ રીતે તમે જે ખાઓ છો એનો સીધો અને દેખીતો ફર્ક પૂરા સમાજ પર, માનવજાતના વર્તમાન અને ભવિષ્ય પર પડે છે. એ તમારી અંગત પસંદગીનો કે વ્યક્તિગત સ્વતંત્રતાનો મામલો નથી. સોરી!
દલીલો તો હજુય ઘણી છે, પણ હાલ પૂરતા આ વિષયને વિરામ આપીએ.
– શિશિર રામાવત
Leave a Reply