ઘટનાઓમાંથી અપેક્ષાની બાદબાકી કર્યા પછી જે બચે એ જ સુખ!
‘સંતાન ગુમાવવા જેવી અસહ્ય પીડા જીવનમાં બીજી કોઈ નથી. અમે રડી લીધું અને પછી વાસ્તવિકતા સ્વીકારી લીધી. મારા દીકરાએ જતાં પહેલાં આ દુખ માટે મને તૈયાર કરી નાખ્યો હતો.’ : મૉ ગોડેટ, ગૂગલ એક્સના ભૂતપૂર્વ ચીફ બિઝનેસ ઓફિસર
————————————————-
વાત-વિચાર, એડિટ પેજ, ગુજરાત સમાચાર
————————————————-
‘૨૦૨૯ સુધીમાં, એટલે આગામી છ જ વર્ષમાં, પૃથ્વી પર સૌથી બુદ્ધિશાળી કોઈ હશે તો એ હાડમાંસથી બનેલો માણસ નહીં હોય, પણ મશીન હશે. આ મશીનો એટલાં બધાં બુદ્ધિમાન અને શક્તિશાળી હશે કે એની તુલનામાં માણસનું મૂલ્ય એટલું જ હશે, જેટલું અત્યારે આપણી તુલનામાં વાંદરાનું છે. જો તમે આટફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઊંડા ઊતરેલા હો અને આ ટેકનોલોજીને બહારથી નહીં પણ અંદરથી જોઈ શકતા હો તો તમે સમજી શકશો કે લા ઓફ એક્સલરેટિંગ રિટર્ન્સ મુજબ ૨૦૪૫ સુધીમાં મશીન માણસ કરતાં એક અબજ ગણું વધારે બુદ્ધિશાળી બની ચૂક્યું હશે. યેસ, એક અબજ ગણું. સમજો કે એક બાજુ સાદી માખી છે અને બીજી બાજુ મહાન વૈજ્ઞાાનિક આઇન્સ્ટાઇન છે. માખીમાં બુદ્ધિ નથી, એનામાં માત્ર અસ્તિત્ત્વ ટકી રહે એવી પ્રાકૃતિક વૃત્તિઓ છે. તેની સામે આઇન્સ્ટાઇન છે, જેમનો આઇક્યુ સામાન્ય માણસના બુદ્ધિઆંક કરતાં ઘણો વધારે, ૧૬૦ની આસપાસ છે. ૨૦૪૫માં માણસની બુદ્ધિમત્તા આ આટફિશિયલ ઇન્ટેલિજન્ટ મશીનોની સરખામણીમાં તુચ્છ માખી જેટલી હશે….’
આ શબ્દો જો કોઈ કપોળ કલ્પિત કથાઓ લખતા લેખકના હોત તો આપણે સહેજ હસીને, આ થિયરીને મનોરંજક સાયન્સ ફિક્શન ગણીને એક બાજુ હડસેલી દેત. મુદ્દો એ છે કે આ વાત સહેજ પણ હડસેલી દેવા જેવી નથી, કેમ કે તે કહેનારી વ્યક્તિનું નામ મો ગોડેટ છે. મો ગોડેટ એટલે ગૂગલ એક્સ નામની કંપનીના ભૂતપૂર્વ ચીફ બિઝનેસ ઓફિસર, જે કમ્પ્યુટર સાયન્ટિસ્ટ પણ છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ટેકનોલોજીના વિકાસના કેન્દ્રમાં રહ્યા છે. ગૂગલ એક્સ એ ગૂગલ દ્વારા સ્થપાયેલું સેમી-સિક્રેટ રિસર્ચ-એન્ડ-ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન છે, જે આટફિશિયલ ઇન્ટેલિજન્સ, ફ્લાઇંગ કાર જેવી એકાધિક ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી પર વર્ષોથી ધમાકેદાર કામ કરી રહ્યું છે. મો ગોડેટ ઇન્ટરેસ્ટિંગ માણસ છે. ટેકનોલોજીના ખેરખાં હોવા ઉપરાંત તેઓ લેખક છે. એમના નામે ત્રણ સફળ પુસ્તકો બોલે છે. તેઓ પોપ્યુલર પોડકાસ્ટર પણ છે. એમના પોડકાસ્ટનું નામ છે, ‘સ્લો મોઃ અ પોડકાસ્ટ વિથ મો ગોડેટ’. ગૂગલના ટોપ એક્સિક્યુટિવ બન્યા તેની બહુ પહેલાં, નાની ઉંમરે મૉ ગોડેટ મિલિયોનેર બની ચૂક્યા હતા. ગૂગલની પાવરફુલ પોસ્ટ છોડીને તેઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી પોતાનો સઘળો સમય પુસ્તકો લખવામાં, પોડકાસ્ટ શૂટ કરવામાં (યુટયુબ પર તે અવેલેબલ છે) અને દુનિયામાં સુખ-શાંતિ-આશા તેમજ પોઝિટિવિટી ફેલાવવામાં ગાળે છે. ખાસ્સું ઘટનાપ્રચુર છે એમનું જીવન. આટફિશિયલ ઇન્ટેલિજન્સના કાંપી ઉઠાય એવા ભવિષ્ય વિશે તેઓ શું કહે છે તે પછી જોઈશું. પહેલાં એ જોઈએ કે ૨૧ વર્ષના જુવાનજોધ દીકરાના કમોતે મો ગોડેટની હાઇ પ્રોફાઇલ જિંદગીની દિશા શી રીતે બદલી નાખી?
૦ ૦ ૦
જબરું વિચિત્ર લાગે છે આ ‘મા’ નામ, પણ તે વાસ્તવમાં ‘મોહમ્મદ’નું શોર્ટ ફોર્મ છે. ઇજિપ્તના આ મુસ્લિમનું દિમાગ નાનપણથી એન્જિનીયર જેવું. એન્જિનીયરિંગ કર્યા બાદ એમબીએની ડિગ્રી લઈને તેઓ આઇબીએમ-ઇજિપ્તમાં જોબ કરવા લાગ્યા. એ વખતે એમનું સૌથી મોટું સપનું જ આ હતું – આઇબીએમ-ઇજિપ્તના સેલ્સ મેનેજર બનવું. આ સપનું પૂરું થયું. પછી ઇજિપ્ત અને યુએઇમાં ફાયનાન્સ સેક્ટરમાં કામ કર્યું. તેઓ કહે છે, ‘પચ્ચીસ વર્ષની ઉંમરે હું મધ્યમવર્ગીય યુવાન હતો, પણ પછીનાં ચાર જ વર્ષમાં મારી પાસે એ બધું જ આવી ગયું હતું જેને કોઈ પણ જુવાન માણસ ઝંખતો હોય – સ્વિમિંગ પુલવાળો ભવ્ય બંગલો, ગેરેજમાં મોંઘીદાટ લક્ઝરી ગાડીઓ, સુંદર સમજદાર પત્ની, બે ક્યુટ બાળકો, શેર માર્કેટની તોતિંગ કમાણી… અને તોય ૨૯ વર્ષની ઉંમરે હું ક્લિનિકલ ડિપ્રેશનનો ભોગ બની ગયો હતો. દુન્યવી રીતે જે અચીવ કરવાનું હતું તે બધું મેં અચીવ કરી નાખ્યું હતું તોય હું દુખી હતો, બેચેન હતો. કોઈ વસ્તુમાંથી મને સુખ મળતું નહોતું. કોઈ મને કહેતું કે તું મેડિટેશન કર, કોઈ કહેતું કે મંત્રજાપ કરવું, પણ આમાંનું કશું જ મને અપીલ કરતું નહોતું. ૨૯ વર્ષની ઉંમરે મને મિડ-લાઇફ ક્રાઇસિસ આવી ગઈ… ને આ મારું સદભાગ્ય હતું.’
મૉ ગોડેટે સુખ વિશે ‘રીસર્ચ’ કરવાનું શરુ કર્યું. ગમે તેમ તો એન્જિનીયર ખરાને! કઈ વસ્તુ શા માટે અને કેવું સુખ આપતી હતી યાદ કરી કરીને ડેટા કલેક્ટ કરે, કાગળ પર આકૃતિઓ દોરે, ચાર્ટ પેપર પર ગ્રાફ બનાવે, વગેરે. આ સિલસિલો ત્રણ-ચાર વર્ષ ચાલ્યો. ધીમે ધીમે ડિપ્રેશન ઓછું થતું ગયું. દરમિયાન એમનો દીકરો અલી આઠ વર્ષનો થઈ ગયો હતો.
‘નાનપણથી જ અલીની પ્રકૃતિ સંત જેવી હતી,’ મૉ ગોડેટ કહે છે, ‘હું સુખ વિશે અલી સાથે પણ ચર્ચા કરતો. અલી કાયમ હસતો જ હોય. કાં તો મસ્તી કરતો હોય. એ બહુ જ ઓછું બોલે, અને બોલે ત્યારે આઠ-દસ શબ્દ માંડ એના મોંમાંથી નીકળે, પણ પોતાની બાળસુલભ ભાષામાં એવું સચોટ બોલે કે મારા મનમાં જે વાત ક્યારની ગૂંચવાયા કરતી હતી તે તદ્દન સ્પષ્ટ થઈ જાય.’
મૉ ગોડેટમાં ક્રમશઃ એક આંતરિક સ્થિરતા આવતી ગઈ. એમણે માઇક્રોસોફ્ટ કંપની જોઈન કરી. સાડાસાત વર્ષ દરમિયાન અહીં એકાધિક સિનિયર પોસ્ટ પર એમણે કામ કર્યું. રહેવાનું દુબઈમાં અને મહિને એક વાર માઇક્રોસોફ્ટની સિએટલ ખાતેની ઓફિસે હાજર થવાનું. દુબઈથી બાર કલાકની સફર કરીને ન્યુ યોર્કના જોન એફ. કેનેડી એરપોર્ટ પર ઉતરે એટલે દર વખતે અલગ બોલાવીને એમની જડતી લેવાય. કારણ? મોહમ્મદ ગોડેટ મુસ્લિમ રહ્યા એટલે. મૉ ગોડેટ હસે છે, ‘હું જાણે ટેરરિસ્ટ હોઉં તે રીતે મારી ઉલટતપાસ થતી, પણ મને સહેજ પણ રોષ ન ચડતો, ઊલટું, મને તેમના પ્રત્યે સમભાવ જાગતો. એ લોકો બાપડા પોતાની ફરજ બજાવતા હતા અને પોતાના દેશને તમામ સંભવિત ખતરાથી બચાવવાની કોશિશ કરતા હતા. તમે માનશો, લાગલગાટ ૩૭ વખત ન્યુ યોર્કના એરપોર્ટ પર આ રીતે મારી જડતી લેવાઈ! પછી તો એ ઓફિસરો પણ મને ઓળખી ગયા હતા. કહેવાનો મતલબ એ છે કે ત્યાં સુધીમાં હું મારામાં આ કક્ષાની સમતા વિકસી ચૂકી હતી.’
પણ જિંદગીને સ્થિરતા ગમતી નથી. માણસનું સુખ કુદરતથી બહુ જોવાતું નથી. દીકરો અલી ૨૧ વર્ષનો હતો ત્યારે એને એપેન્ડિક્સ ઇમ્ફ્લેમેશનની થોડી તકલીફ થઈ ગઈ. મૉ ગોડેટ અને એની પત્ની દીકરાને હોસ્પિટલ લઈ ગયા. સાવ મામૂલી માંડ આઠ-દસ મિનિટનું ઓપરેશન હતું, પણ ડોક્ટરની ટીમની ઉપરાઉપરી પાંચ એવી ભૂલો થઈ કે અલીનો જીવ નીકળી ગયો. પતિ-પત્ની પર પહાડ તૂટી પડયો. મૉ ગોેડેટ કહે છે, ‘અમને પૂછવામાં આવ્યું કે શું ઓટોપ્સી કરાવવી છે? મારી પત્નીએ મને એક જ સવાલ કર્યોઃ શંુ ઓટોપ્સી કરવાથી આપણો દીકરો પાછો આવી જશે? બસ, આ સ્વીકૃતિ હતી. સંતાન ગુમાવવા જેવી અસહ્ય પીડા જીવનમાં બીજી કોઈ નથી. અમે રડી લીધું અને પછી વાસ્તવિકતા સ્વીકારી લીધી. મારા દીકરાએ જતાં પહેલાં આ દુખ માટે મને તૈયાર કરી નાખ્યો હતો.’
સંતાનનું મૃત્યુ પતિ-પત્નીના પારસ્પરિક સંબંધ પર નાટયાત્મક અસર કરી શકતું હોય છે. દીકરી કેનેડામાં ભણતી હતી અને અલી દુનિયા છોડીને જતો રહ્યો હતો. આ ઘટના વળાંકરુપ સાબિત થઈ, બન્ને માટે. મૉ ગોડેટ, કે જે માઇક્રોસોફ્ટ છોડીને ગૂગલ એક્સના ચીફ બિઝનેસ ઓફિસર જેવી અત્યંત મહત્ત્વપૂર્ણ પોઝિશન પર કાર્યરત હતા, તેમણે નક્કી કર્યુંઃ બસ, બહુ થયું. મારે હવે દુનિયાભરમાં ઊડાઊડ નથી કરવી. મારે જોબ છોડી દઈને વિરામ લેવો છે. મારો દીકરો મને જે કંઈ શીખવી ગયો છે તે લોકો સુધી પહોંચાડવું છે. આ બાજુ પત્નીએ નક્કી કર્યું કે બસ, બહુ જીવી લીધું પરિવાર માટે, બહુ કરી લીધા પતિ સાથે પ્રવાસો, હવે મારે મારી જિદંગી મારી રીતે જીવવી છે. બાવીસ વર્ષનાં લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂકીને પતિ-પત્ની સમજણપૂર્વક નોખાં થઈ ગયાં.
જીવનના નવા અધ્યાયમાં મૉ ગોડેટે પહેલું પુસ્તક લખ્યું – ‘સોલ્વ ફોર હેપી’. આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ થયેલા આ પુસ્તકમાં મૉ ગોડેટે સુખ માટેની મેથેમેટિકલ ફોર્મ્યુલા પેશ કરી છે, જે એમણે પોતાના દીકરા અલી સાથે ખૂબ બધી ચર્ચાઓ કરીને વિકસાવી હતી. આ સુખનું સૂત્ર કંઈક આવું છે-
હેપીનેસ ઇઝ ઇક્વલ ટુ ઓર ગ્રેટર ધેન ધ ઇવેન્ટ્સ ઓફ યોર લાઇફ માઇનસ યોર એક્સપેક્ટેશન્સ ઓફ હાઉ લાઇફ શુડ બી! તમારા જીવનમાં જે ઘટનાઓ બને છે એમાંથી તમારી અપેક્ષાઓની બાદબાકી કરી નાખો. પાછળ જે બચે છે એ સુખ છે!
મૉ ગોડેટે તે પછી બીજાં બે પુસ્તકો લખ્યાં – ‘સ્કેરી સ્માર્ટ’ અને ‘ધેટ લિટલ વોઇસ ઇન યોર હાર્ટ’. હાલ જિપ્સી જેવું મુક્ત અને છતાંય ગરિમાપૂર્ણ જીવન જીવી રહેલા ૫૬ વર્ષીય મૉ ગોડેટે ‘સ્કેરી સ્માર્ટ’માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે માનવજાતના અસ્તિત્ત્વ પર અગાઉ ક્યારેય ઊભો ન થયો હોય એવા ભયાનક ખતરા વિશે વાત કરી છે. મૉ ગોડેટ અને અન્ય નિષ્ણાતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અને એ રીતે આપણા સૌના ભવિષ્ય વિશે જે વાતો કરી કરી છે તે ધ્યાનપૂર્વક સાંભળવા જેવી છે. આ શનિવારે.
Leave a Reply