જપાની ફિલોસોફીઃ પહેલાં નિયમો શીખો, પછી તોડો, પછી અતિક્રમી જાઓ…
‘ગમન’ અથવા ‘ગેમન’ એટલે ખંત, ટકી રહેવું. ગમે તેટલી વિપદા આવે, પડકારો ઊભા થાય, પણ હારવાનું નથી, ધીરજ રાખવાની છે અને ટકી રહેવાનું છે. જપાનનાં ગમનને બહુ મોટો ગુણ માનવામાં આવે છે.
—————————
વાત-વિચાર, એડિટ પેજ, ગુજરાત સમાચાર
—————————
‘ઇકિગાઈ’ શબ્દ તો તમે સાંભળ્યો છેને? આ જપાની શબ્દ છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન ખાસ્સો લોકપ્રિય બન્યો છે. ઇકિગાઈનો અર્થ છે, જીવનની સાર્થકતા, જીવનનો હેતુ. જપાની સંસ્કૃતિમાં ઇકિગાઈ જેવી બીજી ઘણી સંકલ્પનાઓ છે, જે પ્રેરણાદાયી છે, ફિલોસોફિકલ છે અને આપણને સૌને લાગુ પડે એવી છે. ઇકિગાઈ વિશે ઘણું લખાઈ-કહેવાઈ ચૂક્યું છે એટલે આપણે તેને બાજુ પર મૂકીને અન્ય જપાની સિદ્ધાંતો વિશે વાત કરીએ. શરુઆત કરીએ ‘કૈઝન’થી. શું છે એ?
કૈઝન : કૈઝન એટલે જીવનમાં નાના નાના સુધારા સતત કરતા રહેવા. જીવનને બહેતર બનાવવું એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. કૈઝનના સિદ્ધાંતને શી રીતે જીવનમાં ઉતારી શકાય? સૌથી પહેલાં તો, એક મોટું લક્ષ્ય ભલે નિશ્ચિત કર્યું હોય, પણ ત્યાં સુધી પહોંચવા માટે નાનાં નાનાં નાનાં લક્ષ્યો બનાવવા પડશે અને તેને હાંસલ કરવા પડશે. ઉદાહરણ તરીકે, તમે નક્કી કરો કે મારે આઠથી દસ કિલો વજન ઉતારવું છે, મસ્ત સ્નાયુબદ્ધ બોડી બનાવવી છે. આવું શરીર કંઈ રાતોરાત નહીં બને. જો કડક શિસ્ત જાળવીએ તો પણ આવું બોડી બનતા આઠ-દસ-બાર મહિના થઈ જાય. તે માટે શરૃઆત નાના પાયે કરવી પડશે. નક્કી કરો કે આ આવતા ૩૦ દિવસ હું નિયમિતપણે એક્સરસાઇઝ કરીશ. ૩૦ દિવસને અંતે તમે શરીરમાં થોડોક ફેરફાર તો જરૃર જોશો. આ રીતે નાનાં નાનાં પગલાં ભરતાં આગળ વધીએ એટલે એક તબક્કા પછી શરીર રીધમ પકડી લે, શરીર ટેવાતું જાય. રાતોરાત પરિવર્તનની અપેક્ષા ન રાખવી. થોડો થોડો પણ નિયમિત રિયાઝ કરવાથી આખરે ધાર્યા લક્ષ્ય સુધી પહોંચી શકાય છે.
એક ઉંમર પછી માણસ નવું ખાસ કશું શીખતો નથી. કૈઝનનો સિદ્ધાંત કહે છે કે આવું નહીં થવા દેવાનું. સતત કંઈક ને કંઈક નવું શીખતા રહો, નવા શોખ વિકસાવતા રહો, નવું જ્ઞાાન પ્રાપ્ત કરતા રહો. જેમ કે, કોઈ વાજિંત્ર શીખો. ગાવું ગમતું હોય તો સિંગિંગ ક્લાસ જોઈન કરો. વર્કશોપ અટેન્ડ કરો. આજકાલ તો જાતજાતના ઓનલાઇન કોર્સ કરી શકાય છે ને તે પણ સાવ ફ્રીમાં. ઉદાહરણ તરીકે, આજકાલ આપણે આટફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે ખૂબ સાંભળીએ છીએ. તો આ વિશેનો એક નાનકડો ઓનલાઇન કોર્સ કરીને આટફિશિયલ ઇન્ટેલિજન્સ વિશેની પ્રાથમિક સમજણ મેળવી શકાય. આ રીતે જમાનાની સાથે પણ રહી શકાય અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ પણ કરી શકાય.
અખતરા કરવાથી ડરવું નહીં. લોકોના મંતવ્યોને ખુલ્લા દિલે સાંભળવા. નવું શીખતી વખતે નિષ્ફળતા મળશે, પણ તેથી શું? નિષ્ફળતામાંથી તો ઊલટાનું વધારે શીખવાનું મળે. માત્ર મોટી મોટી બાબતોમાં જ નહીં, રોજિંદી રુટિન બાબતોમાં પણ કૈઝાન લાગુ પાડો. શી રીતે? જરા જુઓ કે કયા કામમાં કેવી રીતે સમય વેડફતો અટકાવી શકે તેમ છે? કઈ રીતે અમુક નકામાં કામ ટાળી શકાય તેમ છે? કઈ રીતે કામ કરવાની રીત વધારે ઝડપી અને અસરકારક બનાવી શકાય તેમ છે? કૈઝાન કહે છે, પોતાનાં દિલ-દિમાગમાં ઉઠતી લાગણીઓ અને વિચારો પ્રત્યે સતત સભાન રહો. પોતાની સુખાકારી પર પૂરું ધ્યાન આપો. મેડિટેશન કરો. ડાયરી લખો કે જેથી વિકાસ યોગ્ય રીતે થઈ રહ્યો છે કે નહીં તે વિશે સ્પષ્ટતા રહે. મજાની વાત એ છે કે કૈઝાનનો સિદ્ધાંત અંગત જીવનની જેમ પ્રોફેશનલ કંપની કે ઓર્ગેનાઇઝેશનને પણ એટલો જ લાગુ પડે છે.
શિકિતા ગા નઈ : જપાની કલ્ચરમાં ‘શિકિતા ગા નઈ’ એટલે ‘જે છે તે આ છે’, ‘બીજો કોઈ રસ્તો નથી’ અથવા તો ‘આ તો આમ જ રહેશે’. અહીં વાત સ્વીકારની છે. જે વસ્તુસ્થિતિ પર આપણો કોઈ અંકુશ નથી તેની સાથે લડયા કરવાનો કે ફરિયાદ કર્યા કરવાનો મતલબ નથી. વાસ્તવિકતા સ્વીકારી લો અને આગળ વધો. જેમ કે, જપાનમાં ધરતીકંપો ખૂબ થાય છે. તમે કુદરત સામે શી રીતે દલીલબાજી કરી શકો? ઉનાળામાં ભારતનો મોટો હિસ્સો કાળઝાળ ગરમીથી સખત તપી જાય છે. તો? તમારી ફ્લાઇટ અઢી કલાક મોડી થઈ ગઈ છે ને તમે એરપોર્ટ પર બગાસાં ખાતાં બેઠા છો. આવી હાલતમાં મગજ ગુમાવવાનો શો મતલબ છે? ન કરે નારાયણ ને તમને કશીક ગંભીર બીમારી થઈ જાય તો રડયા કરવાનું કે ઈલાજ માટે પ્રયત્ન કરવાના? તાજેતરમાં દુનિયાભરની આઈટી કંપનીઓએ ધડાધડ હજારો કર્મચારીઓને છૂટા કર્યા. ધારો કે આવી કશીક નવાજૂનીમાં તમારો નંબર પણ લાગી ગયો. ઠીક છે. કશો વાંધો નથી. નવી જોબ શોધીશું, સ્ટાર્ટ-અપ શરૃ કરવા વિશે ઘણા મહિનાઓથી વિચારતા હતા તેના પર અમલ કરીશું. ટૂંકમાં, પ્રતિકૂળ પરિસ્થિતિ પેદા થાય ત્યારે નિસાસા નાખતા રહેવાને બદલે કે નસીબને ગાળો દેવાને બદલે ખુદને આટલું જ કહેવાનુઃ ‘શિકિતા ગા નઈ… જે છે તે આ જ છે!’ યાદ રહે, ‘શિકિતા ગા નઈ’ એટલે હાથ પર હાથ ધરીને બેસી રહેવું કે નિષ્ક્રિય બની જવું એવો અર્થ બિલકુલ કાઢવાનો નથી. આ સિદ્ધાંત શીખવે છે કે વિપરીત સંજોગોમાં ઉપાય શોધવાનો છે અને આગળ વધતા રહેવાનું છે.
શુ હા રીઃ આ જપાની ફિલોસોફીનાં મૂળિયાં ઐકિડો નામની માર્શલ આર્ટમાં છે. આ વિચારધારા વ્યક્તિગત વિકાસ ઉપરાંત કામ-ધંધામાં પણ અપ્લાય કરી શકાય છે. આ ફિલોસોફીના ત્રણ સ્ટેપ છે. પહેલું સ્ટેપ છે, ‘શુ’ અર્થાત્ અનુસરો. સૌથી પહેલાં તો જે ક્ષેત્રમાં તમે આગળ વધવા માગો છો તે ક્ષેત્રના મૂળભૂત નિયમો અને પદ્ધતિઓને સમજો, તેને અનુસરો. તમે અત્યારે વિદ્યાર્થી અવસ્થામાં છો એમ સમજો. સારો શિક્ષક, કોચ કે નિષ્ણાત શોધો કે જે તમને માર્ગદર્શન આપી શકે. તમારાં ક્ષેત્રની રીત-રસમો અને પરંપરાઓમાં પારંગત બની જાઓ, તમારો પાયો મજબૂત બનાવો.
હવે આવે છે, બીજું સ્ટેપ – ‘હા’. ‘હા’ એટલે તોડવું. સમય વીતતાં તમે તમારા કામમાં હોશિયાર અને અનુભવી થઈ ગયા છો એટલે હવે તમે નવા દષ્ટિકોણથી બધું નિહાળી શકો છો. તમે હવે સવાલ કરી શકો છો કે આ વસ્તુ આ રીતે જ કેમ કરવાની? આને બદલે આ રીત કેમ ન અજમાવી શકાય? હવે સમય આવ્યો છે ક્રિયેટિવ બનવાનો, તમારા કામમાં કલ્પનાશીલતા ઉમેરવાનો. તમે ઓલરેડી નિયમો જાણો છો એટલે હવે તમારી પાસે સમજીવિચારીને નિયમો તોડવાનો નૈતિક અધિકાર છે! તમે કામનો અપ્રોચ બદલી શકો છો, વૈકલ્પિક રીત અજમાવી શકો છો. અહીં પરંપરાગત પદ્ધતિઓનો અનાદર કરવાની વાત નથી, પણ મૌલિક કાર્યશૈલી વિકસાવવાનો, તમારી પોતાની સ્પેશિયાલિટી, બ્રાન્ડ કે યુએસપી (યુનિક સેલિંગ પોઇન્ટ) ઊભાં કરવાની વાત છે.
હવે આવે છે ત્રીજું અને છેલ્લું સ્ટેપ – ‘રી’. ‘રી’ એટલે ટ્રાન્સેન્ડ એટલે કે અતિક્રમી જવું, ઓળંગી જવું. તમને તમારા કામમાં એટલી મહારત હાંસલ થઈ ચૂકી છે કે હવે તમને કોઈ સીમાડા નડતા નથી. તમારી અંતઃસ્ફૂરણા એટલી જબરદસ્ત થઈ ચૂકી છે, તમારા ક્ષેત્રનાં સત્યોને એટલી હદે આત્મસાત કરી લીધાં છે કે તમે હવે સહજપણે મુક્ત વિહાર કરી શકો છો, નવું સર્જન કરી શકો છો, નવી થિયરી – નવા આઇડિયાઝ ઇન્ટ્રોડયુસ કરી શકો છો અને આ રીતે તમારા ક્ષેત્રના વર્તુળને ઓર વિસ્તારી શકો છો. ઉદાહરણ તરીકે, શાીય સંગીતમાં ખૂબ ઊંડો ઉતરેલો એક ગાયક છે. એણે વર્ષો સુધી આકરી સાધના કરી છે. એ હવે ઉસ્તાદ બની ચૂક્યો છે. આ કલાકાર હવે એક ચોકઠામાં બંધાઈ રહેવાને બદલે અધિકારપૂર્વક શાીય રાગોમાં અખતરા કરી શકે છે, નવાં સર્જનો કરી શકે છે.
કૈઝન, શિકિતા ગા નઈ અને શુ હા રી – આ તો ત્રણ જ જપાની સિદ્ધાંત થયા. આ સિવાય પણ અન્ય કેટલાક ખૂબ સુંદર જપાની ફિલોસોફિકલ કોન્સેપ્ટ્સ છે. ‘વાબી સાબી’ એટલે અપૂર્ણતામાં પણ સુંદરતા નિહાળવી. એમ સમજવું કે બધું અનિશ્ચિત છે, પરિવતર્નશીલ છે અને નાશવંત છે, તેથી વસ્તુની એ જે છે તે સ્વરુપમાં કદર કરવી. સરળતા અને નિર્દોષતાનું મૂલ્ય સમજવું. જપાની ભાષામાં ‘ગમન’ અથવા ‘ગેમન’ એટલે ખંત, ટકી રહેવું. ગમે તેટલી વિપદા આવે, પડકારો ઊભા થાય, પણ હારવાનું નથી, ધીરજ રાખવાની છે અને ટકી રહેવાનું છે. જપાનનાં ગમનને બહુ મોટો ગુણ માનવામાં આવે છે. ‘યુગેન’ એટલે વિસ્મય પેદા કરતું અસાધારણ સૌંદર્ય, જે તર્કથી સમજાતું નથી, જે ગેબી છે, અલૌકિક છે. તેની કદર કરવાની છે. છેલ્લે, ‘મા’ એ જપાની અસ્થેટિક્સનો શબ્દ છે. જેનો અર્થ થાય છે, વિરામ. વસ્તુઓ, અવાજો અને ઘટનાઓ વચ્ચેનો પાઝ. આ ખાલી જગ્યાનું પણ પોતાનું સૌંદર્ય હોય છે, પોતાનો લય અને સંતુલન હોય છે. આ પાઝ આવે ત્યારે આત્મમંથન કરવાનું છે, સમજવાનું છે. સંબંધોમાં પણ વચ્ચે વચ્ચે આવા નાના નાના પાઝ લેવા જોઈએ. નાના વિરામ લીધા પછીનો સંબંધ વધારે આત્મીય, વધારે સંતોષકારક સાબિત થઈ શકે છે!
– શિશિર રામાવત
#vaatvichar, #gujaratsamachar #japaneseculture
Leave a Reply