જો તમે માદાને સ્ત્રી ગણી લેશો તો તમે જૂનવાણી માણસ છો!
પશ્ચિમની ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીનો એક મોટો વર્ગ હવે કહે છે કે તમારે અમને He કે She કહીને નહીં બોલાવવાનું, તમારે અમને They કે Ze (ઝી) કહીને બોલાવવાનું. સ્ત્રીને સ્ત્રી નહીં, પણ સિસજેન્ડર્ડ વુમન કહેવાની, પુરુષને પુરુષ નહીં પણ સિસજેન્ડર્ડ મેન કહેવાનો!
——————————-
વાત-વિચાર, એડિટ પેજ, ગુજરાત સમાચાર
——————————-
સૌથી પહેલાં તો ૨૦૨૧માં બનેલા એક ઘટનાક્રમ વિશે વાત કરી લઈએ. અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં મહિલાઓ માટેની સ્વિમિંગ ટીમમાં લિઆ થોમસ નામની ૨૧ વર્ષની એક ખેલાડીને દાખલ કરવામાં આવી. અગાઉનાં ચાર વર્ષ એ પુરુષ ટીમમાં હતી, પણ ૨૦૧૯માં એણે ઘોષિત કર્યું કે હું પુરુષ નથી, હું મનથી સ્ત્રી છું, હું ટ્રાન્સ-વુમન છું. હું તનથી પણ સ્ત્રી બનવા માગું છું એટલે મેં હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી લેવાનું શરૃ કરી દીધું છે. યુનિવસટીના અધિકારીઓ મૂંઝાયાઃ આને હવે આપણે પુરુષ ટીમમાં મૂકવી કે મહિલા ટીમમાં? પછી નક્કી થયું કે લિઆની હોર્મોન થેરાપી હજુ પૂરી થઈ નથી એટલે અત્યારે ભલે પુરુષ ટીમમાં જ રહે. દોઢ-બે વર્ષમાં હોર્મોન થેરાપી પૂરી થઈ એટલે એને મહિલા ટીમમાં સામેલ કરવામાં આવી. તે સાથે જ જાણે ચમત્કાર થયો! પુરુષ સ્વિમર તરીકે એનો નેશનલ રેન્ક ૪૬૨ હતો, પણ મહિલા ટીમમાં મૂકતાં જ એ અમેરિકાની નંબર વન મહિલા સ્વિમર બની ગઈ! કેવડો મોટો હનુમાન કૂદકો!
તરંગો સર્જાઈ જવા સ્વાભાવિક હતા. લિઆ થોમસ પાસે પુરુષનું શરીરનું હતું. પુરુષના શારીરિક બાંધામાં અને સ્ત્રીના શારીરિક બાંધામાં ઘણો ફર્ક હોવાનો. પુરુષ શરીર કુદરતી રીતે જ વધારે મજબૂત હોય, એનાં કદ-કાઠી મોટાં હોય, એનો સ્ટેમિના વધારે હોય. લિઆની હાઇટ છ ફૂટ એક ઇંચ છે. કુદરતી રીતે સ્ત્રી તરીકે જન્મેલી ખેલાડીઓ લિઆ સાથે કેવી રીતે સ્પર્ધા કરી શકવાની? વિવાદ વધ્યો એટલે નેશનલ કોલેજિયેટ એથ્લેટિક અસોસિએશને નિયમ દાખલ કર્યો કે જો ટ્રાન્સજેન્ડર ખેલાડીએ કોઈ પણ સ્પોર્ટની મહિલા ટીમનો હિસ્સો બનવું હોય તો એના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું પ્રમાણ નિશ્ચત હદ કરતાં નીચું હોવું ફરજિયાત છે. બીજી બાજુ, ઇન્ટરનેશનલ સ્વિમિંગ ફેડરેશને નિયમ દાખલ કર્યો કે જો ટ્રાન્સજેન્ડર ખેલાડીએ મેલ પ્યુબર્ટીનો તબક્કો પસાર કરી નાખ્યો હશે (એટલે કે તરુણ વયના છોકરા તરીકે એ સેક્સ્યુઅલી મેચ્યોર થઈ ચૂક્યો હશે) તો એ મહિલા તરીકે વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં કે ઓલિમ્પિક્સમાં ભાગ લઈ શકશે નહીં.
ફેર ઇનફ.
આગળ વધતાં પહેલાં કેટલીક પાયારુપ બાબતો વિશે સ્પષ્ટ થઈ જઈએ. હું ભલે સ્ત્રી તરીકે જન્મી હોઉં, પણ ભીતરથી હું પુરુષ છું. અથવા તો, હું ભલે પુરુષ તરીકે જન્મ્યો હોઉં, પણ ભીતરથી હું સ્ત્રી છું, કુદરતે મને ખોટો દેહ આપીને મારી સાથે અન્યાય કરી નાખ્યો છે – આ એક સાચુકલી અને અતિ તીવ્ર લાગણી હોઈ શકે છે. આ પ્રકારની વ્યક્તિ જાતિ પરિવર્તન કરાવે ત્યારે પુરુષમાંથી સ્ત્રી બનેલી વ્યક્તિ ટ્રાન્સવુમન કહેવાય છે, સ્ત્રીમાંથી પુરુષ બનેલી વ્યક્તિ ટ્રાન્સમેન કહેવાય છે. જે ધ્યાનમાં રાખવાની વાત છે તે આ છેઃ માણસનો કોઈ પણ ધર્મ કે વર્ણ હોય, શરીરની ચામડીનો ગોરો, કાળો કે ઘઉંવર્ણો હોય, એ સ્ત્રી હોય, પુરુષ હોય, ટ્રાન્સવુમન હોય કે ટ્રાન્સમેન હોય, એનું કોઈ પણ સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન હોય, કોઈ પણ વિચારધારા હોય – સૌને ગરિમાપૂર્વક અને આત્મસન્માન સાથે જીવવાનો અધિકાર છે. આપણે કોઈને ધિક્કારવાના નથી, કોઈના પ્રત્યે પૂર્વગ્રહ, દ્વેષ કે ભેદભાવભર્યું વતર્ન કરવાનું નથી. સૌનો ખુલ્લા દિલે, પ્રેમપૂર્વક સ્વીકાર કરવાનો છે, સૌના પ્રત્યે સંવેદનશીલ રહેવાનું છે. આ થયો મોડર્ન, શિક્ષિત, સર્વસમાવેશક અને વ્યાવહારિક અભિગમ.
આ એક વાત થઈ. સામે પક્ષે, અમે જેમ વિચારીએ તેમ જ બીજાઓએ પણ વિચારવાનું, અમે જે ઇચ્છીએ તેનું બીજાઓએ તત્કાળ અનુમોદન આપવાનું અને જો એમ ન થાય તો ‘લઘુમતી, લઘુમતી… વિક્ટિમ, વિક્ટિમ…’નાં ઢોલનગારાં પીટવા માંડવાનાં – આ તદ્દન જુદી વાત થઈ. એલજીબીટીક્યુ (લેસ્બિયન-ગે-બાઇસેક્સ્યુઅલ-ટ્રાન્સ-ક્વીઅર) કમ્યુનિટીએ ઘણું સહન કર્યું છે, પોતાની ગરિમા અને આત્મસન્માન માટે તેમણે ઘણો સંઘર્ષ કરવો પડયો છે, આ હકીકત છે, પણ આજે એકવીસમી સદીમાં એમને જેટલી સ્વીકૃતિ અને હૂંફ મળે છે એટલી ભૂતકાળમાં ક્યારેય નહોતી મળી. તેથી જ તેઓ જિદપૂર્વક જ્યારે ચિત્રવિચિત્ર માગણીઓ કરવાનું ચાલુ રાખે છે ત્યારે દિમાગ ચકરાઈ જાય છે.
પશ્ચિમની ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીના સભ્યો અને એક્ટિવિસ્ટ્સનો એક મોટો વર્ગ હવે કહે છે કે તમારે અમને He કે She કહીને નહીં બોલાવવાનું, તમારે અમને They (એક જ વ્યક્તિ હોય તો પણ) કે Ze (ઝી) કહીને બોલાવવાનું. આ ચળવળને જોરશોરથી ટેકો આપતા ખાસ કરીને લેફ્ટિસ્ટ એક્ટિવિસ્ટો તમને કહે છે કે જો તમે જન્મથી પુરુષ હો અને તમને લાગતું હોય કે તમે પુરુષ જ છો તો પણ તમે હવે Man નથી, તમે Cisgendered Man (સિસજેન્ડર્ડ મેન) છો! એ જ રીતે તમે સ્ત્રી તરીકે જન્મ્યાં હો અને તમને લાગતું હોય તમે સ્ત્રી જ છો તો પણ હવે તમે Woman નથી, તમે Cisgendered Woman (સિસજેન્ડર્ડ વુમન) છો! આ લોકોની જબરાઈ જુઓ. તમારી સાથે વાત કરતી વખતે એ તમને સિસજેન્ડર-સિસજેન્ડર કર્યા કરે ને તમે એના વિવેકપૂર્વક કહો કે પ્લીઝ, મને સિસજેન્ડર ન કહો, હું પુરુષ છું, તમે મને પુરુષ જ કહો… તો એ ભડકી ઉઠશે! ને કહેશે કે તમે તો સાવ સંકુચિત માણસ છો, જૂનવાણી છો, ટ્રાન્સ-કમ્યુનિટીના વિરોધી છો!
વચ્ચે હેરી પોટરનું સર્જન કરનારાં લેખિકા જે.કે. રાઉલિંગ આ વર્ગની હડફેટે ચડી ગયાં. એક અખબારમાં ‘માસક ધર્મ પાળતા લોકો’ વિશે લેખ છપાયો હતો. જે.કે. રાઉલિંગે એવા મતલબનું સાદું ટ્વિટ કર્યું કે, માસિક ધર્મ પાળતા ‘લોકો’ એટલે શું વળી? માસિક ધર્મ પાળતી ‘સ્ત્રીઓ’ એમ સ્પષ્ટ લખોને! પત્યું. ટ્રાન્સ કમ્યુનિટી, ખાસ કરીને પુરુષમાંથી સ્ત્રી બનેલી ટ્રાન્સવીમેનની લાગણી દુભાઈ ગઈ! હો-હો ને દેકારો થઈ ગયો. જે.કે. રાઉલિંગ પર આક્ષેપો થયાઃ તમે ટ્રાન્સ-ફોબિક (એટલે કે તમે ટ્રાન્સ લોકોને ધિક્કારનારાં) છો! ઇવન હેરી પોટરનો રોલ ભજવીને વર્લ્ડ-ફેમસ થઈ ગયેલો ડેનિયલ રેડક્લિફ અને સાથી કલાકારો જે.કે. રાઉલિંગની વિરુદ્ધ મેદાનમાં આવી ગયા.
આપણને થાય કે જે.કે. રાઉલિંગ બિચારાંએ એવી તો શી મહાન ભૂલ કરી નાખી? યુરોપ-અમેરિકાના લિબરલ્સનો એક વર્ગ હવે સ્ત્રીને સ્ત્રી કહેવા તૈયાર નથી! સાવ સાદી અને મૂળભૂત વ્યાખ્યા તો એ જ છેને કે સ્ત્રી એટલે પુખ્ત વયની માદા, જેના ડીએનએમાં XX રંગસૂત્રો હોય, જે યોનિ, સ્તનો અને સંતાનને જન્મ આપવાની ક્ષમતા ધરાવે છે… પણ ટ્રાન્સ કમ્યુનિટી એક્ટિવિસ્ટ્સ અને એમને સપોર્ટ કરનારા ચાંપલા લિબરલ્સ કહે છે કે ના, એમ નહીં. સ્ત્રી હોવું એ તો અનુભૂતિની વાત છે. જો તમને લાગે કે તમે સ્ત્રી છો, તો બસ, તમે સ્ત્રી છો. સર્જરી દ્વારા પુરુષનાં જનનાંગો દૂર ન કરાવ્યાં હોય તો પણ! બધાએ તે ચુપચાપ સ્વીકારી લેવાનું. તેઓ કહે છે કે સેક્સ (લિંગ) અને જેન્ડર (જાતિ) વચ્ચે સીધો સંબંધ નથી. જેન્ડર તો ‘સોશિયલ કન્સ્ટ્રક્ટ’ (એટલે કે સમાજે ઊભી કરેલી વિભાવના) છે. જો તમે એમ માનતા હો કે કુદરતે બે જ જાતિનું સર્જન કર્યું કર્યું છે – નર અને માદા – તો તમે ટ્રાન્સ-ફોબિક છો. આ ટ્રાન્સ એક્ટિવિસ્ટો અને અતિ લિબરલો માને છે કે જાતિ બે કરતાં વધારે છે. કેટલી? ત્રણ, ચાર, પાંચ, પચાસ? તેઓ કહેશે, તમે એનો ચોક્કસ આંકડો ન આપી શકો!
બે મહિના પહેલાં રાયન વેબ નામનો એક ભડભાદર અમેરિકન વ્હાઇટ પુરુષ, કે જે કન્ટ્રી કાઉન્સિલર એટલે કે લોકલ ગર્વમેન્ટ કાઉન્સિલનો ચૂંટાયેલો પ્રતિનિધિ છે, એણે ઘોષણા કરીઃ મને એ જાહેર કરતાં અત્યંત રાહતની લાગણી થઈ રહી છે કે હું મારી જાતને સ્ત્રી તરીકે આઇડેન્ટિફાય કરું છું. માત્ર સ્ત્રી નહીં, પણ બ્લેક લેસ્બિયન સ્ત્રી તરીકે! લો, બોલો. ગઈ કાલે જે ગોરો પુરુષ હતો એ દુનિયા માટે રાતોરાત ‘અશ્વેત લેસ્બિયન સ્ત્રી’ બની ગયો. આનો સીધો અર્થ એ થયો કે હવે હું અશ્વેત મહિલાઓ સાથે સંંબંધ બનાવીશ અને સંંબંધ બનાવતી વખતે મનોમન હું સ્ત્રી હોઈશ. આ ભાઈનું પછી તો જે ટ્રોલિંગ થયું છે. એટલે પછી એમનું બીજું સ્ટેટમેન્ટ આવ્યુઃ ‘આ કેટલી કમનસીબીની વાત છે કે મને મારી (સેક્સ્યુઅલ) આઇડેન્ટિટીને એક્સપ્લોર કરવા માટે (સમાજ તરફથી) નથી મોકળાશ આપવામાં આવતી કે નથી મને માન આપવામાં આવતું…’
‘અમે કંઈ પણ કરીએ કે કહીએ, લોકોએ અમને કશું કહેવાનું કે પૂછવાનું નહીં, લોકોએ ચુપચાપ અમારી તમારી ઇચ્છાઓ અને તરંગોને માન આપવાનું’ – રેડિકલ ટ્રાન્સ વ્યક્તિઓ અને તેમને સપોર્ટ કરતા ‘વોક’ લોકોનો આ એટિટ્યુડ હોય છે. મેગન કેલી નામનાં અમેરિકન મિડીયા પર્સન કહે છે, ‘જુઓ, મને ટ્રાન્સ-કમ્યુનિટી પ્રત્યે સહાનુભૂતિ છે. એ પોતાને ‘હી’ કે ‘શી’ ને બદલે ‘ધે’ કહેવડાવવા માગતા હોય તો એય મને કબૂલ છે, પણ તેઓ ફિમેલ સ્પોર્ટ્સમાં ઘુસણખોરી કરે તે ન ચાલે. માસિક ધર્મ, ગર્ભાવસ્થા, સંતાનને જન્મ આપવો, સ્તનપાન કરાવવું, ટૂંકમાં, એ બધું જ કે જે સ્ત્રીને સ્ત્રી બનાવે છે, એક સ્ત્રીએ જિંદગીમાં કેવી કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે, સ્ત્રીનો મિજાજ, એનું સૌંદર્ય, સ્ત્રીની કુમાશ, સ્ત્રી હોવાના પડકારો – આ બધા વિશે ટ્રાન્સ લોકોને કશો જ અનુભવ નથી, કશી જ ખબર નથી ને આખી જિંદગીમાં ક્યારેય ખબર પડવાની પણ નથી. ઇનફ ઇઝ ઇનફ! હું ફરી કહું છું, મને આ લોકો પૂરેપૂરી હમદર્દી છે, પણ સહાનુભૂતિના નામે સચ્ચાઈ સામે આંખમિંચામણા ન કરી શકું. જે ખોટું છે તે ખોટું છે, જે સાચું છે તે સાચું છે.’
મેટ વોલ્શ નામના એક કન્ઝર્વેટિવ અમેરિકને, કે જે સોશિયલ કોમેન્ટેટર છે, એમણે ‘વોટ ઇઝ અ વુમન?’ નામની સુપરહિટ ડોક્યુમેન્ટરી બનાવી છે (યુટયુબ પર તે અવેલેબલ છે), જેમાં તેઓ આખા અમેરિકામાં ફરીને એક્ટિવિસ્ટો, પ્રોફેસર, સાઇકિએસ્ટ્રિસ્ટ, રાજકારણીઓ, સેક્સ ચેન્જ ઓપરેશન કરી આપતા ડોક્ટરો અને અફકોર્સ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ તેમજ તેમના સપોર્ટરોને એક સાદો સવાલ કરે છેઃ સ્ત્રી એટલે શું? હરામ બરાબર કોઈ સ્પષ્ટ જવાબ આપી શકતું હોય તો! આ ડોક્યુમેન્ટરીમાં એક ડોક્ટર કહે છે, ‘સ્ત્રી એટલે ઘણી બધી બાબતોનું કોમ્બિનેશન. જેમ કે તમારાં શારીરિક લક્ષણો, દુનિયા સામે જે રુપમાં પેશ થવાની તમારી ઇચ્છા હોય તે અને તમે જે પ્રકારના સંકેતો આપો છો – આ બધાનું કોમ્બિનેશન. જે લોકો સ્ત્રીની આ આધુનિક સમજ સાથે સહમત નથી એ બધા ડાયનોસોર જેટલા જૂનવાણી છે!’
ડોક્યુમેન્ટરીમાં એક પ્રોફેસર કહે છે, ‘સ્ત્રી એટલે એવી વ્યક્તિ જેને લાગે છે કે પોતે સ્ત્રી છે.’ ડોક્યુમેન્ટરી-મેકર કહે છે, ‘હા, પણ સ્ત્રી એટલે શું? પોતે સ્ત્રી છે એવું લાગવું એટલે એક્ઝેક્ટલી કોના જેવું લાગવું?’ પ્રોફેસરસાહેબ ગોથાં ખાવા લાગે છે. એમની પાસે ‘સ્ત્રી એટલે… બસ, સ્ત્રી’ એવું કહેતા રહ્યા સિવાય બીજો કોઈ જવાબ નથી.
‘વોટ ઇઝ અ વુમન?’ ડોક્યુમેન્ટરી રિલીઝ થઈ ને ટ્રાન્સ કમ્યુનિટી ખળભળી ગઈ. વાયડા ટ્રાન્સ એક્ટિવિસ્ટો કહેવા લાગ્યાઃ આ ડોક્યુમેન્ટરી નથી, આ તો જીનોસાઇડ છે (એટલે કે આ ડોક્યુમેન્ટરી આખેઆખી ટ્રાન્સ કમ્યુનિટીનો શારીરિક રીતે સફાયો કરી નાખવાના ષ઼ડયંત્ર સમાન છે)! ડોક્યુમેન્ટરી મેકર મેટ વોલ્શ અને એના આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી. અમેરિકા-યુરોપમાં અતિ લિબરલ્સનું સમર્થન પામેલા ટ્રાન્સ એક્ટિવિસ્ટો ક્રમશઃ એટલા પાવરફુલ બન્યા છે કે એમના ડરથી મોટા રાજકારણીઓ, બૌદ્ધિકો, સેલિબ્રિટીઓ હઈશો હઈશો કર્યે રાખે છે. એટલેસ્તો ‘સ્ત્રી એટલે પુખ્ત માદા’ જેવી સીધીસાદી વ્યાખ્યા તેઓ જાહેરમાં કરી શકતા નથી. નાહકનું ક્યાંક ટ્રાન્સ કમ્યુનિટીને માઠું લાગી જાય તો!
જાહેર સ્થળોએ ટ્રાન્સ-વીમેન મહિલાઓ માટેના બાથરુમ વાપરે છે તેનો વિરોધ થતો હોય તો તે સમજાય એવું છે. મહિલાઓના બાથરૂમમાં ઓચિંતા સ્ત્રીવેશ ધારણ કરેલો પુરુષ આવી જાય (જેના નર-જનનાંગો યથાવત્ હોઈ શકે છે) તો મહિલાઓને અન્કર્ફેટેબલ લાગે જ. અસલામતી પણ લાગે. લેડીઝ બાથરૂમમાં ટ્રાન્સવુમને બળાત્કાર કર્યો હોય તેવા એકાદ-બે છૂટક કિસ્સા પણ નોંધાયા છે. મજા જુઓ. જે હોબાળા થાય છે તે ટ્રાન્સવુમન માટે થાય છે, ટ્રાન્સમેન વિશે કોઈ વિવાદ નથી!
છેલ્લે અગાઉ નોંધેલી વાત ફરી કરીએ. તમામ રંગ, જાતિ, સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન ઇત્યાદિ ધરાવતા તમામ પ્રકારનો લોકોનો આદરભેર સ્વીકાર જ હોય. જે ખૂંચે એવું હોય તે છે માનવઅધિકારના નામે, વ્યક્તિગત સ્વતંત્રતાના નામે થતી દુરાગ્રહી આત્યંતિકતાઓ. પરમ સત્ય તો એ છે કે આ સઘળું હળાહળ દેહભાવમાંથી પેદા થયેલું કમઠાણ છે. જ્યાં સુધી માણસમાં અને સમાજમાં ખરી આધ્યાત્મિકતા બળવત્તર નહીં બને ત્યાં સુધી શરીરવાદમાંથી પેદા થતાં દુખો ચીસો પાડયાં કરશે.
– શિશિર રામાવત
Leave a Reply