જ્યારે વ્યક્તિગત અને સામૂહિક સ્મૃતિઓ અચાનક શૂન્ય થઈ જાય છે…
‘નવલકથા પોતાની રીતે ઊઘડતી જાય, કથાપ્રવાહનો લય કુદરતી રીતે બંધાતો જાય, લખતાં લખતાં મને પોતાને સરપ્રાઇઝ મળતા રહે, લખતી વખતે હું રસ્તો ભૂલી જાઉં ને પાછો મારગ જડી જાય… મને તો આવું ગમે. આમેય ‘ટાઇમ શેલ્ટર’માં વ્યક્તિગત અને સામૂહિક સ્મૃતિઓના નાશની વાત છે એટલે આ નવલકથા તો આ રીતે જ લખાયને.’
– ગ્યોર્ગી ગોસપોડિનોવ (બૂકર પ્રાઇઝ વિજેતા, 2023)
——————————
વાત-વિચાર, એડિટ પેજ, ગુજરાત સમાચાર
——————————
તો, અતિપ્રતિતિ બૂકર પ્રાઇઝની આ વર્ષની વિજેતા કૃતિ ઘોષિત થઈ ચૂકી છે. મૂળ બલ્ગેરિયન ભાષામાં લખાયેલી આ નવલકથાનું અંગ્રેજી શીર્ષક છે, ‘ટાઇમ શેલ્ટર’. લેખક છે, ગ્યોર્ગી ગોસપોડિનોવ. સ્પેલિંગ પરથી આ પંચાવન વર્ષીય લેખકનું નામ ‘જ્યોર્ર્જી’ વંચાય છે. ઇન ફેક્ટ, જાહેર માધ્યમોમાં એકાધિક જગ્યાએ ‘જ્યોર્જી’ બોલાયું પણ છે, પણ સ્થાનિક બલ્ગેરિયન ભાષામાં આ નામનો ઉચ્ચાર ‘ગ્યોર્ગી’ થાય છે. તમને યાદ હોય તો, ગયા વર્ષનું બૂકર પ્રાઇઝ ગીતાંજલિ શ્રીની ‘રેત સમાધિ’ નામની હિન્દી નવલકથાને મળ્યું હતું. આ વર્ષે પણ પુરસ્કાર એક અનુદિત કૃતિને મળ્યો છે. આ ટ્રેન્ડ (જો આને ટ્રેન્ડ કહી શકાય તેમ હોય તો) સારો છે! ‘ટાઇમ શેલ્ટર’નું અંગ્રેજી રૃપાંતરણ એન્જેલા રોડેલ નામનાં માનુનીએ કર્યો છે. ૫૦ હજાર પાઉન્ડ (લગભગ ૫૧ લાખ રૃપિયા)નું પ્રાઇઝ મની લેખક અને અનુવાદિકા વચ્ચે સરખે ભાગે વહેંચાઈ જશે.
ગ્યોર્ગીનું નામ આપણા માટે અત્યાર સુધી અપરિચિત હતું, બાકી યુરોપમાં, ખાસ કરીને બાલ્કન દેશોમાં તેઓ ખાસ્સા જાણીતા છે. આ બૂકર પ્રાઇઝ પહેલાં પણ તેઓ સમકાલીન યુરોપિયન સાહિત્યજગતમાં મહત્ત્વના સર્જક તરીકે સ્થાન ધરાવતા જ હતા. ‘ટાઇમ શેલ્ટર’ (૨૦૨૦) એમની ચોથી નવલકથા છે, પણ ૨૦૦૫માં પ્રકાશિત થયેલી એમની ‘નેચરલ નોવેલ’ નામની પહેલી જ નવલકથા ૨૧ ભાષાઓમાં અનુદિત થઈ ચૂકી હતી. બીજી નવલકથા ‘ધ ફિઝિક્સ ઓફ સોરો’એ (૨૦૧૨) ગ્યોર્ગીનેને વર્તમાન સમયના પ્રથમકક્ષ યુરોપિયન સર્જકોની હરોળમાં બેસાડી દીધા.
ગ્યોર્ગી મૂળ તો કવિ. વિવેચકોના કહેવા પ્રમાણે, એમનું ગદ્ય ખાસ્સું કવિતામય હોય છે તેનંુ કારણ આ જ. તેમાં આત્મનિરીક્ષણ ખૂબ હોય. પ્રકૃતિની અને આત્મકથનાત્મક વાતો ઘણી હોય, મેજિક રિયલિઝમ હોય અને એક પ્રકારનો ફિલોસોફિકલ સૂર પણ સતત વહેતો હોય. ‘ટાઇમ શેલ્ટર’ નવલકથા આ એક પ્રશ્ન પર ઊભી છેઃ ધારો કે આપણી વ્યક્તિગત અને સામૂહિક સ્મૃતિઓ અચાનક શૂન્ય થઈ જાય તો? આપણને ટાઇમ-ટ્રાવેલની સંકલ્પના ખૂબ રોમાંચક લાગે છે. ટાઇમ-ટ્રાવેલમાં તમે ઇચ્છો ત્યારે ભૂતકાળ કે ભવિષ્યકાળમાં લટાર મારી શકો. ‘ટાઇમ શેલ્ટર’માં, સમજોને કે, ટાઇમ-ટ્રાવેલની સંકલ્પનાનું ખેડાણ સાહિત્યિક સ્તરે થયું છે.
નવલકથાનો નાયક એક ‘ક્લિનિક ઓફ ધ પાસ્ટ’ ધરાવે છે, જેમાં અલ્ઝાઇમર નામે ઓળખાતા સ્મૃતિદોષના દર્દીઓને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. એક મોટી બિલ્ડિંગ છે, જેના દરેક માળને જુદા જુદા દાયકા પ્રમાણે સજાવવામાં આવે છે. ફરનિચર, સિગારેટ અને ડ્રિન્ક્સની બ્રાન્ડ્સ, રેડિયો પર વાગતાં ગીત બધું જ જે-તે દાયકા પ્રમાણે હોય. અરે, દરેક માળ પર જે-તે દશક પ્રમાણે રોજ છાપાં પણ આવે. અલ્ઝાઈમરનો દર્દી જે દસકામાં થીજી ગયો હોય એને તે દાયકાના ફ્લોર પર એડમિટ કરી દેવાનો ને પછી એની ટ્રીટમેન્ટ કરવાની. ધીમે ધીમે આ ‘ક્લિનિક ઓફ ધ પાસ્ટ’ની લોકપ્રિયતા એટલી વધી જાય છે કે સાજાસારા લોકો પણ તેમાં દાખલ થવા માંડે છે. તેઓ આધુનિક સમયની વિટંબણાઓથી ત્રસ્ત લોકો છે. તેઓ પલાયનવાદી બનીને ભૂતકાળના પોતાને ગમતા કોઈ દશકમાં પુનઃ જીવવા માગે છે.
નવલકથા થકી લેખક જે પ્રશ્ન પૂછવા માગે છે તે આ છેઃ શું આપણી ઓળખ અને આપણા આંતરિક સંવાદોને સ્મૃતિ વડે ડિફાઇન કરવા જરુરી છે? આ કૃતિમાં માત્ર અલગ અલગ પાત્રોની વ્યક્તિગત કથાઓ નથી, અહીં સમગ્ર યુરોપ ખંડનો સંદર્ભ વણી લેવાયો છે. પોતાને આ નવલકથા લખવાનો વિચાર શી રીતે આવ્યો તે વિશે વાત કરતાં ગ્યોર્ગી એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘૨૦૧૬માં બ્રેક્સિટ આવ્યું તે પછી યુરોપની હવામાં એક પ્રકારની અકળામણ, એક પ્રકારની બેચેની ઉમેરાઈ ગઈ હતી. જાણે આપણે કોઈ જુદા જ કાલખંડમાં જીવી રહ્યા હોઈએ એવી લાગણી થતી હતી. મારું બેકગ્રાઉન્ડ કમ્યુનિઝમનું છે, કે જેમાં ‘ઉજ્જવળ ભવિષ્ય’ની વાતો થતી હોય. પણ બ્રેક્સિટ પછી માહોલ બદલાયો. યુરોપ અને અમેરિકામાં જે રીતે’ભવ્ય ભૂતકાળ’નાં ગીતો ગાવાનું શરુ થયું ને જે રીતે તે પોપ્યુલર બનવા લાગ્યું… એણે મને વિચાર કરતો કરી મૂક્યો હતો. હું જાણું છું કે આ બન્ને વસ્તુઓ – ‘ઉજ્જવળ ભવિષ્ય’ અને ‘ભવ્ય ભૂતકાળ’ – ખોટા સિક્કા જેવી છે, એમાંથી ખાસ કશું ઊપજતું નથી. તેથી મને થયું કે મારે એક એવી નવલકથા લખવી જોઈએ જેમાં યુરોપના બધા દેશોમાં ‘રેફરન્ડમ્સ ઓન ધ પાસ્ટ’ (એટલે કે ભૂતકાળ વિશેનો જનમત) લેવાતો હોય. જ્યારે આંખ સામે નક્કર ભવિષ્ય દેખાતું ન હોય ત્યારે શું કરવું? જ્યારે ભૂતકાળ રોગચાળો બનીને આપણને ગ્રસી ગયો હોય ત્યારે કેવી પરિસ્થિતિ પેદા થાય? એટલે મેં ‘ટાઇમ શેલ્ટર’ નવલકથામાં બીજા વિશ્વયુદ્ધના પ્રારંભથી શરુઆત કરી ને છેક એકવીસમી સદી સુધીના દાયકા આવરી લીધા.’
ગ્યોર્ગીને આ નવલકથા લખતાં ત્રણ વર્ષ લાગ્યાં. એમની લખવાની શૈલી એવી છે કે તેઓ નોટબુકમાં છૂટીછવાઈ નોંધ અને વિચારો ટપકાવતા જાય. પહેલો ડ્રાફ્ટ આ રીતે નોટબુકમાં જ લખાય ને તે પછીના ડ્રાફ્ટ્સ તેઓ કમ્પ્યુટર પર લખે. કૃતિને આખરી સ્વરુપ આપતાં પહેલાં અનેક ડ્રાફ્ટ્સ લખાય. ‘ટાઇમ શેલ્ટર’ના સાત ડ્રાફ્ટ્સ લખાયા હતા. ગ્યોર્ગી કહે છે, ‘હંુ માનું છું કે આપણા કરતાં આપણી ભાષા વધારે બુદ્ધિશાળી છે. મારો ઉછેર કવિતામાં થયો છે એટલે મારા માટે એકેએક શબ્દ કિમતી હોય છે. નવલકથાનું એકેએક વાક્ય હું જાણે કવિતા લખતો હોઉં એટલી ચોક્સાઈથી લખું છું. આખી નવલકથાનાં બધ્ધેબધ્ધાં પ્રકરણોનું આગોતરું આયોજન થઈ ગયું હોય, ક્યા પ્રકરણમાં એક્ઝેક્ટલી શું આવવાનું છે તે નક્કી હોય – મને આ રીતે નવલકથા લખવાનું ફાવતું નથી. નવલકથા પોતાની રીતે ઊઘડતી જાય, કથાપ્રવાહનો લય કુદરતી રીતે બંધાતો જાય, લખતાં લખતાં મને પોતાને સરપ્રાઇઝ મળતા રહે, લખતી વખતે હું રસ્તો ભૂલી જાઉં ને પાછો મારગ જડી જાય… મને તો એવું ગમે. આમેય ‘ટાઇમ શેલ્ટર’માં વ્યક્તિગત અને સામૂહિક સ્મૃતિઓના નાશની વાત છે એટલે આ નવલકથા તો આ રીતે જ લખાયને.’
ગ્યોર્ગીનું લખવાનું કોઈ નિશ્ચિત ઠેકાણું નથી, ખાસ કરીને નોટબુકમાં પ્રારંભિક ડ્રાફ્ટ લખાતો હોય ત્યારે. ઘરમાં એમનો પોતાનો સ્ટડી રુમ નથી એટલે સવારના ભાગમાં ઘરે કોઈ ન હોય ત્યારે તેઓ ડ્રોઇંગ રુમમાં કમ્પ્યુટર પર લખે. ‘અગાઉ હું ખૂબ સ્મોકિંગ કરતો, પણ હવે તો મેં તે છોડી દીધું છે,’ ગ્યોર્ગી કહે છે, ‘પણ મેં જોયું છે કે જો વાર્તાએ મન પર કબ્જો જમાવી દીધો હોય તો લખતી વખતે બીજા કશાની જરુર પડતી નથી – સિગારેટ, કોફી, દારુ, કટક-બટક કરવા માટે ડ્રાયફ્રુટ્સ – કશું જ નહીં. આવી સ્થિતિમાં તમારી સામે એક જ લક્ષ્ય હોય છે – બસ, ભાષાનું, શબ્દોનું વહેણ અટકવું ન જોઈએ.’
ગ્યોર્ગીનાં પુસ્તકો દુનિયાભરની ભાષામાં અનુદિત થયા છે એટલે અનુવાદકો સાથે એમનો સીધો નાતો રહે છે. તેઓ કહે છે, ‘જે અનુવાદક મને પ્રશ્નો પૂછતો નથી એના પ્રત્યે હું શંકાશીલ થઈ જાઉં છું! નવલકથામાં માત્ર લખાણ હોતું નથી, તેમાં ઘણા સંદર્ભો હોય છે, સ્લેન્ગ એટલે કે બોલચાલની ભાષાનો પ્રયોગ થયો હોય છે. વળી ‘ટાઇમ શેલ્ટર’માં જુદા જુદા દાયકા પ્રમાણે ભાષા પણ બદલાતી જાય છે. તેથી મને ચિંતા હતી કે અંગ્રેજી અનુવાદમાં આ બધું કેવી રીતે ઊતરશે? પણ એન્જેલા રોડેલે અંગ્રેજીમાં સરસ ભાષાંતરણ કર્યું છે.’
ફિક્શનના અનુવાદ વિશે ગ્યોર્ગી એક સરસ વાત કરે છે. ‘સ્ટોરીટેલિંગ સહ-અનુભૂતિ, સમસંવેદન પેદા કરે છે,’ તેઓ કહે છે, ‘દુનિયાને બચાવવી હશે તો સમસંવેદન વિના ચાલશે નહીં. આપણે શા માટે લખીએ છીએ? આ દુનિયાનો અંત બને એટલો પાછળ ધકેલાય તે માટે. તેથી જ્યારે અનુવાદો થાય છે ત્યારે એવી લાગણી જાગે છે કે જાણે દુનિયાનો અંત પાછળ ધકેલાય તે માટે આપણે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. આપણી ભાષાઓ અલગ છે, પણ પીડાઓ એકસમાન છે. પીડા પર કાબૂ કરવાનો અને તેને પ્રતિસાદ આપવાનો એક જ ઉપાય છે – તેના વિશે વાત કરો. કૃતિ જેટલી વધારે ભાષાઓમાં પ્રવાસ કરે એટલે વધારે સારંું.’
ગ્યોર્ગી ગોસપોડિનોવ એક વર્સેટાઇલ લેખક છે. તેમણે કવિતા અને નવલકથા ઉપરાંત ટૂંકી વાર્તાઓ તેમજ નાટકો પણ લખ્યાં છે. એમની ‘બ્લાઇન્ડ વાઇશા’ નામની ટૂંકી વાર્તા પરથી બનેલી શોર્ટ એનિમેશન ફિલ્મને ૨૦૧૭માં ઓસ્કર અવોર્ડનું નોમિનેશન મળી ચૂક્યું છે. આ વાર્તામાં એક એવું પાત્ર છે, જેની એક આંખ ભૂતકાળ જોઈ શકે છે, અને બીજી આંખ ભવિષ્ય! આ જ ફિલ્મમેકરે ગ્યોર્ગીની ‘ધ ફિઝિક્સ ઓફ સોરો’ નવલકથાના આધારે ઓર એક શોર્ટ ફિલ્મ બનાવી હતી. આ બન્ને શોર્ટ એનિમેટેડ ફિલ્મ્સ યુટ્યુબ પર અવેલેબલ છે. જોજો.
– શિશિર રામાવત
Leave a Reply