કથા-કહાણીઓથી ઉપર ઉઠીને હવે મર્મ સુધી પહોંચવાનું છે…
હિન્દુ માતા-પિતાઓને ખુદને જ જ્યારે ધાર્મિક કથાઓ અને રીતિ-રિવાજો સાથે સંકળાયેલાં પ્રતીકો તેમજ ગૂઢ અર્થો વિશે ગતાગમ ન હોય ત્યારે તેઓ પોતાનાં સંતાનોને શું શીખવવાનાં? કૂવામાં હોય તો હવાડામાં આવેને?
————————
વાત-વિચાર, એડિટ પેજ, ગુજરાત સમાચાર
————————
‘ધ કેરલા સ્ટોરી’માં કેટલું સત્ય છે ને કેટલી અતિશયોક્તિ છે, આ ફિલ્મથી કઈ પોલિટિકલ પાર્ટીને કેવો લાભ કે નુક્સાન થશે ને એવા બધા વિવાદો હાલ પૂરતા બાજુ પર મૂકીએ. આ ફિલ્મથી બીજી કોઈ ચર્ચા શરૃ થઈ હોય કે ન હોય, પણ શો પૂરો થયા પછી થિયેટરમાંથી બહાર આવતા દર્શકો ‘ફિલ્મ કૈસી લગી?’ના જવાબમાં જે રીતે આવેશપૂર્વક વિડીયો બાઇટ્સ આપે છે તેના પરથી લાગે છે કે ખુદને હિંદુ ગણાવતા માણસને એકાએક એક સચ્ચાઈનું ભાન થયું છેઃ મારા ધર્મ વિશે ઊંડાણભર્યા જ્ઞાનની વાત તો બાજુએ રહી, હું સ્થૂળ જાણકારી પણ માંડ ધરાવું છે. માબાપો સંતાનોને ધર્મજ્ઞાાન આપતાં કે અપાવતાં નથી અને તેને કારણે સંતાનો ધર્મના મામલામાં અન્ડર-કોન્ફિડન્ટ રહી જાય છે. જુવાનિયાઓને દેવી-દેવતાઓને લગતા સવાલો પૂછાય છે ત્યારે એમની પાસે જવાબો હોતા નથી અને તેઓ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ જાય છે…
સારું છે. પોતે (કે પોતાનાં સંતાનો) ધર્મ વિશે ઉપરછલ્લું જ જાણે છે એવી પ્રતીતિ જો ગાલે તમાચો પડયો હોય તે રીતે થઈ હોય તો તે સારું જ છે. હવે આગળ બે રસ્તા ખુલે છે. એક રસ્તો છે, પોતાના ધર્મ વિશે કટ્ટર બની જવાનો, પોતાનાં રીતિ-રિવાજો-ઉત્સવો-માન્યતાઓનું અત્યંત આક્રમક બનીને પાલન કરવાનો. બીજો રસ્તો છે, હિન્દુ ધર્મ યા તો સનાતન ધર્મના પાયારુપ સિદ્ધાંતો વિશે ઊંડી અને સાચી સમજ કેળવવાનો, સ્થૂળ રીતિ-રિવાજો અને બાહ્ય વર્તન-વ્યવહાર પર અટકી જવાને બદલે જુદી જુદી વિધિ-વિધાનો, ક્રિયાઓ અને સંકેતો પાછળનો ગૂઢ અર્થ સમજવાનો, ધાર્મિક દેખાડા તરફ નહીં પણ સાચી આધ્યાત્મિકતા તરફ વળવાનો.
આ બન્નેમાંથી આપણે બીજો રસ્તો પકડવાનો છે.
આપણે રામાયણ અને મહાભારતના કથા જાણીએ છીએ. આપણે કંઈકેટલીય દેવી-દેવતાની કથાઓથી પરિચિત છીએ. આપણામાંથી કેટલાયને નાનપણથી હનુમાન ચાલીસા કડકડાટ બોલતાં આવડે છે… આ બધું જ શુભ છે, ઇચ્છનીય છે, સરાહનીય છે, પણ આટલાથી સંતોષ ન માની લઈએ. આપણે કહાણીઓ પાછળનો મર્મ સમજવો પડશે, પ્રતીકો અને સંજ્ઞાાઓનો અર્થ જાણવો પડશે. આપણા કેટલાય ધાર્મિક ગુરુઓ અને આધ્યાત્મિક ચિંતકો આ કામ ઉત્તમ રીતે કરી જ રહ્યા છે. એમના પ્રત્યે કેવળ પૂજ્યભાવ નહીં, શિષ્યભાવ કેળવવો પડશે.
રામાયણ અને મહાભારત અત્યંત રસાળ અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર છે. રચયિતાઓએ આ ગ્રંથોને રસાળ-રોમાંચક બનાવ્યા છે તેની પાછળનું એક મુખ્ય પ્રયોજન એ છે કે આપણે આ ગં્રથો તરફ આકર્ષાઈએ, તેમની નિકટ જઈ શકીએ. કૃષ્ણજન્મની કથા આપણે સૌ જાણીએ છીએ. શ્રી શ્રી રવિશંકર આ કથાનો આધ્યાત્મિક મર્મ આ રીતે આપણી સામે ખોલે છે, ‘કૃષ્ણને જન્મ આપનાર દેવકી સ્થૂળ શરીરનું પ્રતીક છે, કૃષ્ણના પિતા વાસુદેવ પ્રાણનું પ્રતીક છે. જ્યારે શરીરમાં પ્રાણ પ્રગટે છે ત્યારે આનંદ અટલે કે કૃષ્ણનો જન્મ થાય છે. કૃષ્ણ પરમ આનંદનું પ્રતીક છે. (કૃષ્ણ એટલે પરમ આત્મા અથવા પરમાત્મા. એમને પ્રેમનું શુદ્ધતમ સ્વરૃપ પણ કહી શકો.) એ જ રીતે કંસ અહમનંુ પ્રતીક છે. કંસ, દેવકીનો ભાઈ છે એનો અર્થ એ થયો કે અહંભાવ શરીરની સાથે જ પેદા થાય છે. અહમનો સૌથી વધારે વિરોધ કરે છે, આત્મા અને પ્રેમ. અહમની સામે જ્યારે શુદ્ધ પ્રેમ ટકરાય ત્યારે અહમ ટકતો નથી. એણે ઓગળી જવું પડે છે. તાજા તાજા જન્મેલા કૃષ્ણ તો પરમ આનંદ, સરળતા અને પ્રેમના ઉદગમસ્થાન સમાન હતા. કથા કહે છે કે કૃષ્ણ જન્મ્યા ત્યારે મા દેવકી જેલમાં હતાં. આનો શું અર્થ થયો? એ જ કે જ્યાં સુધી જીવનમાં કૃષ્ણત્વ પ્રગટતું નથી ત્યાં સુધી આ શરીર એક જેલ સમાન રહે છે…’
કૃષ્ણના જન્મને એટલે કે જન્માષ્ટમીને સેલિબ્રેટ કરતી વખતે મનોમન આ વાતો મમળાવવાની હોય. આમાં જન્માષ્ટમીમાં જુગાર રમવાની વાત ક્યાં આવી? આપણે ત્યાં લોકો જુગાર રમવા માટે જન્માષ્ટમીની રાહ જોઈને બેઠા હોય છે. જુગાર અને કૃષ્ણભક્તિ વચ્ચે તે વળી શો સંબંધ? જે કૃષ્ણે દ્યૂતસભામાં દ્રોપદીને વો આપીને જુગારીઓથી બચાવી હતી એમના જ જન્મદિવસે જુગાર રમવાનો હોય? કમાલ છે. આવી કુરીતિઓ કોણ જાણે કઈ રીતે સમાજમાં ઘર કરી જતી હોય છે. કેવળ મનોરંજન માટે વરસના વચલે દહાડે નાનો નિર્દોષ જુગાર રમી નાખીએ, પણ મહેરબાની કરીને આ એક્ટિવિટીને કૃષ્ણ (પરમ સત્ય, પરબ્રહ્મ) સાથે ન જોડીએ.
કૃષ્ણ અને ગોપીઓની રાસલીલાને વાસનાના સંદર્ભમાં જોતા મૂર્ખ લોકોની કમી નથી. કૃષ્ણ પર જ્યારે આ પ્રકારના આક્ષેપ થાય ત્યારે કૃષ્ણપ્રેમી હોવાના નાતે આપણે સાચા સંદર્ભોવાળી કથા જાણતા હોવા જોઈએ. આખી કથા કંઈક એવી છે કે કામદેવે કૃષ્ણ સામે શરત મૂકેલી કે આસો મહિનાની પૂણમાની રાતે વૃંદાવનના જંગલમાં તમારે અપ્સરાઓ કરતાંય સુંદર એવી ગોપીઓ સાથે આવવું પડશે. કામદેવનો આશય એવો હતો કે આ વાતાવરણ અને સથવારો આટલો અનુકૂળ હશે એટલે કૃષ્ણના મનમાં સરળતાથી કામ-વાસના ઉત્પન્ન કરી શકાશે. કૃષ્ણે પડકાર સ્વીકારી લીધો. પૂણમાની રાતે વૃંદાવનના જંગલમાં એમણે વાંસળીના સૂર છેડયા અને ગોપીઓ સાનભાન ભૂલીને કૃષ્ણ પાસે દોડી ગઈ. ગોપીઓના મનમાં કોઈ ભય નહોતો, કેમ કે તેઓ જાણતી હતી કે કૃષ્ણ સાથે રાસ રમીને એ કશું ખોટું કામ કરી રહી નથી. ગોપીઓ વાસનારહિત હતી. કૃષ્ણ સાથે રાસ રમવો એટલે પરમાત્માને પ્રાપ્ત કરવા. કૃષ્ણે ગોપીઓનો મનોભાવ પારખી લીધો. પ્રસન્ન થઈને એમણે અનેક સ્વરૃપ લીધા અને પ્રત્યેક ગોપી સાથે રાસ રમવા લાગ્યા. કામદેવે પોતાની સઘળી તાકાત લગાવી દીધી, પણ અપ્સરો કરતાંય મોહક એવી ગોપીઓ વચ્ચે સાથે મહારાસ રમી રહેલા કૃષ્ણની ભીતર એક ક્ષણ માટે પણ તેઓ વાસના ઉત્પન્ન ન કરી શક્યા. આમ, કૃષ્ણે તમામ ગોપીઓને પોતાની નિકટ પણ રાખી, મહારાસ પણ રચ્યો અને કામદેવની શરત પણ જીતી ગયા.
ગોપીઓ એટલી ભાગ્યશાળી કે એમને કૃષ્ણના સગુણ (દૈહિક) સ્વરૃપ સાથે રાસ રમવાનો અવસર સાંપડયો. સંતો-ષિઓ કહે છે તેમ, કળિયુગમાં પણ ભક્તિ અને ધ્યાન દ્વારા ઈશ્વર સાથે આધ્યાત્મિક રાસ રચી જ શકાય છે. આ તન અને મનથી પર એવો રાસ છે. આશો રાસને વિરોધી શક્તિઓના મિલન તરીકે જુએ છે. તેઓ કહે છે, ‘અહીં કૃષ્ણ પુરુષ તત્ત્વની જેમ નાચે છે (પુરુષ એટલે આત્મા). ગોપીઓ ી તરીકે નહીં, પ્રકૃતિ તરીકે નાચે છે. આમ, આત્મા અને પ્રકૃતિનું નર્તન એટલે જ રાસ.’
જ્યાં સુધી કોઈ પણ ધામક કથાને આપણે આત્મા, પ્રકૃતિ અને અહમના પ્રકાશમાં નહીં જોઈએ ત્યાં સુધી આપણે એના મર્મ સુધી પહોંચી નહીં શકીએ ને કેવળ સ્થૂળ વર્ણનો કે ઘટનાઓમાં અટવાયા કરીશું.
નવરાત્રિ પણ આપણે ધામધૂમથી ઉજવીએ છીએ, પણ એના ગૂઢ અર્થથી દૂર રહી જઈએ છીએ. મા દુર્ગાએ રાક્ષસોનો સંહાર કર્યો હતો એટલી આપણને ખબર છે, પણ આ વાતનો આપણા રોજ-બ-રોજના જીવન સાથે શો સંબંધ છે? રાક્ષસ એટલે કયા રાક્ષસ? આ બધા પ્રશ્નોના ઉત્તર માટે આપણે ‘શ્રી દુર્ગાસપ્તશતિ’ પુસ્તક પાસે જવું પડે. આ પુસ્તક આપણને સમજાવે છે કે રાક્ષસ ત્રણ પ્રકારના છે અને એ આપણી ભીતર બેઠા છે – દંભ, મદ અને મોહ રૃપે. આ ત્રણ રાક્ષસોનો નાશ કરનારી દેવી ત્રણ ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે – તમોગુણી મહાકાલી, રજોગુણી મહાલક્ષ્મી અને સતોગુણી મહાસરસ્વતી. જ્યાં સુધી આપણી પાસે આ પ્રકારની વૈચારિક સ્પષ્ટતા નથી હોતી ત્યાં સુધી આપણે સપાટી પર જ અટકી જઈએ છીએ અને કોઈ આપણને નવરાત્રિને લઈને ઘસાતું બોલે કે મહેણું મારે ત્યારે આપણી પાસે ઉપરછલ્લી ઘટનાઓની વિગતો સિવાય કોઈ જવાબ હોતો નથી.
અજ્ઞાાનવશ કોઈ એવોય પ્રશ્ન કરતા હોય છે કે તમારા ભગવાનો તો રડયા કરે છે, તેઓ પોતે દુર્બળ છે તો બીજાઓની રક્ષા કેવી રીતે કરવાના? આનો જવાબ પણ આપણા આધ્યાત્મિક વિદ્વાનો આપી જ ચૂક્યા છે કે રામ, કૃષ્ણ, શિવ જેવા અવતારોને ઈરાદાપૂર્વક માનવીય દેખાડવામાં આવ્યા છે. આપણાં પૂજનીય પાત્રો સાધારણ માણસની જેમ રડે છે, દુખી થાય છે, મોહ પામે છે, ક્રોધે ભરાય છે, ભૂલો કરે છે. અવતારોમાં માનવસહજ ત્રુટિઓ જાણી જોઈને એટલા માટે રાખવામાં આવી છે કે જેથી આપણને તેઓ આપણા જેવા લાગે, તેમને જોઈને પ્રેરણા મળે કે જો આપણા જેવા ગુણ-દોષ અને મર્યાદાઓ હોવા છતાં પણ તેઓ અત્યંત ઉચ્ચ કક્ષાનું જીવન જીવી શક્યા હોય, વિરાટ સિદ્ધિઓ મેળવી શક્યા હોય તો આપણે પણ સંકલ્પ અને સાહસ દ્વારા ઊંચું જીવન જીવી શકીએ છીએ, આત્મજ્ઞાાન અને મુક્તિની દિશામાં આગળ વધી શકીએ છીએ.
સો વાતની એક વાત. કટ્ટર કે આક્રમક બનવું સહેલું છે. તે માર્ગ અપનાવવાને બદલે આપણે આપણા ધર્મગ્રંથોનો સાર સમજીએ, સ્થૂળ રીતિ-રિવાજો અને પ્રતીકોને પેલે પાર જોવાની દૃષ્ટિ કેળવવીએ, પુસ્તકો પાસે જઈને આધ્યાત્મિક સમજણ મેળવીએ અને ઉત્તમ શ્રવણ-સંગતિ કરીને આત્મબોધ તરફ ગતિ કરીએ. સત્ય અને મુક્તિ તરફ જવાનો આ જ સાચો માર્ગ છે, ખરું
– શિશિર રામાવત
Leave a Reply