કાં તો એક્સરસાઇઝ કરો અથવા તો રાજીનામું આપીને નોકરી છોડો!
————————-
વાત-વિચાર, એડિટ પેજ, ગુજરાત સમાચાર
————————-
સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં બીજોર્ન બોર્ગ નામની સ્પોર્ટ્સવેર બનાવતી કંપનીની ઓફિસ છે. તમે અહીં શુક્રવારે સવારે ૧૧થી ૧૨ વચ્ચે જાઓ તો ઓફિસની બહાર સિક્યોરિટીવાળા બે-ત્રણ જણા બેઠેલા દેખાશે ને અંદર કાગડા ઉડતા હશે. કેમ? કેમ કે કંપનીનો આખો સ્ટાફ – બોસથી લઈને સૌથી જુનિયર માણસ સુધીના સૌ – આ સમયે નજીકમાં આવલા જિમમાં કસરત કરતા હશે. કંપનીનો આ નિયમ છે. દર શુક્રવારે ઓફિસ અવર્સમાં આખા સ્ટાફે સાગમટે જિમમાં જવાનું એટલે જવાનું. એક જિમ સાથે કંપનીએ ટાઇ-અપ કર્યું છે. તે નિશ્ચિત સમયગાળા દરમિયાન જિમમાં કંપનીના સ્ટાફ અને જિમ ટ્રેનર્સ સિવાય બીજું કોઈ હાજર ન હોય. એક બાજુ ઓફિસમાં કાયમ ભારમાં રહેતા સાહેબ ટ્રેડમિલ પર હાંફી રહ્યા હોય અને તો બીજી બાજુ કોઈ જુનિયર જુવાનિયો સિનિયર મેડમને ડેડ લિફ્ટ કરતાં શીખવાડતો હોય. કોઈ બોક્સિંગ કરતું હોય, કોઈ યોગ કરતું હોય તો કોઈ હાઇ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ લેતું હોય. આ કંપનીના સીઈઓ કહે છે, ‘એક્સરસાઇઝ એ અમારા ઓર્ગેનાઇઝેશનલ કલ્ચરનો ભાગ છે. આ ફરજિયાત છે. જો કોઈને કસરત કરવામાં જોર પડતું હોય તો એ રાજીનામું આપીને કંપની છોડી શકે છે.’
અમુક અપવાદોને બાદ કરતાં આપણે ત્યાં મોટાં શહેરોની મોટી કંપનીઓમાં પણ ફિટનેસ અને એક્સરસાઇઝનો માહોલ ઓર્ગેનાઇઝેશનલ કલ્ચરમાં પ્રવેશી શક્યો નથી. પશ્ચિમ પાસેથી ભારતીય કંપનીઓએ આ બને એટલી ઝડપે શીખવા જેવું છે. યુનિવર્સિટી ઓફ સ્ટોકહોમ દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસનું તારણ કહે છે કે ઓફિસમાં ચાલુ દિવસે એક્સરસાઇઝ કરવાથી કંપનીના માલિકો અને કાર્યકર્તાઓ બન્નેને લાભ થાય છે. તેઓ વધારે સ્વસ્થ રહે છે અને તેમની એકાગ્રશક્તિ વધે છે. યુરોપમાં કામકાજી માણસ વર્ષના કુલ વર્કિંગ ડેઝમાંથી બે ટકા જેટલો સમય તબિયત ખરાબ હોવાને લીધે રજા પર હોય છે. સ્વીડનની એવરેજ યુરોપની એવરેજ કરતાં બમણી છે – ચાર ટકા. અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે જે કંપનીએ કર્મચારીઓ માટે કસરત ફરજિયાત કરી છે ત્યાં બીમારીને કારણે લેવાતી રજાઓ (સિક લીવ)માં ૨૨ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. સ્વીડનમાં તો એવી માન્યતા છે કે નિયમિત એક્સરસાઇઝ કરીને ચુસ્તદુરસ્ત રહેનાર વ્યક્તિ એક માણસ તરીકે પણ બહેતર હોય છે!
વિદેશી કોર્પોરેટ કંપનીઓ ભારતમાં ઓફિસો ખોલે છે ત્યારે પોતાનું ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર પર સાથે લેતી આવે છે. જેમ કે, માઇક્રોસોફ્ટના હૈદરાબાદ ખાતેના ભવ્ય હેડક્વાર્ટરમાં તમામ બિલ્ડિંગના તમામ ફ્લોર પર ટેબલ ટેનિસ, પૂલ ટેબલ અને ફૂઝબોલ ટેબલ ધમધમતાં દેખાય, સાંજે કે ઇવન વર્કિંગ અવર્સમાં કર્મચારીઓ ફૂટબોલ, વોલીબોલ કે ક્રિકેટ રમતા હોય, જિમમાં પરસેવો પાડી રહ્યા હોય. ગૂગલ અને અમેઝોનની હૈદરાબાદ-બેંગલુરુ ખાતેની ઓફિસોમાં પણ આવાં જ દૃશ્યો દેખાય. આપણને થાય કે આ બધા આખો દિવસ રમ્યા કરે છે તો કામ ક્યારે કરતા હશે? યાદ રહે, આ ટોચની આઇટી કંપનીઓ છે, જેમાં ભારતના શ્રેષ્ઠતમ એન્જિનીયરો ઉત્તમ કામગીરી કરી રહ્યા છે. માઇક્રોસોફ્ટ પોતાના ફુલટાઇમ એમ્પ્લોઈઝને ખાસ વેલનેસ અલાઉન્સ આપે છે. જો તમને ઓફિસનું જિમ પસંદ નથી ને તમે તમારા ઘરની નજીક આવેલા જિમમાં જવા માગો છો? કશો વાંધો નહીં. તમારી જિમની ફી કંપની ભરશે. શું તમે ટ્રેકિંગ પર જવા માગો છો? તો કંપની દ્વારા અપાતા વેલનેસ અલાઉન્સનો ઉપયોગ તમે આ ટ્રેકિંગની ફી ભરવામાં કરી શકો છો. અહીં નિયમિત ફ્રી હેલ્થ ચેક-અપ્સ ઉપરાંત સાઇકોલોજિકલ કાઉન્સેલિંગની વ્યવસ્થા પણ છે. તમને કામ સંબંધિત ટેન્શન રહેતું હોય કે પર્સનલ લાઇફમાં સમસ્યા હોય તો તમે મુક્તમને પ્રોફેશનલ કાઉન્સેલર્સ સાથે ચર્ચા કરી શકો છો. તમે કહેલી અંગતમાં અંગત વાતો સંપૂર્ણપણે ખાનગી રહેશે તેની ગેરંટી. કંપનીનો એક જ ઉદ્દેશ છેઃ અમારા એમ્પોઇઝ ફિઝિકલી અને મેન્ટલી ફિટ રહેવા જોઈએ.
ગૂગલની અમેરિકાસ્થિત માઉન્ટ વ્યુ ખાતેની ઓફિસમાં જાતજાતની કેટલીય ફિઝિકલ એક્ટિવિટીઝની સાથે ‘પાર્ટીમાં ડાન્સ કેવી કરવો’ તે શીખવતા ક્લાસ પણ ચાલતા હોય છે! સેલ્સફોર્સ નામની ક્લાઉડ-બેઝ્ડ સોફ્ટવેર કંપનીએ જે વેલનેસ અલાઉન્સ નિશ્ચિત કર્યું છે તેનો લાભ કર્મચારીના જીવનસાથી, પાર્ટનર અને સંતાનોને પણ મળે છે. પરિવારની કોઈ પણ વ્યક્તિ હેલ્દી મસાજ કરાવે કે કૂકિંગ ક્લાસ જોઇન કરે તો તેની ફી પણ આ વેલનેસ અલાઉન્સમાંથી કોમ્પેન્સેટ કરી શકો છો. વાત આખરે તો ફિટ અને આનંદમાં રહેવાની જ છેને! યુરોપ-અમેરિકાની લગભગ અડધોઅડધ મોટી કંપનીઓ પોતાની ઓફિસોમાં કર્મચારીઓ માટે ખેલ-કૂદ અને કસરત માટેની સુવિધા ઊભી કરવા ખાસ બજેટ ફાળવે છે. ઘણી કંપનીઓએ અલાયદા યોગા રુમ અને મેડિટેશન સેન્ટર રાખ્યાં છે.
સામાન્યપણે ઓફિસમાં કોઈનો બર્થડે હોય ત્યારે ધડ્ કરતી કેક ઓર્ડર કરવામાં આવે છે, પણ કેક ખાવાથી શરીરમાં સુગરનું લેવલ વધે, તેથી પશ્ચિમની ઘણી કંપનીઓમાં હવે ‘કેક કલ્ચર’ પર પ્રતિબંધ મૂકાવા લાગ્યો છે! અમુક કંપનીઓમાં ફાઇનાન્શિયલ રિવોર્ડ્ઝ અપાય છે. જેમ કે, શું તમે પાંચ કિલો વજન ઘટાડવા માગો છો અથવા તો રોજના દસ હજાર ડગલાં ચાલવા માગો છો? જો તમે તમારું ફિટનેસ ટાર્ગેટ હાંસલ કરી લેશો તો તમને અમુક રુપિયાની કેશ પ્રાઇઝ મળશે અથવા અમુક રકમનું ગિફ્ટ વાઉચર મળશે.
ઓફિસમાં સતત કામ કરી કરીને ઘણી વાર માણસના દિમાગનું દહીં થઈ જતું હોય છે. આવી સ્થિતિ લાંબા સમય સુધી એકધારી ચાલે તો માણસ બર્ન-આઉટ થઈ જાય, માનસિક રીત નંખાઈ જાય. એક અંદાજ મુજબ ઇંગ્લેન્ડમાં પ્રતિ વર્ષ દસ લાખ કરતાં વધારે લોકો કામ-સંબંધિત બીમારીઓનો ભોગ બને છે. આ બીમારીઓ એટલે સ્ટ્રેસ, પીઠનો દુખાવો, આંખો નબળી પડવી વગેરે. કર્મચારી બીમાર પડે એટલે સૌથી પહેલાં તો દવાદારુ કરે ને ઓફિસમાં રજા લે. તેને કારણે ઇંગ્લેન્ડના અર્થતંત્રને પ્રતિ વર્ષ ૧૩.૪ બિલિયન પાઉન્ડનો ફટકો પડે છે. તેથી જ ઇંગ્લેન્ડમાં ધ નેશનલ ઇન્સ્ટિટયુટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સેલન્સ (એનઆઇસીઈ) દ્વારા હેલ્થ અને સોશિયલ કેર સંબંધિત માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. તેનો વિષય જ આ છેઃ જુદી જુદી કંપનીઓના મેનેજમેન્ટે પોતાના કર્મચારીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી શી રીતે કરવી?
નિયમિત કસરત કરતો કર્મચારી વધારે આઉટપુટ આપે છે, એ વધારે મોજમાં રહે છે અને એનું દિમાગ પણ શાંત રહે છે. ચીનની અમુક સરકારી કંપનીઓમાં વર્કિંગ અવર્સ દરમિયાન એક્સરસાઇઝ કરવી ફરજિયાત છે. જપાનની હોન્ડા જેવી મોટી કંપનીઓમાં એક્સરસાઇઝ બ્રેક સામાન્ય ગણાય છે.
સામાન્યપણે બપોરે લંચ બ્રેક પછી ઓફિસમાં સુસ્તીનો માહોલ છવાઈ જતો હોય છે. ભરપેટ ભોજન પછી ઝોકાં આવવા લાગે તો કામગરા કર્મચારીને ગિલ્ટ થઈ આવે છે. કોઈ ચાલુ ઓફિસે ટેબલ પર માથું ઢાળીને સહેજ સૂઈ ગયું હોય તો સાથી કર્મચારીઓ એની મજાક કરે છે. જોકે જમ્યા પછી ભલભલા કામઢા લોકોને પણ ઇચ્છા થઈ જતી હોય છે કે વીસ-મિનિટ આડે પડખે થવા મળતું હોય તો કેવું સારું! જપાનમાં કર્મચારીઓને વીસથી ત્રીસ મિનિટનો પાવર નૅપ (અલ્પ-નિદ્રા) લેવા માટે રીતસર ભલામણ કરવામાં આવે છે. જપાનમાં ‘ઇનેમુરી’ શબ્દ છે, જેનો અર્થ છે, જાગતાં જાગતાં સૂઈ જવું. ૨૦-૩૦ મિનિટનું ઝોકું લીધા બાદ કર્મચારી તાજોમાજો થઈ જાય છે. એની કાર્યક્ષમતા વધી જાય છે અને એ વધારે એકાગ્ર થઈને કામ કરી શકે છે. કેટલીય જપાની કંપનીઓએ અલ્પ-નિદ્રા લેવા માટે અલાયદી જગ્યા ફાળવી છે કે જ્યાં હલકો હલકો પ્રકાશ રેલાતો હોય અને કતારબદ્ધ રિક્લાઇનિંગ ચેર ગોઠવેલી હોય. તમારે પગ લાંબા કરીને કમ્ફર્ટેબલ મુદ્રામાં આરામથી સૂઈ જવાનું ને આરામ પૂરો થાય પછી પાછા કામે ચડી જવાનું. જપાનનાં ઓફિસ અવર્સ દરમિયાન આ રીતે નિયત સમયે ૨૦-૩૦ મિનિટનો નિદ્રા-બ્રેક લેનાર કર્મચારીને વધારે નિષ્ઠાવાન ગણવામાં આવે છે!
પાવર નેૅપ લેવા માટે ખાસ નૅપ પોડ બજારમાં આવી ગયાં છે. જપાનની કંપનીઓ, યુરોપ-અમેરિકાની મોટી કંપનીઓ ઉપરાતં માઇક્રોસોફ્ટ-ગૂગલ જેવી કંપનીઓની ભારતીય ઓફિસોમાં આ નૅપ પોડ આવી ગયાં છે. તેને એનર્જી પોડ અથવા સ્લીપ પોડ પણ કહે છે. એક માણસ સમાઇ શકે એવા લાંબા નળાકાર જેવી રચનામાં તમારે લાંબા થઈને સૂઈ જવાનું. અંદર તમે મનગમતું હળવું મ્યુઝિક પ્લે કરી શકો અને ટાઇમર સેટ કરી શકો. ધારો કે તમે અડધો કલાક સેટ કર્યો હોય તો ત્રીસમી મિનિટ આ પોડ વાઇબ્રેટ થઈને (એટલે કે ધ્રૂજીને) તમને જગાડી દેશે.
આ પ્રકારનાં પગલાં લેતી કંપનીના મેનેજમેન્ટ પ્રત્યે કર્મચારીઓનો વિશ્વાસ વધે છે. ભલે વધારે કામ કરવાથી આખરે ફાયદો તો કંપનીના માલિકોને જ થવાનો હોય તેમ છતાં કર્મચારીઓને પ્રતીતિ થતી રહે છે કે મેનેજમેન્ટને અમારાં શારીરિક-માનસિક સ્વાસ્થ્યની પરવા છે. આવી કંપનીમાં કામ કરતા કર્મચારીઓનો જુસ્સો જળવાયેલો રહે છે, એમનું જોબ સેટિસ્ફેક્શન અને કંપની પ્રત્યે તેમની વફાદારી વધે છે. માર્કેટમાં આવી કંપનીઓની શાખ પણ વધે છે.
સહેજે કહેવાનું મન થાય કે, ભાઈ, અમેરિકા-ઇંગ્લેન્ડ જેવા ધનિક દેશોની કંપનીઓ અને ઓફિસોમાં આવા ફિતૂર પોસાય, બાકી ગરીબ થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝમાં આવું બધું ના હોય. આ વાત પણ સાચી. ભારતે ભલે વિશ્વનાં ટોપ-ફાઇવ અર્થતંત્રોમાં સ્થાન મેળવી લીધું, પણ આપણે ત્યાં દિલ્લી ઘણી દૂર છે. જોઈએ, ભારતમાં વર્ક-પ્લે-રેસ્ટ કલ્ચર ક્યારેય સામાન્ય બની શકે છે કે કેમ…
– શિશિર રામાવત
Leave a Reply