વિવેક રામાસ્વામીઃ આ બંદાની કુંડળીમાં અમેરિકાના પ્રેસિડન્ટ બનવાનું લખાયું છે?
—————————
વાત-વિચાર, એડિટ પેજ, ગુજરાત સમાચાર
—————————
ભારતીય મૂળના ઋષિ સુનક ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર બન્યા ને આખું ભારત ઝુમી ઉઠયું હતું. હવે ભારતીય મૂળનો ઔર એક બંદો અમેરિકાના પ્રેસિડન્ટ પદ તરફ કૂચકદમ કરી રહ્યો છે. નામ એમનું વિવેક રામાસ્વામી. અમેરિકાની આગામી સામાન્ય ચૂંટણી જોકે છેક આવતા વર્ષના અંતભાગમાં યોજાવાની છે, પણ અત્યારથી અમેરિકામાં જે રીતે વિવેક રામાસ્વામીની તરફેણમાં, ખાસ કરીને રિપબ્લિકન પાર્ટીના સમર્થકો દ્વારા માહોલ બનવાની શરુઆત થઈ છે તે જોઈને જબરું આશ્ચર્ય થાય છે. કોણ છે આ વિવેક રામાસ્વામી?
સૌથી પહેલાં તો, વિવેક રામાસ્વામી જમણેરી વિચારધારા ધરાવતા નવોદિત રાજકારણી છે. તેઓ રાષ્ટ્રવાદી છે. ડાબેરીઓને ધોઈ નાખવાનો એક મોકો તેઓ ચુકતા નથી. અમેરિકાના ઓહાયો સ્ટેટના સિનસિનાટી શહેરમાં વસતા વિવેક તમિળ બ્રાહ્મણ (તામ-બ્રામ) છે. ૧૯૮૫માં વિવેકનો જન્મ થયો તે પહેલાં જ એમનાં માતાપિતા અમેરિકા આવીને વસી ચૂક્યાં હતાં. આમ, વિવેક જન્મે અમેરિકન છે. તેઓ બિઝનેસમેન છે ને ૩૮ વર્ષની વયે અબજોપતિ બની ચૂક્યા છે. હાર્વડ અને યેલ જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓમાંથી ડિગ્રી લઈ ચૂકેલા વિવેકે ૨૦૧૪માં રોઇવન્ટ નામની ફાર્માસ્યુટિકલ કંપની સ્થાપી હતી. આ કંપની એટલી સફળ રહી કે ‘ફૉર્બ્સ’ મેગેઝિને એમને કવરપેજ પર ચમકાવ્યા. ૨૦૧૬માં આ જ મેગેઝિને ૪૦ વર્ષ કરતાં ઓછી વય ધરાવતા અમેરિકાના સૌથી ધનિક એન્ત્રોપ્રિન્યોર્સની સૂચિમાં વિવેકને શાનપૂર્વક બેસાડયા. ૨૦૨૨માં તેમણે સ્ટ્રાઇવ એસેટ મેનેજમેન્ટ નામની એક ઇન્વેસ્ટમેન્ટ ફર્મ સ્થાપી. આજની તારીખે વિવેક રામાસ્વામી ૬૩૦ મિલિયન ડોલર (લગભગ બાવન અબજ ૩૪ કરોડ રુપિયા)ના સ્વામી હોવાનો અંદાજ છે.
વિવેકની ઇમેજ એક કન્ઝર્વેટિવ ફાયરબ્રાન્ડ અને એન્ટિ-વોક એક્ટિવિસ્ટ તરીકે ઊભી થઈ છે. આજ સુધી અમેરિકાના ઇતિહાસમાં પ્રેસિડન્ટના પદ માટે આટલી નાની ઉંમરના કોઈ ઉમેદવાર મેદાનમાં ઉતર્યો નથી! શરુઆતમાં તો વિવેકે પોતાની રિપબ્લિકન પાર્ટીમાં જ તીવ્ર સ્પર્ધાનો સામનો કરવાનો છે. ભૂતપૂર્વ પ્રસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, એક ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડન્ટ, એક રાજ્યના વર્તમાન ગર્વનર, એક રાજ્યના ભૂતપૂર્વ ગવર્નર અને બે સેનેટર સહિત ડઝનેક અનુભવી રાજકારણીઓ અત્યારે રિપબ્લિકન પાર્ટી તરફથી પ્રેસિડન્ટપદની સ્પર્ધામાં ઉતરેલા દેખાય છે. રિપબ્લિકન પાર્ટી આખરે તો આ સૌમાંથી કોઈ એકને જ આગળ કરશે.
વિવેક લેખક પણ છે. તેમનું ‘વોક, ઇનકોર્પોરેટેડઃ કેન્સલ કલ્ચર, ક્રિટિકલ રેસ થિયરી એન્ડ ધ પોસ્ટમોડર્ન કરપ્શન ઓફ ધ વેસ્ટ’ પુસ્તક બેસ્ટસેલર રહી ચૂક્યું છે. પોતાને અતિ આધુનિક ગણાવતા પણ અંદરથી ખોખલા અને છીછરા એવા વોક (Woke) કલ્ચર પર વિવેકે આ પુસ્તકમાં ખૂબ ચાબખા માર્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમેરિકામાં, આમ જોવા જાઓ તો આખી દુનિયામાં, વોક આઇડિયોલોજીનો પ્રભાવ ખાસ્સો વધ્યો છે. વિવેક લખે છે કે આ વોક વિચારધારા વાસ્તવમાં નિઓ-માર્ક્સીઝમનું જ એક સ્વરૃપ છે. એક નાનું અમથું એલિટ જૂથ છે, જે આ વોક વિચારધારાને હાથો બનાવીને આખા સમાજને નચાવવાની કોશિશ કરી રહ્યું છે. વોક લોકો પોતાની સાથે સહમત ન હોય એવી વ્યક્તિઓ સાથે સંવાદ કરવાને બદલે અને પોતાની સાથે સુસંગત ન હોય તેવી સામાજિક ગતિવિધિઓને ખુલ્લા મનથી સમજવાને બદલે ધડ્ દઈને તેમને ‘કેન્સલ’ કરી નાખે છે. વિવેક એટલે જ કહે છે કે આઝાદીના ઢોલનગારાં વગાડતી આ વોક વિચારધારા વાસ્તવમાં પોતે જ ફ્રી સ્પીચ અને વ્યક્તિગત સ્વતંત્રતાની વિરોધી છે.
આ સિવાય વિવેક રામાસ્વામીએ બીજાં બે પુસ્તકો લખ્યા છે – ‘નેશન ઓફ વિક્ટિમઃ આઇડેન્ટિટી પોલિટિક્સ, ધ ડેથ ઓફ મેરિટ, એન્ડ ધ પાથ બેક ટુ એક્સેલન્સ’ અને ‘કેપિટલિસ્ટ પનિશમેન્ટઃ હાઉ વાલ સ્ટ્રીટ ઇઝ યુઝિંગ યોર મની ટુ ક્રિયેટ અ કન્ટ્રી યુ ડિડન્ટ વોટ ફોર’. વિવેક ‘ધ વાલ સ્ટ્રીટ જર્નલ’, ‘ધ ન્યુ યોર્ક ટાઇમ્સ’ અને ‘ધ એટલાન્ટિક’ જેવાં અખબાર-સામાયિકોમાં પણ નિયમિતપણે લખતા રહે છે.
વિવેકને પોતાનાં ભારતીય મૂળિયાંનો ખૂબ ગર્વ છે. તેઓ પોતાના પુસ્તકમાં, જાહેર મંચ પર અને ઇન્ટરવ્યુઝમાં એક વાત વારંવાર દોહરાવ્યા કરે છે. તેઓ કહે છે, ‘પરિવાર, સમાજ અને પરિશ્રમ – ભારતની સંસ્કૃતિ આ ત્રણ પાયા પર ઊભી છે. ભારતીયો પારિવારિક અને સામાજિક મૂલ્યોમાં માને છે, ને ભારતીયો મહેનતુ પ્રજા છે. તેને કારણે જ સદીઓથી આટઆટલાં વિદેશી આક્રમણો થયા હોવા છતાં ભારતનો સમાજ અડીખમ ટકી રહ્યો છે. આ બાજુ અમેરિકનો ધીમે ધીમે આ ત્રણેય મૂલ્યોથી દૂર થઈ રહ્યો છે. નથી તેઓ ફેમિલીમાં માનતા, નથી તેમને સમાજની કોઈ તમા. અમેરિકનો વધુને વધુ આળસુ અને ભોગવાદી બની રહ્યા છે. આ બહુ મોટી ભૂલ છે. આ ત્રણેય ગુણ અમેરિકા માટે બહુ મૂલ્યવાન છે. ધ અમેરિકન ડ્રીમનો પાયો જ આ છે.’
૦૦૦
વિવેકના પિતા વી.જી. રામાસ્વામી ઇલેક્ટ્રિકલ એન્જિનીયર છે. જનરલ ઇલેક્ટ્રિક કંપનીમાં તેઓ પેટન્ટ લાયર તરીકે કામ કરી ચૂક્યા છે. વિવેકનાં મમ્મી ગીતા રામાસ્વામી જેરીયાટ્રિક (વૃદ્ધાવસ્થા સંબંધિત) સાઇકિએટ્રિસ્ટ હતાં. વિવેક નાનપણથી લગભગ ‘ઓવર-અચીવર’ છે. ઓલરાઉન્ડર પણ ખરા. તેઓ રાષ્ટ્રીય કક્ષાના ટેનિસ પ્લેયર હતા. તેમને પિયાનો વગાડતા આવડે, રેપ સોંગ્સ ગાતા આવડે. તેમણે સ્ટેન્ડ-અપ કોમેડીનો રીતસર કોર્સ પણ કર્યો છે. વિવેક સ્કૂલ-કોલેજ કાળમાં ડિબેટમાં ચેમ્પિયન હતા એ તો આજે તેઓ જે રીતે સભાઓ ગજાવે છે તે જોતાં વર્તાઈ આવે છે. કોઈ પણ ભારતીય માતા-પિતાની માફક વિવેકનાં માતા-પિતાએ પણ વિવેકના જન્મ પછી કુંડળી બનાવડાવી હતી. એમાં લખ્યું હતું કે આ છોકરો મોટો થઈ બહુ મોટાં કામ કરશે! વિવેક એક મુલાકાતમાં કહે છે, ‘મારા પરિવારે નાનપણથી જ મારો એવી રીતે ઉછેર કર્યો છે કે મારામાં એક પ્રકારની ગુરુતાનો, બીજાઓ કરતાં ચઢિયાતા હોવાનો ભાવ જન્મી ગયો હતો. મારી પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવતી કે સ્કૂલનાં બીજા એવરેજ અમેરિકન બચ્ચાઓ કરતાં તો મારે આગળ નીકળી જ જવાનું છે.’
વિવેકનાં મમ્મી કહે છે, ‘અમે ઇમિગ્રન્ટ્સ છીએ એટલે શરૃઆતથી જ એવું માનતાં આવ્યાં છીએ કે અમારા બન્ને દીકરાઓએ અમેરિકન પેરેન્ટ્સનાં સંતાનો કરતાં ખૂબ વધારે મહેનત કરવી જ પડશે. અમારા માટે આ દેશ સાવ નવો હતો એટલે અમને ઘણી બધી બાબતોમાં ગતાગમ નહોતી પડતી.’
વિવેક આઠમા ધોરણમાં હતા ત્યારે એક બ્લેક છોકરાએ એમની સ્કૂલમાં મારામારી થઈ ગઈ હતી. પેલા છોકારાએ એમને દાદરા પરથી ધક્કો મારી દીધો હતો. વિવેકને એટલી બધી ઇજા થઈ ગઈ કે એમના નિતંબની સર્જરી કરાવી પડેલી. તરત જ વિવેકનાં મમ્મી-પપ્પાએ એમને પબ્લિક સ્કૂલમાંથી ઉઠાડી લઈને એક પ્રાઇવેટ સ્કૂલમાં દાખલ કરી દીધા.
આ ઘટના કદાચ વિવેકના ચિત્તમાં ઊંડી અસર કરી ગઈ છે. તમને યાદ હોય તો બે વર્ષ પહેલાં અમેરિકામાં એક ગોરા પોલીસે ધૂળ જેવા ગુનાસર એક અશ્વેત માણસનો અજાણતા જીવ લઈ લીધો હતો ત્યારે હો-હો ને દેકારો થઈ ગયો હતો. આખું અમેરિકા રસ્તા પર ઉતરી આવ્યું હતું અને ‘બ્લેક લાઇવ્ઝ મેટર’ ઝુંબેશના તરંગો આખી દુનિયામાં ફેલાઈ ગયા હતા. વિવેકની પબ્લિક સ્પીચમાં ઘણી વાર આ ઝુંબેશ વિશે ઘસાતી ટિપ્પણી સંભળાય છે. વચ્ચે જાણવા મળ્યું કે ‘બ્લેક લાઇવ્ઝ મેટર’ માટે કામ કરતી એક એનજીઓએ એકત્રિત થયેલું ભંડોળ અશ્વેત લોકો માટે વાપરવાને બદલે એ નાણામાંથી મોંઘાદાટ વિસ્તારમાં ભવ્ય આવાસો ખરીદી લીધાં હતાં. વિવેકે તરત જાહેરમાં મજાક કરી હતી કે બીએલએમ એ ‘બ્લેક લાઇવ્ઝ મેટર’નું નહીં, પણ ‘બિગ લેવિશ મેન્શન્સ’નું શોર્ટ ફોર્મ છે!
વિવેકનાં પત્ની અપૂર્વા તિવારી ભારતમાં જ જન્મ્યાં છે ને મોટાં થયાં છે. તેમણે દિલ્હીસ્થિત એઇમ્સમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવી અને પછી એમડી કરવા માટે અમેરિકાની યેલ યુનિર્વસિટીમાં એડિમિશન લીધું. અહીં જ તેઓ અપૂર્વના પ્રેમમાં પડયાં. ૨૦૧૫માં એમની સાથે લગ્ન કરીને તેઓ અપૂર્વા રામાસ્વામી બન્યાં અને બે ક્યુટ દીકરાઓ અર્જુન અને કાતકને જન્મ આપ્યો. અપૂર્વા એન્ડોક્રાઇન સર્જન છે અને ઓહાયો સ્ટેટ યુનિવસટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોબ કરે છે.
૦ ૦ ૦
ગયા ફેબ્રુઆરીમાં વિવેકે ખુદને પ્રેસિડન્ટપદ માટેના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની લાક્ષાણિક અદામાં વિવેકને ‘નોબડી’ ગણાવીને હસી કાઢયા હતા. ટ્રમ્પની વોક આઇડિયોલોજી અને વિરાટ ટેકનોલોજીકલ કંપનીઓ સાથેના એમના મીઠા સંબંધોની ટીકા કરીને વિવેકે એક અખબારી લેખમાં લખ્યું હતું કે ટ્રેમ્પ દેશને વિભાજિત કરી રહ્યા છે. સામે પક્ષે ટ્રમ્પ કહે છે કે વિવેક રામાસ્વામી અસલી અમેરિકન છે જ નહીં, એ તો ચાઇનીઝ સરકારના હાથની કઠપૂતળી છે અને એને અસલી દુનિયાની કશી સમજ જ નથી. બન્ને એકબીજાને ચુનંદા શબ્દોથી નવાજી ચુક્યા છે. વિવેકે ટ્રમ્પને ‘બુલી’ (જોર-જબરદસ્તી કરીને પણ પોતાની વાત મનાવતો માણસ) અને ‘કૉન મેન’ (ધૂતારો) કહ્યા છે, તો ટ્રેમ્પે વિવેકને ‘લૂઝર’ અને ‘ફ્રોડ’ કહ્યા છે. એક વાર બન્ને ટ્વિટર પર બાખડી પડયા હતા. વિવેક કહે કે ટ્રમ્પ પોતાને જેટલા પૈસાદાર બતાવે છે એટલા અસલિયતમાં છે નહીં. તો ટ્રમ્પ કહે કે વિવેક ખુદને જેટલો શાણો અને હોશિયાર સમજે છે એવો વાસ્તવમાં છે નહીં!
ખેર, આ રાજકીય બથ્થંબથ્થા ચાલતા રહેવાના. વિવેક રામાસ્વામીએ હજુ તો પહેલું ડગલું માંડયું છે ને ચૂંટણી આવે ત્યાં સુધીમાં તો ઘણું બધું બદલાઈ જવાનું. પ્રમુખપદની રેસમાં કોણ આગળ હશે ને કોણ ફેંકાઈ જશે તે અત્યારથી કશું કહી શકાય તેમ નથી. હા, એટલું જરુર કહી શકાય તેમ છે કે વિવેક રામાસ્વામીની રાજકીય કારકિર્દી હવે કઈ રીતે આગળ વધે તે તે જોવાની આપણને મજા આવશે!
– શિશિર રામાવત
Leave a Reply