વેદ-ઉપનિષદની નિકટ જવું કંઈ બહુ અઘરી વાત નથી
આટલા બધાં ધર્મગ્રંથો અને શાસ્ત્રોમાંથી શરુઆત ક્યાંથી કરવી? આ બધામાંથી શું શું વાંચવું, કેટલું વાંચવું, કેવી રીતે વાંચવું? તેમાં કેટલો સમય જાય?
———————-
વાત-વિચાર, એડિટ પેજ, ગુજરાત સમાચાર
———————
આપણને સૌને ભારતીય સંસ્કૃતિ માટે ગર્વ હોવો જોઈએ. બરાબર છે. આપણને આપણા હિંદુ હોવા વિશે ગરિમાપૂર્ણ અભિમાન હોવું જોઈએ. સાચી વાત. આપણાં વેદ-પુરાણોનું દુનિયાભરમાં સન્માન થવું જોઈએ. સો ટકા સહમત. આપણે સનાતની છીએ અને સનાતની હોવું તો ખૂબ ઊંચી વાત છે. સવાલ જ નથી.
પછી? પછી કંઈ નહીં. વાત પૂરી. છાતીમાં હવા ભરાઈ ગઈ. શ્રેષ્ઠતાની, ગુરુતાગ્રંથિની ભાવનાનો નાનકડો ડોઝ મળી ગયો. સારું લાગ્યું. બસ, હવે પાછા કામે ચડી જવાનુું. જેમ જીવતા આવ્યા છીએ એમ જીવ્યા કરવાનું. આપણી ઉપર હિંદુ હોવાની, સનાતની હોવાની જે છાપ લાગેલી છે એ પૂરતી નથી શું?
આપણે ભૂલી જતા હોઈએ છીએ કે હિંદુ કે સનાતની હોવા માટે (કે ફોર ધેટ મેટર, કોઈ પણ ધર્મના અનુયાયી હોવા માટે) આપણે કશી મહેનત કરી હોતી નથી, યોગ્યતા કેળવી હોતી નથી, તે માત્ર એક્સિડન્ટ કે બાય-ડિફોલ્ટ બની ગયેલી દૈહિક ઘટના હોય છે. અમુક પરિવારમાં જન્મ્યા એટલે અમુક ધર્મની છાપ લાગી ગઈ. આ પૂરતું નથી, બિલકુલ પૂરતું નથી. હિંદુ નામ-અટક હોવાથી, હિંદુ રીતિ-રિવાજોનું પાલન કરતા આવ્યા હોવાથી આપણને એક સાંસારિક ઓળખ જરુર મળે છે, પણ તે માત્ર બાહ્ય ઓળખ થઈ. તે આપણી આંતરિકતાનું પ્રતિબિંબ નથી. હિંદુ કે સનાતની ‘બનવું’ પડે છે – નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરીને, જ્ઞાાન પ્રાપ્ત કરીને, મહેનત કરીને. ફક્ત ‘હું હિંદુ… હું હિંદુ’ કે ‘હું સનાતની… હું સનાતની’ એવી બૂમરાણ મચાવવાથી કે નારાબાજી કર્યા કરવાથી નહીં ચાલે. હિંદુ અથવા સનાતની હોવું એટલે ખરેખર શું તે પૂરેપૂરા ગાંભીર્યથી સમજવું પડશે, તે વિશે પાયાની સમજણ કેળવવી પડશે.
એવા લાખો-કરોડો હિંદુઓ છે જેમણે નાનપણથી ‘વેદ’ અને ‘ઉપનિષદ’ આ શબ્દો માત્ર સાંભળ્યા છે. વેદ એટલે એક્ઝેક્ટલી શું, ઉપનિષદમાં શું છું તે વિશે તેઓ તદ્ન અજાણ છે. સદભાગ્યે એવા અસંખ્ય લોકો છે, જે ખરેખર વેદ-ઉપનિષદ વિશે જિજ્ઞાાસા ધરાવે છે, તેને જાણવા-સમજવા માગે છે, તેનો અભ્યાસ કરવા માગે છે, પોતાનાં હિંદુ કે સનાતની મૂળિયાંનો સાક્ષાત્કાર કરવા માગે છે. તેમની સમસ્યા એ છે કે આટલા બધાં ધર્મગ્રંથો અને શાસ્ત્રોમાંથી શરુઆત ક્યાંથી કરવી? આ બધામાંથી શું શું વાંચવું, કેટલું વાંચવું, કેવી રીતે વાંચવું? તેમાં કેટલો સમય જાય?
આ સવાલ આચાર્ય પ્રશાંતને એક પોડકાસ્ટમાં પૂછાયો હતો. આચાર્ય પ્રશાંત (મૂળ નામ પ્રશાંત ત્રિપાઠી) એવી વ્યક્તિ છે જેમનું નામ આધુનિક ભારતમાં સૌથી શાર્પ દિમાગ ધરાવતી વ્યક્તિઓના લિસ્ટમાં ચોક્કસપણે મૂકાવું જોઈએ. આઇઆઇટી અને આઇઆઇએમમાં ભણીને ને વળી આઇએએસની પદવી સુધ્ધાં મેળવીને, અને પછી આ બધું જ પાછળ છોડી દઈને, તેઓ છેલ્લાં કેટલાક વર્ષોથી વેદાંત અને ઉપનિષદના પ્રખર પ્રચારક અને શિક્ષક તરીકે પ્રવૃત્ત છે. જે લોકો વેદ-ઉપનિષદ વિશે જાણવા-સમજવા ખરેખર ગંભીર છે તેમણે ક્યાંથી શરુઆત કરવી જોઈએ એવા પ્રશ્નના ઉત્તરમાં તેઓ કહે છે, ‘વેદના ફન્ડામેન્ટલ્સ માટે શરુઆત આદિ શંકરાચાર્યનાં આ બે પુસ્તકોથી કરવી જોઈએ – ‘તત્ત્વબોધ’ અને ‘આત્મબોધ’. આ પુસ્તકોથી એક પ્રકારનું વોર્મ-અપ થઈ જશે અને તમે વેદિક શબ્દોથી, વેદિક ટર્મિનોલોજીથી પરિચિત થઈ જશો. તે પછી આજના સમયમાં સૌથી ઉપયોગી હોય તેવાં ઉપનિષદની વાત કરીએ, ખાસ કરીને યુવા પેઢી માટે, તો આટલાં ઉપનિષદો ધ્યાનમાં લેવા – નિરાલંબ ઉપનિષદ, સર્વસાર ઉપનિષદ, ઈશાવાસ્ય ઉપનિષદ, કઠ ઉપનિષદ અને કેન ઉપનિષદ. જો આટલું તમે વાંચી લેશો તો સમજો કે તમને વેદોનો નિચોડ તમન મળી ગયો. તે પછી વિશુદ્ધ વેદાંત સમજવા માટે અષ્ટાવક્ર ગીતા પાસે જાઓ. વેદોનો સંક્ષેપમાં અભ્યાસ કરવો જરાય અઘરો નથી. આ જે નામ લીધાં તે પુસ્તકો વાંચવાની શરુઆત આજથી કરો તો બે જ મહિનાની અંદર તમને લાગશે કે ભીતર બત્તી જલી ગઈ છે, એક આંતરિક રોશનીનો ઝળહળાટ શરુ થઈ ગયો છે અને હવે ઘણું બધું સમજાવા લાગ્યું હશે.’
ઘણા લોકો કહેતા હોય છે કે વેદો-ઉપનિષદો તો હજારો વર્ષ પહેલાં લખાઈ ગયાં, એની આજે એકવીસમી સદીમાં શું ઉપયોગિતા? શું માત્ર પુસ્તકિયું જ્ઞાાન મેળવવા માટે આ બધું વાંચવાનું? ના. આપણે જેને ‘પ્રાચીન ગ્રંથો’ કહીએ છીએ એની બધ્ધેબધ્ધી સામગ્રી આજે રિલેવન્ટ ન પણ હોય. ઘણું લખાણ સમયબદ્ધ હોય છે, પણ વેદાંત (વેદોનું ચરમ શિખર) ટાઇમલેસ છે. તેના પર સમયની ધૂળ ચડતી નથી. તેથી જ પશ્ચિમે આપણા ગ્રંથોમાંથી જે ઉત્તમોત્તમ છે – વેદાંત – તે જ ગ્રહણ કર્યું છે. વેદાંતમાં ત્રણ એકમોનો સમાવેશ થાય છે – બ્રહ્મસૂત્ર (જેને વેદાંત સૂત્ર પણ કહે છે), ઉપનિષદ અને ભગવદ્ગીતા. આ ત્રણ એકમોના સંપુટને પ્રસ્થાનત્રયીના નામે પણ ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મનો, સનાતન ધર્મનો આ પાયો છે. આ એવી રચનાઓ છે, જેને સ્થળ-કાળના સીમાડા નડતા નથી અને જે સતત પ્રસ્તુત રહે છે. તેમાં જે કહેવાયું છે તેનો સીધો સંબંધ માણસમાત્રનાં વૃત્તિ-વિચાર, પ્રકૃતિ, અહમ્ અને સત્ય (આત્મા) સાથે છે… અને તેથી જ એમાં જે કહેવાયું છે તેનાથી જીવનમાં શું કરવું અને શું ન કરવું, જીવનનાં દુખોનું નિવારણ કેમ કરવું તેનું નક્કર માર્ગદર્શન આપણને મળે છે.
આગળ વેદાભ્યાસ માટેની ‘વોર્મિંગ-અપ’ એક્સરસાઇઝ સમાન આદિ શંકરાચાર્યનાં પુસ્તકો ‘તત્ત્વબોધ’ અને ‘આત્મબોધ’નો ઉલ્લેખ થયો. આદિ શંકરાચાર્ય ફક્ત ૩૨ વર્ષ જીવ્યા હતા, પણ આટલા ટૂંકા જીવનકાળમાં તેઓ અદ્ભુત કામ કરી ગયા. અદ્વૈત વેદાંતને તેમણે સામાન્ય માણસ સુધી પહોંચાડયું. કેરળના કલાડી ગામમાં જન્મેલા આદિ શંકરાચાર્યના જન્મકાળ વિશે ઘણી થિયરીઓ છે, પણ સૌથી માન્ય થિયરી પ્રમાણે તેમનો જન્મ ઈસવી સન ૭૮૮માં થયો હતો. તે સમયે કુરીતિઓ અને ભ્રષ્ટ આચરણથી ધર્મ ખદબદતો હતો. ધર્મસુધારણાની તાતી જરુર હતી. આદિ શંકરાચાર્ય ચાર વર્ષના હતા ત્યારે એમના પિતાનું નિધન થઈ ગયું હતું. આઠ વર્ષની ઉંમરે વિધવા મા સામે હઠ કરીને તેમણે ગૃહત્યાગ કર્યો. તેમણે ભારતભરમાં વિચરણ કર્યંુ, જ્ઞાાનપ્રાપ્તિ કરી. અદ્વૈત વેદાંતમાં તેમને ઊંડી શ્રદ્ધા હતી. તેમને થતું કે વેદાંતનો બોધ સૌને શા માટે ન મળે? અને શા માટે આ જ્ઞાાન થકી લોકો પોતાના દુખની નિવારણ ન કરે? તેથી તેમણે અમુક એવાં સરળ પુસ્તકોની રચના કરી, જેનાથી સામાન્ય માણસ પણ વેદાંત તરફ વળી શકે.
‘આત્મબોધ’માં ફક્ત ૬૮ શ્લોક છે. આ નાના પણ અતિ મહત્ત્વપૂર્ણ ગ્રંથમાં આદિ શંકરાચાર્યે આત્મતત્ત્વનું નિરુપણ કર્યંુ છે. આત્માનો બોધ પામવા માટે કઈ કઈ સાધના આવશ્યક છે અને આત્મબોધ થવાને કારણે સાધકને કેવા ફાયદા થાય છે તેની વાત આ પુસ્તકમાં કરવામાં આવી છે. ‘તત્ત્વબોધ’માં અદ્વૈતનો સમસ્ત સાર અતિ સંક્ષેપમાં આવરી લેવામાં આવ્યો છે.
જ્ઞાાન એટલે ઊંચી ઊંચી, કેમેય કરીને બુદ્ધિમાં ન ઉતરે એવી વાતો નહીં. જ્ઞાાન એટલે અઘરા આધ્યાત્મિક શબ્દોની મલ્લકુસ્તી નહીં. જ્ઞાાનનો સીધો સંબંધ જીવાતા જીવન સાથે છે, આપણી રોજ-બ-રોજની સમસ્યાઓ સાથે છે. એટલે જ આદિ શંકરાચાર્યે એક જગ્યાએ કહ્યું છે, ‘યથાર્થ જ્ઞાાન, સાચું જ્ઞાાન એ જ છે, જે આપણી ઇન્દ્રિયોની ચંચળતાને શાંત કરી શકે. એ તત્ત્વ જ જાણવા યોગ્ય છે, જે ઉપનિષદોમાંથી આવ્યું છે. જેણે પરમાર્થ તત્ત્વને નિશ્ચિતપણે જાણી લીધું છે એનું જીવન ધન્ય છે. જેમણે બ્રહ્મની એકાગ્ર ચિત્તે ઉપાસના કરી છે એ ધન્ય છે, એ જ સંસારમાં શોભે છે. જે મનુષ્યોએ બ્રહ્મની ઉપાસના કરી નથી તેઓ ભવરુપ બંધનમાં બંધાયેલા રહે છે.’
ભવ, જન્મ, મરણ, બંધન, મુક્તિ… આ બધા શબ્દોનું અધ્યાત્મના ક્ષેત્રમાં વિશેષ અર્થ થતા હોય છે. ઘણું બધું પ્રતીકાત્મક હોય છે, અર્થગંભીર હોય છે, જેને ડીકોડ કરવું પડે છે, ઉકેલવું પડે છે. તેથી જ અધ્યાત્મના રસ્તા પર ચાલતી વખતે સાથે ઉત્તમ માર્ગદર્શકનું હોવું જરુરી બની જાય છે. આ તો બે જ પુસ્તકોની ટૂંકમાં વાત થઈ. તે ઉપરાંત નિરાલંબ ઉપનિષદ, સર્વસાર ઉપનિષદ, ઈશાવાસ્ય ઉપનિષદ, કઠ ઉપનિષદ અને કેન ઉપનિષદ – આ બધું જ, તેના ભાષ્ય એટલે કે સરળ સમજૂતી સાથે, પુસ્તક સ્વરુપે અને ઇવન વિડીયો સ્વરુપે આસાનીથી ઉપલબ્ધ છે. અધ્યાત્મનું જ્ઞાાન તો સમુદ્ર જેવું છે. ચુપચાપ, ડાહ્યા વિદ્યાર્થીની જેમ આ પુસ્તકો વાંચીને શરુઆત કરવી જોઈએ, હિંદુત્વની-સનાતન ધર્મના સિદ્ધાંતોની સમજણ કેળવવી જોઈએ. બાકી હિંદુ-હિંદુ કે સનાતની-સનાતનીની વ્યર્થ નારાબાજી કરવી તો બહુ આસાન છે.
– શિશિર રામાવત
Leave a Reply