શરાબની ગર્તામાંથી બહાર નીકળીને વિશ્વના સૌથી ફિટ માણસ બનવા સુધીની રોમાંચક યાત્રા
‘સારો મૂડ, રાઇટ ટાઇમ કે સારો સંયોગ જેવું કશું હોતું નથી. જે કામ કરવાનું તમે તીવ્રતાથી ઇચ્છો છો તે આડુંઅવળું વિચાર્યા વિના કરવા જ માંડો. મૂડ આપોઆપ આવી જશે.’
—————–
વાત-વિચાર, એડિટ પેજ, ગુજરાત સમાચાર
—————–
એક અમેરિકન મહાશય છે. ભૂતકાળમાં તેઓ કોર્પોરેટ લૉયર હતા. હાલ તેઓ નંબર વન બેસ્ટસેલિંગ લેખક, લોકપ્રિય પબ્લિક સ્પીકર, પોડકાસ્ટર અને ખાસ તો અલ્ટ્રા-એન્ડયોરન્સ એથ્લેટ છે. દુનિયાના સૌથી ફિટ પચ્ચીસ માણસોના લિસ્ટમાં એમનું નામ બોલાય છે. ૨૦૦૮ અને ૨૦૦૯માં એમણે અલ્ટ્રામેન વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં ભાગ લીધો હતો. દુનિયાની આ સૌથી કઠિન એન્ડ્યોરન્સ રેસ, જે ત્રણ દિવસ ચાલે. એમાં ચુનંદા એથ્લેટ્સને જ પ્રવેશ આપવામાં આવે. પહેલા દિવસે દરિયામાં ૯.૯૭ કિલોમીટરનું અંતર તરીને કાપવાનું. એ પૂરું થાય એટલે તરત ૧૪૪.૮ કિલોમીટર (૯૦ માઇલ) જેટલું ક્રોસ-કન્ટ્રી સાઇક્લિંગ કરવાનું. બીજો દિવસઃ ૨૭૩.૫ કિલોમીટર (૧૭૦ માઇલ) સાઇક્લિંગ, અને ત્રીજો દિવસઃ ૮૩.૬ કિલોમીટર (બાવન કિલોમીટર) એટલે કે બેક-ટુ-બેક બે વખત ફુલ મેરેથોન દોડવાની, તે પણ ધોમધખતા તાપમાં.
હવે એક બીજા અમેરિકનની વાત સાંભળો. એ એક નંબરનો દારુડિયો છે. ગોબરી-ગંધાતી ઓરડીમાં પડયો રહે છે. ત્રણ-ત્રણ વાર વ્યસનમુક્તિ કેન્દ્રમાં મહિનાઓ સુધી રહી આવ્યો છે. એના મા-બાપ એનું મોઢું જોવા માગતા નથી. એની પત્ની હનીમૂન પૂરું થાય તે પહેલાં જ એને છોડીને જતી રહી છે…
તમને કહેવામાં આવે કે ઉપર વર્ણન કર્યું એ બન્ને વ્યક્તિ એક જ છે તો માનવામાં આવે? પણ આ સત્ય છે. આ પંચાવન વર્ષીય વ્યક્તિનું નામ છે, રિચ રોલ. એ આત્યંતિકતાના માણસ છે. સતત તીવ્રતાઓમાં જીવે છે. વાંચીને પાનો ચડી જાય એવી એમની લાઇફ સ્ટોરી અને સક્સેસ સ્ટોરી છે.
રિચ રોલ નાનપણમાં રાષ્ટ્રીય સ્તરના સ્વિમર હતા. સ્વિમિંગના જોરે તેમણે સ્ટેનફર્ડ જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીમાં એડમિશન તો લીધું, પણ કોલેજકાળમાં જ તેઓ દારુના બંધાણી બની ગયા ને એમના જીવનનો પડતી કાળ શરુ થઈ ગયો. શરુઆત તો ‘સોશિયલ ડ્રિંકિંગ’થી થઈ હતી, પણ ધીમે ધીમે તેઓ આલ્કોહોલિક બનતા ગયા. એમના દિવસની શરુઆત દારુથી થાય ને રાત પણ દારુમાં જ ઓગળે. પરિણામે ન તેઓ સ્વિમર તરીકે પ્રગતિ કરી શક્યા કે ન સારા વિદ્યાર્થી બની શક્યા. કોલેજ પૂરા થયા પછી જેમતેમ વકીલ તરીકે કરીઅર શરુ તો કરી, પણ અહીંયા એમને નોકરી પરથી લગભગ કાઢી મૂકવા પડે તેવી સ્થિતિ આવી ગઈ. દોસ્તો એક પછી એક દૂર થતા ગયા, ઓળખીતા-પાળખીતા મોઢું ફેરવવા લાગ્યા. માતા-પિતાને ચિંતાનો પાર નહીં. દારુ છોડાવવા તેમણે દીકરાને બે વખત રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કર્યો, પણ કશો ફેર ન પડયો. દીકરો સેન્ટરમાંથી બહાર આવે ને પાછો હતો એવો ને એવો. એક દિવસ માતાપિતાએ એમને પાસે બેસાડીને સ્પષ્ટપણે કહી દીધુંઃ જો દીકરા, તમને તું અમને બહુ વહાલો છે, પણ તું જે વિનાશના માર્ગે આગળ વધી રહ્યો છે એના પર અમે તારી સાથે ચાલી શકીએ એમ નથી. જો તું ખરેખર સુધરવા માગતો હોય તો આ ઘર તારું જ છે, પણ જો તું દારુમાં જ ડૂબેલો રહેવા માગતો હોય તો અમારે હવે તારું મોઢું પણ જોવું નથી…
એકલા અટૂલા થઈ ગયેલા રિચભાઈ એક ગંધાતા-ગોબરા ફ્લેટમાં એકલા રહેતા હતા. ઘરમાં એક ગાદલા સિવાય ફરનિચરનું નામોનિશાન નહીં. દિવસ-રાત દારુમાં ડૂબેલા રહે. આવી હાલતમાંય રિચે ૩૦ વર્ષની ઉંમરે લગ્ન કર્યાં, પણ દારુએ એમનું વ્યક્તિત્ત્વ એટલું કુરુપ, એટલું અસહ્ય બનાવી દીધું હતું કે હનીમૂન વખતે જ પત્નીને મનમાં બિલકુલ સ્પષ્ટતા આવી ગઈઃ આ માણસ સાથે જિંદગી નહીં જ નીકળે. હનીમૂન પૂરું થાય તે પહેલાં જ એમના લગ્નજીવનનો અંત આવી ગયો.
‘મારા અધઃપતનની આ પરાકાષ્ઠા હતી,’ રિચ રોલ એક મુલાકાતમાં કહે છે, ‘મારા જીવનનો આ સૌથી પીડાદાયી તબક્કો. ડિવોર્સે મને લાગણીના સ્તરે તોડી નાખ્યો. દુખ એટલું તીવ્ર હતું કે એનાથી બચવા હું ઔર દારુ પીતો. આ સમયગાળો છએક મહિના જેટલો ચાલ્યો. આ જ અરસામાં મને તીવ્રતાથી ભાન થયું કે આ હું શું બની ગયો છું? હું મારી જાતને ઓળખી શકતો નહોતો… અને આ જ તબક્કે મેં નક્કી કર્યું કે બસ, બહુ થયું. આ રીતે તો નહીં જીવાય. મારે મારી જિંદગીની લગામ મારા હાથમાં લેવી જ પડશે.’
ત્યાર બાદ ફરી એક વાર મહિનાઓ સુધી વ્યસન મુક્તિ કેન્દ્રમાં રહેવું ને તે પછી ધીમે ધીમે, ટુકડે ટુકડે જિંદગીનું પાછું ગોઠવાતું જવું. રિચે વકીલાત ફરી શરુ કરી, લોકો પોતાના પર ભરોસો મૂકી શકે એટલી સ્થિરતા પેદા કરી. વિખૂટા પડી ગયેલા દોસ્તો સાથે પુનઃ સંપર્ક થયો અને ખાસ તો મા-બાપની આંખોમાં આંખ મિલાવીને વાત કરી શકાય એવી હેસિયત પેદા થઈ. ૩૦થી ૪૦ વર્ષ સુધીનો દાયકો વેરવિખેર થઈ ચૂકેલા જીવનને પુનઃ લયમાં ગોઠવવામાં વીત્યો.
રિચ રોલ નસીબના બળિયા કે આ જ દશકામાં એમના જીવનમાં જુલી નામની એક ઉત્તમ સ્ત્રીએ પ્રવેશ કર્યો. જુલી મજબૂત ખડકની જેમ સતત રિચની પડખે ઊભી રહી, એમને ભરપૂર નૈતિક તાકાત આપી, એમનામાં આત્મવિશ્વાસ પ્રગટાવ્યો. એમણે લગ્ન કર્યાં, ચાર બાળકોનાં માબાપ બન્યાં. જીવનમાં ફરી એક વળાંક આવ્યો, ચાલીસમા જન્મદિવસે. રિચ કહે છે, ‘દારુ છૂટી ગયો હતો, પણ હું ખૂબ જંકફૂડ ખાતો હતો. કસરત-બસરત કરવામાં માનતો નહોતો. અત્યંત મેદસ્વી થઈ ગયો હતો. મને યાદ છે, મારા ચાલીસમા જન્મદિવસ પહેલાંની રાત હતી. હું મારા ઘરના ગ્રાઉન્ડફ્લોર પરથી ફર્સ્ટ ફ્લોર પર જઈ રહ્યો હતો ને દાદરા ચડતાં હું હાંફી ગયો. મારી કમર ને ગોઠણ દુખવા લાગ્યાં. મારા ફેમિલીમાં કેટલાય પુરુષો હાર્ટ અટેકથી મર્યા છે. મને એકાએક ભાન થયું કે જો હું શરીર પર ધ્યાન નહીં આપું તો મારુંય મોત આ જ રીતે થશે તે નક્કી છે.’
…ને રિચે હવે ફિટનેસ પર ધ્યાન આપવાનું શરુ કર્યું. તેઓ નાનપણમાં સ્વિમર તો હતા જ. તેથી તેમણે સ્વિમિંગ કરવાનું પાછું શરુ કર્યું. બે વર્ષ પૂરાં થાય તે પહેલાં તેમણે લેખની શરુઆતમાં જેનો ઉલ્લેખ કર્યો એ ભયાનક કઠિન એવી અલ્ટ્રામેન વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં ભાગ લઈને તરખાટ મચાવી દીધો. ના, વાત અહીં પૂરી થતી નથી. મે ૨૦૧૦માં, રિચ રોલે એક સાચા અર્થમાં અસાધારણ સિદ્ધિ હાંસલ કરી. એમણે એક સપ્તાહની અંદર પાંચ વખત આર્યનમેન-ડિસ્ટન્સ ટ્રાઇએથ્લોન પૂરી કરી. એક આર્યનમેન-ડિસ્ટન્ટ ટ્રાઇએથ્લોનમાં શું હોય તે પણ જાણી લો. એમાં ૩.૯ કિલોમીટર સ્વિમિંગ કરવાનું, પછી ૧૮૦.૨ કિલોમીટર સાઇક્લિંગ કરવાની અને ત્યાર બાદ ૪૨.૨ કિલોમીટરની ફુલ મેરેથોન દોડવાની. આ ત્રણેય ક્રિયા આ જ ક્રમમાં, બેક-ટુ-બેક કરવાની. લગભગ ૧૬થી ૧૭ કલાકમાં ટોટલ ૨૨૬.૩ કિલોમીટરનું અંતર કાપવાનું. દુનિયાની આ સૌથી અઘરામાં અઘરી સ્પોર્ટિંગ ઇવેન્ટ ગણાય છે. કલ્પના કરો, રિચ રોલે સાત દિવસમાં પાંચ વખત આ ટ્રાઇએથ્લોન પૂરી કરી! એપિક્સ ચેલેન્જ નામે ઓળખાતી અને માનવીય સ્તરે આ લગભગ અશક્ય, અસંભવિત કહી શકાય એવી આ ઘટના છે, પણ રિચ રોલ અને જેસન લેસ્ટર નામના એમના સાથીએ તે કરી બતાવ્યું. વિશ્વના સૌથી ફિટ માણસોના લિસ્ટમાં એમનું નામ અમસ્તું નથી આવ્યું. આ સિદ્ધિ મેળવી ત્યારે રિચ રોલની ઉંમર કેટલી હતી? ૪૪ વર્ષ!
જ્યારે પણ શરીરને કષ્ટ આપવાની કે કંઈ પણ નવું કામ શરૃ કરવાની વાત આવે ત્યારે તરત આપણું મન ઠાગાઠૈયા કરવા લાગે છે. રિચ રોલ જે વાત કહે છે તે આપણે સૌએ ગાંઠે બાંધી લેવા જેવી છે. તેઓ કહે છે, ‘એ કહેવું બહુ જ સહેલું છે કે મારો મૂડ સારો હશે ત્યારે ફલાણું કામ કરીશ, અથવા ‘રાઇટ ટાઇમ’ આવશે ત્યારે શરૃ કરીશ, અથવા સંયોગ ઊભા થશે ત્યારે કરીશ. આ સારો મૂડ, રાઇટ ટાઇમ કે સંયોગ ક્યારેય આવતા નથી. સૌથી પહેલાં એક્શન આવે છે, પછી મૂડ. કામ કરવા માંડો, મૂડ આપોઆપ આવી જશે. જે કામ કરવાનું તમે તીવ્રતાથી ઇચ્છતા હો, અથવા તો અમુક કામ સાચું છે તેની તમને ખબર હોય ત્યારે આડુંઅવળું વિચાર્યા વિના પહેલું પગલું માંડી જ દો. પછી ભલે તમને ખબર ન હોય કે આ પગલું તમને આખરે ક્યાં પહોંચાડશે. અકારણ વિચાર-વિચાર કરીને વાતને ગૂંચવો નહીં. જસ્ટ સ્ટાર્ટ! તમારી સામે આખો નક્શો તૈયાર હોય તે જરાય જરૃરી નથી. શરૃઆતમાં ધાર્યાં પરિણામ ન પણ આવે. કશો વાંધો નહીં. પરિણામની ચિંતા કર્યા વગર તમારે મચી રહેવાનું. અગાઉથી કશુંય ધારી ન લો. દિલ-દિમાગ ખુલ્લા રાખો ને બસ, ચાલતા રહો.’
રિચ રોલ આગળ કહે છે, ‘બીજી વાત એ યાદ રાખો કે જિંદગી બહુ જ ટૂંકી છે. લાઇફ ક્યાં વીતી જશે તેની તમને ખબર પણ નહીં પડે. તમે જે કંઈ કરવા માગો છો તે માટેનો રાઇટ ટાઈમ આજે જ છે, આ ક્ષણે જ છે.’
અમેરિકન બેસ્ટસેલર્સના લિસ્ટમાં નંબર વન પર રહી ચૂકેલું રિચ રોલનું ‘ફાઇન્ડિંગ અલ્ટ્રાઃ રિજેક્ટિંગ મિડલ એજ, બિકમિંગ વન ઓફ વર્લ્ડ્સ ફિટેસ્ટ મેન, એન્ડ ડિસ્કવરિંગ માયસેલ્ફ’ નામનું આત્મકથનાત્મક પુસ્તક વાંચવા જેવું છે.
– શિશિર રામાવત
Leave a Reply