સનાતની હોવું એટલે શું?
‘જો તમે ધર્મના નીચેના આયામોને ત્યજી દીધા છે, જે કંઈ સમયબદ્ધ અને પરિસ્થિતિબદ્ધ છે તેને ધીમે ધીમે છોડી દીધું છે અને હવે તમારો મતલબ ફક્ત સત્યની શોધ સાથે છે, તો તમે સનાતની છો.’
————————–
વાત-વિચાર – ગુજરાત સમાચાર – Edit Page
—————————
વેદગ્રંથોને આપણે અપૌરુષેય કહીએ છીએ. અપૌરુષેય હોવું એટલે કે જેનું માનવ દ્વારા સર્જન થયું નથી, એવું. જ્ઞાાનની ખોજમાં નીકળેલા ઋષિમુનિઓને સ્વયં વેદનારાયણ ભગવાને આકાશવાણી દ્વારા વેદજ્ઞાાન આપ્યું હતું. ઋષિઓએ તે સાંભળેલા (શ્રુત) જ્ઞાાનને કંઠસ્થ કરી લીધું. તેથી વેદને શ્રુતિ પણ કહેવાય છે. આમ વેદ સમયાતીત છે. શ્રદ્ધાના સ્તરે આ વાત બરાબર છે, પણ આપણી તર્કબુદ્ધિ સાથે આકાશવાણી ને એવું બધું બંધબેસતું નથી. તેથી વેદોની ઉત્પત્તિ વિશે તથ્યાત્મક સ્તરે સંશોધનો થયાં જ છે. બાલગંગાધર ટિળકના હિસાબે સૌથી પ્રાચીન એવા ઋગ્વેદની રચના ઇસવીસન પૂર્વે ૬૦૦૦માં થઈ હતી. જર્મન ફિલોસોફર મેક્સમૂકર કહે છે કે ઋગ્વેદની રચના ઇસવીસન પૂર્વે ૧૨૦૦થી ૧૦૦૦ વચ્ચે થઈ હતી, જ્યારે સૌથી પ્રચલિત અને સ્વીકૃત મત પ્રમાણે ઋગ્વેદની રચના ઇસવીસન પૂર્વે ૧૫૦૦થી ૧૦૦૦ દરમિયાન થઈ હોવી જોઈએ.
ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવવેદ – આ ચારેય વેદ કંઈ એકસાથે લખાયા નથી. જુદા જુદા ઋષિઓ-જ્ઞાાનીઓ સેંકડો વર્ષોના સમયગાળા દરમિયાન આ ચારેય વેદ ક્રમશઃ લખતા ગયા. વેદગ્રંથો હિંદુ ધર્મના પાયામાં છે. વેદનો આપણે કાલબદ્ધ કરવાની, અથવા કહો કે તેના ઉત્પત્તિનો સમયગાળાને નિધારત કરવાની ચેષ્ટા કરીએ છીએ, પણ સનાતન ધર્મનું કોઈ આરંભબિંદુ નથી. ‘સનાતન’ અને ‘ધર્મ’ આ બન્ને શબ્દોને સ્વતંત્રપણે સમજવા જેેવા છે. ધર્મ શબ્દને આપણે એટલો બધો મોકળો અને ખુલ્લો બનાવી દીધો છે એનો તાત્ત્વિક અર્થ ધ્યાન બહાર રહી જાય છે. આપણે તો ‘સ્વામીનારાયણ ધર્મ’ એવો શબ્દપ્રયોગ પણ છૂટથી કરીએ છીએ. સ્વામીનારાયણ એ ધર્મ નથી, સંપ્રદાય છે. ધર્મ અને સંપ્રદાય એક નથી, સંપ્રદાય એ જે-તે (પ્રોયોજિત, ઓર્ગેનાઇઝ્ડ) ધર્મનો એક નાનો હિસ્સો છે. તાત્ત્વિક રીતે ધર્મ અને ‘રિલીજન’ પણ એક નથી. ઇસ્લામ, ખ્રિસ્તી ધર્મ, યહૂદી ધર્મ એ બધા અબ્રાહમિક રિલીજન છે. ‘રિલીજન’ અને ‘ધર્મ’ – આ બે શબ્દોની અર્થચ્છાયાઓ એકસમાન નથી. વાસ્તવમાં ધર્મનો એકદમ લક્ષ્યવેધી અંગ્રેજી સમાનાર્થી શબ્દ મળતો નથી.
ધર્મને વ્યાખ્યાયિત કરવા માટે સ્વામી ચિન્મયાનંદ ખાંડનું ઉદાહરણ આપે છે. ખાંડને તમે ઘણી રીતે વર્ણવી શકો. એનો રંગ સફેદ પણ હોય અને ભૂખરો પણ હોય, એનો આકાર ક્યુબ જેવો પણ હોય અને ગાંગડા જેવો પણ હોય. તમે એને ગમે તેવું વર્ણન કરો, ખાંડનો મુખ્ય ગુણ યથાવત્ રહેવાનો – એની મીઠાસ. ખાંડની મીઠાસ, ખાંડનું મધુર હોવું તે ખાંડનો ‘ધર્મ’ છે.
સનાતન એટલે શાશ્વત. સનાતન એટલે એ જે સતત છે, નિત્ય છે, લગાતાર છે. આચાર્ય પ્રશાંત સનાતન ધર્મની ખૂબ સરળ અને અસરકારક વ્યાખ્યા કરે છે. શાશ્વત શું છે? પ્રકૃતિ. અને પ્રકૃતિમાં કોણ બેઠું છે? અહમ્ વૃત્તિ. આ અહમ્ વૃત્તિ તરસી છે, અશાંત છે, બેચેન છે, મૂંઝાયેલી છે. તે જાણે કે કશુંક શોધી રહી છે, એને કશેક પહોંચવું છે. માણસને ધન, સંપત્તિ, તમામ પ્રકારનાં સુખ, સંબંધો, પ્રતિષ્ઠા, કીર્તિ બધું જ મળી જાય તે પણ એની આંતરિક બેચેની ખતમ થતી નથી. આ બધું પ્રાપ્ત કર્યા પછીય એ કશુંક શોધ્યા જ કરે છે. ધર્મની રચના અહમ્ વૃત્તિની આ સતત ચાલતી શોધ માટે થઈ છે.
માણસની આ બેચેની કંઈ આજકાલની નથી. હજારો વર્ષ પહેલાં પણ માણસ ભીતરથી જ અશાંત જ હતો. આમ, માણસની બેચેની અથવા કહો કે અહંતા શાશ્વત છે… અને માણસની અહંતાને, એની અહમ્ વૃત્તિની શાંતિ સુધી જે પહોંચાડે એનું નામ સનાતન ધર્મ. એકવીસમી સદી હોય કે દસમી સદી હોય કે ઇસવી પૂર્વેની કોઈ પણ સદી હોય યા તો આજથી સો-બસો વર્ષ પછીની ક્ષણ હોય – માણસની ભીતર અહમ્ વૃત્તિ નિરંતર રહેવાની. તે કદી બદલાઈ નથી ને બદલાશે પણ નહીં. તેથી તેને શાંતિ સુધી લઈ જનારો સનાતન ધર્મ પણ નિરંતર રહેવાનો. રુઢિઓ, પરંપરાઓ, સંસ્કૃતિઓ, આદર્શો, નૈતિકતા આ બધું જ સમયની સાથે બદલાતું રહે છે. જે બદલાતું નથી, જે અપરિવર્તનીય છે, તે છે સનાતન ધર્મ.
તો હવે શું કહીશું – સનાતન ધર્મનો ઉદ્ભવ ક્યારે થયો હતો? કહો કે જ્યારે મનુષ્યની ચેતનાએ સૌથી પહેલી વાર આંખો ખોલી હતી તે ક્ષણથી સનાતન ધર્મ નિરંતર વહેતો આવે છે. આમ, સનાતન ધર્મ વેદોની પહેલાં પણ હતો અને ભવિષ્યમાં, ન કરે નારાયણ, ને વેદોનું અસ્તિત્ત્વ ન રહે તો પણ સનાતન ધર્મ તો રહેવાનો જ છે. સનાતન ધર્મ કોઈ વ્યક્તિના આગમનથી શરૂ થયો નહોતો કે કોઈ વ્યક્તિના જવાથી સમાપ્ત થવાનો નથી. જ્યાં સુધી માણસનું અસ્તિત્ત્વ છે ત્યાં સુધી તેની ભીતર શાંતિની તરસ નિરંતર રહેવાની છે. તરસને કોઈ કેવી રીતે ખતમ કરશે? અને જ્યાં સુધી આ શાશ્વત તરસ માણસમાં મોજૂદ છે ત્યાં સુધી સનાતન ધર્મનું અસ્તિત્ત્વ રહેવાનું.
આનો અર્થ એ થયો કે સનાતન ધર્મ માણસ માત્ર માટે છે, પછી એ પૃથ્વીના કોઈ પણ હિસ્સામાં, સમયના કોઈ પણ બિંદુએ જન્મ્યો હોય. તો શું ખ્રિસ્તીઓ અને મુસ્લિમોને કે અન્ય કોઈ પણ ધર્મના અનુયાયીને પણ સનાતની ગણવા? આચાર્ય પ્રશાંત કહે છે, ‘તે માટે એણે સાચા અર્થમાં ધા-ર્મિ-ક હોવું પડશે. પ્રચલિત પરંપરા, રુઢિઓ વગેરેમાં માનતો કોઈ પણ આમ-મતાવલંબી વ્યક્તિ સનાતની ન ગણાય. બિલકુલ નહીં. સનાતની હોવા માટે તમારે શિખર પર હોવું પડે. શિખર એ જગ્યા છે જ્યાં આરોહણના તમામ રસ્તાઓ એકરુપ થઈ જાય છે. સનાતની હોવું એ કંઈ નાનીસૂની વાત નથી. જો તમે ધર્મના નિમ્નતર આયામોને ત્યજી દીધા છે, જે કંઈ સમયબદ્ધ અને પરિસ્થિતિબદ્ધ છે તેને ધીમે ધીમે છોડી દીધું છે અને હવે તમારો મતલબ ફક્ત સત્યની શોધ સાથે છે, તો તમે સનાતની છો.’
વેદની શરુઆત અગ્નિ અને પાણી જેવાં પ્રકૃતિનાં બાહ્ય તત્ત્વોના પૂજનથી થાય છે, પણ ધીમે ધીમે તેનો પ્રવાહ અંતર્મુખી બનતો જાય છે. વેદાંત આવતા સુધીમાં આ પ્રવાહ સંપૂર્ણપણે આત્મા-સત્ય-મુક્તિ કેન્દ્રિત થઈ જાય છે. વેદાંત એટલે વેદનો અંત નહીં, પણ વેદોનું શિખર, વેદોનો અર્ક. વેદાંત-ઉપનિષદમાં ભગવાનની વાતો-વર્ણનો નથી, કર્મકાંડ કે રીતિ-રિવાજો નથી. અહીં કેવળ એની જ ચર્ચા થાય છે, જે શાશ્વત છે, સનાતન છે. ઉપનિષદના હિંદુત્વનો સનાતન ધર્મ સાથેનો સંબંધ આ રીતે પ્રસ્થાપિત થાય છે. વેદાંત-ઉપનિષદની જેમ ભગવદગીતા પણ હિંદુ ધર્મનો એક પાયો છે. પોતાન સનાતની કહેડાવનારાઓએ ઉપનિષદો અને ગીતાની નિકટ જવું પડશે, એના અધિકૃત અને સાચા અર્થો-વિશ્લેષણોથી પ્રગાઢપણે પરિચિત થવું પડશે. ભેળસેળીયા કે સગવડીયા અર્થઘટનોથી બચવું પડશે, સાચી અને ગહન સમજણ કેળવવી પડશે. આ આત્મજ્ઞાાનનો અને આત્મબળનો રસ્તો છે. બાકી ઘાંઘા થઈને સનાતન-સનાતનની નારાબાજી કરવી સહેલી છે. આ રોષ અથવા આક્રમકતા જો ગીતા-ઉપનિષદના જ્ઞાાનમાંથી રસાઈને પ્રગટયાં હશે તો જ એનું મૂલ્ય છે.
ઓશોએ સરસ કહ્યું છે કે, ‘ભયભીત ધર્મ શી રીતે બચવાનો? ડરેલો ધર્મ બચી શકે નહીં. જેના વિરુદ્ધ બોલી શકાય છે તે શાસ્ત્ર છે જ નહીં. જેની સામે મૌન થઈ જવું પડે એ જ શાસ્ત્ર. જેની વિરુદ્ધ આખી દુનિયા બોલતી હોય છતાંય જેને રતીભાર પણ ફર્ક પડતો ન હોય એનું નામ જ સત્ય. બસ, તેનું રક્ષણ કરવાનું છે. સત્ય સિવાયના બાકીના કચરાને બચાવવાની કશી જરુર જ નથી. જો તમે હિંદુ ધર્મને બચાવવા માગશો તો તે નહીં બચે. જો તમે ઇસ્લામ ધર્મને બચાવવા માગશો તો તે નહીં બચે. જો તમે બૌદ્ધ, જૈન કે સિખ ધર્મને બચાવવા ઇચ્છશો તો તે નહીં બચે… પણ જો તમે ‘ધર્મ’ને બચાવવા ઇચ્છશો તો તે બચી શકશે.’
અહીં ‘ધર્મ’ એટલે અણિશુદ્ધ ધર્મ. રીત-રિવાજો કે કર્મકાંડોથી મુક્ત નિર્ભેળ ધર્મ. ઓશો ઉમેરે છે, ‘જ્યારે આપણે ધર્મને અનેક ટુકડાઓમાં વહેંચી નાખીએ છીએ ત્યારે અધર્મ સામે લડવાની તાકાત ઓછી થઈ જાય છે. આ ટુકડાઓ સામસામા લડયા કરે છે. જો ધર્મને બચાવવો હશે તો નાના નાના આગ્રહોને છોડવા પડશે. ‘મારો ધર્મ’ નહીં બચે, પણ ‘ધર્મ’ જરુર બચી શકે છે.’
– Shishir Ramavat
Leave a Reply