સૃષ્ટિનું સર્જન થયું તે પહેલાં સત્ય નહોતું, અસત્ય પણ નહોતું…
આપણાં વેદો-ઉપનિષદોની નિકટ જવા જેવું છે. વેદો-ઉપનિષદોથી ગભરાઈએ નહીં, તેની સાથે ધૈર્યપૂર્વક મૈત્રી કેળવીએ
વાત-વિચાર – ગુજરાત સમાચાર – એડિટ પેજ
યાદ કરો, દૂરદર્શન પર ૧૯૮૮-‘૮૯માં ટેલિકાસ્ટ થયેલી શ્યામ બેનેગલની યાદગાર ટીવી સિરીયલ, ‘ભારત એક ખોજ’. જવાહરલાલ નેહરુના પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ પર આધારિત આ એક ઉત્તમ શો હતો. લોકોને એનું શીર્ષક ગીત વિશેષપણે યાદ રહી ગયું છે – ‘સૃષ્ટિ સે પહલે સત્ નહીં થા…’ ગીતમાં બ્રહ્માંડમાં સર્જન પહેલાંની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. આજકાલ આ ગીત ન્યુઝમાં છે એટલે તેને મમળાવી લઈએ. આ ગીત વાસ્તવમાં ઋગ્વેદના નાસદીય સૂક્તના એક મંત્રનું વસંત દેવે કરેલું અદ્ભૂત હિન્દીકરણ છે. વનરાજ ભાટિયાએ રુવાળાં ખડા કરી દે તેવું તેનું સ્વરાંકન કર્યું છે
——————–
સૂક્ત એટલે શું? વૈદિક ષિઓએ પહેલાં દેવની કલ્પના કરી અને પછી તેમના પૂજન માટે મંત્રો કે સ્તુતિઓની રચના કરી. આ રચના એટલે સૂક્ત. આપણે જેની વાત કરી રહ્યા છીએ તે સૂક્ત અથવા મંત્રનો પ્રારંભ ‘નાસદ્’ (ન અસદ્) શબ્દથી થાય છે તેથી તેને નાસદીય સૂક્ત કહેવામાં આવે છે. આ રહ્યો એ મંત્રઃ
नासदासी॒न्नो सदा॑सीत्त॒दानीं॒ नासी॒द्रजो॒ नो व्यो॑मा प॒रो यत् ।
किमाव॑रीवः॒ कुह॒ कस्य॒ शर्म॒न्नम्भः॒ किमा॑सी॒द्गह॑नं गभी॒रम् ।।
આગળ વધતા પહેલાં આ મંત્રનો અર્થવિસ્તાર કરતી વસંત દેવની હિન્દી રચના આખેઆખી માણી લઈએઃ
સૃષ્ટિ સે પહલે સત્ નહીં થા,
અસત્ ભી નહીં
અંતરિક્ષ ભી નહીં,
આકાશ ભી નહીં થા.
છિપા થા ક્યા, કહાં,
કિસને ઢકા થા.
ઉસ પલ તો અગમ, અતલ
જલ ભી કહાં થા.
નહીં થી મૃત્યુ
થી અમરતા ભી નહીં.
નહીં થા દિન, રાત ભી નહીં
હવા ભી નહીં.
સાંસ થી સ્વયમેવ ફિર ભી,
નહીં થા કોઈ, કુછ ભી.
પરમતત્ત્વ સે અલગ, યા પરે ભી.
અંધેરે મેં અંધેરા, મુંદા અંધેરા થા,
જલ ભી કેવલ નિરાકાર જલ થા.
પરમતત્ત્વ થા, સૃજન કામના સે ભરા
ઓછે જલ સે ધિરા.
વહી અપની તપસ્યા કી મહિમા સે ઉભરા.
પરમ મન મેં બીજ પહલા જો ઉગા,
કામ બનકર વહ જગા.
કવિયોં, જ્ઞાાનિયોં ને જાના
અસત્ ઔર સત્ કા નિકટ સંબંધ પહચાના.
પહલે સંબંધ કે કિરણ ધાગે તિરછે.
પરમતત્ત્વ ઉસ પલ ઉપર યા નીચે.
વહ થા બટા હુઆ,
પુરુષ ઔર સ્ત્રી બના હુઆ.
ઉપર દાતા વહી ભોક્તા
નીચે વસુધા સ્વધા હો ગયા.
સૃષ્ટિ યે બની કૈસે, કિસસે
આઈ હૈ કહાં સે
કોઈ ક્યા જાનતા હૈ,
બતા સકતા હૈ?
દેવતાઓ કો નહીં જ્ઞાાત
વે આએ સૃજન કે બાદ.
સૃષ્ટિ કો રચા હૈ જિસને,
ઉસકો, માના કિસને.
સૃષ્ટિ કા કૌન હૈ કર્તા,
કર્તા હૈ વ અકર્તા?
ઊંચે આકાશ મેં રહતા,
સદા અધ્યક્ષ બના રહતા.
વહી સચમુચ મેં જાનતા
યા નહીં ભી જાનતા.
હૈ કિસી કો નહીં પતા,
નહીં પતા.
નહીં હૈ પતા,
નહીં હૈ પતા.
ખરેખર, મુગ્ધ કરી દે તેવી જબરદસ્ત રચના છે આ. વળી, તે એટલી સ્વંયસ્પષ્ટ છે કે તેના સરળીકરણની પણ જરૂર નથી. આ નાસદીય સૂક્તમાં દસ વાદ અથવા દસ વિચારધારાની વાત આવે છે, જેમ કે, સત્-અસત્ વાદ, અમ્ભોવાદ (સૃષ્ટિનું આદિતત્ત્વ જળ હતું અને તેમાંથી જ સમગ્ર સર્જન થયું), અમૃત-મૃત્યવાદ, અહોરાત્રવાદ (રાત પછી દિવસ, દિવસ પછી રાત), સંશયવાદ, કામવાદ વગેરે. જગદીશ શાહે ‘વેદ પરિચય’ નામના પુસ્તકમાં લખ્યું છે, ‘ઋગ્વેદ ‘દર્શન’નો ગ્રંથ નથી. પરમતત્ત્વની ચર્ચા જે રીતે ઉપનિષદોમાં છે તે ઋગ્વેદમાં નથી. પણ એક વાત નક્કી છે કે પાછળથી અસ્તિત્ત્વમાં આવેલા અનેક તત્ત્વજ્ઞાાન વિષયક વિચારોના બીજ ઋગ્વેદમાં અવશ્ય છે… સૃષ્ટિની ઉત્ત્પત્તિ, તેના કર્તા, ઉત્પત્તિક્રમ વગેરે વિચારધારાનો પ્રારંભ ઋગ્વેદના વિવિધ સુંદર સૂક્તોમાં જોવા મળે છે. તેથી જ આ ‘દાર્શનિક સૂક્તો’ તરીકે ઓળખાય છે.’
વેદોના અર્કને, વેદોનો જે શ્રેતમ હિસ્સો છે કે જ્યાં વેદ પરાકાાએ પહોંચે છે, તેને ‘વેદાંત’ નામ અપાયું છે. વેદાંત એટલે વેદનો અંત નહીં, પણ વેદનું શિખર. વેદાંતને ઉપનિષદ પણ કહે છે. ભગવદ્ગીતાને ઉપનિષદનો દરજ્જો મળ્યો છે. ઋગ્વેદમાં માત્ર દેવો અને પ્રકૃતિનાં વિવિધ રૂપોની આરાધના કરતા મંત્રો જ નથી, તેની કેટલીક ચાઓ આપણા જીવાતા જીવનને સીધી સ્પર્શે છે.
ઋગ્વેદ આઠ અષ્ટકોમાં વિભાજિત થયો છે. પ્રત્યેક ઋગ્વેદમાં પાછા આઠ અધ્યાય. અધ્યાય પછીનો એકમ છે, વર્ગ (ઋચાઓ એટલે કે મંત્રોનો સમુહ). એક વર્ગમાં ઋચાઓ સંખ્યા કેટલી હોવી જોઈએ તે વિશે કોઈ નિશ્ચિત નિયમ નથી. ઋગ્વેદમાં 2006 વર્ગો છો અને તેમાં કુલ 10,472 ઋચાઓ (મંત્રો) છે. હજુય આગળ વધો. આ મંત્રોમાં કુલ 3,94,221 અક્ષરો છે. વેદો હજારો વર્ષ પહેલાં લખાયા છે, પણ તેના મંત્રો અને મંત્રોના અક્ષરોની સંખ્યા વિશે પાક્કી નોંધ છે. આ ફ્રેમવર્ક એટલું જડબેસલાક છે કે ક્યાંય ઝીણા ઝીણા ફેરફાર પણ કરી શકાતા નથી.
ઋગ્વેદના પાંચમા અષ્ટકમાં કહેવાયું છે (સંસ્કૃત મંત્રો ટાંકવાને બદલે જે-તે મંત્રનો સીધો અર્થ જ ટાંકીએ)ઃ
‘જે જાગૃત છે અને આળસ તથા પ્રમાદથી હંમેશા સાવધાન રહે છે, તેમને આ સંસારમાં જ્ઞાાન અને વિજ્ઞાાન મળે છે, તેમને શાંતિ મળે છે અને તેઓ મહાપુરુષ કહેવાય છે.’ (ઋગ્વેદ, ૫ – ૪૪ – ૧૪)
આપણી ઉર્જા, આપણો સમય એવી જગ્યાઓએ વેડફાઈ જતો હોય છે જેની આપણને ઘણી વાર ખબર પણ હોતી નથી. ઉર્જાનું આવું ‘લીકેજ’ અટકાવવું જોઈએ.
ઋગ્વેદ કહ્યું છે કે વ્યર્થ વાર્તાલાપોથી બચવા માટે હંમેશા કાર્યશીલ રહેવું જોઈએ. આજે સોશિયલ મિડીયા એ નિરર્થક વાતો ને પંચાત કરવાનું સૌથી મોટું પ્લેટફોર્મ બની ગયું છે. જો આપણે સતર્ક ન રહીએ તો તે આપણો પુષ્કળ સમય શોષી લે છે. આજે એકવીસમી સદીમાં ‘મોટિવેશન’નું માર્કેટ ગરમાગરમ છે, પણ આ મોટિવેશનના મૂળિયાં તો હજારો વર્ષ પહેલાં રચાયેલા આપણા વેદમાં દટાયેલાં છે. આ બે શ્લોક જુઓ-
‘સમુદ્રને કોઈ કામના નથી હોતી છતાં અનેક નદીઓ તેમાં સમાઈ જાય છે. આ જ રીતે ઉદ્યોગી પુરુષની સેવામાં લક્ષ્મી હંમેશા હાજર હોય છે. અર્થાત્ જે પરિશ્રમ કરે છે તેને ક્યારેય ધનનો અભાવ સતાવતો નથી.’
(ઋગ્વેદ, ૬-૧૯-૫)
‘હે મનુષ્યો! તમારી આત્મવિશ્વાસની શક્તિ ખૂબ પ્રબળ છે. તમારા નિશ્ચયને કોઈ મિટાવી ન શકે. જ્યારે મોટા મોટા પર્વત જેવડા અવરોધો પણ તમારો રસ્તો રોકી શકે તેમ નથી ત્યારે સાધારણ વિઘ્નોની શી વિસાત છે? હે મનુષ્યો! તમે સૂર્ય કરતાંય વધારે બળવાન છો.’ (ઋગ્વેદ, ૧૦-૨૭-૫)
જોશ પૂરી દે, પ્રેરણા પૂરી પાડે એવા શ્લોકો અન્ય વેદગ્રંથોમાં પણ ઓછા નથી. અથર્વવેદના પાચમા અષ્ટકમાં સમાવાયેલો આ મંત્ર જુઓઃ
‘માનવીએ સંઘર્ષથી વિચલિત થવું ન જોઈએ. પરમાત્માની ઉપાસના કરતાં કરતાં પોતાના આત્મા અને શરીરને બળવાન તેમજ શક્તિમાન બનાવો, જેથી સંસારમાં કોઈ તમને પદભ્રષ્ટ ન કરે.’ (અથર્વવેદ, ૫-૩-૧)
વેદને આપણે સામાન્યપણે ધામક-આધ્યાત્મિક પ્રકાશમાં જોઈએ છીએ, પણ કેટલાય વેદમંત્રોમાં શારીરિક સામર્થ્ય અને સ્વાસ્થ્યની વાત થઈ છે. જેમ કે-
‘હે મનુષ્યો! તમારે વર્તમાન અવસ્થાથી જ સંતુષ્ટ થઈ જવાનું નથી. તમારે આગળ વધવાનું છે અને શરીર તથા આત્મબળ વડે પુરુષાર્થ કરવાનો છે.’ (અથર્વવેદ, ૮-૧-૪)
આત્મબળ અને સામર્થ્યનો પહેલો સંબંધ તો આપણા માંહ્યલા સાથે છે, આંતરિક જગત સાથે છે, વિચારો ને વૃત્તિઓ સાથે છે. આ મંત્ર વાંચોઃ
‘હું મારા કુવિચારોને હંમેશા મારાથી દૂર રાખીશ. એનાથી હું મારો વિનાશ નહીં થવા દઉં. મારા મનની શક્તિ અને સામર્થ્ય અપાર છે. એને એળે જવા નહીં દઉં.’
(ઋગ્વેદ ,૧૦-૧૬૪-૧)
અહીં કહેવાયું છે કે ‘હું’ મારા ખરાબ વિચારોને ‘મારાથી’ દૂર રાખીશ. એટલે કે મારા વિચારો અને ‘હું’ એક નથી. આ બન્ને વચ્ચેનું અંતર પારખવા, સમજવા અને જાળવી રાખવા માટે આત્મજ્ઞાાન જોઈએ, સતત સાધના જોઈએ. ઔર એક સુંદર શ્લોકનો ભાવાર્થ જુઓઃ
‘દસ ઘોડાવાળા રથનો સારથિ જેવી રીતે પોતાના ઘોડાઓને વશ કરીને ચાલે છે તેવી જ રીતે હે મનુષ્યો! તમે પણ તમારા મન દ્વારા દસેય ઇન્દ્રિયોને તમારા કાબૂમાં રાખો. તે માટે તમારે સંકલ્પવાન બનવું પડશે.’ (યજુર્વેદ ,૩૪-૬)
જો દુર્બળ પીંછા જેવા રહીશું તો વિચારો અને વૃત્તિઓનો પવન આપણને આમથી તેમ ઉડાડયા કરશે. કેવળ વૃત્તિઓને અનુસરવું એ તો પશુવત્ જીવન થયું. મનુષ્યત્ત્વને સમજવા માટે અને જીવનને ક્રમિક રીતે ઉચ્ચતર અવસ્થા પર લઈ જવા માટે આપણા વેદો-ઉપનિષદોની નિકટ જવા જેવું છે. વેદો-ઉપનિષદોથી ગભરાઈએ નહીં, તેની સાથે ધૈર્યપૂર્વક મૈત્રી કેળવીએ.
– શિશિર રામાવત
તા.ક.
સૃષ્ટિ કે પહલે સત્ નહીં થા… ગીતના લિરીકલ વિડોયોની લિન્ક પહેલી કમેન્ટમાં મૂકી છે. ખાસ માણજો. તાજેતરમાં રિલીઝ થયેલી મસ્ટ-વૉચ ફિલ્મ ‘ધ વેક્સિન વૉર’માં વસંત દેવે ભાવાનુંદિત કરેલું હિન્દી ગીત સરસ રીતે વપરાયું છે.
Leave a Reply