કોઈવાર એવું ફિલ થાય કે, વર્લ્ડ લેવલની ટીમમાં દુનિયાના ઘાતક પ્લેયર્સ હોવા છતા, તે ખેલાડીઓ અંડર-19 જેવું તાકાતવાન પ્રદર્શન નથી કરી શકતા. શાયદ એટલા માટે કે અંડર-19માં જે જોશ, જે જુસ્સો, જે લડવાની તાકત, અડીખમ રહેવાની હિંમત હોય છે, તે વિશ્વ લેવલ પર રમી ચૂકેલા ક્રિકેટરોમાં નથી હોતી. શાહબુદ્દીન રાઠોડનું વિધાન પહેલા પણ ટાંકી ચૂક્યો છું અત્યારે ફરી ટાંકુ છું, ‘‘મળ્યું છે તેની અવગણના અને નથી મળ્યું તેની ઝંખના.’’ આ અંડર-19ના પ્લેયર્સને બરાબરનું લાગું પડે છે. તેનું કારણ આપને જણાવું. અંડર-19નો જે ખેલાડી મેદાનમાં ઉતરે છે, તેની પાસે પાછળ ફરીને જુએ તો કશું છે નહીં. ફક્ત આજ એક પ્લેટફોર્મ છે, જે તેને દુનિયાની સામે પ્રસિદ્ધી અપાવી શકે છે. અહીંથી એક ડગલું આગળ ચાલ્યા તો પછી ક્યાંય રોકાશું નહીં. રણજી, આઈપીએલ કે વિશ્વ ક્રિકેટમાં પણ નાની વયે નામના થઈ જશે. આ વિચારીને જ અંડર-19નો પ્લેયર મેદાનમાં ઉતરતો હોય છે. જીતશું તો ઘણું બધુ મળશે, પણ હારશું તો ગુમનામીમાં ખોવાઈ જશું. બહાર જઈ કોઈને કહેશું કે ‘હું, અંડર-19માં રમેલો છું.’ તો પણ કોઈ તમારો ચહેરો યાદ રાખવાની ઝીણી આંખ કરી કોશિશ નહીં કરે. શાહબુદ્દીન દાદા કહે છે તે માફક, અહીં અવગણવાની નહીં, પણ તેની પાછળના શબ્દો એટલે કે ઝંખના મેળવવાની વાત છે. ક્રિકેટમાં તો વિરાટ કોહલી જીત્યો એ પછીથી આપણને અંડર-19 જેવું કંઈક છે તેની ખબર પડી. અને ફરી એક વખત રાહુલ દ્વવિડની કોચમય આગેવાનીમાં ભારતીય ટીમ જીતી ચૂકી છે. પણ અહીં ભવ્ય વર્તમાનની નહીં, પણ ભૂતકાળની વાત કરવી છે. જેટલા પણ ખેલાડીઓ જીત્યા છે, તેમના માટે અંડર-19 એ સબક શીખવાડી જાય છે, કેવો સબક ? એ આ ક્રિકેટરોને જોઈને તમને ખ્યાલ આવશે.
એક ઉદાહરણ છે વિરાટ કોહલીનું. જેણે અંડર-19માં કપ્તાની કરી. ભારતને ત્રીજી વખત વિજય અપાવ્યો. ભારતીય ક્રિકેટ ટીમમાં આવ્યો. યુવતીઓમાં ફેમસ બન્યો, અનુષ્કા જેવી હિરોઈન સાથે અફેર અને પછી લગ્ન કર્યા, ભારતીય ટીમની કપ્તાની મેળવી અને હવે સચિનના રેકોર્ડને તોડવા સુધી પહોંચી ચૂક્યો છે. અને એક ઉદાહરણ છે મહોમ્મદ કૈફનું. આ પણ અંડર-19નો ખેલાડી, ફિલ્ડીંગમાં સારો પણ બેટીંગમાં નબળાઈ. 2003ના વિશ્વકપ સમયે ઓસ્ટ્રેલિયા સામેની એક મેચ હારી ગયા, તેના ઘર પર પત્થર મારો થયો હતો. જેનું કારણ ભારતમાં ક્રિકેટ ત્યારે એટલું લોકપ્રિય હતું, અત્યારે તેની લોકપ્રિયતા ઘટી નથી, પણ ભારતીયો બીજા સ્પોર્ટસમાં ધ્યાન આપતા થયા છે. મહોમ્મદ કૈફે જીવનમાં એક માત્ર સારી મેચ રમી હોય તો ઈંગ્લેન્ડ સામે, જે ગાંગુલીએ શર્ટ ઉતારી ધબધબાટી મચાવી હતી એ. બાકી અત્યારે આઈપીએલમાં પણ કોઈ ભાવ નથી પૂછતું. હવે આ બે ઉદાહરણ તમારી સામે છે. અંડર-19 પછી વિશ્વ ક્રિકેટમાં નામદામ અને પ્રસિદ્ધી મેળવવા માટે કેટલી મહેનત કરવી પડે તે વિરાટ કોહલીને ખબર પડી ગઈ, મહોમ્મદ કૈફને પડી નહીં.
1988માં અંડર-19 ગેમ્સના ભવ્ય ઈતિહાસની શરૂઆત થઈ. જ્યારે દુનિયાભરના જવાનીયા જેની મૂછનો દોરો ન ફુટ્યો હોય અને મેદાનમાં ઘાસ સાથે બાથ ભીડવા આવેલા તે કેપ્ટનોના નામ સાંભળો. તમારી આંખો પહોળી થઈ જશે. ઈંગ્લેન્ડનો સફળ કપ્તાન નાસીર હુસૈન જે હંમેશા પોતાના સૌમ્ય મિજાજ અને ટીમ આઉટ થઈ જાય ત્યારે જવાબદારી ખભે ઉઠાવતો જોવા મળ્યો, પાકિસ્તાનનો સાંઢળો ઈન્ઝમામ ઉલ હક. જેણે બાદમાં અગિયાર હજાર રનનો કિર્તીમાન પણ સ્થાપેલો. ખાલી રનીંગ કરવામાં હાંફી જતો એટલે ચોગ્ગા અને સિક્સરો મારવી જ તેને ગમતી. 1988માં શ્રીલંકાની કમાન કોના હાથમાં હતી ખબર છે ? સનથ જયસુર્યાના હાથમાં. હા, એ જ શ્રીલંકન ક્રિકેટર જેણે ભારત સામે 189નો હાઈએસ્ટ સ્કોર ફટકારેલો. એ જ ક્રિકેટર જેણે ભારત સામે 340નો ટેસ્ટમાં શ્રેષ્ઠ સ્કોર માર્યો અને શ્રીલંકન ટીમે 952 રનનો પહાડ ઉભો કરેલો. પણ હજુ એક નામ સાંભળીને તો આંખો પહોળી થઈ જશે. વેસ્ટ ઈન્ડિઝની કમાન જેના હાથમાં હતી તે હતો બ્રાયન લારા. ભવિષ્યમાં રેકોર્ડોની વણઝાર કરનારા આ ચાર ક્રિકેટરોને અત્યારે કોણ યાદ નથી કરતું. 1988ની અંડર-19માં બીજા બે ખેલાડીઓ ટુંકા આયુષ્ય સાથે આવેલા, પણ તેમનું નામ તમને યાદ હશે. રોમેશ કાલુવિર્થના અને મુસ્તાક અહેમદ. કહેવાની જરૂર નથી કે તેઓ ક્રમશ: શ્રીલંકા અને પાકિસ્તાનના ખેલાડીઓ છે.
1998માં સાઉથ આફ્રિકામાં અંડર-19 કપનું આયોજન થયું. આર્યલેન્ડ, ડેન્માર્ક અને કેન્યા સહિત નામ્બિબિયાની ટીમને આ ભરતી મેળામાં સ્થાન હતું. પણ આ ટીમનો કોઈ ખેલાડી આ સિરીઝમાં પોતાનું બાહુબળ ન બતાવી શક્યો, પણ ભારત માટે આ અંડર-19 એટલે યાદગાર રહ્યું કારણ કે તેમાં વિરેન્દ્ર સહેવાગ અને હરભજન સિંહ હતા. એક વિસ્ફોટક બેટ્સમેન બીજો સ્ફોટક સ્પીનર. તો પાકિસ્તાન ક્રિકેટ ઈતિહાસના બે ખેલાડીઓ. ભારતનો જમાઈ શોએબ મલિક અને ઓલરાઉન્ડર અબ્દુલ રઝાક. ન્યુઝીલેન્ડનો બેસ્ટ બોલર ગણાતો કાયલ મિલ્સ પણ તેમાં હતો. ત્યારે ઈમરાન તાહિરનો જન્મ સાઉથ આફ્રિકામાં થયેલો એટલે તેને રમવાનું આફ્રિકા તરફથી હતું, પણ દેશભાવનાના કારણે તે રમ્યો પાકિસ્તાન તરફથી. આને કહેવાય સ્પોર્ટસ સ્પીરીટ ફોર કન્ટ્રી. પ્રથમ ઈલુ ઈલુના ગાળા સમયે ઈમરાન તાહિરને આટલો મોટો વિચાર આવી ગયેલો !! શ્રીલંકાનો દિલહાર ફર્નેન્ડો, તો દુનિયાના ઘાતક બેટ્સમેનોમાં જેની ગણના થાય છે, તે વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ પણ સામિલ હતો. ક્રિસ ગેલ સાથે રામનરેશ સરવન અને ડેરેન ગંગા પણ આ ટીમમાં હતા. જેમાં રામનરેશ સરવન બાદમાં વેસ્ટ ઈન્ડિઝની વોલ બન્યો. અને ગંગા થોડો અમથો ઓલરાઉન્ડર બન્યો, પણ આ સિરીઝ યાદગાર રહી હતી બે ખેલાડીઓના કારણે. એકનું નામ વિરેન્દ્ર સહેવાગ અને એક ક્રિસ ગેલ. જેણે વિશ્વ ક્રિકેટને બે પાવરફુલ બેટ્સમેનો આપ્યા. ક્રિસ ગેલે પોતાનો પરચો ત્યારે જ બતાવી દીધેલો અને ટુર્નામેન્ટમાં સૌથી વધુ 364 રન મારેલા. જ્યારે ઝીમ્બાબ્વે જેવી કાળમાં હોમાય ગયેલી ટીમનો એક બાઠીયો ખેલાડી નામે મુલેકી નકલાએ સૌથી વધુ 16 વિકેટ ખેરવી હતી.
2000ની સાલમાં આ વિશ્વકપની યજમાની ભારતે લીધેલી. પહેલીવાર એશિયામાં આ કપનું આયોજન થયું. નેપાળે પણ ભાગ લીધો હતો ! ત્યારે સાઉથ આફ્રિકાને આ કપમાંથી ગ્રીમ સ્મિથની ભેટ મળેલી. જેણે નિવૃતિ સુધી ઓપનિંગ જમાવી રાખી અને કપ્તાનીમાં પણ અવ્વલ રહ્યો. ઓસ્ટ્રેલિયાને મળ્યો માઈકલ ક્લાર્ક, ન્યુઝિલેન્ડને રનની તોપ બ્રેન્ડમ મેક્યુલમ મળ્યો, ઈંગ્લેન્ડને મળ્યો ઈયાન બેલ, પાકિસ્તાનને બોલરોની તિકડી મળી ઈમરાન નાઝીર, ફૈસલ ઈકબાલ અને મહોમ્મદ સામી જેણે અખ્તરની ખોટ સાલેલી પણ કરિયર હાથમાં ન રાખી શક્યો. સાઉથ આફ્રિકાનો બેસ્ટ ઓલરાઉન્ડર, જે ગમે ત્યારે સિક્સો મારવા મશહૂર છે, તે એલબી મોર્કેલ પણ અંડર-19એ આપ્યો, ઝિમ્બાબ્વે પાસેથી આશાસ્પદ ખેલાડી ટટેન્ડ ટેઈબુ મળ્યો. જેણે હિથ સ્ટ્રીકના ગયા બાદ માંડ માંડ ટીમને ભેગી કરી રાખેલી.
2002માં ન્યુઝિલેન્ડે હોસ્ટ કર્યું. પહેલીવાર પાપુઆ ન્યુગીની સામેલ હતું. આવી ટીમોને એટલે સામેલ કરવામાં આવતી કે, નહીંને કોઈ ટીમ શ્રેષ્ઠ પ્રદર્શન કરે, પણ એ શક્ય ન થયું. પણ દુનિયાને સારા ક્રિકેટરો પ્રોવાઈડ થતા રહ્યા. જેમાં બાંગ્લાદેશને મળ્યો મહોમ્મદ અશરફુલ, ઝીમ્બાબ્વેના નામે આવ્યા બે ક્રિકેટરો બ્રેન્ડોન ટેયલર અને એલ્ટોન ચીંગામ્બુરૂ, ઈંગ્લેન્ડને ટીમ બ્રેસનન અને ભારતીય મૂળનો સમીત પટેલ મળ્યો. ન્યુઝિલેન્ડને જેસ્સી રાઈડર નામનો ઓપનર જેની સાથે બાદમાં પબમાં મારામારી થઈ અને કોમામાં ચાલ્યો ગયેલો. પાકિસ્તાનને ફરી બોલરો મળ્યા અઝહર અલી અને ઉમર-ગુલ. અને શ્રીલંકાના નામે આવ્યા ઉપુલ થરંગા અને ધમ્મીકા પ્રસાદ. અને ભારત…? ભારતને છેલ્લા બે અંડર-19 કપમાં કોઈ ટેલેન્ટેડ ખેલાડી ન મળ્યો. અને આ કારણે જ વર્ષો સુધી સચિન, સહેવાગ, દ્વવિડ, ગાંગુલી, કુંબલે, શ્રીનાથ, જેવા ખેલાડીઓ ભારતીય ટીમમાં ટકી રહ્યા. નવું આવે તો જૂનું ઘર ભેગું થાય !
આખરે 2004માં ભારતનો વારો આવ્યો ખરો. ત્રણ બેટ્સમેનો ભારતને મળ્યા, પણ ભારતીય ટીમમાં સ્થાન તેમણે ધોની આવ્યો ત્યારે જમાવ્યું. કારણ કે ધોનીએ સિનીયરોની હકાલપટ્ટી કરી. આ ત્રણ ખેલાડી એટલે સુરેશ રૈના, રોબિન ઉત્થપા અને દિનેશ કાર્તિક. અત્યારે ત્રણે ઘરે બેઠા છે. શ્રીલંકાને એન્જેલો મેથ્યુઝ અને વેસ્ટ ઈન્ડિઝને દિનેશ રામદિન મળ્યો. સૌથી સારા ક્રિકેટરો મળ્યા ઈંગ્લેન્ડને એલિસ્ટર કુક અને લ્યુક રાઈટ. આર્યલેન્ડનો એકમાત્ર ખેલાડી વિલિયમ પોર્ટફિલ્ડ પણ ચમકેલો કિન્તુ ક્રિકેટ તો 11 ખેલાડીઓની ટીમથી બને. એક થી નહીં ! એટલે ખોવાય ગયો, નામશેષ થયો, ડાયનાસોરની માફક.
2006માં કાઠીયાવાડી પ્લેયર દુનિયાની સામે આવ્યો. જેનું નામ રવિન્દ્ર જાડેજા અને 200 રન મારવાની રનમશીન રોહિત શર્મા પણ અંડર-19ની જ ઉપજ છે. ઓસ્ટેલિયાને મળ્યો ઘાતક પ્લેયર ડેવિડ વોર્નર, ન્યુઝિલેન્ડને એક અંગૂઠો ગુમાવનાર માર્ટિન ગુપ્ટિલ મળ્યો સાથે જ ટીમ સાઉથી અને ઈંગ્લેન્ડને મોઈન અલી નામનો સ્પીનર પ્રાપ્ત થયો.
એ પછી ત્રણ અંડર-19 વિશ્વ કપ થયા. અને ભારતે જીત્યો તે હમણાંનો ગણીલો. અંડર-19માં થોડુ પોલિટિક્સ હશે તેવું માની લઈએ કારણ કે આપણે કંઈ સ્પોર્ટસ વિવેચક નથી, પણ જગતના તમામ સ્પોર્ટસ પ્લેટફોર્મમાં સૌથી ઓછું હશે તેમાં આપણે હા પાડવી પડે. નહીં તો આટલા સારા ક્રિકેટરો કોઈ ટીમને ન મળ્યા હોત. એટલે એક તો કોચ અને સિલેક્શન ટીમને સેલ્યુટ કરવા પડે. ઉપરથી તમને આગળનું યાદ રહ્યું હોય તો ! અંડર-19માં નેપાળ, પાપુઆ ન્યુ ગીની, આર્યલેન્ડ, સ્કોટલેન્ડ, કેન્યા, નામ્બિબિયા જેવી ટીમોને પણ સ્થાન મળે છે. જેથી તેમના ખેલાડીઓને વિશ્વમાં એક પ્લેટફોર્મ મળી રહે. પણ આ ખેલાડીઓ સારા હોવા છતા ટીમનું પ્રદર્શન સારૂ ન હોવાથી ફેંકાય જાય છે. ક્યાંય દેખાતા નથી. અંડર-19નું કામ હંમેશાથી પ્લેટફોર્મ આપવાનું રહ્યું છે. તે લોંચપેડ છે, પછી તમારે કેટલું ઉડવું એ તમારા હાથમાં છે. ઉપર વાંચ્યું તે મોટાભાગના ખેલાડીઓ ઉડી રહ્યા છે અને ઘણાના પ્લેન ક્રેશ થયાને પણ વર્ષો થયા છે. હવે દ્રવિડની ટીમના ખેલાડીઓમાંથી કોઈ નામ કાઢે છે કે નહીં, તે યાદ રાખજો. બાકી અંડર-19 યોજાતી રહેશે અને દુનિયાને સારા ખેલાડીઓ મળતા રહેશે. મંદિર જ્યારે બને ત્યારે ખિલાડી યહીં બનેગા… જય શ્રી રામ.
~ મયુર ખાવડુ
Leave a Reply