હાલની તો વાત જ જવા દો ભૈસાબ ઘરની અંદરની એસીની ઠંડી ઠંડી હવા છોડીને બહાર નીકળવાની ઈચ્છા જ ના થાય અને જો જવું જ પડે એવું હોય તો ગાડીમાં બેઠા કે તરત એસી ચાલું જોઈએ! ખાવામાં આઇસ્ક્રીમ અને પીવામાં કોલ્ડ ડ્રિંક્સ જોઈએ જ જોઈએ અને તોય દર પાંચ મિનિટે, ‘હાય કેટલી ગરમી, હાય કેટલી ગરમી’, એનો કકળાટ તો ચાલું જ હોય!
આ થઈ ઉનાળાની સજા પણ મારે વાત કરવી છે ઉનાળાની મજાની! મજા તો બાળપણમાં કરેલી હોં…દરેક સિઝનનો એનો પોતીકો વૈભવ માણેલો, ઉનાળાનો પણ…
બપોરે બાર વાગે અમારી શાળા છૂટતી અને ચાલતા ઘરે જવાનું હોય ત્યારે જે હરખથી અમે દોટ મૂકતા.
એકબીજાને કોણીના ધક્કા મારતાં શાળાના ગેટની બહાર નીકળતા સુધીમાં જાણે કોઈ જંગ જીતીને આવ્યા હોય એવો ઉત્સાહ આવી જતો. કપાળેથી પરસેવો નીતરતો હોય એને ડ્રેસની બાંયથી લૂછીને બીજાના હોઠો પર પરસેવાના ટીંપા જોઈ મજાક થતી.
એ વખતે હું એલ્યુમિનિયમની પેટીમાં ચોપડા ભરીને લઈ જતી. એ પેટી તો જીવથીય અધિક વ્હાલી લાગતી! કેટકેટલો છુપો ખજાનો એમાં ભરેલો રહેતો! ઉનાળાની બપોરે ચાલીને ઘરે જતા એ પેટી માથે મુકાઈ જતી અને ગરમીથી માથું બચાવવાનો પ્રયાસ કર્યાની ખુશી તરત ચહેરા પર ઝળકી આવતી. કેટલાક એમના દફતર માથે મૂકીને ચાલતા જતાં.
પગમાં પહેરેલી કેનવાસની મોજડીમાં ગરમ રેતી થોડી થોડી ભરાઈ જતી અને પગના પંજા, આંગળીઓ ભઠ્ઠીમાં શેકાઈ રહ્યા હોય એવી અનુભૂતિ થતી. પગમાં પહેરેલી ઝાંઝર પણ તપીને લાહ્ય જેવી થઈ જતી અને છતાં એને કાઢી નાખવાનો વિચાર ક્યારેય ના આવતો.
ઘરે પહોંચતા જ અંદર જવાની ઉતાવળ હોય. બહારની જાળીનો આંગળો તપીને ગરમ થયો હોય એને જરાક જરાક અડીને, જરાક જરાક ધકેલીને ખોલાતો અને જેવો એ ખુલે કે તરત જ જાળીને એક લાત મારી ખોલાતી અને અમે ઘરે આવી ગયા છીએ એની જાહેરાત થતી!
ઘરના આંગણામાં વિશાળ લીંબડા નીચે હંમેશા ઢાળેલા રહેતા ખાટલામાં પેટી છુટ્ટી ફેંકાતી અને મોજડી કાઢી, ચોકડીમાં ચકલી ચાલું કરી, એમાંથી વહી જતા પાણીની ધાર નીચે બંને પગ રાખીને ઊભા રહેતા જે સ્વર્ગીય આનંદ આવતો…આ..હા…હા…ફ્રીઝનું ઠંડુ પાણી એની આગળ કોઈ વિસાતમાં જ નથી.
છાલકો મારી મારીને ચહેરો ધોવામાં તો, અડધા કપડાય ભીંજાઈ જતા અને એ પાણીનો બગાડ જોઈ દાદી બૂમ મારતા, “ચાલ બેટા શરદી થઈ જશે, નળ બંધ કર. જમવાનું તૈયાર છે આવી જા.”
ઘરમાં જતા જ દાદી ગળે લટકતી વોટર બેગ લઈ એમાંથી ઘૂંટડો પાણી એમના મોઢામાં લેતા અને કહેતાં, ‘ગરમ લાય જેવું છે, આવું પાણી પીને તો ગરમીના ઝાડા થઈ જાય.” અને હું હસતી લીંબડી નીચે મૂકેલા કુંજામાંથી એક ગ્લાસ પાણી નિકાળીને પીતી, એ કૂજામાં સિંહના મોઢામાંથી પાણી બહાર આવતું એ જોવાનીય એક મજા હતી. પાણીમાં ભળેલી માટીની સુગંધ તો આજેય યાદ આવતા મોઢામાં પાણી આવી જાય છે! દુનિયાનું કોઈ શરબત એની તોલે ના આવી શકે.
પછી જમવા બેસતા અને મારો ભાઈ દાદીની સાડીનો છેડો ખેંચતો પૂછતો, ‘મા આજે રસ કાઢ્યો છે?’
દાદીને અમે લોકો મા કહેતાં, કેટલો મીઠો લાગતો એ શબ્દ, મમતાથી ભર્યો ભર્યો!
દાદી એના પાલવથી ભાઇનું મોઢું લૂછતાં અને કહેતાં, ‘હા ભઈ રસ કાઢ્યો છે. તારા દાદીમા કોથળો ભરીને કેરીઓ મોકલાવે છે એને ખુટાડવી તો પડશે જ ને!’
અહિયાં દાદીમા એટલે એટલે મારા પપ્પાનાં દાદી અને મારા દાદીના સાસુ. એ તે સમયે જીવિત હતા અને વતનના ઘરે એકલા રહીને આંબાવાડી અને થોડી ખેતી લાયક જમીન હતી એને સાચવતા. એમની અને મારી દાદીની વચ્ચે હંમેશા થોડી થોડી ચકમક ઝરતી રહેતી અને અમને ભાઈબહેનને એની મજા આવતી. ભૂતકાળમાં મારા દાદીને ગામડે રહેવા બોલાવી એમના સાસુ એમની પાસે કેવા કેવા કામ કરાવતા એની વાતો ચાલુ થઈ જતી. છાણાં થેપવાથી લઈને, કુવે પાણી ભરવા જવું અને ખેતરમાં જઈને કામ કરવું પડતું, એ બધુ વિસ્તારથી ચર્ચાતું અને અમારું બપોરનું ભોજન પૂરું થતું… એ હતી ઉનાળાની મજા!
પછી ઘરના એક જ મોટા રૂમમાં બધાએ ભેગા થઈ, નીચે પથારી પાથરી પંખો ચલાવી સૂઈ જવાનું રહેતું. વીજળીનું બિલ ઓછું આવે એના માટે આટલો સહયોગ ઘરના દરેક સભ્યો આપતા. એમાય વીજળી રહી તો રહી. મને યાદ છે ત્યાં લાગી દર બુધવારે બપોરે લાઇટ જતી રહેતી. બપોરે બાર એક વાગે લાઇટ જતી રહેતી તે છેક રાત્રે પાછી આવતી. અમને ભાઈ બહેનને તો એમાય મજા પડતી. બપોરે ઊંઘવાનો પ્રોગ્રામ કેન્સલ થતો અને લીંબડા નીચે ખાટલામાં બેઠા બેઠા વાતોના વડા કરવાની મજા આવતી. મારા દાદી હાથથી હવા નાખવાનો પંખો લઈને બેસતા અને અમને બધાને પવન પહોંચે એ રીતે પંખો ગોળ ગોળ ફેરવે જતાં. ક્યારેક મસ્ત પવનની લહેર આવી જતી અને દાદાની આંખો મિચાઈ જતી. ઘડીકવાર ઊંઘવા દઈ અમે એમને જગાડી દેતા, ‘ઉઠો હવે કેટલું ઊંઘવાનું?’
છેક સાંજ સુધી લીંબડા નીચે બેઠક રહેતી. સાંજે ઘર બહાર રમવા જતાં અને મોડી સાંજે પરસેવાથી રેબઝેબ થઈ, ધૂળવાળા શરીરે ઘરમાં આવતા જ દાદીની બૂમ પડતી, ‘નાહીને જમવા આવી જાઓ…’
ટાંકીમાં ભરેલા ઠંડા બરફ જેવા પાણીથી ડબલે ડબલે નહાવાની પણ એક મજા હતી. હવે તો શાવર ચાલું કરીએ ત્યારે પાણીય દગો આપતું હોય એમ ગરમ જ આવે છે. ટાંકીએ છેક ત્રીજે માળે, ધાબા ઉપર બનાવેલી હોય એનું પાણી તપે નહીં તો નવાઈ વાત.
રાતના ધાબા ઉપર પથારી કરી, આકાશના તારા જોતાં જોતાં ફરી વાતોનો એક પવન ફૂંકાતો… દાદાની વાતો, નોકરીથી ઘરે આવેલા કાકાની વાતો, દાદીની વાતો, પડોશમાંથી વાતો કરવા આવેલા બે ચાર બીજા લોકોની વાતો અડધી રાત સુધી ચાલતી. અચાનક વાતાવરણમાં પલટો આવી જતો. સવારની લૂ અને ગરમ હવા હવે ઠંડી બરફ બની જતી અને મારી આંખો ઘેરાવા લાગતી…
તમે જ કહો આને ઉનાળાની મજા કહેવાય કે સજા? હાલનું બધુ ખરાબ છે અને પહેલાનું સારું હતું એવું હું નથી કહેતી. આજના બાળકો માટે અત્યારનો સમય જ સૌથી સુંદર છે. એસી રૂમમાં ભરાઈ આઇસ્ક્રીમ ખાતા ખાતા ટીવી જોવું કે કોઈ ગેમ રમવી એ એમને મન ઉનાળાની મજા છે, ગામડે જવાનું તો એમને જરાય ના ગમે.
સાચું કહું તો હવે મને પણ ગામ જવાનું નથી ગમતું. દાદા દાદી હતા ત્યાં સુધી આ બધી મોજ હતી હવે તો ત્યાંય કંટાળો જ આવે, પણ એ જૂની યાદો વાગોળવાની મજા આ બળબળતા ઉનાળામાંય અનેરી ઠંડક આપી જાય છે!
ટુંકમાં કહી દઉં તો,
એક યાદોનું નગર વસ્યું છે મનમાં જ્યાં,
કાચી કેરીનું કચુંબર છે ઉનાળાની મજા, ફ્રીઝમાં પડેલું કાચી કેરીનું શરબત સજા.
લીંબડીની ઘટા નીચે ઢાળેલો ખાટલો છે ઉનાળાની મજા, એસી હોલમાં પડેલી બીનબેગ સજા.
કેરીઓ ઘોળીને ચૂસાતા ગોટલા છે મજા, માજા મેંગોની બોટલો છે સજા.
દાદીના હાથે વિઝાતો પંખો છે મજા, ખૂણામાં પડેલો. ટેબલ ફેન સજા.
પગપાળા ચાલતા શેકાતી મોજડીની મજા, ગાડીમાં ફરવું લાગે સજા.
છાછમાં ચપટીક મીઠુંને ધાણાજીરુંની મજા, ડાયટ દહીં લાગે સજા.
દાદાની વાતો, જીવનના અનુભવોની મજા, સીનચેન અને નોબિતાની બકબક સજા.
તમને લાગશે આ નિયતી બહું જુનવાણી છે, કેવી વાત કરે છે પણ હું ભવિષ્યની આગાહી કરું?
આ વાતો મારી પેઢી સુધી જ સીમિત છે, આગળ આવી બધી ચર્ચા કોઈ નહિ કરે…
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏
– નિયતી કાપડિયા
Leave a Reply