સિદ્ધાંતવાદી, સાહિત્યકાર પિતાજી, વાંચનની શોખીન મા… આવો વારસો મળ્યો હતો મને અને મારા નાના ભાઇને. અમને સાયકલ લેવાના ફાંફાં હતાં ત્યારે મારા પિતાજીના સાથી કર્મચારીઓનાં સંતાનો પાસે એ જમાનામાં ઠાઠનું પ્રતીક એવું “લ્યુના” હોય. છતાં અમને બન્ને ભાઇઓને કદી લ્યુનાના માલીક બનવાનાં સ્વપ્નાં આવેલાં નહીં. ઉલટાના અમે બન્ને ભાઇઓ પુસ્તકોના ઢગલા પર રમતા રમતા સતત વાંચતા હોઇએ એવાં દિવા-સ્વપ્નો જોતા. શુક્રવારે માત્ર કાર્ટૂનનું જ અઠવાડિક ‘નિરંજન’ ક્યારે આવે તેની અમે બેય ભાઇઓ ચાતકની માફક રાહ જોતા હોઇએ ! જો ફેરિયો ના આવે તો અમે બન્ને ભાઇઓ ચાલતા ચાલતા છેક ગામની વચોવચ આવેલી ન્યુઝ એજંસી સુધી લાંબા પણ થઇએ. ઘણી વાર ફેરિયો “ભુલી ગ્યો તો” કહીને ખી ખી કરીને દાંત કાઢે પણ નિરંજન મળે એટલે ઉઠાવેલી તસ્દી અને ફેરિયાની અવળચંડાઇ પણ નગણ્ય બની જાય !
અમે બન્ને ભાઇઓ આવું ઇતર વાંચન વધારે કરીએ એટલે મા ખીજાય, અને પિતાજીને ફરિયાદ કરે ‘આ તમે આ બેયને વાંચવાના રવાડે ચડાવ્યા છે તે ભણવાનું ય નથી વાંચતા’. પિતાજી અમને ખોટું ખોટું ખીજાય ! પાછા આંખ મીચકારીને મા ન સાંભળે એમ કહે ‘એલાવ, થોડું ભણવાનું ય વાંચો… મારે હાંભળવું પડે છે !’ અને અમે ત્રણેય ‘નર’ ખી ખી કરીને હસીએ ! અમે જ્યારે ‘સાક્ષર’ નહોતા ત્યારે આ જ મા પાછી અમને ઇન્દ્રજાલ કોમિક્સના અંકોમાંથી ફેન્ટમ, મેન્ડ્રેક્સ, લોથાર, ટારઝન, ઝિન્દાર જેવા કોમિક્સની ચિત્રવાર્તાઓ વાંચી સંભળાવે. પિતાજી તો નોકરીના કારણે પંદર દિવસે ઘરે આવે, અને તે દરમિયાન નાનકડા ગામડામાં બાઇન્ડ કરીને સંઘરી રાખેલા ઇન્દ્રજાલ કોમિક્સના વોલ્યુમ અમારું મનોરંજનનું સાધન. આ કોમિક્સનાં આ વોલ્યુમ આજેય અમારી પાસે અકબંધ સાંચવેલા છે. કોમિક્સ ફરી ફરીને વંચાઇ જાય અને વાંચન સામગ્રી ખૂટે એટલે માં ‘ઢુંઢિયા રાક્ષસની’ વાર્તા માંડે જે કેટલાંય દિવસો સુધી ચાલે. અમારી સાથે સાથે શેરીના થોડાં બાળકો પણ વાર્તા સાંભળવા આવે. આ વાર્તા સાંભળતાં સાંભળતાં અમારા સૌના માનસપટ પર વાર્તાનાં વિવિધ દૃષ્યો તાદૃશ થતાં અને અમે સૌ થરથરતી ઠંડીમાં પણ પરસેવે રેબઝેબ થઇ જતાં ! વર્ષો પછી ખબર પડેલી કે હકીકતમાં આવી કોઇ વાર્તા જ નથી, પરંતુ માએ તેની કલ્પનાથી ઉપજાવેલી મહા-ભુત કથા છે… ! આમ અમારા પિતાજીએ અમને વાંચનનો વારસો આપ્યો અને માએ વાર્તાકથનનો.
સન ૧૯૮૩-૮૪ ના મારા એસ.એસ.સી.ના વર્ષમાં સંજોગોવશાત મારે મારા મામા હર્ષદભાઇ વ્યાસના ઘરે રહીને અમરેલીમાં અભ્યાસ કરવાનું બન્યુ હતું. નાના, નાની તથા મામા, મામી તો ખરેખર ખૂબ જ પ્રેમથી રાખતા. એસ.એસ.સી. જેવા મહત્વના વર્ષની જવાબદારી જેમના શીરે હતી તેવા હર્ષદમામાને ચિંતા કે ભાણો જો નાપાસ થયો કે ઓછા ટકા લાવશે તો તેમનું નામ ખરાબ થશે. આ ચિંતામાં મામાએ અભ્યાસ સિવાય ઇતર વાંચન ન કરવનું ફરમાન કરેલું. મામા લાડ કરે એ ગમે, પણ મામા આવા હુકમો કરે તે થોડા ગમે ? પિતાજીએ લગાડેલી વાંચનભૂખ અંદરથી સતત પોતાનું પોષણ માંગ્યા કરે. મામાના ઘરે છાપાં સિવાય અન્ય કોઇ મેગેઝિન પણ આવતાં નહોતાં. આખા ઘરમાં પડેલા નાનાજીના જનક્લ્યાણના અંકો તથા અન્ય જૂના તો જૂના પણ તમામ મેગેઝિનો વાંચી નાખેલાં.
એક દિવસ બજારમાં કામે નીકળેલો અને ત્રણ બત્તીથી ટાવર જતી સાંકડી શેરીમાં આવેલી છાપાની એજન્સીના શો-કેસમાં ગોઠવાયેલા રંગબેરંગી વિવિધ સામયિકોને જોઇને પગ ક્યારે થંભી ગયા એ ખ્યાલ ન રહ્યો. બાળસહજ બુલબુલ, ચાંદામામા, ચંપક જેવાં મેગેઝિનોના ભાવોની પૂછપરછ થઇ ગઇ. મારા વાંચનભૂખ્યા બાળમાનસે દરેક મેગેઝિનના ભાવો સ્મૃતિમાં ટપકાવી લીધા. હવે કસરત શરૂ થઇ, કે આ મેગેઝિનો ખરીદવા માટે પૈસા ક્યાંથી કાઢવા ? મામાને કહું તો ચોક્કસ લઇ આપશે, પાછું મન ના પાડે… મન કહે . . ‘મુરખ, એક તો બિચારા તને રાખે, ભણાવે અને ઉપરથી તું તેમના પર આવા વધારાના બોજ નાખે એ કંઇ બરોબર ન કહેવાય’. મનની વાત પણ સાચી લાગે, પણ હૈયું તો વાંચન માંગે… તેનું શું કરવું… આ કશ્મકશમાં રાતોની રાતો વીતી ગઇ. ન અભ્યાસ થયો અને ન કોઇ પરિણામ મળ્યું !
એક દિવસ મામાના ઉપલા માળે આવેલા શયનખંડ તરફ જવાની સીડીના કઠેડા પાસે જુનાં છાપાંઓની પસ્તી પર ધ્યાન પડ્યું. સતત છાપાં ઉમેરાતાં ઉમેરાતાં આ થપ્પાઓ કેટલાય ફુટ ઉંચા થઇ ગયેલા. મામાના ઘર નજીકના અમરેલીના પ્રખ્યાત બિનાકા પાન સેંટર નામની દુકાનની બાજુમાં આવેલી ઘોકલી જેટલી અનાજ કરિયાણાની દુકાને હું કંઇક લેવા ગયેલો અને તે સમયે એક બાળક ત્યાં આવીને છાપાની પસ્તી વેંચી ગયાનું મને યાદ આવી ગયું. આહાહાહા… હૃદયમાં આશાનાં કિરણો ફૂટ્યાં… શાતા વળી… ન્યુઝ એજંસીના શો-કેસમાંના મેગેઝિનો હાથવગાં દેખાવા લાગ્યાં ! પણ એ પછી પણ મનમાં ધમસાણ ચાલ્યું કે આ તો ચોરી કેવાય… માની આંખો દૂરથી પણ ચોરી કરતાં ડારે. પણ એક વાર પિતાજી બોલેલા કે કોઇએ જો ચોપડીઓ ઘરમાં ઘાલી રાખી હોય અને તમે તેને ચોરીને વાંચો અને વાંચ્યા પછી બીજાને પણ વંચાવો તો તે ચોપડીની ચોરી એ ચોરી નો કહેવાય, કારણ કે તમે તે ચોપડીને જેલમાંથી છોડાવી કહેવાય ! આ વાત યાદ આવતાં વળી હૃદયનો ભાર ઓછો થયો.
મેં તો એક દિવસ હિંમત કરીને છાપાનો એક મોટો થપ્પો કોઇ જુએ નહીં તેમ ઉપાડ્યોને છાનામાના ઉપડ્યો પેલા કરિયાણા વાળાને ત્યાં. માંડ માંડ હિંમત કરીને પુછ્યું ‘પસ્તી લ્યો છો ?’ એણે હા પાડી અને મારા હાથમાંની થપ્પી લઇને વજન કર્યું અને મને ગણીને પૈસા આપ્યા અને કંઇક બોલ્યો પણ મને તો મારા હૃદયના ધબકારા સિવાય કંઇ સંભળાતું નહોતું અને ન્યુઝ એજન્સી ના શો-કેસ સિવાય કંઇ દેખાતું નહોતું. પગ હરખભેર મને એજન્સી તરફ દોરી ગયા. પણ કમનસીબે તે દિવસે એજન્સી બંધ ! માંડ માંડ બીજા દિવસની સાંજ પડી, ધબકતા હૈયે મેગેઝિન ખરીદાયાં, મોડી રાત્રે બધા સુઇ જાય પછી વંચાયાં ! વાંચનભુખ ભાંગવા માટે નિર્દોષ ચોરીના સિલસિલાની આમ શરૂઆત થઇ. વાંચનની પ્યાસ એટલી તીવ્ર હતી કે હું સારાસારનું ભાન ભૂલી ગયેલો. એક દિવસ મામા મામીને કહેતા હતા કે આ છાપા કેમ ઓછાં લાગે છે ? પછીનો થોડો સમય છાપાને જેલમાંથી છોડાવવાનું સત્કાર્ય કરવાની હિંમત હું કરી શક્યો નહીં !
વળી થોડો સમય બાદ વાંચન ભૂખ સામે ડરમાંથી જન્મેલી નૈતિકતા હારી ગઇ અને ફરી છાપાઓને જેલમાંથી છોડાવવાનું સત્કાર્ય શરૂ થયું ! મામાને કહું તો તેઓ ચોક્કસ મને દર મહિને આ બધા બાળસાહિત્યનાં મેગેઝિન અપાવે પરંતુ તેમાં એક બીજી મુંઝવણ સમાયેલી હતી. મામાના ઘરે રહીને હું ભણતો હોવાથી આમ પણ મારા ભણતરનો ખર્ચ તેમના શીરે જ હતો અને તેમાં આ વધુ ખર્ચ થાય એવી માંગણી કરવાનું મરું સ્વમાન ના પાડતું હતું ! એ ઉંમરે પોતાની ભૂલોના લેખાંજોખાં કરવાની સમજણ પણ ક્યાં હતી કે છાપાઓની ચોરી કરીને પણ એક રીતે તો હું મામાના જ પૈસા વાપરતો હતો ! પણ કહે છે ને કે સમય અને અનુભવ માણસનું સતત ઘડતર કરતો હોય છે ? એ જ ન્યાયે મને આટલાં વર્ષો પછી આ વાતનો મરમ સમજાતા આજે આ લેખ દ્વારા મારી મા, સ્વ. પિતાજી તથા મારા મામા એમ ત્રણેય સમક્ષ સમક્ષ મારો આ ‘નિર્દોષ અપરાધ’ સ્વીકારતા સહેજ પણ સંકોચ અનુભવતો નથી. જ્ઞાન ભૂખ માટે કરેલા અપરાધને હું આજે સ્વીકારુ છું, અને આશા રાખું છું કે કદાચ જો તેઓ આ લેખ વાંચે તો મને માફ કરી દેશે તે વાતની મને ખાતરી છે. આ અપરાધ-સ્વીકારથી મારા જેવો કોઇ એક બાળક પણ જો આવો નિર્દોષ અપરાધ કરતાં અટકે તો મારા નિર્દોષ અપરાધનું આ પ્રાયશ્ચિત સફળ થશે.
Leave a Reply