હેરી પોટર 20 વર્ષનો થઈ ગયો. (હજુ તો ગઈકાલ ઘોડીયામાં હતો મારો લાલ) હવે એ વાત ભવિષ્યમાં દંતકથા જેવી બની જશે કે જે. કે. રોલિંગ રેલ્વેમાં મુસાફરી કરતા હતા અને એવુ બધુ. આખી હેરી પોટરમાંથી ભારતીયોએ કૃષ્ણકથાને માર્ક કરી છે. વોલ્ટેમોટ (કંસ) જે હેરી (કૃષ્ણ)ને મારવાના એનકેન પ્રયત્નો કરે છે. અને હોગવર્ડઝ તેનું ગોકુળ છે. માનવામાં ન આવે તેવી વાત છે. જે. કે. રોલિંગે કૃષ્ણ પર લખાતી ઢગલો કિતાબો વાંચી કે નહીં મને ખબર નથી, પણ મેં હેરી પોર્ટર વાંચી છે.
~ આમ જૂઓ તો જે. કે. રોલિંગ અંધવિશ્વાસોમાં તુરંત માની લેતા હતા. પ્રથમ બુક છપાયા પહેલા તેમના પબ્લિશરે કહેલું, એક કામ કરો તમારા નામમાં Kનો ઉમેરો કરી નાખો. ત્યાં સુધી રોલિંગનું નામ જ્હોન રોલિંગ હતું. પબ્લિશરની વાતને આત્મસાત કરી તેમણે પોતાની ગ્રાન્ડમધરના Kને પોતાના નામ સાથે એડ કર્યો. આ Kનો અર્થ કેથલીન થાય છે. અને બાદમાં નામ બન્યું જે. કે. રોલિંગ…
~ તેમણે જ્યારે લખવાની શરૂઆત કરી ત્યારે ફસ્ટ પોર્શન તો નેપ્કિનમાં લખ્યો હતો. ઘરે જઈ ટાઈપરાઈટરમાં લખવાનું શરૂ કર્યું. હવે થાય એવુ કે, ટાઈપ કરો અને ભૂલ થાય તો ગયું, કાગળ બદલો પેલેથી લખો. આવી માથાકુટ જે. કે.એ કરવી પડતી. કદાચ આજ વિચારે તેણે બીજા પાર્ટમાં પેલુ વૃક્ષ રાખ્યું હશે, જેની સાથે હેરીની કાર ટકરાય છે, અને હેરીને કહેવામાં આવે છે, ‘તે અમારા વર્ષો જૂના વૃક્ષને ઈજા પહોંચાડી.’
~ જે. કે. રોલિંગને આટલા વર્ષોમાં પૂછવામાં આવે કે, તમારૂ ફેવરિટ કેરેક્ટર કયું છે…? રોલિંગ તુરંત કહેશે હરમાઈની. તેની પાછળનું કારણ આ કિરદાર તેણે પોતાની યુવાનીમાંથી ઘડ્યું છે.
~ બ્લુમ્સબેરી પ્રકાશન, જેણે હેરી પોટરની પહેલી 500 નકલ છાપેલી, તે ચાલાક પણ એટલો હતો. કારણ વિનાનો ધંધો ન કરે. તેણે પહેલી બુકનું ચેપ્ટર પોતાની દિકરીને વાચવા માટે આપેલું અને તેની દિકરીએ વધુ ડિમાન્ડ કરતા હેરી પોટર બહાર આવ્યો તેમ માની શકાય.
~ હેરી પોટરની સૌથી ખાસ વસ્તુ કોઈ હોય તો તે ક્વીડીચ ગેમ છે. આકાશમાં પેલુ જાડુ લઈને ઉડતા. તેને જોઈ લાગે કે આ જાડુ લાકડાનું બનેલુ હશે, પણ નહીં આ જાડુ ટાઈટેનીયમનું બનેલું હતું. એવુ કહેવામાં આવે છે કે ક્વીડીચની ગેમનો વિચાર રોલિંગને પોતાના બોયફ્રેન્ડ સાથે લડતા લડતા આવેલો. લડવું પણ સારૂ કહેવાય…
~ ડમ્બલડોર… આ નામનો ઉદભવ જૂની અંગ્રેજીમાંથી થયો છે. જૂની ઈંગ્લીશમાં નામ આવે બમ્બલ્બી અને તેના પરથી રોલિંગે રચના કરી ડમ્બલડોરની. એવા પ્રશ્વનો ઉપસ્થિત થયેલા કે, ડમ્બલડોરની ઉંમર કેટલી…? 150 વર્ષ જ્યારે તે મૃત્યુ પામ્યા ત્યાર સુધીની છે.
~ હેરી પોટર અને માઈકલ જેક્સનનું સુંદર કનેક્શન છે. માઈકલ જેક્સન હેરી પોટરનો દિવાનો હતો, તેણે રોલિંગ સામે પ્રસ્તાવ મુક્યો કે હું આના પર મ્યુઝીકલ આલ્બમ બનાવું, પણ આખરે બની તો ફિલ્મ જ.
~ હવે પુસ્તકોમાં જેની સૌથી વધુ મથામણ હોય તેની વાત કરીએ. અને તે માથાકુટનું નામ છે ટાઈટલ… સૌથી પહેલી બુકનું ટાઈટલ હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર સ્ટોન છે, જેનું પહેલા ટાઈટલ હેરી પોટર એન્ડ ધ સ્કુલ ઓફ મેજીક રાખવામાં આવ્યું હતું.
~ એક જાની અંજાની હોરર વાત કહું, હેરીના તમામ ભાગમાં એક 14 વર્ષની ભૂતણી આવે છે. જેનું નામ છે મોઉનીંગ. આ મોઉંનીગ 14 વર્ષની ઉંમરે જીવતી ભૂત બની ગઈ હોય છે. ફિલ્મમાં જે છોકરીએ આ કેરેક્ટર નિભાવ્યું છે, તે વાસ્તવમાં 36 વર્ષની ઢગી છે. જેનું નામ છે શિરલી એન્ડરસન.
~ પુસ્તકોની સફળતા બાદ ફિલ્મ સાથે કોઈ વ્યક્તિનું પહેલું નામ જોડાયેલુ હોય તો તે હતા સ્ટીવન સ્પિલબર્ગ. અનાયાસે સ્પિલબર્ગ અને રોલિંગને ક્રિએટીવીટીના મતભેદો થવા લાગ્યા. સ્પિલબર્ગે પોતાનો હેરી પોટર તૈયાર રાખ્યો હતો. અને રોલિંગને એ દીઠો નહતો ગમતો. આખરે બુદ્ધિજીવીઓના ટકરાવમાં સ્પિલબર્ગે બાયબાય કરી નાખ્યું.
~ ફ્રેડ અને જ્યોર્જ નામના બે જોડીયા ભાઈઓ યાદ હશે. ફિલ્મમાં અને પુસ્તકમાં પણ મુર્ખાઈઓની હદ કરતા આ બંને ભાઈઓનો જન્મ એપ્રિલ ફુલના દિવસે થયો છે. 1 એપ્રિલ.
~ રોલિંગે બધુ પહેલેથી તૈયાર કરી રાખેલ હતું. ‘સ્કાર’ નામનો શબ્દ એ છેલ્લી બુકના છેલ્લા વાક્યમાં યુઝ કરવા માગતા હતા, જેના બદલે તેમણે ‘ઓલ ઈઝ વેલ’ શબ્દ લખ્યો. આ સિવાય પહેલી બુક લખતા પહેલા જ તેમણે બુકનો અંત વિચારી લીધો હતો. એટલે શરૂ થાય કે નહીં પણ એન્ડ રેડ્ડી છે.
~ હેરી પોટરની સામેનો ખતરનાક વિલન, જે યુનિકોર્નનું ખૂન પીવે છે અને હેરીને મારવા માટેના કારસ્તાન ઘડે છે (નામ મત લેના) અનિષ્ટ દેવની ઉંમર 70 વર્ષની છે.
~ અને અંતે બરાક ઓબામાની સાથે મયુર ચૌહાણની પણ આ ફેવરિટ બુક છે.
નોંધ : મારા કરતા પણ વધુ માહિતી Sparsh Hardik પાસે છે.
~ મયુર ખાવડુ
Leave a Reply