તેઓ ચેસ રમવાના શોખીન છે. ગુજરાતી પત્રકારત્વના એવા પ્રથમ પત્રકાર છે જેમની ડેસ્ક પર કદાચ બે રૂપિયાવાળી બોલપેન ન મળે, પણ ચેસબોર્ડ મળી જાય, ડેસ્ક જર્નાલિઝમને તેઓ હસ્તમૈથુન સાથે સરખાવે છે, લડવાના પણ શોખીન છે, પરંતુ એ બે અર્થમાં, એક ફેસબુક પર ગમે ત્યારે ધબધબાટી બોલાવી નાખે અને બીજુ ગુજરાતી ફિલ્મોને અરિસો બતાવ્યા કરે. કદાચ આજ કારણે હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તુષાર દવેના ગુજરાતી ફિલ્મો જોવા પર પ્રતિબંધ લગાવશે. જો કે એ ગુજરાતી ફિલ્મોના હિતમાં જ છે.
મેં ઘણા વિશે ઘણું લખ્યું પણ તુષાર દવે વિશે કોઇ જગ્યાએ ઉલ્લેખ નથી કર્યો. આમ પણ એ માણસ બધા સામે ખુલ્લો પડી જાય છે એટલે તેના વિશે લખવા જોગ કંઇ રહેતું નથી. તેના ખુલ્લાપણા વિશે કહી શકાય કે, જો તેને ઇન્ક્રિમેન્ટ મળી જાય તો તે મોદી સાહેબની વોલ પર લખી આવે તેટલો ખુલ્લમખુલ્લા માણસ છે.
પણ ગુજરાતી સાહિત્યની એક પરંપરાનો તેણે ભૂક્કો બોલાવ્યો છે. એ પરંપરા એટલે ગુજરાતી લેખો છાપામાં છપાય તો જ તેની હાસ્યની ચોપડી બની શકે ! મેં ભૂતકાળમાં જઇ સંશોધન નથી કર્યું, પણ એવા અઢળક કિસ્સાઓ હશે જ્યાં હાસ્યલેખનું પુસ્તક બનાવવા માટે કોઇ પ્રમુખ વર્તમાનપત્રો અથવા તો ગુજરાતી સાહિત્યની શિરમોર મેગેઝિનમાં હાસ્યલેખ છપાવવા જરૂરી બની જાય છે. પણ તેમણે આ પોતે લખીને છપાવ્યા છે એટલે તેમાં પોતિકુપણું રહેવાનું.
છાપામાં છપાયેલા લેખમાંથી પુસ્તક બને તો તેમાંથી થોડા આર્ટિકલો એવા હોવાના જે તમને ન જ ગમતા હોય. બીજાને તો ન જ ગમતા હોય, પણ તમનેય ન ગમતા હોય !
પોતે લખેલા આર્ટિકલ છાપવાનો મસમોટો ફાયદો એ કે તે તમને પસંદ હોય. કલામાં જે વસ્તુ તમને પસંદ પડી જાય એટલે તેની ગુણવત્તા વધી જવાની. શાહબુદ્દિન રાઠોડ કહે છે, ‘અહીંયા તમને અનુભૂતિ કરાવતા પહેલા અમને અનુભૂતિ થવી જોઇએ.’ લેખકે પણ એ કરી જાણ્યું છે.
આ પુસ્તક હાથમાં આવે તો આપણે વિવેચન કરી શકીએ. જો કે એ પહેલા પુસ્તકનો બાહ્ય સ્પર્શ કરીએ તો… આ પુસ્તકમાં વિનોદ ભટ્ટની એક સલાહને તેમણે બખૂબી માની છે. પુસ્તકની ઉપર લેખકનું નામ હોવું જોઇએ કારણ કે લેખકના કારણે પુસ્તક છે. લેખકની પ્રસવપીડામાંથી પુસ્તકનો જન્મ થયો છે. એમાંય જો હાસ્ય હોય તો તો લેખક માટે સિઝેરિયન કરાવવા જેવી સ્થિતિ ઉભી થાય !!
આ જગતમાં માણસ જ એવું પ્રાણી છે જે હસી શકે છે. દુનિયાનું કોઇ કામ કર્યા જેવું હોય તો તે સામેની વ્યક્તિને ખડખડાટ હસાવવું છે, પણ મોટાભાગે આપણે એ કૃત્ય બોલીને કરતા હોઇએ છીએ. પણ જ્યારે લખીને કરવાનો વારો આવે ત્યારે આપણા વિચારો સ્થિતપ્રજ્ઞ થઇ જાય છે.
આમ પણ ગુજરાતી સાહિત્યમાં હાસ્યલેખકો આંગળીના વેઢે ગણો તેનાથી પણ ઓછા છે. બે વર્ષમાં તારક મહેતા અને વિનોદ ભટ્ટને ગુમાવ્યા બાદ ગુજરાતી હાસ્ય સાહિત્યનો ખંડ અંધારિયો બન્યો છે. એક બે લેખ માટે હાસ્યના ફકરા લખી નાખ્યા હોય તે હાસ્ય લેખક નથી. આમેય એક બે હાસ્યલેખ લખનારને હાસ્યલેખક ગણી પણ ન શકાય.
જ્યારે તુષાર દવે ફેસબુકની શરૂઆત થઇ ત્યારથી વન લાઇનર મુકી લોકોને હસાવતા આવ્યા છે. એટલે પુસ્તકમાં સેટાયર મોટા પ્રમાણમાં હોવાનું, કારણ કે તે વનલાઇનરના માણસ છે, લાઇક અશોક દવે.
એક હાસ્યલેખક બનવા માટે ઓબ્ઝર્વેશનની તાતી જરૂરીયાત રહેવાની. લેખકમાં તે કૂટી કૂટીને ભર્યું છે. જેનું ઉદારણ કૂતરા રૂપે ટાંકી શકાય.
વર્ષો પહેલા કૂતરાના ડરને કારણે તેમણે કૂતરા પરનો એક લેખ કરેલો, જોકે કૂતરામાં ઓબ્ઝર્વેશન જેવું કંઇ હોતું નથી. તે શાંત હોય, તો બેઠુ રહે અને ગુસ્સામાં હોય તો માત્ર કાન અને પૂંછડી ઉભી થાય, કોઇ કોઇવાર માત્ર પૂંછડીની દિશામાં પરિવર્તન આવી જાય. બીજુ કંઇ નહીં….
મારું માનવું છે કે જે માણસ કૂતરાનું ઓબ્ઝર્વેશન કરી જાણે એ દુનિયાનાં કોઇ પણ અઘરા વિષયો પર લખી શકે. તુષાર દવેને તેમાંથી જ એક ગણવા રહ્યા.
આમ તો હાસ્યનું સર્જન કરવા માટે તમારે બળવું પડે, વેદનાના લસરકામાંથી પસાર થવું પડે, પણ હમ્બો હમ્બોના લેખકને તમે રૂબરૂ મળો તો ખ્યાલ આવશે કે તેમને હાસ્યનું સર્જન કરવા માટે કોઇ વેદનાની જરૂર નથી પડી. તે પહેલા પણ હસતા હતા, આજે પણ હસે છે, ભવિષ્યમાં પણ હસતા જ રહેશે. માત્ર કોઇ કોઇવાર તલવાર તાણી લેવાની વૃતિથી તેઓ હાસ્યલેખક કરતા વીર માંગળાવાળામાં વધારે ખપાઇ જાય છે.
ઉપરોક્ત કૃતિના સર્જનકર્તા ખૂબ બોલકા છે. એ જો પુસ્તક વિમોચન કરવામાં આવ્યું તો શ્રોતાઓને ખબર પડી જ જશે. માની લો કે આપણા કવિ અંકિત ત્રિવેદી તેમના પુસ્તક વિમોચનમાં સુત્રધાર તરીકે આવ્યા, તો તેમને લેખકશ્રી બે શાયરી ફટકારવાનો પણ મોકો નહીં આપે. તે એકલે હાથે સ્ટેજ સંભાળી શકવા સક્ષમ ઉમેદવાર છે. તેમની આ ખાસિયતને જોતા આગામી સમયમાં તેઓ ચૂંટણીના મેદાનમાં ઉતરી શકવાની સંભાવના સેવી શકાય.
જો કે હાસ્ય સિવાય તેમનો અખૂટ પ્રેમ “શાયરી” પણ તમે ગણી શકો. દ્રિતીય વિશ્વયુદ્ધમાં હિટલરે પુસ્તકોની હોળી કરેલી. જો આજે કોઇ એવો વીર પાકે અને તમામ કવિતાના પુસ્તકોની હોળી કરી નાખે, તો તેનો સેનાપતિ તેને સલાહ આપવાનો ખરો, ‘તમારે પુસ્તકોની હોળી કરતા પહેલા તુષાર દવેને પકડવો જોઇએ કારણ કે આમાની મોટાભાગની કવિતાઓ તેને કંઠસ્થ છે. આ બાળી નાખશું, તો પણ કંઇ હાથમાં નથી આવવાનું.’
આમ અંગત રીતે પૂછવામાં આવે તો હાસ્યમાં તેઓ કટાક્ષ સારી રીતે કરી જાણે છે. તેઓ રામ મોરીને પોતાના કટાક્ષથી હેરાન કરી શકે છે (જેમના કારણે તેમનું શરીર નથી વધ્યું) તેઓ અભિમન્યુ મોદીને પણ કાટક્ષરૂપે લાભ આપી ચૂક્યા છે (જેના કારણે તેમનું શરીર ઘટી ગયું.) જો કે આ વાતનો તેમણે કોઇ દિવસ ફોડ પાડ્યો નથી, પણ હમ્બો હમ્બોના લેખકનો આમા હાથ હોવો જોઇએ એવું હું અંગત રીતે માનું છે.
આ 120 પાનાનું પુસ્તક છે એટલે ફિલ્મની માફક દોઢેક કલાકમાં તમે ખલ્લાસ કરી શકશો. પણ ખરીદજો અચૂક કારણ કે લેખકના કેટલાક ફોટા તલવાર તાણીને ઉભા છે, જો નહીં ખરીદો તો અવશ્ય તમારા પર તે ખુલ્લી તલવારથી હુમલો કરી શકે છે.
જ્યોતિન્દ્રએ શરૂ કર્યું ત્યાર સુધી તો કોઇ હાસ્યને સાહિત્યનો એક પ્રકાર ગણવા પણ તૈયાર નહોતા. રમણભાઇ નીલકંઠ, વિનોદ ભટ્ટ, બકુલ ત્રિપાઠી, રતિલાલ બોરિસાગર, તારક મહેતા અશોક દવે અને લલિત લાડના પ્રયત્નોને કારણે હવે ગુજરાતી સાહિત્ય હાસ્ય વિના સંભવી ન શકે તેનો વિવેચકોને પણ ખ્યાલ આવી ગયો છે.
છેલ્લે અધીર અમદાવાદીની ચીઢ ઢેબરા અને પલ્લવી મિસ્ત્રીના પુસ્તક બાદ લાંબા ગાળે હાસ્યનું કોઇ પુસ્તક આપણી સામે આવ્યું છે. હાસ્ય ઓછું લખાવાના કારણે એવી ચિંતા પણ ઘર કરી ગયેલી કે આગામી સમયમાં સાહિત્ય પરિષદો અને અકાદમીઓ જે ઇનામ આપે છે, તેમાં ક્યાંક લખેલું ન આવે, ‘આ પ્રકારમાં પુસ્તક પ્રાપ્ય નથી.’
કહેવાનું એટલું જ કે લેખક માટે નહીં, પણ ગુજરાતી હાસ્ય માટે તો પુસ્તક ખરીદવું જ.
હાસ્યમાં હમ્બો લાવવા માટે આભાર તુષાર.
~ મયૂર ખાવડુ
Leave a Reply