તારક મહેતા. આ નામ એવું છે કે ગુજરાતના દરેક વ્યક્તિનો તેની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંબંધ વણાયેલો છે. ભવિષ્યમાં પણ વણાતો રહેશે. કોઈને કોઈ બીજા વ્યક્તિને તારક વિશે કંઇક ને કંઈક કહેવાનું હોય છે ! આ વાક્ય સાથે પણ તમે અનુસંધાન જોડી શકો છો. પણ ખેર જેમને કહેવાનું અને પુસ્તકના સંપાદકોને જેની પાસે કહેવડાવવું હતું તેવો દળદાર ગ્રંથ આપણી સામે આવી ચૂક્યો છે. તેની રિલીઝ ડેટ તો તારક મહેતાના જન્મદિવસ પર હતી, પણ હવે રહી રહીને આપણે ખરીદી લીધો છે. નવભારત સાહિત્ય મંદિર અને ચિત્રલેખા જેવા બે ધુરંધર પ્રકાશકો છે. કવરપેજ પાકા પૂંઠાનું છે. પહેલા પૂંઠા પર તારક મહેતાએ ચશ્મા નથી પહેર્યા છેલ્લા પૂંઠે તેમના તખલ્લુસ સમાન બની રહેલા ઉલ્ટા ચશ્મા પ્રેઝન્ટ કરી રેસ્ટ ઈન લાફ્ટર લખી દેવાયું છે.
પુસ્તકની અંદરના લેખો બે ભાગમાં વિભાજીત કરી શકાય. એક તારક મહેતાના પરિવારજનોનો તેમની સાથેનો સંબંધ અને અન્ય લેખકો અને તારક મહેતાના ભાવકોનો સંબંધ. આપણે ત્યાં આ પ્રકારના પુસ્તકો ઓછા થયા છે. સૌરભ શાહે ચિત્રલેખાનાં જ હરકિષન મહેતા પર આવું એક પુસ્તક સંપાદિત કરેલું. જેમાં હરકિષન મહેતા સાથે ગુજરાતના લેખકોના જાણ્યા અજાણ્યા કિસ્સાઓ હતા. એ પહેલા ચંદ્રકાંત બક્ષી પર એક પ્રકાશિત થયું હતું. જે હોવું ન જોઈએ છતા પાતળી પરમાર જેવું હતું. એ સમયે પાછા લેખકો ધાણાભાજીના ભાવે નહોતા મળતા, જેમ આજે મળે છે અને બક્ષી સાથે સંબંધ રાખનારા લેખકો પણ ઓછા રહ્યા !!! વાંચકો પાસે તો આવો સ્મૃતિગ્રંથ લખાવવો પ્રકાશકને પરવડે નહીં ! પણ હવે તારક મહેતા આપણી સામે છે.
પુસ્તકનું સંપાદન ઈશાની શાહ અને ગિની માલવિયાએ કર્યું છે. ચંદ્રકાંત શાહે ‘ના’ શબ્દનો વધારે ઉપયોગ કરી આખરે પ્રસ્તાવના લખી જ નાખી છે. બે પાનામાં ફેલાયેલી પ્રસ્તાવનાં કેટલાક લેખો કરતા પણ મોટી છે. આ પુસ્તકની પ્રસ્તાવના અને નાના લેખો વિશે કહી શકીએ કે, ક્રિકેટમાં કોઈ ખેલાડી 52 બોલમાં સેન્ચુરી ફટકારે છે અને બીજો ખેલાડી 36 બોલમાં ત્યારે પ્રશંસકોના મતે 52 બોલમાં સેન્ચુરી ફટકારનારો દ્રવિડ સાબિત થયો કહેવાય.
પ્રસ્તાવના પછી મોદીજીનો પત્ર, પછી મોરારી બાપુ અને પછી તારક મહેતાના પત્ની ઇન્દુબહેને લખેલા બે લેખ સાથે ખરા અર્થમાં પુસ્તક પ્રવેશ થાય છે. ખાસ તો વિદેશમાં એવો ક્રેઝ છે કે લેખકોની દિનચર્યા શું હોય ? તેઓ શું ખાતા હોય જેથી આટલું બધું ઢસડી મારતા હોય, આપણી નવી પેઢીને પણ એવી ટેવ છે કે લેખકોની દિનચર્યાને ફોલો કરીએ. જેના વિશે ઈન્દુબહેને તારક મહેતાની રોજ બરોજની પ્રવૃતિ પર લખ્યું છે, ‘‘સવારે સાતેક વાગ્યે ઉઠે. પછી ચા પીવે. સવારે ક્યારેક ટીવી જુએ. ક્યારેક બપોરે પણ આરામ કરતા. સાંજે છ વાગ્યે અમારા સહાયક શંકરભાઈ એમને વ્હીલચેર પર બેસાડીને નજીકમાં ફરવા લઈ જાય. ત્યાંથી ઘરે આવીને જમે. રાત્રે ઉલ્ટા ચશ્મા…. સીઆઈડી અને ભાભીજી ઘર પર હૈ ટીવી સિરિયલ જુએ. એ બધું હવે યાદ આવે છે. એમનો બેડરૂમ જુદો. ત્યાં એ લખતા વાંચતા. ઉંમર અને માંદગીના કારણે તેમનો સહાયક રાત્રે તેમના રૂમમાં સૂઈ રહેતો. એ ક્યારેક રાતભર જાગતા રહેતા. ક્યારેક સવારે મારા જાગવાની રાહ જોતા. મને ચિંતા થતી કે ક્યારેક પડખું ફેરવતી વખતે કદાચ પલંગ પરથી ગબડી ગયા હશે તો ? એ બીકમાં હું ઝબકીને જાગી જાઉં’’ (તારક મહેતા-સ્મૃ.વિ-પેજ 6-7 લે-ઈન્દુબહેન)
તેમને પોતાના જૂના મકાન સાથે અહર્નિશ પ્રેમ હતો. ઈન્દુબહેને એ પણ કહ્યું છે કે મન થતું ત્યારે ખાડિયામાં આવેલી વાળા પોળ અને ઝૂમખી પોળમાં જતા. જ્યાં તેમનું પહેલા મકાન હતું. ફરવામાં તો કોઈવાર એ વિનોદ ભટ્ટ અને રતિલાલ બોરિસાગર સાથે જતા. હવે તો બોરિસાગર સાહેબને એકલા જ ફરવા જવાનું થતું હશે.
ખાસ ઈન્દુબહેને લખ્યું છે કે તેમને મહિને બે ફિલ્મો જોવાનો શોખ હતો, છેલ્લે કેરી ઓન કેસર નામની ગુજરાતી ફિલ્મ જોઈ હતી.
ઈન્દુબહેનના બે લેખ બરાબર પણ ઘણી વસ્તુઓ બીજા નંબરના લેખમાં રિપીટ થાય છે, તેનું ધ્યાન રાખવાની જરૂર હતી. બંન્ને લેખને ભેગા કરી એક સરસ આર્ટિકલ થઈ શક્યો હોત.
તારક મહેતા ઘણું બઘું જાણતા હશે. આ પુસ્તકમાં લખેલું છે કે તેમને અન્ય વ્યક્તિની પામેસ્ટ્રી જોવી ગમતી. પત્નીને તેમણે કહેલું મને ભીંત પર લોહીના ડાઘા દેખાઈ છે અને થોડા દિવસો પછી વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા થઈ ગઈ. આ વાક્ય તો દરેક વાંચક જ્યારે જ્યારે વાંચશે ત્યારે ત્યારે ખૌફ ઉભો કરનારું છે. ભલે તારક દાદા હાસ્યલેખક રહ્યા.
ઈશાની શાહે પપ્પા સાથેના સંસ્મરણો પર સરસ લખ્યું છે. તેમણે ફુલ ટાઈમ રાઈટીંગ અપનાવી લેવું જોઈએ એવી તેમની લેખનકળા છે. કોઇ પણ બે શબ્દોને રૂઢી પ્રયોગની જેમ સુંદર રીતે વાપરી જાણે છે. પુસ્તક હાથમાં આવતા જ ઘણા વાંચકોને ઉતાવળ હશે કે સિરિયલ કેવી રીતે તૈયાર થઈ ? આસિત મોદીના લેખમાં એ તમને ફેન રાઈટીંગ સ્વરૂપે જાણવા મળી જશે. અહીં તેની કોઈ વસ્તુ રિવીલ નહીં કરૂં. સિરીયલ તો ઠીક પણ આ બુકમાં તમને એ પણ જાણવા મળી જશે કે તારક મહેતાએ જેઠાલાલનું પાત્ર ક્યા વ્યક્તિ પરથી પ્રેરણા લઈ બનાવી કાઢેલું ?
અશોક દવેએ બીજા લેખકોની તુલનામાં તારક શા માટે સર્વશ્રેષ્ઠ તે લખ્યું છે. તેમના લેખમાં જાણવા જેવી ખૂબ થોડી પણ મહત્વની વસ્તુ એ છે કે, તારક મહેતા બીજા હાસ્યલેખકો અને નવોદિત્ત હાસ્યલેખકોને પણ વાંચતા. મુખ્યત્વે તેમના પર પી.જી વૂડહાઉસ અને જેરોમ.કે.જેરોમનો પ્રભાવ હતો. અંગ્રેજી સાહિત્યનું તેઓ પુષ્કળ પ્રમાણમાં વાંચન કરતા હતા.
પુસ્તકના બીજા મોટા લેખિકા એટલે કાજલ ઔઝા વૈદ્ય. તેમને લેખન અને જીવન આમ બંન્ને માટેની પ્રેરણા આપનારા તારક મહેતા હતા. પ્રસંગો સરસ છે. સ્ત્રી વાંચક વર્ગને કદાચ આંખોમાં પાણી આવી જાય તેવા છે. કોઈ વ્યક્તિ પર પુસ્તક બને છે ત્યારે લેખ કેવો હોવો જોઈએ તે માટે કાજલ ઔઝા વૈદ્યને વાંચી લેવા. પણ હજુ પેલો લેખક નથી આવ્યો જેની આપણે શિર્ષકમાં ચર્ચા કરી હતી. (મારું કામ મોદી સાહેબની યોજનાઓ જેવું છે, નહીં ?)
કેતન મિસ્ત્રીનો લેખ ઈન્ટરવ્યૂ ટાઈપ લાગશે પણ એકંદરે સારો છે. કૃષ્ણકાંત ઉનડકટથી લઈને ગીની માલવિયા સુધીના લેખે પહોંચો (20મો લેખ) એટલે ટેક્સબુકની માફક તમને પાક્કુ થઈ જશે કે તારક મહેતાએ કેટલા પુસ્તકો લખ્યા, પહેલા નાટકો લખતા, રાજકપૂર જેવા લાગતા, એક બહેને કહેલું કે તે ડાબી બાજુથી રાજકપૂર જેવા લાગતા, હા..શ, હિંચકો, ચાર્લી ચેપ્લિન…. સ્થિતિ એવી થાય કે ઈનકે પિતાજી જો બહોત બડે શિકારી થે…
ગદ્ય થઇ ગયું વચ્ચે પદ્ય પણ આવે છે. તારક મહેતા પર લખાયેલી કવિતાઓ છે. ગોવિંદ સરૈયા મિત્રતાની વાત કરે છે, જગદીશ ત્રિવેદી, શાહબુદ્દિન રાઠોડ, વિનોદ ભટ્ટ, રતિલાલ બોરિસાગર તેમના હાસ્યની વાત કરે છે. જયેશ અધ્યારૂના અપ્રત્યક્ષ સંસ્મરણો છે, જય વસાવડાએ પોતાની સ્ટાઈલમાં તારક મહેતાને અંજલી આપી છે. તારક મહેતા સિરીયલના કલાકારો છે. એટલું બધું છે કે તમે એકસાથે નહીં વાંચી શકો.
આવા પુસ્તકોને વાંચવાની પણ ટેક્નિક હોય છે. શાહરૂખ ખાન પર આ પ્રકારનું પુસ્તક થાય તો દરેક પાને તેના સિગ્નેચર સ્ટેપની વાત પહેલા આવવાની. આ પ્રકારના પુસ્તકોને એકધારા નહીં ધીમે ધીમે કટકે કટકે વાંચવાના હોય. જેથી તમામ લોકોનું લખેલું સમજી શકાય. કૌશિક મહેતાએ લખવું એટલે… નામનું પુસ્તક સંપાદિત કર્યું હતું. તેમાં ગુજરાતના મોટાભાગના લેખકો કેવી રીતે લખે છે તેની વાત છે. હવે તમે એક બેઠકે બધાને વાંચી જાઓ તો તમારે કોની લેખનકળા આત્મસાત કરવાની છે તેમાં ધ્યાન જ ન રહે. એટલે આ પ્રકારના પુસ્તકો વાંચતી વખતે એક-એક બે-બે એમ છુટ્ટા છવાયા લેખો વાંચવા. ખાસ કોફી બુક તરીકે ઉપયોગ કરવો. આખેઆખી વાંચશો તો કેરીનો રસ વધારે પીઓ તો ઝાડા થઈ જાય તેવી મગજની સ્થિતિ થશે.
બીજુ કે તારક મહેતાના મોસ્ટઓફ ફોટોગ્રાફસ આ બુકમાં છે. આ માટે ખાસ તો સંજય વૈદ્યનો આભાર માનવો પડે. આ પુસ્તક નહોતું આવ્યું ત્યારથી સંજય વૈદ્ય ફોટોગ્રાફી દ્વારા Eટસેટ્રામાં વિવિધ લેખકોના ફોટોગ્રાફ અને તેમના ખ્યાતનામ લખાણોનું સંપાદન કરતા આવ્યા છે. સ્થિતિ એવી છે કે ગુજરાતમાં કોઈ લેખકનું પુસ્તક પ્રકાશિત થાય તો લેખક કરતા લેખકનો ફોટો પાડનારા સંજય વૈદ્યને લોકો વધારે ઓળખે છે. લેખક કરતા એક ફોટોગ્રાફરની લોકપ્રિયતા વધારે છે !! આ પુસ્તકમાં ઘણા લેખો તો એવા છે કે તેના કરતા ફોટોની સાઈઝ વધારે છે. આ લેખો કરતા ફેસબૂકમાં ઘણા તારક ભાવકોએ તેમના પર લાંબુલચ લખ્યું હતું. સમગ્ર પુસ્તકમાં કોઈ વ્યક્તિ નોખો તરી આવે છે તો અજીત પોપટ. જેનો મજેદાર ઈન્ટરવ્યૂ છે. એટલા બધા લોકો છે કે આ આર્ટિકલમાં સમાવવા તે મારી ત્રેવડ બહારની વાત છે. માની લો અવેન્જર્સ ઈન્ફિનીટી વૉર છે.
પણ હવે એ લેખકની વાત જેણે ખરેખર ‘જલ્સો’ પાડી દીધો. નામ ઉર્વીશ કોઠારી. આમ તો તેઓ લેખક કરતા સંશોધક વધારે છે. ઉપરથી સચિનની જર્સીની માફક તેમનો લેખ નંબર પણ 10 છે. વધારે કહી લેખ વાંચવા માટેની તમારી મઝા નહીં બગાડુ પણ પ્રશ્ન પૂછી લેખ (પુસ્તક) વાંચવા માટેની તમારી તાલાવેલી વધારી શકુ છું.
જેનો બધા ઈન્ટરવ્યૂ લેવા માગતા હતા તે તારક મહેતાએ જ્યોતિન્દ્ર દવેનો ઈન્ટરવ્યૂ કઈ જગ્યાએ લીધો હતો ? તારક મહેતાનું હાસ્યલેખન ક્યા ગુજરાતી લેખક જેવું હતું ? ઉંધા ચશ્મા નામની કૉલમ 1930માં પણ ચાલતી હતી, કોના તંત્રી પદે અને તે સાપ્તાહિકનું નામ શું હતું ? ગુજરાતમાં ક્યા બે હાસ્યલેખકો એવા છે જેમણે સામેથી કૉલમ બંધ કરાવી ? અરે આ સવાલો પૂછી લેશો તો પણ કોઈ તલાટીની પરિક્ષામાં પાસ નહીં થાય. લીકની તો સાઈડમાં વાત રહી !!
છતાં જી લલચાય છે એટલે એક ફકરો કહી આટોપીએ, ‘‘તેમનું લખવાનું જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી કાગળ-પેન વડે જ રહ્યું. (છેલ્લે તે લખાવતા હતા) લખવા માટે તેઓ સારી ગુણવત્તા વાળો કાગળ અને પેનનો આગ્રહ રાખતા હતા. ઘણીવાર અમેરિકાથી કોરા કાગળ રીમ લઈ આવતા હતા. ત્રીસેક વર્ષ સુધી ઉંધા ચશ્મા લખ્યા બાદ તારકભાઈ થાક્યા હતા. એક વાર વાતચીતમાં તેમણે કહ્યું હતું (લેખ માટે તેમનાં હાથે લખેલાં બાર-તેર પાનાં જોઈએ તેમાંથી) રોજના બે પાનાં લખાઈ છે, લખવાની ઝડપ ઘટી ગઈ છે. મારી જ પોપ્યુલારીટીનાં ટ્રેપમાં હું ફસાયો છું… હવે મઝા આવતી નથી. પણ (વાંચકોની) જનરેશન બદલાય છે એટલે ચાલી જાય છે. (ડાયરી નોંધ 23-3-2000) (તા.મ.સ્મૃ.વિ- ઉર્વીશ કોઠારી-પાના નંબર-37)
મને આશ્ચર્ય એ વાતનું છે કે તારક મહેતા સીઆઈડી સિરીયલ જોતા હતા. તેમની વિદાય થઈ અને વર્ષોથી એપિસોડની વણઝાર ફેલાવતી સીઆઈડી બંધ થઈ ગઈ.
~ મયૂર ખાવડુ
Leave a Reply