નવદુર્ગા અને દસ મહાવિદ્યાઃ પ્રતીકોને પેલે પાર…
દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 10 ઓક્ટોબર 2018, બુધવાર
ટેક ઓફ
આદિ શક્તિનાં દસ સ્વરૂપો શા માટે પ્રગટ્યાં? આપણાં ધર્મસાહિત્યની પ્રતીકાત્મક કથાઓમાં આલેખાયેલી સ્થૂળ ઘટનાઓ, પાત્રાલેખન અને વર્ણનોમાં એટલું રસપ્રચુર ડિટેલિંગ થયેલું હોય છે કે ચકિત થઈ જવાય.
* * * * *
શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી. આજથી શરૂ થઈ રહેલી નવરાત્રિની નવ રાતો દરમિયાન મા દુર્ગાનાં આ નવ સ્વરૂપોની પૂજા થશે. રાધર, થવી જોઈએ. એ વાત અલગ છે કે નવરાત્રિ દરમિયાન મુંબઈ જેવા મહાનગરમાં અતિ ઉત્સાહી નરનારીઓ ‘ગોલી માર ભેજે મેં’ જેવાં ગેંગસ્ટર ગીતો પર પણ ઠેકડા મારતાં મારતાં નોનસ્ટોપ ડિસ્કો ડાંડિયા રમી શકે છે. આ બાબતમાં ફરિયાદ કરવાનું કે દુખી થવાનું પણ હવે અર્થહીન બની ગયું છે. આજે વાત કરવી છે આદિ શક્તિનાં દસ સ્વરૂપોની, જે દસ મહાવિદ્યા અથવા જ્ઞાનની દેવીઓ તરીકે પણ ઓળખાય છે.
આપણું ધર્મસાહિત્ય રસપ્રચુર કથા-ઉપકથાઓથી છલકાય છે. ધાર્મિક કથાઓ સામાન્યતઃ પ્રતીકાત્મક હોવાની. આ કથાઓમાં છૂપાયેલા ગૂઢ અર્થોને જોવાના હોય. શ્રદ્ધાળુ જ્યારે ગૂઢાર્થને પામી શકતો નથી ત્યારે એની ભક્તિ કેવળ વિધિઓ અને રીતિરિવાજોની શારીરિક ચેષ્ટાઓ પૂરતી સીમિત થઈ જાય છે. અલબત્ત, આ કથાઓની સ્થૂળ ઘટનાઓ, પાત્રાલેખન અને વર્ણનોમાં એટલું અદભુત ડિટેલિંગ થયેલું હોય છે કે ચકિત થઈ જવાય. દસ મહાવિદ્યા અથવા દુર્ગાનાં દસ સ્વરૂપો શા માટે પ્રગટ્યાં? શ્રી દેવીભાગવતપુરાણમાં આ પ્રશ્નનો ઉત્તર છે.
ભગવાન શિવ અને એમની પત્ની સતી વચ્ચે એકવાર વિવાદ થઈ ગયો. મા પાર્વતીનું પૂર્વજન્મનું નામ સતી હતું. સતી અને શિવનાં લગ્નથી સતીના પિતા દક્ષ પ્રજાપતિ નારાજ હતા. એમણે શિવજીનું અપમાન કરવાના આશયથી એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું. એમાં તમામ દેવી-દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું, ફક્ત શિવજી અને સતીને જ જાણી જોઈને બાકાત રાખવામાં આવ્યાં. સતીએ જીદ પકડી કે હું તો દીકરી કહેવાઉં, મારા નિમંત્રણની શું જરૂર? આપણે આ યજ્ઞમાં જવું જ છે. શંકરે એમની જીદની અવગણના કરી એટલે ક્રોધે ભરાયેલાં સતીએ મહાકાલીના ભયાનક અવતાર ધારણ કર્યો. તે જોઈને ભયભીત થઈ ગયેલા શંકર વારાફરતી દસેય દિશાઓમાં દોડ્યા. આ તમામ દિશામાં સતી નવાં નવાં સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થતાં રહ્યાં ને પતિને રોકતાં રહ્યાં. સતીનાં આ દસેય સ્વરૂપ, દસ મહાવિદ્યા તરીકે ઓળખાયા. આગળની કથા એવી છે કે શંકરનો વિરોધ હોવા છતાં સતી પોતાના પિતા દ્વારા આયોજિત યજ્ઞમાં પહોંચી ગયાં. ત્યાં પિતા-પુત્રી વચ્ચે વિખવાદ થઈ ગયો. પિતાએ જમાઈ શંકરની નીંદા કરી. આથી સતીએ યજ્ઞકુંડમાં ઝંપલાવીને પોતાના પ્રાણની આહૂતિ આપી.
તાંત્રિક પ્રકૃતિ ધરાવતી દસ મહાવિદ્યા પૈકીનું પહેલું સ્વરૂપ એટલે મા દુર્ગાનું કાલી સ્વરૂપ, જેનો મહિમા ગાવા આપણે નવરાત્રિ મનાવીએ છીએ. જેની પ્રકૃત્તિ આસૂરી હોય અને જે સંપૂર્ણપણે નિષ્ઠુર હોય એવાં તત્ત્વોનો નાશ કરવા માટે આદિ શક્તિ માતા કાલીનું સ્વરૂપ ધારણ કરે છે. બીજું સ્વરૂપ છે બગલામુખી. ધર્મસાહિત્યમાં એમનું મોહક વર્ણન થયું છે. મા બગલામુખી પીળા રંગની સાડી પહેરે છે. તેથી તેઓ પિતાંબરાવિદ્યા તરીકે પણ ઓળખાય છે. તેઓ સોનાના સિંહાસન પર બિરાજે છે, એમને ત્રણ નેત્ર અને ચાર હાથ છે, માથા પર મુગટ છે. બગલામુખીની સાધના શત્રુઓના ભયથી મુક્તિ મેળવવા માટે અને વાકસિદ્ધિ પામવા માટે થાય છે.
મા બગલામુખીનાં પ્રાગટ્યની એક કથા એવી છે કે સતયુગમાં એક વાર મહાવિનાશકારી તોફાન આવ્યું. પૃથ્વી પરનાં સમસ્ત સજીવોનું જીવનમાં સંકટમાં આવી પડ્યું. આથી ચિંતિત થઈ ગયેલા ભગવાન વિષ્ણુએ સૌરાષ્ટ્ર દેશમાં હરિદ્રા નામના સરોવરના કિનારે આકરું તપ કર્યુ. એનાથી પ્રસન્ન થઈને માતા ભગવતી સરોવરમાંથી બગલામુખી સ્વરૂપે પ્રગટ્યાં અને તોફાન અટકાવી દીઘું.
ત્રીજું સ્વરૂપ છે, છિન્નમસ્તા અથવા છિન્નમસ્તિકા દેવી. એમના એક હાથમાં પોતે જ કાપેલું ખુદનું મસ્તક છે, બીજા હાથમાં ખડગ છે. ગળામાં હાડકાંની માળા અને ખભા પર યજ્ઞોપવિત છે. દિશાઓ જ એમનાં વસ્ત્રો છે. કપાયેલી ગરદનમાંથી રક્તની જે ધારાઓ વહે છે એમાંથી તેઓ સ્વયં પાન પણ કરે છે અને વર્ણની તેમજ શાકિની નામની પોતાની બે સહેલીઓને પણ પીવડાવે છે! ભુવનેશ્વરી એ દસ મહાવિદ્યામાં સ્થાન પામતું મા દુર્ગાનું ચોથું સ્વરૂપ છે. ભુવનેશ્વરી સમગ્ર સંસારના ઐશ્વર્ય એટલે કે સુખ-સુવિધા-સમૃદ્ધિનાં સ્વામિની છે. તેઓ સુખ-સુવિધા આનંદની અનુભૂતિ કરાવે છે. વૈભવ પામવા માટે ભૌતિક પુરુષાર્થ કરો પડે, પણ વ્યાપક ઐશ્વર્ય પામવા માટે સાધનાત્મક પુરુષાર્થની જરૂર પડે.
શંકરનાં ઘણાં નામો છે. એમાંનું એક નામ છે, માતંગ. માતંગની શક્તિ એટલે માતંગી. દસ મહાવિદ્યાનું આ પાંચમું સ્વરૂપ. એમનો વર્ણ શ્યામ છે, તેઓ મસ્તક પર ચંદ્રમા ધારણ કરે છે. એમની ચાર ભુજાઓ ચાર વેદ સમાન છે. માતંગી મહાવિદ્યાની આરાધના કરનાર વ્યક્તિ કળા-સંગીતની પ્રતિભ થકી દુનિયાને વશ કરી શકે છે એવી માન્યતા છે. મા માતંગી સમતાનું પ્રતીક છે.
છઠ્ઠું સ્વરૂપ – મા ઘૂમાવતી. દેવી ઘૂમાવતીએ પ્રણ લીધું હતું કે જે મને યુદ્ધમાં હરાવી શકે એને જ હું મારો પતિ માનીશ, પણ આજ સુધી કોઈ એમને યુદ્ધમાં પરાસ્ત કરી શક્યું નથી. આથી દેવી ઘૂમાવતી એકલાં છે, વિરક્ત છે અને સ્વનિયંત્રક છે. એમનો કોઈ સ્વામી નથી. એક માન્યતા એવી છે કે દેવી ઘૂમાવતી ભગવાન શંકરનાં વિધવા છે. એક વાર ક્રોધમાં આવીને તેઓ પોતાના પતિ શંકરને ગળી ગયાં હતાં. તેથી તેઓ વિધવા સ્વરૂપ મનાય છે. દેવીનું ભૌતિક સ્વરૂપ ક્રોધના દુષ્પરિણામ તેમજ પશ્ચાતાપનું પ્રતીક છે. દેવી ધૂમાવતી પોતાના ભક્તને સંસારના બંધનોથી વિરક્ત થવાની શક્તિ પૂરી પાડે છે. આ શક્તિ વડે ભક્તને યોગની ઉચ્ચ અવસ્થાએ પહોંચવામાં તેમજ મોક્ષપ્રાપ્તિ કરવામાં મદદ મળે છે. દેવી ધૂમાવતીનું બીજું નામ અલક્ષ્મી છે. લક્ષ્મી અને અલક્ષ્મી બન્ને બહેનો છે. અલક્ષ્મી ગરીબ માણસના ઘરમાં દરિદ્રતાના સ્વરૂપમાં નિવાસ કરે છે.
તે પછી, ત્રિપુરાસુંદરી અથવા રિપુરસુંદરી અથવા ષોડશી. તેઓ સ્વભાવે સૌમ્ય છે, એમના હૃદયમાં દયા છે. ભક્તને આશીર્વાદ આપવા માટે સદા તત્પર રહે છે. એમની કાંતિ ઉદય પામી રહેલા સૂર્ય જેવી છે. મા ત્રિપુરાસુંદરીની તસવીર જોશો તો એમની ચારે તરફ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, પરાશિવ અને ગણેશ વિદ્યમાન છે. લક્ષ્મી અને સરસ્વતી એમને પંખો નાખે છે!
દસ મહાવિદ્યાનું આઠમું સ્વરૂપ મા તારા તરીકે જાણીતું છે. તારક (મુક્તિદાત્રી) હોવાને કારણે એમને તારા તરીકે આળખવામાં આવે છે. તંત્રસાહિત્યમાં મા તારાના અત્યંત ઉગ્ર ને ભયંકર સ્વરૂપોની કલ્પના કરવામાં આવી છે. દસ મહાવિદ્યાના નવમા સ્વરૂપને માતા ભૈરવીના નામે ઓળખવામાં આવે છે. ત્રણેય લોકમાં વિધ્વંસની જે શક્તિ છે, એ ભૈરવીની અભિવ્યક્તિ છે. મા ભૈરવી વિનાશક છે તો સાથે જ્ઞાનમયી પણ છે.
દસ મહાવિદ્યાનું અંતિમ સ્વરૂપ છે, દેવી કમલા. સદા કમળ પર બિરાજમાન રહેતાં આ દેવી દિવ્યતાનું પ્રતીક છે. તેઓ ધન અને સૌભાગ્યનાં અધિષ્ઠાત્રી દેવી છે. ધન-સંપત્તિ પ્રદાન કરતાં હોવાથી તેમને તાંત્રિક લક્ષ્મી તરીકે પણ આળખવામાં આવે છે.
આદિ દેવીના આ દસેય સ્વરૂપમાંથી અમુક રૌદ્ર છે, અમુક સૌમ્ય. ગુહ્યાતિગુહ્ય તંત્ર આ દસ મહાવિદ્યાઓને વિષ્ણુના દસ અવતાર સાથે સાંકળે છે. ખરેખર, આપણાં શાસ્ત્રો-પુરાણોમાં ધોધમાર વહેતો વાર્તારસ અને સંજ્ઞા-પ્રતીકોનું ઘટાટોપ અભિભૂત કરી દે તેવાં છે!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year Oct, 2018 )
Leave a Reply