ગાંધીજીનું ચાલત તો એમણે ગોડસેને ફાંસી ન થવા દીધી હોત!
દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 6 ફેબ્રુઆરી 2019
ટેક ઓફ
‘ગોડસે એ તો જરૂર જાણતા હશે કે પોતે જેમ ગાંધીજીને હિંદુઓના દુશ્મન માનતા હતા એમ મુસ્લિમ લીગ તેમને મુસલમાનોના દુશ્મન માનતા હતા. હકીકત એ હતી કે ગાંધીજી અન્યાય અને અસત્યના દુશ્મન હતા, હિંદુ કે મુસલમાનના નહીં.’
* * * * *
ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેએ પોતાના ભયાનક કૃત્યને સાચું ઠેરવતું 90 પાનાંનું નિવેદન અદાલતમાં પેશ કર્યું હતું. એના સ્ફોટક લાગે એવા થોડા અંશ આપણે ગયા બુધવારે જોયા. ગાંધીજીના અંગત સચિવ અને ‘મારું જીવન એ જ મારી વાણી’ શીર્ષક હેઠળ ગાંધીજીનું અદભુત જીવનચરિત્ર આલેખનાર નારાયણ દેસાઈ ‘જીવ થકી શિવ ગયો’ નામના પ્રકરણમાં લખે છેઃ
‘જેમણે ગાંધીજીના જીવનનો કાંઈક પણ અભ્યાસ કર્યો હશે તેમને સારુ કોર્ટ આગળ પોતાની જાતને સાચી ઠેરવવા માટે ગાંધીજી વિશે સાફ જુઠ્ઠાણાં અને એનાથીયે વધારે દ્વેષ ભરેલા અર્ધસત્યોને વારંવાર ગાઈ ગાઈને એમને (ગાંધીજીને) હિંદુ ધર્મના અને ભારતના ભયંકર શત્રુ ચીતરવાના ગોડસેના આ આક્ષેપો ઘણા હાસ્યાસ્પદ અને ઘણા દયાજનક લાગશે. ગાંધીજીના સમગ્ર જીવનચરિત્રમાં એ આક્ષેપોના જવાબ ઠેર ઠેર વેરાયેલા છે.’
ગોડસેનો આક્ષેપ હતો કે ગાંધીજી હિંદુઓના દોષો જ જોતા, મુસલમાનોના દોષો એમને દેખાતા નહીં. નારાયણ દેસાઈ કહે છે કે ગાંધીજી હિંદુઓની જ હંમેશા નીંદા કરતા અને મુસ્લિમોની સદા તારીફ કરતા એમ કહેવું એ તો કમળાને રોગીને બધું પીળું દેખાય એના જેવું છે. ગાંધીજી એની જ તરફદારી કરતા જે પીડિત હોય. નારાયણભાઈ લખે છેઃ
‘શું ગોડસે નહોતા જાણતા કે ગાંઘીજીએ નોઆખલીમાં હિંદુઓના આંસુઓ લૂછવા અઠવાડિયાંના અઠવાડિયાં સુધી ઉઘાડે પગે, એને જાનના જોખમે યાત્રા કરી હતી? ગોડસેને કદાચ એ નયે ખબર હોય કે કોહાટના હુલ્લડો વખતે હિંદુ લઘુમતીઓ પર થયેલા અન્યાયનું પ્રતિપાદન કરીને ગાંઘીજીએ અલીભાઈઓ સાથે કાયમી અલગાવ વહોરી લીધો હતો, પણ ગોડસે એ તો જરૂર જાણતા હશે કે પોતે જેમ ગાંધીજીને હિંદુઓના દુશ્મન માનતા હતા એમ મુસ્લિમ લીગ તેમને મુસલમાનોના દુશ્મન માનતા હતા. હકીકત એ હતી કે ગાંધીજી અન્યાય અને અસત્યના દુશ્મન હતા, હિંદુ કે મુસલમાનના નહીં. એટલે તેમણે બિહારમાં જેમ હિંદુઓએ મુસ્લિમો પર ગુજારેલા અત્યાચારના સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી, તેવી જ ઝાટકણી તેમણે મુંબઇના મુસ્લિમ મવાલીઓની પણ કાઢી હતી. જ્યાં જેની પર અન્યાય, અત્યાચાર થતો રહ્યો ત્યારે ત્યાં તેઓ અત્યાચારપીડિતની સાથે રહ્યા. છેલ્લી વાર દિલ્હીમાં તેઓ રહ્યા ત્યારે ત્યાં હિંદુઓ મોટા પ્રમાણમાં મસ્જિદોમાં કે મુસલમાનોનાં ખાલી થયેલા ઘરોમાં ઘૂસી જતા હતા. ગાંઘીજીએ હિંદુઓ અને શિખોને તેમ ન કરવા આગ્રહ કર્યો હતો, તેની સાથે સાથે જ તેમણે નિરાશ્રિતોની વહેલામાં વહેલી તકે વ્યવસ્થા કરવા સારુ સરકારને આગ્રહ કર્યો હતો. એમનાં પ્રાર્થનાપ્રવચનોમાં તેમણે અનેક વાર પાકિસ્તાનમાં થઈ રહેલા હિંદુઓ પરના જુલ્મોની ટીકા કરી હતી, અને એમની વચ્ચે વહેલામાં વહેલા પહોંચવા માગતા હતા, પણ ગોડસેની ગોળીઓએ એમનું પાકિસ્તાન જઈને હિંદુઓની પડખે ઊભા રહેવાનું સપનું વેરણછેરણ કરી નાખ્યું.’
આગળ વધતાં પહેલાં ઉપરના અવતરણમાં જે કોહાટના હુલ્લડોનો ઉલ્લેખ થયો છે તે વિશે થોડી વાત કરી લઈએ. ભારતની નોર્થ-વેસ્ટ એટલે કે વાયવ્ય દિશામાં પાકિસ્તાનના ખૈબર પખ્તૂનવાલા પ્રાંતમાં કોહાટ જિલ્લો છે, એમાં આ કોહાટ નગર આવેલું છે. અગાઉ એ ભારતખંડનો અંશ હતું, પણ ભાગલા પછી એ પાકિસ્તાનનો હિસ્સો બની ગયું. 1924માં 9થી 11 સપ્ટેમ્બર દરમિયાન અહીં કોમી રમખાણ ફાટી નીકળ્યાં હતાં. કુલ 155 લોકો મરાયા, જેમાંના ત્રીજા ભાગના હિંદુ યા તો શિખ હતા. કોહાટમાં એ વખતે હિંદુઓની વસ્તી લગભગ 3200 જેટલી હતી. આ રમખાણ પછી સૌને કોહાટમાંથી અન્યત્ર ખસેડવા પડ્યા હતા. હિંદુઓ પર થયેલા આ અન્યાયનો ગાંધીજીએ વિરોધ કર્યો હતો અને મુસ્લિમોની ખફગી વહોરી લીધી હતી. આ પંથકમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે શાંતિ સ્થપાય એ માટે ગાંધીજીએ 21 દિવસના ઉપવાસ પણ કર્યા હતા.
ગોડસેનો આક્ષેપ હતો કે કોંગ્રેસ ગાંધીજીના ઈશારા મુજબ ચાલતી હતી. પોતાની કોઈ વાત સરકાર ન માને તો ગાંધીજી ઉપવાસ કરવાની ધમકી આપતા. સરકાર ગાંધીજીની આજ્ઞા મુજબ ચાલ્યા કરશે અને તેથી લીધે હિંદુઓ પર અન્યાય થતો રહેશે એવું ગોડસેનું માનવું હતું. નારાયણ દેસાઈ આ મુદ્દાનું ખંડન શી રીતે કરે છે?
‘ગાંધીજી કોંગ્રેસ પાસેથી ધારેલું કરાવી લેતા એમ કહેવામાં ગોડસે ભીંત ભૂલ્યા છે. આ બાબત ગોડસેએ જે દાખલા આપ્યા છે તે લગભગ બધા 1939 પછીના છે, પણ 1934થી કોંગ્રેસ ગાંધીજીની અનેક નીતિઓ બાબત મતભેદ ધરાવતી થઈ ગઈ હતી અને છેવટે દેશના ભાગલાનો નિર્ણય પણ કોંગ્રેસી આગેવાનોએ ગાંધીજીના વિરોધને અવગણીને જ કર્યો હતો. ગાંધીજીનાં વચનોની કોંગ્રેસના નેતાઓ ઉપર અસર પડતી હતી એ વાતમાં તથ્ય જરૂર હતું, પણ મતભેદ હોય ત્યારે એ સૌને પોતપોતાના મત મુજબ જ વર્તવાનો ગાંઘીજીએ સતત આગ્રહ રાખ્યો હતો એ પણ એટલું જ સાચું હતું.’
ગોડસે કહે છે કે પાકિસ્તાનની રચના થવાથી હાનિ કેવળ હિંદુઓની જ થઈ. કોંગ્રેસે તે વખતે અદભુત નપુંસકતા દેખાડી અને તે કોઈ સ્થાને હિંદુઓની રક્ષા ન કરી શકી. ગાંધીજી મુસલમાનોનો પક્ષ લેતા રહ્યા. જે લાખો હિંદુઓ લૂંટાયા, મરાયા, નષ્ટ થયા, આ ગાંધીજીએ એમને સારુ એક શબ્દ પણ ન કહ્યો.
હવે નારાયણભાઈની પ્રતિદલીલ સાંભળોઃ
‘પાકિસ્તાનની રચના પછી જે કંઈ અત્યાચારો થયા એ બધા હિંદુઓ પર જ થયા એ હકીકતને હિંદુત્વનાં ચશ્માં ચડાવનારા સિવાય બીજા કોઈ સ્વીકારી શકે એમ નથી. હકીકત એ હતી કે નુક્સાન હિંદુ, મુસ્લિમ અને શિખ ત્રણેયને થયું હતું. ધાર્યા કરતાં ઘણું વધારે નુક્સાન સીમારેખાની બન્ને બાજુએ થયું હતું. આવું ભયંકર નુક્સાન થઈ શકે એવી ચેતવણી એકમાત્ર ગાંધીજીએ જ આપી હતી, એમ ખુદ (બ્રિટીશ ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ) માઉન્ટબેટને સ્વીકાર કર્યો હતો.’
આગળ લખે છેઃ
‘ગાંધીજીની કરણી અને કથની જુદી જુદી હતી એમ કહીને ગોડસેએ ગાંધીજી પર અસત્યાચરણનો આરોપ લગાવ્યો છે. એને શું કહેવું? ગાંધીજીના વિચારોમાં પરિવર્તન આવ્યું હોય ત્યારે તેમણે એની જાહેરમાં ચર્ચા કરી છે એ વાત સાચી, પણ તેથી તેમને અસત્યભાષી સાબિત કરવાનો પ્રયત્ન કરવો એ સાબિત કરવા મથનારીની દષ્ટિનો જ દોષ સૂચવે છે.’
39 વર્ષના નાથુરામ ગોડસેને અંબાલા સેન્ટ્રલ જેલમાં 15 નવેમ્બર 1949ના રોજ ફાંસી આપવામાં આવી હતી. ગાંધીજીએ ખુદ આવું ન ઇચ્છ્યું હોત. એમણે અગાઉ કહ્યું હતું કે જો હત્યા જેવી આત્યંતિક સ્થિતિ ઊભી થાય તો પણ પોતાના હત્યારાને કોઈ સજા ન થવી જોઈએ. ગાંઘીજી જેવું જ વલણ એમના પરિવારજનોનું હતું. એમનું સ્પષ્ટપણે માનવું હતું કે ગાંધીવાદમાં ધિક્કારને સ્થાન હોઈ શકે જ નહીં. નારાયણ દેસાઈએ પોતાના બીજા એક પુસ્તક ‘મને કેમ વિસરે રે?’માં એક બહુ સરસ વાત લખી છે.
ગાંધીજીના બીજા નંબરના પુત્ર રામદાસ ગાંધીનું મૃત્યુ 1969માં થયું. એમના છેલ્લા દિવસો ગણાઈ રહ્યા હતા ત્યારે એમના ખબરઅંતર પૂછવા ઘણા લોકો આવતા. ડોક્ટરોએ જોકે સૂચના આપી રાખી હતી કે રામદાસને ખલેલ ન પહોંચે તે ખાસ જોવું. એક દિવસ બે પુરુષો આવ્યા અને એમણે રામદાસને મળવાની માગણી કરી. એમને ના પાડવામાં આવી એટલે તેઓ પાછા વળી ગયા. એ જ વખતે રામદાસના કુંટુંબીજનોમાંથી કોઈને ખબર પડી કે એ બેમાંથી એક આદમી ગોપાલ ગોડસે છે, ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેનો સગો ભાઈ. ગોપાલ ગોડસે એ જ અરસામાં જેલમાંથી છૂટીને બહાર આવ્યા હતા. એમને રામદાસ ગાંધીને મળવાની છૂટ આપવામાં આવી. મૃત્યુશય્યા પર પોઢેલા રામદાસ ગાંધીના પગ પાસે જઈને ગોપાલ ગોડસેએ નમન કર્યું. પછી કહ્યુઃ
‘લોકો ભલે ગાંધીજીને મહાત્મા કહેતા, પણ અમે તો આપને જ મહાત્મા ગણીએ છીએ. પોતાના પિતાની હત્યા કરનારને ફાંસી ન આપવી જોઈએ એવું કહેનાર કોઈ મહાત્મા જ હોઈ શકે!’
ખરેખર, માત્ર નાયકને જ નહીં, ખલનાયકને પણ એક કરતાં વધારે દષ્ટિકોણથી જોઈ શકાતો હોય છે અને મૂલવી શકાતો હોય છે…
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2019 )
Leave a Reply