Sun-Temple-Baanner

માય નેમ ઇઝ દોવલ… અજિત દોવલ!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


માય નેમ ઇઝ દોવલ… અજિત દોવલ!


માય નેમ ઇઝ દોવલ… અજિત દોવલ!

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 13 March 2019

ટેક ઓફ

આપણે ફિલ્મોમાં જાસૂસોના દિલધડક દશ્યો જોઈએ છીએ અને જાસૂસી નવલકથાઓ વાંચીને અચંબિત થઈએ છીએ. ભારતમાં નરેન્દ્ર મોદી પછીના સેકન્ડ મોસ્ટ પાવરફુલ માણસ ગણાતા અજિત દોવલ આવું જીવન વાસ્તવમાં જીવ્યા છે!

* * * * *

નરેન્દ્ર મોદી પછી ભારતના બીજા નંબરના સૌથી પાવરફુલ માણસ ગણાતા અજિત દોવલની પરાક્રમગાથા આગળ લંબાવીએ. અજિત દોવલ એટલે ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર (એનએસએ). આપણું મિડીયા એમને યોગ્ય રીતે જ ભારતીય જેમ્સ બોન્ડ, સુપર સ્પાય, મહાજાસૂસ જેવાં વિશેષણોથી નવાજે છે. ભારતે છેલ્લાં વર્ષોમાં કરેલી તમામ સર્જિકલ સ્ટ્રાઇક્સ પાછળ અજિત દોવલનું ભેજું કામ કરતું હતું એ આપણે હવે જાણીએ છીએ.

આ માણસનું જીવન અને કાર્ય એટલાં ભવ્ય છે કે એના પરથી પ્રેરણા લઈને ફિલ્મો બની છે. જેમ કે, સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ, ‘એક થા ટાઇગર’ (2017). આઇએસઆઇએસના આતંકવાદીઓએ 2014માં ઇરાનની એક હોસ્પિટલમાં 46 ભારતીય નર્સોને બાનમાં રાખી હતી. ઘટનાસ્થળ પર એક્ઝેક્ટલી શી પરિસ્થિતિ છે એનો તાગ મેળવવા માટે અજિત દોવલ તાત્કાલિક ઇરાન પહોંચી ગયેલા. એમણે ઇરાનની સરકાર સાથે હાઇ-પાવર્ડ મિટીંગો કરી અને એવા ચક્કર ચલાવ્યા કે આતંકવાદીઓએ બંધકોને મુક્ત કરવા પડ્યા. અજિત દોવલ અને એમની ટીમ તમામ 46 નર્સોને હેમખેમ ભારત લાવવામાં સફળ રહ્યા. ‘ટાઇગર ઝિંદા હૈ’ આ ઘટનાક્રમ પર આધારિત છે. આ ફિલ્મમાં સલમાન રિટાયર્ડ રૉ (રિસર્ચ એન્ડ એનેલિસિસ વિંગ) ઓફિસર બન્યો છે.

અજિત દોવલ ખુદ 2004-05 દરમિયાન આઈબી (ઇન્ટેલિજન્સ બ્યુરો)ના ડિરેક્ટર રહી ચુક્યા છે. કહે છે કે 2014ની લોકસભાની ચુંટણીનું પરિણામ આવે તેની પહેલાં જ નરેન્દ્ર મોદીએ નક્કી કરી નાખ્યું હતું કે મારો નેશનલ સિક્યોરિટી એડવાઇઝર તો અજિત દોવલ જ હશે! અજિત દોવલ આજે 73 વર્ષના છે. 1969માં તેઓ કેરલા કેડરના આઇપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) બન્યા. સામાન્યપણે પોલિસ મેડલ મેળવવા માટે કમસે કમ સત્તર વર્ષની સર્વિસ પૂરી થવી જરૂરી છે, પણ અજિત દોવલની કામગીરી એટલી અસાધારણ હતી કે એમને છ જ વર્ષની સર્વિસ બાદ આ મેડલ આપવમાં આવ્યું હતું. 1988માં એમને કીર્તિ ચક્ર એનાયત થયો. આ અત્યંત પ્રતિષ્ઠિત ખિતાબ અગાઉ કેવળ મિલિટરી ઓફિસરોને જ અપાયો હતો. અજિત દોવલ ભારતના પહેલા પોલીસ ઓફિસર છે જેમને કીર્તિ ચક્ર પ્રદાન કરવામાં આવ્યું હોય.

છેલ્લાં વર્ષોમાં પાકિસ્તાન અને અન્ય પાડોશી દેશો પ્રત્યેના ભારતના ડિપ્લોમેટિક તેમજ લશ્કરી વલણમાં જે રીતે નક્કર ફેરફાર થતો ગયો છે તેની સાક્ષી આખી દુનિયા છે. અગાઉ આપણે ડિફેન્સિવ (બચાવની મુદ્રામાં) રહેતા, પછી ડિફેન્સિવ-ઓફેન્સિવ બન્યા. હવે આપણે સંપૂર્ણપણે આક્રમક બનીને પાકિસ્તાનમાં ઘૂસીને આત્મવિશ્વાસપૂર્વક સર્જિકલ સ્ટ્રાઇક્સ કરી આવીએ છીએ. ભારતની સિક્યોરિટી પોલિસીમાં આવેલા આ પરિવર્તનનો મોટો જશ અજિત દોવલને આપવામાં આવે છે.

ઇન્ટેલિજન્સ કમ્યુનિટીમાં એમનું બહુ મોટું નામ છે. ઊભરતા ઇન્ટેલિજન્સ ઓફિસરો એમને પોતાના રોલ મોડલ ગણે છે. એમની કામ કરવાની શૈલી હંમેશા અનૌપચારિક રહી છે. સરકારી બાબુ બનીને એરકન્ડીશન્ડ ઓફિસમાં બેઠા બેઠા રિપોર્ટ બનાવ્યા કરવામાં એમને ક્યારેય રસ પડ્યો નથી. તેઓ ફિલ્ડના માણસ છે. જીવ હથેળી પર લઈને જીવ્યા છે. સાઇકોલોજિકલ વોરફેરના તેઓ માસ્ટર છે. માનવઅધિકારના છાજિયાં લઈને ગુંડા-મવાલી-આતંકવાદીઓની તરફેણ કરનારાઓને તેમણે કદી ભાવ આપ્યો નથી.

1993માં મુંબઇમાં બોમ્બ બ્લાસ્ટ્સ થયા તે પછી અન્ડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમને પકડવા માટે અજિત દોવલ કટિબદ્ધ હતા. પણ પોલીસ ડિપાર્ટમેન્ટના કોઈ ભ્રષ્ટ ઓફિસરે નીચતા આદરી. એણે દાઉદને સતર્ક કરી દીધો. અજિત દોવલ કોઈ એક્શન લે તે પહેલાં જ દાઉદ નાસી ગયો. અજિત દોવલ જોકે અબુ કાસમને ખતમ કરવામાં અને છોટા રાજનને ગિરફ્તાર કરવામાં સફળ રહ્યા. દાઉદ આજની તારીખે પણ એમના નિશાના પર છે. હાફિઝ સઈદ પણ.

બહુચર્ચિત કંદહાર હાઇજેકની ઘટમાળમાં પણ અજિત દોવલ હિસ્સેદાર હતા. 1999માં નેપાળથી ઉપડેલું ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન દિલ્હી પહોંચે તે પહેલાં જ હાઇજેક થઈ ગયેલું. અમૃતસર, લાહોર, દુબઈ થઈને આખરે એ અફઘાનિસ્તાનના કંદહાર શહેરના એરપોર્ટ પર લેન્ડ થયું. એ વખતે અફઘાનિસ્તાન પર તાલિબાનનો અંકુશ હતો. બહુ ઝડપથી એક હકીકત સ્પષ્ટ થઈ ગઈ કે આ પ્લેન હાઇજેક કરનાર હરકત-ઉલ-મુજાહિદ્દીન જૂથ સાથે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ પણ ભળેલી છે. અપહરણકર્તાઓ સાથે વાટાઘાટ કરવા માટે ભારતથી જે ત્રણ પ્રતિનિધિઓની ટીમ મોકલવામાં આવી એમાંના એક અજિત દોવલ હતા. અપરાધીઓએ શરત મૂકી કે તમે ભારતની જેલમાં પૂરાયેલા અમારા ત્રણ માણસોને મુક્ત કરશો તો જ અમે આ પ્લેન અને એમાં પૂરાયેલા તમામ મુસાફરોને તમારા હવાલે કરીશું. ભારતે નછૂટકે એમનું કહેવું માનવું પડ્યું. અજિત દોવલ આજની તારીખે પણ કહે છે કે અપહરણકારોને જો આઇએસઆઇનો સાથ ન મળ્યો હોત તો આપણે બાજી આપણા પક્ષમાં પલટાવી શક્યા હોત.

વચ્ચે ડોકલામની કટોકટી વખતે અજિત દોવલનું નામ ઇન્ટરનેશનલ મિડીયામાં ચર્ચાયું હતું. ડોકલામ પાસે ભારત, ભુતાન અને ચીન આ ત્રણેય દેશની સરહદો એકબીજાને મળે છે. ભૌગોલિક રીતે ડોકલામ ભુતાનમાં પડે છે અને ચીન છેક અહીં સુધી પાક્કો રોડ બનાવવાની હિલચાલ કરવા માંડ્યું હતું. ભારતે એનો વિરોધ કર્યો, કેમ સુરક્ષાની દષ્ટિએ ડોકલામ અત્યંત સંવેદનશીલ જગ્યા છે. ચીન ડોકલામ સુધી એટલે કે ભારતની નોર્થ-ઇસ્ટ બોર્ડર સુધી ઘસી આવે જાય એ આપણને ન જ પરવડે. ચીને ખૂબ ધમપછાડા કર્યા, પણ ભારત મક્કમ રહ્યું. આખરે પરિસ્થિતિ થાળે પડી. ભારતીય સરહદની સુરક્ષા સચવાઈ ગઈ.

ડોકલામની કટોકટી ઊભી થઈ તે પહેલાં જ ચીનના મિડીયાનું ધ્યાન અજિત દોવલ તરફ ખેંચાયું હતું. ચીની મિડીયાએ અજિત દોવલને ભારતના આક્રમક વલણના પ્રતીક અને બોર્ડર પર ચાલી રહેલી ભારતીય ગતિવિધિઓને આકાર આપનારા ‘મેઇન સ્કીમર’ તરીકે વર્ણવ્યા હતા.

અજિત દોવલ આઉટ-ઓફ-ધ-બોક્સ થિંકર છે. કોઈ સમસ્યા આવી પડે ત્યારે ટિપિકલ ઉપાય અજમાવાને બદલે તેઓ ભળતી જ દિશામાં વિચારે છે. તેઓ ધ વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન નામની સંસ્થાના ફાઉન્ડર ડિરેક્ટર છે. આ સંસ્થા એક ‘થિંક ટેન્ક’ છે. એક વર્ગ એને રાઇટ વિંગ થિંક ટેન્ક કહે છે. ભારતના શ્રેષ્ઠતમ બુદ્ધિમંત લોકો અહીં આવીને દેશ-દુનિયાના આંતરરાષ્ટ્રીય પ્રવાહોના સંદર્ભમાં ભારતીય હિત શી રીતે સચવાય તે વિશે ચર્ચા-વિચારણા કરે છે.

અજિત દોવલે પાકિસ્તાનમાં રહીને કરેલા કારનામા વિશે વિગતે વાત ન કરીએ તો વાત અધૂરી રહી જાય. તેઓ પાકિસ્તાનમાં સાત વર્ષ મુસ્લિમ દેખાવ ધારણ કરીને છૂપા વેશે રહ્યા હતા. સાત વર્ષ… અને આઇએસઆઇને ગંધ પણ ન આવી કે એક ભારતીય જાસૂસ પાકિસ્તાનીઓમાં ભળી જઈને, આંખ-કાન સતત ખુલ્લા રાખીને ગુપ્ત માહિતી એકઠી કરી રહ્યો છે! અજિત દોવલના આ ગુપ્તવાસ દરમિયાન એક રસપ્રદ કિસ્સા બન્યો હતો. એક વાર તેઓ લાહોરની ભીડભાડભરી મઝારમાંથી નમાજ પઢીને બહાર આવી રહ્યા હતા. તેઓ નખશિખ મુસ્લિમ ગેટઅપ હતા. એક મુસ્લિમ આદમી ક્યારનું એમનું નિરીક્ષણ કરી રહ્યો હતો. સફેદ લાંબી દાઢી, આકર્ષક વ્યક્તિત્ત્વ. એણે અજિત દોવલને પાસે બોલાવીને કહ્યુઃ તું તો હિંદુ છે! અજિત દોવલે સ્વસ્થતા જાળવી રાખીને જવાબ આપ્યોઃ ના, હું હિંદુ નહીં, મુસ્લિમ છું. પેલા આદમીએ કહ્યુઃ ચાલ મારી સાથે. અજિત દોવલ એમની સાથે નીકળી પડ્યા. બે-ચાર ગલીઓ વટાવીને માણસ એમને એક ઘરના કમરામાં લઈ આવ્યો. દરવાજો અંદરથી બંધ કરીને એણે પોતાની વાત દોહરાવીઃ જો દોસ્ત, તું હિંદુ જ છે. અજિત દોવલે પૂછ્યુઃ આવું તમને કેમ લાગે છે? એણે કહ્યુઃ તારા કાન વીંધાયેલા છે એના પરથી. મુસ્લિમ પુરુષો ક્યારેય કાન વીંધાવતા નથી!

અજિત દોવલ નાના હતા ત્યારે એમનું કર્ણછેદન કરવામાં આવ્યું હતું. અજિત દોવલે વાત બદલીઃ હું જન્મે હિંદુ છું, પણ પછી કન્વર્ટ થઈને મુસ્લિમ બન્યો છું. આદમીએ કહ્યુઃ ના, તું આજની તારીખે પણ હિંદુ જ છે. તું માત્ર મુસ્લિમ હોવાનું નાટક કરી રહ્યો છે! અજિત દોવલ તાજ્જુબ થઈ ગયા. આખરે માણસે ઘટસ્ફોટ કર્યોઃ હું પણ હિંદુ છું! હું પણ મુસ્લિમ વેશ કાઢીને, મુસ્લિમ રહેણીકરણી અપનાવીને દિવસો ટૂંકા કરી રહ્યો છું. મારા પરિવારના બધા સભ્યોને આ લોકોએ મારી નાખ્યા. મારી પાસે જીવ બચાવવાનો આ એક જ ઉપાય હતો – મુસ્લિમ હોવાનો અંચળો ઓઢીને જીવવાનો.

માણસે કબાટ ખોલ્યો. એક ખાનામાં શિવજી અને દુર્ગાની નાનકડી મૂર્તિઓ હતી. એણે કહ્યુઃ હું રોજ આપણાં દેવદેવીની પૂજા કરું છું. કોઈ હિંદુને જોઉં છું કે મળું છું ત્યારે મને બહુ આનંદ થાય છે. એણે અજિત દોવલને સલાહ સુધ્ધાં આપી કે વીંધાયેલા કાન સાથે આ દેશમાં રહેવું જોખમી છે. પ્લાસ્ટિક સર્જરી કરાવીને કાનનું છિદ્ર પાછું પૂરી દે! અજિત દોવલે પછી પ્લાસ્ટિક સર્જરી કરાવી પણ ખરી. એમના કાન પર પ્લાસ્ટિક સર્જરીનું હળવું નિશાન આજે પણ દેખાય છે!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2019 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.