પેલી એરિનનું પછી શું થયું?
દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 5 જૂન 2019
ટેક ઓફ
‘શહેરોમાં પ્રદૂષણની સ્થિતિ તો જ સુધરશે જો આપણે સૌ સંપીને સત્તાવાળાઓને જવાબદાર ઠેરવીશું. માત્ર કેન્દ્ર સરકાર જ નહીં, સ્થાનિક પ્રતિનિધિઓને ચૂંટવામાં પણ આપણે એટલા જ સતર્ક રહેવું જોઈએ.’
* * * * *
જો તમે પર્યાવરણના સંવર્ધન માટે મોટા ગજાનું કામ કરતા વિશ્વસ્તરના એક્ટિવિસ્ટોને ફોલો કરતા હશો તો શક્ય છે કે તેમે એરિન બ્રોકોવિચનું નામ જાણતા હો. જો તમે હોલિવૂડ સુપરસ્ટાર જુલિયા રોબર્ટ્સના ચાહક હશો તો તો તમે એરિન બ્રોકોવિચનું નામ સો ટકા જાણતા હશો. જુલિયા રોબર્ટ્સે 2000ની સાલમાં આ એન્વાયર્મેન્ટલ એક્ટિવિસ્ટના જીવન પરથી બનેલી ‘એરિન બ્રોકોવિચ’માં ટાઇટલ રોલ કર્યો હતો. એનો અભિનય એટલો અફલાતૂન હતો કે એ બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર અવોર્ડ જીતી ગઈ હતી. આ ફિલ્મ બનાવનાર સ્ટીવન સોડનબર્ગને પણ બેસ્ટ ડિરેક્ટરનો ઓસ્કર મળ્યો હતો.
એક પર્યાવરણવાદી એક્ટિવિસ્ટના જીવનમાં એવું તે શું હોઈ શકે કે એના પરથી આખેઆખી બિગ બજેટ ફિલ્મ બનાવવી પડે? બીજો મહત્ત્વનો સવાલ આ છેઃ એરિન બ્રોકોવિચે બે દાયકા પહેલાં અમુકતમુક પરાક્રમ કર્યા, જેને કારણે એની ખૂબ વાહવાહી થઈ, પણ પછી શું? જીવનમાં આગળ વધ્યા પછી એણે એ જ કક્ષાનાં બીજાં કામ કર્યાં કે નહીં? લેખ આગળ વધારતા પહેલાં જે સનસનખેજ કેસને કારણે એરિન એન્વાયર્મેન્ટલ એક્ટિવિસ્ટ તરીકે વર્લ્ડફેમસ થઈ ગઈ તેના વિશે વાત કરી લઈએ.
મારફાડ સ્વભાવ ધરાવતી એરિન પચ્ચીસેક વર્ષ પહેલાં એક લૉ ફર્મમાં સાવ ઓછા પગારે લીગલ આસિસ્ટન્ટની નોકરી કરતી હતી ત્યારની આ વાત છે. એ વખતે એની પાસે નહોતો કોઈ અનુભવ કે નહોતું ક્વોલિફિકેશન. એના બે વાર ડિવોર્સ થઈ ચુક્યા હતા. સિંગલ મધર તરીકે ત્રણ બચ્ચાંની જવાબદારી એ માંડ માંડ ઉપાડતી હતી.
એક વાર એરિનની લૉ ફર્મ પાસે પેસિફિક ગેસ એન્ડ ઈલેક્ટ્રિક (પીજી એન્ડ ઈ) નામની એક જાયન્ટ કંપનીનો પ્રોપર્ટીનો એક કેસ આવ્યો. કંપની કેલિફોર્નિયામાં ડોના નામની કોઈ સ્ત્રીનું ઘર ખરીદવા માગતી હતી. ફાઈલમાં જાતજાતના મેડિકલ રિપોર્ટ્સ પણ હતા. એરિનને નવાઈ લાગી કે પ્રોપર્ટીની મેટરમાં મેડિકલ રિપોર્ટ્સ શા માટે બીડ્યા છે? એરિન ડોનાને મળવા ગઈ. એ બિચારીને ભયાનક ગાંઠો થઈ ગઈ હતી. એના પતિને પણ કોઈક ગંભીર બીમારી હતી. ડોના વાતવાતમાં બોલી ગઈ કે, જોને, આ કંપનીવાળા કેટલા સારા છે. અમારો ટ્રીટમેન્ટનો બધો ખર્ચ કંપનીએ ઉપાડી લીધો છે. એરિને પૂછ્યુઃ પણ તારી બીમારી સાથે કંપનીને શું લાગેવળગે? ડોનાએ જવાબ આપ્યોઃ એ તો ક્રોમિયમનું કંઈક છેને એટલે.
પત્યું! એ ભોળી મહિલાને કલ્પના નહોતી કે એનો આ ટૂંકો ને ટચ જવાબ કેટલી મોટી બબાલ ઊભી કરી દેશે. એરિન કેસમાં ઊંડી ઊતરી. એને ખબર પડી કે ડોના જે વિસ્તારમાં રહે છે એનું પાણી પ્રદૂષિત છે. પીજી એન્ડ ઈ કંપનીએ પૂરતી તકેદારી રાખી ન હોવાથી એની ફેક્ટરીમાંથી ઝરતું હેક્ઝાવેલન્ટ ક્રોમિયમ નામનું ખતરનાક કેમિકલ પીવાના ને અન્ય ઉપયોગમાં લેવાના પાણીના સ્ત્રોતમાં ભળી ગયું હતું, જે સ્થાનિક લોકોના શરીરમાં પહોંચીને ભયાનક નુકશાન પહોંચાડી રહ્યું હતું. આ ક્રોમિયમના પાપે કોઈને કેન્સર થયા હતા, કોઈને ત્વચાના રોગ લાગુ પડ્યા હતા, તો કેટલીક સ્ત્રીઓને વારંવાર ગર્ભપાત થયા કરતા હતા. કંપનીએ સ્થાનિક લોકોને ક્રોમિયમની ખતરનાક આડઅસરો વિશે તદ્દન ભ્રમમાં રાખ્યા હતા. વળી, આ બધાંની ટ્રીટમેન્ટ કરવા કંપનીએ ખુદના ડોક્ટરો નીમ્યા હતા એટલે સચ્ચાઈ ઢંકાઈ ગઈ હતી.
એરિન કંપની વિરુદ્ધ નક્કર પૂરાવા એકઠા કરવા મચી પડી. એને અમુક એવા ડોક્યુમેન્ટ્સ મળ્યા જેના પરથી એક સ્પષ્ટપણે સાબિત થઈ ગઈઃ કંપનીના સાહેબોને પાક્કા પાયે ખબર હતી કે ઝેરી ક્રોમિયમથી પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. તેમ છતાં તેમણે આ સિલસિલો અટકાવવાની કોઈ જ કોશિશ નહોતી કરી. ઊલટાનું, આખી વાતનો વીંટો વાળી દેવાની કોશિશ કરી હતી.
એરિને હેક્ઝાવેલન્ટ ક્રોમિયમથી નુક્સાન પામેલા ૬૩૪ લોકોને એકઠા કર્યા, એમને વિશ્ર્વાસમાં લીધા. તમામ લોકો વતી એરિન અને તેના બોસની કંપનીના હાઈ પ્રોફાઈલ પ્રતિનિધિઓ સાથે મીટિંગો થઈ. વાતને વધારે ખેંચવાને બદલે કંપનીના સાહેબલોકો જલદી માંડવાળ કરવા માગતા હતા. આખરે સેટલમેન્ટનો અધધધ આંકડો નક્કી થયો – 333 મિલિયન ડોલર્સ એટલે કે આજના હિસાબે આશરે 23 અબજ 17 કરોડ રૂપિયા, ફક્ત! અમેરિકાની કોર્પોરેટ હિસ્ટ્રીનો આ એક વિક્રમ હતો. અગાઉ નક્કી થયા પ્રમાણે ૪૦ ટકા રકમ ફી પેટે એરિનના બોસને મળ્યા. બાકીની રકમ ૬૩૪ લોકો વચ્ચે વહેંચવમાં આવી. એરિનને ખુદને અઢી મિલિયન ડોલર્સનું તોતિંગ બોનસ આપવામાં આવ્યું. આ સમગ્ર ઘટનાક્રમ બન્યો 1995-96માં. ‘એરિન બ્રોકોવિચ’ ફિલ્મમાં પીજી એન્ડ ઇ લિટિગેશન કેસ સરસ રીતે સમાવી લેવામાં આવ્યો છે.
આ તો થઈ બે-અઢી દાયકા પહેલાંની વાત. પીજી એન્ડ ઇવાળા કિસ્સા પછી એરિન બ્રોકોવિચે એ જ કામ કર્યું જેમાં એની માસ્ટરી આવી ગઈ હતી. એણે પછી બીજા ઘણા એન્ટી-પોલ્યુશન કેસમાં ભરપૂર ઝનૂનથી કામ કર્યું. કેલિફોર્નિયામાં વ્હિટમેન કોર્પોરેશન નામની એક કંપની પણ હાનિકારક ક્રોમિયમ પેદા કરતી હતી. એરિને આ કંપની સામે યુદ્ધે ચડી અને જીતી. પીજી એન્ડ ઈ કંપની સામે એણે ઓર એક કેસ કર્યો. આ વખતે કેન્દ્રમાં એક કંપ્રેસર સ્ટેશન હતું. 1200 જેટલા લોકોના સ્વાસ્થ્ય પર એના લીધે માઠી અસર થઈ હતી. 2006માં કંપનીએ 335 મિલિયન ડોલર જેટલું અધધધ નાણું સેટલમેન્ટ રૂપે છૂટું કરવું પડ્યું.
એક કંપની લેધરના પ્રોડક્શનમાંથી પેદા થયેલા કચરામાંથી ખાતર બનાવતી હતી, જે અમેરિકાના ઘણા ખેડૂતો વાપરતા હતા. ખતરનાક રસાયણવાળા આ ખાતરને લીધે આ પંથકમાં બ્રેઇન ટ્યુમરના કેસ એકાએક વધવા લાગ્યા હતા. એરિને આ કેસ હાથમાં લીધો. હાલ અદાલત આ મામલે છાનબીન કરી રહી છે. ટેક્સાસ રાજ્યના એક નગરમાં તો સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા પાણીમાં જ હેક્ઝાવેલન્ટ ક્રોમિયમનું ભયજનક પ્રમાણ હોવાનું જાણવામાં આવ્યું. 2016માં એક જગ્યાએ અન્ડરગ્રાઉન્ડ સ્ટોર કરવામાં આવેલા ગેસમાંથી મિથન વાયુ લીક થતું હોવાનું જાણવા મળ્યું. સધર્ન કેલિફોર્નિયા ગેસ નામની આ કંપની પણ એરિનના રડારમાં આવી ગઈ છે. આ સિવાય અન્ય કેટલાય કેસમાં એણે પ્રદૂષણ પેદા કરતી જુદી જુદી કંપનીના છક્કા છોડાવી દીધા છે.
એરિન કહે છે, ‘શહેરોમાં પ્રદૂષણની સ્થિતિ તો જ સુધરશે જો આપણે સૌ સંપીને સત્તાવાળાઓ પાસે જઈશું અને દઢતાપૂર્વક કહીશું કે ફલાણી સમસ્યા માટે અમે તમને જવાબદાર ઠેરવીએ છીએ. તમારી આસપાસ જે કંઈ થઈ રહ્યું છે એની પાક્કી માહિતી એકઠી કરો, લાગતાવળગતાને સવાલો પૂછો, મિટીંગોમાં ભાગ લો. માત્ર કેન્દ્ર સરકારની ચુંટણી જ મહત્ત્તની નથી. સ્થાનિક સ્તરે યોજાતી ચૂંટણીઓને પણ એટલી જ ગંભીરતાથી લો.’
સિંગર મધર તરીકે એરિને પુષ્કળ સંઘર્ષ કર્યો હતો. એણે સતત નાણાભીડ જોઈ હતી. પીજી એન્ડ ઈ કેસના પ્રતાપે એને અઢી મિલિયન ડોલર જેવી જે માતબર રકમ મળી એમાંથી એણે સૌથી પહેલાં તો લોસ એન્જલસના એક સબર્બમાં પોશ બંગલો ખરીદી લીધો. પોતે ખૂબ કામ કરતી હોવાથી સંતાનોની અવગણના થઈ રહી છે એવું ગિલ્ટ એને હંમેશાં રહ્યા કરતું. આથી એણે પેલાં ફદિયામાંથી સંતાનોને ખૂબ લાડ લડાવ્યા. પરિણામ એ આવ્યું કે મોટાં બે સંતાનો સાવ વંઠી ગયાં. ડ્રગ્ઝના એવા બંધાણી થઈ ગયા કે એમને મોંઘાદાટ રિહેબ સેન્ટરમાં મૂકવા પડ્યાં. અધૂરામાં પૂરું, એના બે ભૂતપૂર્વ પતિઓ સંપીને ‘અમને પણ ભાગ જોઈએ’ કરતાં પહોંચી ગયા. એરિને એમને ગણકાર્યા નહીં એટલે એમણે કોર્ટમાં કેસ કર્યો. સદભાગ્યે એરિન આ કેસ જીતી ગઈ.
એરિને ‘ટેક ઇટ ફ્રોમ મીઃ લાઇફ ઇઝ અ સ્ટ્રગલ બટ યુ કેન વિન’ નામનું પુસ્તક પણ લખ્યું છે, જે આત્મકથનાત્મક પણ છે અને પ્રેરણાદાયી પણ છે. એરિન આજે દુનિયાભરમાં પ્રદૂષણ સંબંધિત પ્રવચનો આપે છે, પોતાનો અનુભવ અને જ્ઞાન શેર કરે છે. એને કંઈકેટલાય અવોર્ડ્ઝ મળ્યા છે. બ્રોકોવિચ રિસર્ચ એન્ડ કન્સલ્ટિંગ નામની સફળ એજન્સીની એ પ્રેસિડન્ટ છે. આ સિવાય દેશ-વિદેશની કેટલીક ફર્મ્સ સાથે કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે.
ટૂંકમાં એરિન એવું જીવન જીવી છે કે ‘એરિન બ્રોકોવિચ’ ફિલ્મની સિક્વલ બનાવવી હોય તો પૂરતો મસાલો મળી રહે!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2019 )
Leave a Reply