ત્રીસીનો દાયકો – હજુ અડધી જિંદગી બાકી છે
Sandesh – Ardh Saptahik Purti – 24 April 2013
Column: ટેક ઓફ
ત્રીસીનો દાયકો તમને જીવનમાં થોડાઘણા અખતરા કરવાના મોકા જરૂર આપે છે. કરિયરમાં અખતરા, સંબંધોમાં અખતરા. હજુય શરીરમાં ખૂબ ઊર્જા ભરી છે, હજુય મન-હૃદય ઘા ખમી શકે તેટલાં મજબૂત છે!
* * * * *
એક ડોક્ટર વોક પર નીક્ળ્યા હતા. એમણે જોયું કે એક વૃદ્ધ આદમી બેન્ચ પર બેઠો બેઠો ટેસથી સ્મોકિંગ કરી રહૃો છે. ફેશનેબલ કપડાં પહેર્યાં છે, સ્ટાઇલથી ધુમાડા છોડી રહ્યો છે. ડોક્ટરે પાસે જઈને કહ્યું:’એક્સક્યુઝ મી! તમે એટલા મોજમાં દેખાઓ છો કે પૂછયા વગર રહી શકતો નથી. શું છે તમારી ખુશાલીનં રહસ્ય?” આદમીએ પોરસાઈને કહ્યું: “જુઓને, હું રોજની વીસ સિગારેટ ફૂંકી કાઢું છું. ગુટકા વગર તો મને ચાલે જ નહીં. રાતે સૂતા પહેલાં પીવા તો જોઈએ જ. ખાવાનું તો એવું છે ને કે જંકફૂડ સિવાય હું બીજું કશું મોઢામાં મૂકતો નથી અને કસરત તો મેં બાપજન્મારે કદી કરી નથી.”
ડોક્ટર અચંબિત થઈ ગયાઃ “ઓહો! શું વાત કરો છો! આટલાં બધાં વ્યસન પાળ્યાં છે તે હિસાબે તમારું શરીર સારું ચાલે છે. કેટલી ઉંમર થઈ તમારી, દાદા?”
જવાબ મળ્યોઃ “પાંત્રીસ વર્ષ.”
મરકાવી દેતા આ જોકમાં અકાળે બુઢાપો ખેંચી લાવવાની હાઈક્લાસ રેસિપી છુપાયેલી છે. બાકી સામાન્ય સંજોગોમાં પાંત્રીસ વર્ષે વૃદ્ધત્વ ક્ષિતિજ પર પણ ડોકાયું હોતું નથી. ત્રીસથી ચાલીસનો દાયકો એવો છે, જેમાં યુવાની હજુ ગઈ નથી અને બુઢાપાને આવવાની હજુ ઘણી વાર છે. પપ્પા-દાદા-પરદાદાની પેઢી ૪૦ વર્ષના થતા સુધીમાં બુઝુર્ગની માફક વર્તવા માંડતી. અત્યારની વાત જુદી છે. હવે ત્રીસીમાં બાલિશ હરકતો ભૂતકાળ બની જાય છે, પણ રમતિયાળપણું અકબંધ રહે છે. આ એક્સટેન્ડેડ યુવાનીનો દશક છે. થર્ટીઝ એ એક્સટેન્ડેડ ટ્વેન્ટીઝ છે!
ત્રીસીમાં પ્રવેશતા પહેલાં માણસે કરિયર અને જીવનસાથી એવા બે બે અત્યંત મહત્ત્વના નિર્ણય લઈ લીધા હોય છે. આ બે નિર્ણયો સાચા લેવાયા હતા કે એમાં મોટા પાયે ગરબડ થઈ ગઈ છે તે હવે ત્રીસીના દાયકામાં સમજાય છે! તરુણાવસ્થામાં સેલ્ફ ડિસ્કવરીની, પોતાની જાતને સમજવાની પ્રક્રિયા શરૂ થઈ હોય છે. ત્રીસ-પાંત્રીસના થઈએ ત્યાં સુધીમાં ઠીક ઠીક અંદાજ આવી ગયો હોય છે કે બોસ, આપણને આ ગમે છે, આ નથી ગમતું, આપણે આવા છીએ ને આપણે આવા તો બિલકુલ નથી. ત્રીસીનો દાયકો તે રીતે સ્પષ્ટતાનો દાયકો છે.
ત્રીસીનો દાયકો સામાન્યપણે કમાવાનો, આર્થિક પ્રગતિનો ગાળો છે. જ્યોર્જ બર્નાર્ડ શોએ કહ્યું છે કે જો વીસ વર્ષની ઉંમરે તમે કમ્યુનિસ્ટ ન હો તો એનો મતલબ એ કે તમારી પાસે દિલ નથી અને ત્રીસની ઉંમરે તમે મૂડીવાદી ન હો તો એનો અર્થ એ કે તમારી પાસે દિમાગ નથી! ૧.૨૫ બિલિયન ડોલર્સની સંપત્તિ સાથે બિલ ગેટ્સ વિશ્વના સૌથી યુવાન અબજોપતિ બન્યા ત્યારે માંડ ૩૧-૩૨ વર્ષના હતા. ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સની સ્થાપના કરી ત્યારે ૩૪ વર્ષના હતા. અલબત્ત, પૈસા કંઈ માણસની સફળતા અને સત્ત્વનો એકમાત્ર માપદંડ નથી. ત્રીસથી ચાલીસનો દાયકો એવો છે જેમાં માણસ પાસે એટલી ક્ાબેલિયત આવી ગઈ હોય છે કે ધારે તો તે ચંદ્રને સ્પર્શી શકે – લીટરલી. નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂકયો ત્યારે ૩૮ વર્ષના હતા! મોહનદાસ કરમચંદ ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં પહેલો સત્યાગ્રહ કર્યો ત્યારે ૩૭ વર્ષના હતા. વિવેકાનંદે શિકાગોમાં ‘સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકાવાળું’મશહૂર ભાષણ કર્યું ત્યારે ૩૧ના હતાં. ટેનિસસ્ટાર માર્ટિના નવરાતિલોવા ૩૩ વર્ષની થઈ ત્યાં સુધી ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ જીતતી રહી.
ત્રીસથી ચાલીસની ઉંમર દરમિયાન આપણે જે ક્ષેત્રમાં હોઈએ તેમાં કમ સે કમ બે-ચાર હાઈ પોઇન્ટ્સ જરૂર આવી જવા જોઈએ. નોબેલ પ્રાઇઝ-ઓસ્કર-પદ્મવિભૂષણ પ્રકારની ઊંચા માયલી સિદ્ધિઓની જ વાત નથી, પણ આપણે જેને પ્રોફેશનલ હાઈ પોઇન્ટ ગણીએ છીએ, તે. નાના પાયે ધંધો શરૂ કરનાર ભાડાની દુકાનમાંથી શોરૂમનો માલિક બને તો તે એના માટે પ્રોફેશનલ હાઈ પોઈન્ટ છે. નાની નોકરીથી કરિયરની શરૂ કરનાર યુવાન કંપનીનો પ્રોજેક્ટ મેનેજર કે એડિશનલ જનરલ મેનેજર બને તે નક્કર તરક્કી છે. ચાલીસ થતાં સુધીમાં સફળતા અને સ્વીકૃતિને આંગળી મૂકીને દર્શાવી શકાય એવા નક્કર હાઈ પોઇન્ટ્સ પણ નહીં આવે તો ફ્રસ્ટ્રેશન શરૂ થઈ જવાનું. ‘બધા આગળ નીકળી ગયા હું રહી ગયો’વાળી ફીલિંગથી પીડાતો માણસ પછી ચાલીસીમાં ઘાંઘો થવા માંડે છે, ડેસ્પરેટ થઈને ક્યારેક્ હાસ્યાસ્પદૃ વર્તન કરવા લાગે છે.
ત્રીસથી ચાલીસનો દાયકો ઘણા બધા ‘સર્વપ્રથમ’નો દસકો છે. છાતીનો પહેલો સફેદ વાળ, પેટ ફરતે ઉપસેલું પહેલું ચરબીદાર ટાયર, પહેલું ફુલ બોડી ચેકઅપ, સાવ મામૂલી કોલેજમાંથી એમબીએ કરીને પહેલી જ જોબમાં અઢાર લાખનાં વાર્ષિક પેકેજ મેળવનાર ચોવીસ વર્ષના જુવાનિયાને જોઈને અનુભવેલી પહેલી લઘુતાગ્રંથિ, પહેલી વાર કાનમાં હથોડાની જેમ ઝીંકાયેલું ‘અંકલ’ કે ‘આન્ટી’નું સંબોધન, લગ્નજીવનમાં પડી ગયેલી તિરાડને ફાડીને બહાર આવેલું પહેલું એકસ્ટ્રા મેરિટલ અફેર..! માતૃત્વ અને પિતૃત્વનો ભરપૂર અનુભવ થઈ રહ્યો છે એટલે ખુદનાં માતા-પિતા હવે વધારે સમજાવા લાગે છે, વધારે નિકટ લાગે છે. સ્ત્રી પોતાના જીવનમાં સૌથી ભરપૂર, સૌથી મધુર સંભવતઃ એ પાંત્રીસ વર્ષની હોય ત્યારે બને છે. જોકે ચાલીસનો આંકડો નજીક આવતો જાય છે તેમ તે વધુ ને વધુ સતર્ક બનતી જાય છે. ઢીલાં પડી રહેલાં સ્તનો માટે પુશઅપ બ્રાની ખરીદી થવા માંડે છે. ડ્રેસિંગ ટેબલ પર એન્ટિ-એજિંગ બ્યુટી પ્રોડક્ટ્સની જમઘટ વધતી જાય છે. શોપિંગ કરતી વખતે પત્ની ભૂલી ગઈ હોય તો પતિ યાદ કરાવે છે: હેર-ડાઈ પડી છે ઘરે? ખતમ થવા આવી હોય તો નવી લઈ લે…
ત્રીસીના દાયકામાં એક ક્ષણ એવી આવે છે જ્યારે કેટલાંય વર્ષોથી ઊંધું ઘાલીને દોડી રહેલો માણસ એકાએક શ્વાસ લેવા ઊભો રહે છે અને વિચારે છેઃ મેં જે દિશામાં દોટ લગાવી છે તે સાચી તો છેને? હું જિંદગીમાં ખરેખર આ જ કરવા માગતો હતો જે અત્યારે કરી રહ્યો છું? કે પછી મારું ખરું પેશન કંઈક જુદું જ છે? કરિયર બદલવાનો નિર્ણય ખૂબ મોટો છે, કારણ કે હવે પરિવારની જવાબદારી પણ નિભાવવાની છે. ત્રીસીનો દાયકો તમને જીવનમાં થોડાઘણા અખતરા કરવાના મોકા જરૂર આપે છે. કરિયરમાં અખતરા, સંબંધોમાં અખતરા. અલબત્ત, હવે આંધળુકિયાં નથી ક્રવાનાં, હવે ક્લ્ક્યુલેટેડ રિસ્ક લેવાનું છે. હજુય શરીરમાં ખૂબ ઊર્જા ભરી છે, હજુય મન-હૃદય ઘા ખમી શકે તેટલાં મજબૂત છે અને હજુ તો અડધી જિંદગી બાકી છે!
‘જિંદગી ના મિલેગી દૃોબારા’ ફિલ્મમાં એક્ સરસ સીન છે. હળવું ફુલ જીવન જીવતી મસ્તમૌલી કેટરીના ક્ૈફ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક્ર હૃતિક્ રોશનને ક્હે છે: ‘તેં દિવસ-રાત એક્ ક્રીને બેન્ક્ બેલેન્સ તગડી ક્રી નાખી છે તો જાણે બરાબર છે, પણ જીવનના આનંદૃનું શું? ઉન ચીઝોં કે લિએ વકત નિકાલો જિસ મેં તુમ્હેં ખુશી મિલતી હો. જેમ કે cooking એ તારું પેશન છે, તો એના માટે સમય ક્ેમ કા તો નથી?’ હૃતિક્ ખભા ઉછાળીને ક્હે છે: ‘યા.. ધેટ્સ ધ પ્લાન. આઈ મીન, ચાલીસનો થઈશ એટલે રિટાયર થઈને પછી…’ કેટરીના એનું વાક્ય પૂરું થવા દૃેતી નથી: ‘પણ તને કેવી રીતે ખબર પડી ગઈ કે તું ચાલીસ વર્ષ સુધી જીવવાનો છે? એની પહેલાં જિંદગી ખતમ થઈ ગઈ તો? સીઝ ધ ડે, માય ફ્રેન્ડ. પહલે ઈસ દિન ક્ો પૂરી તરહ સે જીયો. ફિર ચાલીસ કે બારે મેં સોચના…’
મુદ્દાની વાત ક્રી નાખી કેટરીનાએ. સીઝ ધ ડે… આજના દિવસને જીવી લો! જો સાન ઠેકાણે હશે અને વર્તમાનને મુઠ્ઠીમાં પકડવાની તાકાત હશે તો વીસી, ત્રીસી, ચાલીસી… જીવનના બધા જ દાયકા રળિયામણા વીતશે!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply