વ્હિસ્કીને વય સાથે શો સંબંધ છે?
સંદેશ – અર્ધસાપ્તાહિક પૂર્તિ – ૧૭ એપ્રિલ ૨૦૧૩
કોલમ : ટેક ઓફ
ખુશવંતસિંહનું રોજ સાંજે એક પેગ શરાબ પીવાનું ફેન્સી સૂચન ગુજરાતની જનતા માટે જરા જોખમી છે! મુંબઈના ગુજરાતીઓની વાત અલગ છે.
* * * * *
‘કાચબાની જેમ સો-સવા સો વર્ષ ખદબદવા કરતાં રેસના ઘોડાની જેમ દસ-પંદર વર્ષ દોડી લેવું સારું. ફાસ્ટ લાઇફ! કાચબો ન તો ખુલ્લી જમીન પર આવે છે કે ન તો ઊંડા પાણીમાં ઊતરે છે. બે-ચાર ફૂટ પાણીમાં અથવા બહાર સૂકા કાદવમાં ખદબદ્યા કરવાનો અને જરાક કંઈક થાય એટલે એની ઢાલમાં ઘૂસી જવાનો. કાચબાની જેમ જીવો તો જરૂર ઘણું લાંબું જીવતા રહેવાય.’
ચંદ્રકાંત બક્ષીની વિખ્યાત નવલકથા ‘પેરાલિસિસ’માં યુવાન થઈ રહેલી દીકરી પ્રોફેસર પિતાને આ શબ્દો કહે છે. માની કૂખમાંથી અવતરતાંની સાથે જ માણસનું જીવન ટેક ઓફ કરે છે. કેટલાં વર્ષ જીવવું તે માણસના હાથમાં હોતું નથી, પણ કેવી રીતે જીવવું – હણહણતા ઘોડાની જેમ કે ખદબદતા કાચબાની જેમ – તેના પર જરૂર આપણો અંકુશ હોઈ શકે છે. ધારો કે હણહણતા ઘોડાની જેમ સો વર્ષ જીવવું હોય તો? આનો જવાબ ભારતીય પત્રકારત્વના ‘ડર્ટી ઓલ્ડ મેન’ ખુશવંતસિંહ પાસે છે. ફેબ્રુઆરીમાં તેમણે ૯૮ વર્ષ પૂરાં કર્યાં. પોતાના બર્થડેની આસપાસ તેમણે એક પુસ્તક બહાર પાડયું – ‘ખુશવંતનામાઃ ધ લેસન્સ ઓફ માય લાઇફ’. આ પુસ્તકમાં તેમણે લાંબું જીવન જીવવા માટેની બાર ટિપ્સ આપી છે. શું છે તે? સાંભળોઃ
૧. સ્પોર્ટ્સમાં રસ લો. ટેનિસ, સ્ક્વોશ, બેડમિન્ટન કે એવું કંઈ પણ રમો. એવું થઈ શકતું ન હોય તો નિયમિતપણે કસરત કરો . એકાદ કલાક ઝડપથી ચાલો, સ્વિમિંગ કરો. દોડી શકતા હો તો ઉત્તમ.
૨. માનો કે તમારાથી આમાંનું કશં થઈ શકતું ન હોય તો દિવસમાં કમ સે કમ એક વાર આખા શરીરે હાઈક્લાસ મસાજ કરાવો. મસાજથી બ્લડ સર્ક્યુલેશન સુધરશે. યાદ રહે, અહીં નિર્દોષ હેલ્થ મસાજની વાત છે. પેલાં ભમરાળાં મસાજ પાર્લરોના મસાજ સાથે આનો કોઈ સંબંધ નથી.
૩. ખાણીપીણી પર કાપ મૂકો. પીણી એટલે શરાબ. જમવાનો સમય સહેજ પણ આઘોપાછો ન કરો. ખુશવંતસિંહ દિવસની શરૂઆત એક ગ્લાસ ફ્રૂટ જ્યૂસથી કરે છે. સવારે સાડા છ વાગ્યે બ્રેકફાસ્ટ પતાવી લે. બ્રેકફાસ્ટ એટલે સાત્ત્વિક બ્રેકફાસ્ટ. રોજેરોજ સવારના પહોરમાં ગાંઠિયા, જલેબી, તીખાં મરચાં પર તૂટી નહીં પડવાનું. કાઠિયાવાડીઓ બપોરે ત્રણ કલાક ઊંઘીને ‘હાલો હવે નવો દિવસ ઊગ્યો’ કરતાં નવેસરથી બ્રેકફાસ્ટ કરવા બેસે તે પણ ન ચાલે.
૪. રાતના ભોજન પહેલાં સિંગલ મોલ્ટ વ્હિસ્કીનો એક પેગ (એક જ હં, વધારે નહીં) લગાવવો. તેનાથી ભૂખ સારી ઊઘડે છે. આવું ખુશવંતસિંહ કહે છે, અમે નહીં.
૫. રાત્રે ડિનર લેતાં પહેલાં તમારી જાતને કહો, દાબી-દાબીને ન ખાતો (કે ખાતી). આપણે પરિવારના સભ્યો સાથે જમવા બેસવાનું પસંદ કરતા હોઈએ છીએ, પણ ખુશવંતસિંહ નવી વાત કરે છે. તેઓ કહે છે કે એકલા જમવા બેસવું. આની પાછળનું લોજિક એ છે કે સાથે જમવામાં અલકમલકની વાતો કરતાં કરતાં આપણે એકાદ ગરમાગરમ ભાખરી વધારે ખાઈ લઈએ એવું બને.
૬. એક જ પ્રકારનું શાક ખાવું. એનો મતલબ એવો નહીં કે રોજ તેલમાં લથડપથડતું આખાં બટાકા-રીંગણાંનું મસાલેદાર ભરેલું શાક ઝાપટવું. ખુશવતસિંહનો કહેવાનો મતલબ છે કે સ્વાદના ચટાકા ન રાખવા. જમ્યા પછી ચપટી એક પાચક ચૂર્ણ ફાકી લેવું. ડિનરમાં ઈડલી-ઢોંસાનો વિકલ્પ સારો છે, કારણ કે તે આસાનીથી પચી જાય છે.
૭. ભૂલેચૂકેય કબજિયાત ન થાય એની ખાસ કાળજી રાખો. તમારાં આંતરડાં કોઈ પણ હિસાબે ચોખ્ખાં રાખો. એ માટે એનિમા લેવો પડે એમ હોય તો શરમાયા વગર એનિમા લો.
૮. ફક્ત શરીર નહીં, માનસિક શાંતિ માટે તમારું બેન્ક બેલેન્સ પણ તંદુરસ્ત હોવું જોઈએ. ભવિષ્યની જરૂરિયાતો માટે તથા સંભવિત માંદગી દરમિયાન સરખા ઇલાજ માટેની વ્યવસ્થા હોય તે પૂરતું છે.
૯થી ૧૨. મગજ પર કાબૂ રાખવો. વાત વાતમાં કમાન છટકે તે ન ચાલે. હસતા રહો. જૂઠું બોલીને દિલ પર બોજ ન વધારો. ઉદાર બનો. ધરમધ્યાન અને પૂજાપાઠમાં સમય વેડફવાને બદલે નવો શોખ વિકસાવો. બાગકામ, સંગીત, બાળકોને કે જરૂરતમંદોને મદદ કરવી, કંઈ પણ. ટૂંકમાં, કાયમ બિઝી બિઝી રહો.તમારા હાથ અને દિમાગ બંને ચાલતા રહેવા જોઈએ.
લાલકૃષ્ણ અડવાણી આ પુસ્તક વાંચ્યા પછી અપોઇન્ટમેન્ટ લઈને ખુશવંતસિંહને મળવા ગયા હતા. તેમણે હસીને કહેલુંં, ‘સરદારજી, તમે લાંબં જીવવા વિશે જે લખ્યું છે એમાંની અગિયાર ટિપ્સ તો જાણે બરાબર છે, પણ રોજ સાંજે વ્હિસ્કીનો ગ્લાસ ગટગટાવી જવાની ટિપ મને ફાવે એવી નથી!’ વ્હિસ્કીવાળું ફેન્સી સૂચન ગુજરાતની જનતા માટે જરા જોખમી છે! મુંબઈના ગુજરાતીઓની વાત અલગ છે. પ્રખર મદિરાવિરોધીઓ દાંત કચકચાવીને, મુઠ્ઠી ઉગામીને કહેશે, કોણ કહે છે કે લાંબું જીવવા માટે માફકસરનો દારૂ પીવો જોઈએ? દારૂને અડયા વગર દીર્ઘાયુ પામેલા મહાનુભાવો વિશે કેમ સરદારજી કંઈ બોલતા નથી?
વાતમાં તથ્ય છે. જેમ કે, મોરારજી દેસાઈ આજીવન શરાબના ઉગ્ર વિરોધી રહ્યા અને તેઓ ૧૦૦ વર્ષ જીવ્યા. ખાસ્સા મોટા થયા ત્યાં સુધી પલાંઠી વાળીને બેઠા હોય ત્યારે હાથ ટેકવ્યા વિના કે બીજી કોઈ પણ ચીજનો ટેકો લીધા વિના સટ્ટાક કરતા ઊભા થઈ શકતા. (શોખીનો કહેશે કે લાંબું જીવવા મોરારજીભાઈની જેમ સ્વમૂત્રસેવન કરવા કરતાં શરાબનું માફકસરનું સેવન કરવું શું ખોટું?)પ્રખર લોકસેવક રવિશંકર મહારાજ પૂરી એક સદી જીવ્યા હતા. તેમણે દારૂના દૂષણના વિરોધમાં ઘણું કામ કર્યું હતું. કમાલનું હતું એમનું એનર્જી લેવલ! ૭૧ વર્ષની ઉંમરે ભૂદાન આંદોલનમાં જોડાઈને તેઓ પગપાળા ગામેગામ ફર્યા હતા અને દુકાળગ્રસ્તો માટે ફાળો ઉઘરાવવા નીકળ્યા ત્યારે ૮૯ વર્ષના હતા. કે.કા. શાસ્ત્રી આયુષ્યનું શતક પૂરું કરવા નજીક પહોંચી ગયા હતા ત્યાં છેક સુધી અમદાવાદની વિશ્વ હિંદુ પરિષદની ઓફિસમાં રોજ બે કલાક હાજરી આપવા આવતા. ૧૦૧ વર્ષ જીવેલા શાસ્ત્રીજીનું લાંબા આયુષ્ય માટેનું સૂત્ર હતું, ‘કમ ખા, ગમ ખા’
ખુશવંતસિંહની માફક પ્રતિષ્ઠિત બંગાળી લેખક નીરદ ચૌધરી પણ ૧૦૨ વર્ષ સુધી ભરપૂર જીવ્યા. અંતિમ પુસ્તક બહાર પડયું ત્યારે તેઓ ૯૯ વર્ષના હતા. ૮૭ વર્ષની ઉંમરે રેડ વાઇનનો ગ્લાસ હાથમાં રાખીને ઘરમાં ઘૂમતાં ઘૂમતાં પ્રણય રોયને ‘ધ વર્લ્ડ ધિસ વીક’ નામના ટીવી શો માટે ઇન્ટરવ્યૂ આપતી વખતે તેમણે કહ્યું હતું, “જે વસ્તુ હું નહીં કરી શકું એની મને ખબર હોય એનાથી હું કાયમ દૂર રહું છું.”
વેલ, વધારે જીવવા માટે શરાબ કરતાં અનેક ગણું મહત્ત્વનું સિક્રેટ તો આ છે, અનુકૂળ ન હોય એવાં કામ, વ્યક્તિઓ અને પરિસ્થિતિઓથી દૂર રહેવું. ચિયર્સ!
* * * * *
Link to e-edition of Sandesh:
http://www.sandesh.com/article.aspx?newsid=132522
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply