Sun-Temple-Baanner

એન્ડ ઈટ લાઈક બેકહમ!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


એન્ડ ઈટ લાઈક બેકહમ!


ટેક ઓફ : એન્ડ ઈટ લાઈક બેકહમ!

Sandesh – Ardh Saptahik purti – 5 June 2013

Column: ટેક ઓફ

“સંતાન ગમે એવડું ભડભાદર થઈ ગયું હોય તો’ય મા-બાપના ડિવોર્સ એને તોડી નાખે છે. એક વાતની મેં ગાંઠ વાળી લીધી છે કે હું જે માનસિક પીડામાંથી પસાર થયો છું એવી પીડાનો ભોગ મારાં સંતાનોને ક્યારેય નહીં બનવા દઉં. મારાં લગ્નજીવનમાં ડિવોર્સની સ્થિતિ હું ક્યારેય નહીં આવવા દઉં”

* * * * *

ઈંગ્લેન્ડના વિખ્યાત ફૂટબોલ પ્લેયર ડેવિડ બેકહમે થોડા દિવસો પહેલાં નિવૃત્તિ જાહેર કરી દીધી. હાઈ પ્રોફાઇલ સ્પોર્ટ્સમાં એક તબક્કે ખેલાડી ક્યારે અલવિદા કરશે તે વિશે અટકળો શરૃ થઈ જતી હોય છે. આ પ્રકારની ચર્ચા ક્યારેક ક્ષોભજનક બની જતી હોય છે. ખેલાડી અને તેની આસપાસ જે તેજવર્તુળ રચાયું હોય છે તે બન્ને માટે. સચીન તેંડુલકરના કિસ્સામાં આપણે આ સ્થિતિ જોઈ ચૂક્યા છીએ. પોતાની કરિયરના શિખર પર પહોંચી ચૂકેલા ૩૮ વર્ષના ડેવિડ બેકહમે શાલીનતાથી નિવૃત્તિનો મામલો હેન્ડલ કર્યો છે.

ડેવિડ બેકહમ એક ગ્લોબલ આઈકન છે. રોલમોડલ છે. ભલભલા સુપર સેલિબ્રિટીઓને સંકોચ થઈ આવે એવી ગ્લેમરસ એની લાઈફસ્ટાઇલ છે. ૨૦૦૭માં લોસ એન્જલસ ગેલેક્સી ટીમ સાથે જોડાઈને એણે ૨૫૦ મિલિયન પાઉન્ડ એટલે કે ૧૧ અબજ કરતાંય વધારે રૃપિયાનો પાંચ વર્ષનો કોન્ટ્રેક્ટ કર્યો હતો. બીજે જ વર્ષે ‘ફોર્બ્સ’ મેગેઝિને વિશ્વની સૌથી પાવરફુલ ૧૦૦ વ્યક્તિઓની યાદીમાં બેકહમને પાંચમા ક્રમે મૂકી દીધો. આવક, મીડિયા કવરેજ, ચાહકવર્ગ વગેરે જેવા માપદંડના આધારે પાવરફુલ સેલિબ્રિટીઓનું આ લિસ્ટ તૈયાર થતું હોય છે.

કુદરતે બેકહમને ભરપૂર પ્રતિભા ઉપરાંત હોલિવૂડના હીરો જેવું રૃપ આપ્યું છે. એ માત્ર એની રમતને કારણે નહીં, પણ એના સ્ટાઇલ સ્ટેટમેન્ટને કારણે પણ જાણીતો છે. એ હેરસ્ટાઇલ બદલે તોપણ અખબારોમાં હેડલાઈન બને છે. ‘તારે જમીં પર’માં આમિર ખાને સ્પાઈક્સ તરીકે ઓળખાતી વચ્ચેથી ઊભા વાળવાળી હેરસ્ટાઈલ રાખી હતી, જે આપણે ત્યાં હજુય ફેશનમાં છે. આ હેરસ્ટાઇલ મૂળ ડેવિડ બેકહમની છે. ડેવિડને હેરસ્ટાઇલ બદલ્યા કરવાના શોખનું એક કારણ એ છે કે એની મમ્મી સેન્ડ્રા હેરડ્રેસર છે. એકે સમયે સ્પાઈસ ગર્લ્સ તરીકે પાંચ છોકરીઓના પોપ ગ્રૂપે દુનિયાભરમાં ધૂમ મચાવી હતી. આ પાંચમાંની એક વિક્ટોરિયા સાથે બેકહમે લગ્ન કર્યાં એટલે એનો ગ્લેમર ક્વોશન્ટ ઔર ઊંચકાઈ ગયો. ડેવિડ-વિક્ટોરિયાએ ચાર બચ્ચાં પેદા કર્યાં. ત્રણ દીકરા, એક દીકરી. પશ્ચિમમાં જાતજાતના સર્વે થતા હોય છે, જેનાં પરિણામોમાં ડેવિડ બેકહમ સતત ચમકતો રહે છે. મીડિયાએ એને કેટલાંય બિરુદ આપ્યાં છે – બેસ્ટ મેલ બોડી, બેસ્ટ ડ્રેસ્ડ મેલ, મોસ્ટ પોપ્યુલર ડેડ, ધ સેક્સીએસ્ટ ડેડ વગેરે. ડેવિડ પારિવારિક મૂલ્યોમાં માનતો ઘરરખ્ખુ માણસ છે. ચિક્કાર સફળતા, ધનદોલત અને પ્રખ્યાતિ પછી પણ એણે સિગારેટનું વ્યસન પાળ્યું નથી. શરાબ ક્યારેક જ લે છે. આબરૃના ધજાગરા ઊડી જાય એવું વર્તન ક્યારેય કરતો નથી. ખાસ તો, ઈંગ્લેન્ડની જનતા એને એક આદર્શ પિતા તરીકે જુએ છે. મહત્ત્વની વાત એ છે કે આ માત્ર કાળજીપૂર્વક ઊભી કરેલી પબ્લિક ઇમેજ નથી.

ડેવિડ બેકહમ પર એના પિતાની તીવ્ર અસર છે. પિતા ટેડ બેકહમ ખુદ ફૂટબોલના ખૂબ શોખીન હતા. એમને જોઈને નાનકડા ડેવિડને પણ ફૂટબોલથી રમવાનું મન થતું. એ હજુ ત્રણ વર્ષનો પણ થયો નહોતો ત્યારથી ટેડ બેકહમે એને ફૂટબોલ શીખવવાનું શરૃ કરી દીધું હતું. એ રસોડાનાં ઉપકરણોની મરમ્મત કરવાનું કામ કરતા. સાંજે ઘરે આવે પછી દીકરાને ઘરના પાછળના કમ્પાઉન્ડમાં ફૂટબોલ રમાડતા. ધીમે ધીમે નજીકમાં આવેલા પાર્કમાં કલાકોના કલાકો સુધી પ્રેક્ટિસ કરવાનું શરૃ કર્યું. નાનકડા ડેવિડની પિદૂડી નીકળી જતી, પણ પપ્પા એને બક્ષતા નહીં. આ જ બધું ડેવિડ બેકહમને આગળ જતાં ખૂબ કામ આવ્યું. ડેવિડ સ્કૂલમાં હતો ત્યારથી એની ફૂટબોલ પ્લેયર તરીકેની કરિયરનું જડબેસલાક પ્લાનિંગ ટેડ બેકહમે શરૃ કરી દીધું હતું.

ઘણાં હરખપદૂડાં મા-બાપો સંતાનો ધૂળ જેવી સિદ્ધિ મેળવે તો પણ ઘેલાં ઘેલાં થઈ જતાં હોય છે. આ પ્રકારનો અભિગમ એકધારો રહે તો લાંબા ગાળે સંતાનને નુકસાન થતું હોય છે. ટેડ બેકહમની વાત જુદી હતી. પ્રોફેશનલ ફૂટબોલર બની ગયા પછી ડેવિડ સરસ ગેમ રમે તોપણ ટેડ બેકહમ એને કહેતાં, ‘તું સારું રમ્યો, પણ તોય તેં ફલાણી ફલાણી ભૂલો તો કરી જ.’ એમાંય જો ડેવિડ ખરાબ પરફોર્મ કરે તો તો આવી જ બનતું. ટેડ બેકહમે દીકરામાં ક્યારેય હવા ભરાવા ન દીધી. એને સતત જમીન સાથે બાંધી રાખ્યો. પિતાની આંખમાં આવી જતી ચમક કે ક્યારેક એમના તરફથી મળી જતું વહાલભર્યું હળવું આલિંગન ડેવિડ માટે બહુ થઈ જતું. ટેડ બેકહમે પોતાના પનોતા પુત્ર પ્રત્યેના ગૌરવ અને હર્ષની સઘળી લાગણી વર્ષો પછી એક પુસ્તક લખીને એમાં ઠાલવી. પુસ્તકના શીર્ષકમાંથી જ કેટલો ગર્વ છલકાય છે – ‘ડેવિડ બેકહમ – માય સન’!

કમનસીબે પત્ની સાથેનો સંબંધ ટેડ બેકહેમ સફળતાપૂર્વક હેન્ડલ કરી શક્યા નથી. ૨૦૦૨માં સેન્ડ્રા અને ટેડ બેકહમે ડિવોર્સ માટે અરજી દાખલ કરી હતી. જોકે કોઈ પણ કારણસર છૂટાછેડા થયા નહીં. ડિવોર્સની અરજીનાં પાંચ વર્ષ બાદ ટેડ બેકહમને હાર્ટ એટેક આવ્યો. એ પછી પતિ-પત્ની પાછાં બુચ્ચા કરીને સાથે રહેવા લાગ્યાં. એક ઇન્ટરવ્યૂમાં ડેવિડ બેકહમ કહે છે, “મારાં મમ્મી-પપ્પા છૂટાં પડી રહ્યાં હતાં ત્યારે હું ૨૭ વર્ષનો હતો, સફળ થઈ ચૂક્યો હતો છતાંય મારાથી એ વાત સહન થઈ શકતી નહોતી. સંતાન ગમે એવડું ભડભાદર થઈ ગયું હોય તોય મા-બાપના ડિવોર્સ એને તોડી નાખે છે. એક વાતની મેં ત્યારે જ ગાંઠ વાળી લીધી હતી કે હું જે માનસિક પીડામાંથી પસાર થયો છું એવી પીડાનો ભોગ મારાં સંતાનોને ક્યારેય નહીં બનવા દઉં. મારાં લગ્નજીવનમાં ડિવોર્સની સ્થિતિ હું ક્યારેય નહીં આવવા દઉં.”

જિદ્દી સ્વભાવ અને ગરમ મિજાજ ડેવિડને પિતા તરફથી મળ્યા છે. એનામાં રહેલો છલકતો વાત્સલ્યભાવ મમ્મીનો વારસો છે. દીકરો અબજોપતિ છે તોય મા-બાપ હજુય એ જ જૂના ઘરમાં અઢાર વર્ષથી રહે છે. સેન્ડ્રા હજુય કેશકર્તન કરે છે અને ટેડ બેકહમ હજુય રસોડાનાં ઉપકરણો રિપેર કરવા જાય છે. લેટેસ્ટ ન્યૂઝ એવા છે કે ટેડ અને સેન્ડ્રા બેકહમે ફરી પાછી ડિવોર્સની કાર્યવાહી શરૃ કરી છે.

સંતાનો ક્યારેક વડીલો કરતાં વધારે ડાહ્યાં હોય છે!!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2013 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.