ટેક ઓફ : આસ્થાના ઇલાકામાં કશું જ ઓવરરેટેડ હોતું નથી!
Sandesh – Ardh Saptahik Purti – 10 July 2013
Column : ટેક ઓફ
‘જ્ઞાનીઓ બ્રહ્મતત્ત્વના જાણકાર હોવા છતાં હંમેશાં એક તીર્થથી બીજા તીર્થ ભટકતા જોવા મળે છે. માર્ગમાં દુઃખ સહન કરવું પડવું હોવા છતાં તેઓ ભટકવાનો સ્વભાવ છોડી શકતા ન હોવાથી મને ખરેખર ખેદ થાય છે!’
* * * * *
ઉત્તરાખંડમાં થયેલી ટ્રેજેડી હજુ હવામાં છે. મૃતક્ો અને લાપતા વ્યકિતઓના આંક્ડા હજુ વીંઝાયા કરે છે. આ દૃેવોની ભૂમિને પુન: નિર્માણ થાય ત્યારે ખરું, પણ આ ઘટનાની પશ્ર્ચાતઅસરના કાળા પડછાયા લંબાયા કરવાના. એક સુભાષિત જુઓ:
ગંગા તરંગ હિમશીકર શીતલાનિ
વિદ્યાધરાધ્યુષિતતારુ શિલાતલાનિ
સ્થાનાનિ કિં હિમવતઃ પ્રલયં ગતાનિ
યત્સાવમાનપરપિંડરતા મનુષ્યાઃ
અર્થાત્ ગંગા નદીના બરફ જેવા ઠંડા છાંટાથી જે શીતળ થયા છે અને જે સુંદર શિલાતલ ઉપર વિદ્વાન લોકો બેઠેલા છે તેવા હિમાલયનાં સ્થાનોનો શું પ્રલય થઈ ગયો છે કે મનુષ્યોને અપમાનિત થઈને પારકાનાં અન્ન પર આધારિત રહેવું પડે?
ભર્તૃહરિએ સદીઓ પહેલાં આ સુભાષિત કયા સંદર્ભમાં લખ્યું હતું એ તો ખબર નથી, પણ ત્રણ સપ્તાહ પહેલાં બનેલી ઉત્તરાખંડની દુર્ઘટનામાં લોકો અન્ન અને પાણી માટે મોહતાજ થઈ ગયા હતા અને કેટલાય લોકોએ ભૂખથી જીવ ગુમાવ્યો હતો. આ સંદર્ભમાં ભર્તૃહરિનું સુભાષિત કરુણ રીતે સાચું પડી ગયું છે. ઉજ્જૈનના રાજા ભર્તૃહરિ, વિક્રમાદિત્યના સાવકા ભાઈ થાય. પત્ની પિંગળાના પ્રેમમાં ગળાડૂબ હતા ત્યારે ભર્તૃહરિએ ‘શૃંગારશતક’ લખ્યું. પિંગળાએ દગાબાજી કરી નાખી એટલે રાજપાટ અને સંસાર છોડીને એ સાધુ બની ગયા. પછી તેમણે ‘વૈરાગ્યશતક’ લખ્યું. આ સિવાય એક ‘નીતિશતક’ પણ છે. ભર્તૃહરિની ત્રણેય કૃતિઓ અમર બની છે.
ચાર ધામની યાત્રા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે કે કેમ તે શ્રદ્ધાનો વિષય છે. ચાર ધામની યાત્રાથી પુણ્ય મળે કે ન મળે, પણ આ વખતે ચાર ધામના યાત્રાળુઓને અને ઉત્તરાખંડના અસંખ્ય સ્થાનિકોને જિંદગીભર ચાલે એટલી પીડા તો મળી જ ગઈ છે. ભર્તૃહરિ જ્ઞાની માણસોને તીર્થયાત્રા માટે લગભગ નિષેધ ફરમાવી દે છે. એક સુભાષિતમાં લખ્યું છે કે,
‘વેદ-ઉપનિષદના જ્ઞાતાઓ,ભાષ્યકારો, જ્ઞાનીઓ બ્રહ્મતત્ત્વના જાણકાર હોવા છતાં હંમેશાં એક તીર્થથી બીજા તીર્થ ભટકતા જોવા મળે છે. માર્ગમાં દુઃખ સહન કરવું પડવું હોવા છતાં તેઓ ભટકવાનો સ્વભાવ છોડી શકતા ન હોવાથી મને ખરેખર ખેદ થાય છે! તીર્થસ્થાનોમાં વસવામાત્રથી નથી પાપો નાશ પામતાં કે નથી પુણ્ય પ્રાપ્ત થતું. કેમ? વેદોમાં કહેવાયું છે કે આત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર બ્રહ્મવિદ્યા વડે કરવો. આત્મ સ્વરૂપનો પરિચય કરાવતી બ્રહ્મવિદ્યા તીર્થસ્થાનોમાં રહેલી છે તે બરાબર છે, છતાં પણ લોકો ત્યાં રહીને તપ કરવા ઇચ્છે છે તે આશ્ચર્ય ઉપજાવે છે.’
એક ઔર સુભાષિતમાં ભર્તૃહરિએ આ વાત ઔર ઘૂંટી છેઃ ‘
આપણું મન સ્વયં નિર્મળ જ્ઞાનરૂપી અમૃતથી ભરેલા સરોવર જેવું છે. આમ છતાં વિવેકહીન દુર્બુદ્ધિ બ્રાહ્મણો અને અન્યો તેમાં સ્નાન કરવાને બદલે તીર્થયાત્રાની ઇચ્છાથી દુઃખી થઈને જંગલોમાં આડાઅવળા ભટકે છે. છેવટે તો તેમણે દુઃખના ખાણરૂપી આ સંસારસમુદ્રમાં જ ડૂબી મરવું પડે છે. આ આખી વાત કેટલી કષ્ટદાયક છે.’
તીર્થભૂમિ પર આપણા ઋષિ-મુનિઓએ કઠિન આરાધના કરી હતી, તેથી આદર્શ રીતે તો આપણને અહીં સાત્ત્વિક સ્પંદનોનો અનુભવ થવો જોઈએ. હકીકતમાં થાય છે કશુંક જુદું જ. આ જ પાવક ધરતી પર બજારુ ઢોંગીઓ પૂજાપાઠ અને ક્રિયાકર્મ કરાવી આપવાના નામે યાત્રાળુ પર તીડનાં ટોળાંની જેમ તૂટી પડીને આતંક મચાવી દે છે. ભીખમંગાઓનો ત્રાસ અને ગંદકીનું તો પૂછવું જ શું! આ બધામાં પેલાં સાત્ત્વિક સ્પંદનોનો કચ્ચરઘાણ વળી જાય છે. ભર્તૃહરિએ લખ્યં છેઃ
‘અરે ભાઈ! હે મિત્ર! કોઈ શાંત પર્વતના શિખર પર જઈને અથવા તો ઉનાળામાં કોઈ શાંત ગુફામાં બેસીને ઈશ્વરની આરાધના કરવાની તને ઇચ્છા હોય તો ત્યાં નહીં જતો. તું જ્યાં છે એ જગ્યાએ આવું કોઈ શાંત સ્થળ શોધી લઈ, મનને ભ્રમિત કરતા મહામોહરૂપી અનર્થકારક વિશાળ વૃક્ષને જડમૂળથી ઉખાડી નાખ.’
ભર્તૃહરિનાં શતકો નીલેશ મહેતાએ સરળ ભાષામાં અનુદિત કરી નાની પુસ્તિકાઓમાં સંપાદિત કર્યાં છે. સ્વામી સચ્ચિદાનંદે ‘ભર્તૃહરિનાં બે શતકો’ નામનું સુંદર પુસ્તક લખ્યું છે. સ્વામીજી વેદાંતનો અભ્યાસ કરવા લગભગ ૧૧ વર્ષ કાશીમાં રહ્યા હતા, પણ બન્યું એવું કે તેઓ ભણતા ગયા તેમ તેમ અદ્વૈત વેદાંતના સિદ્ધાંતો અને કોન્સેપ્ટ્સથી વિમુખ થતા ગયા. વેદાંત કહે છે કે તમામ દૃશ્ય અને અદૃશ્ય બ્રહ્માંડો માયાના તમોગુણથી રચાયાં છે. જો બધું જ તામસિક તત્ત્વોથી રચાયું હોય તો તીર્થક્ષેત્રો પણ તામસિક ગણાય. સ્વામી સચ્ચિદાનંદ પ્રશ્ન કરે છે કે તો આ તીર્થસ્થળોની સાત્ત્વિકતાનું શું? શું એનો અર્થ એ થયો કે આપણાં પવિત્ર ચાર ધામ પણ તામસિક છે?
‘વૈરાગ્યશતક’નું એક સુભાષિત સમજાવતાં સ્વામી સચ્ચિદાનંદ કહે છે કે પ્રલયકાળનો અગ્નિ પ્રગટે છે ત્યારે તેના પ્રચંડ પ્રહારથી સ્વયં મેરુ પર્વત પણ ઢળી પડે છે. આ અગ્નિપ્રલય છે. જે સમુદ્રમાં વિશાળ મગરો આદિ રહે છે તે સમુદ્ર પ્રલયકાળના વાયુમાં સુકાઈ જાય છે. સમગ્ર જળરાશિ પાણીની સાથે ઊડી જાય છે, આને વાયુપ્રલય કહે છે. પૃથ્વી પર્વતોનાં ચરણોથી દબાયેલી હોવાથી સ્થિર રહે છે. ભર્તૃહરિએ પર્વત માટે ‘ધરણીધર’ શબ્દ વાપર્યો છે. એટલે કે ધરતી પર્વતને નહીં, બલકે પર્વત ધરણીને એટલે કે પૃથ્વીને ધારણ કરે છે. આમ કહેવા પાછળનો તર્ક એ હોઈ શકે છે પર્વતોનું અસ્તિત્વ છે તો પૃથ્વીનું સંતુલન બની રહેવામાં, ઋતુચક્ર જળવાઈ રહેવામાં મદદ મળે છે. પૃથ્વીના પટ પર પહાડો જ ન રહે તો ઋતુચક્ર ખોરવાઈ જાય. ઉત્તરાખંડમાં થયેલી ટ્રેજેડી પાછળનું એક મોટું કારણ પહાડોને અતિ મૂર્ખતાથી કોતરી નાખવામાં આવ્યા છે, તે છે.
સો મણનો સવાલ આ છેઃ શું ચાર ધામની યાત્રા ઓવરરેટેડ છે? એને જરૂર કરતાં વધારે મહત્ત્વ આપી દેવામાં આવ્યું છે? ખેર,શ્રદ્ધાની વાત આવે ત્યાં આ પ્રકારના પ્રશ્નો અપ્રસ્તુત થઈ જાય છે. આસ્થામાં ઇલાકામાં કશું જ ‘ઓવરરેટેડ’ કે ‘વધારે પડતું’ હોતું નથી!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply