Sun-Temple-Baanner

જોગિંગ-જિમિંગના મામલામાં તમે કેવાંક સિન્સિયર છો?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


જોગિંગ-જિમિંગના મામલામાં તમે કેવાંક સિન્સિયર છો?


ટેક ઓફ : જોગિંગ-જિમિંગના મામલામાં તમે કેવાંક સિન્સિયર છો?

Sandesh – Ardh Saptahik Purti- 4 Dec 2013

ટેક ઓફ

ચાલવું કે દોડવું આમ તો સૌથી સસ્તી અને સરળ ફિટનેસ એક્ટિવિટી છે, પણ આપણને કોઈ પણ ચીજનું સીધાસાદાપણું પચતું નથી. વોકિંગ-જોગિંગ-રનિંગને લગતાં જાતજાતનાં ઉપકરણો આ પ્રવૃત્તિને વધારે ઝમકદાર બનાવે છે કે વધારે કોમ્પ્લિકેટેડ?

* * * * *

શિયાળો ધીમે ધીમે નિકટ આવી રહ્યો છે. આ ઋતુમાં સામાન્યપણે સવારે તમે શું કરો છો? રજાઈને કાન સુધી ખેંચીને ટેસથી મીઠી નિદ્રા માણતા રહો છો? કે પછી મન મક્કમ કરીને, બિસ્તર ત્યાગ કરીને વોકિંગ-જોગિંગ-રનિંગ કરવા નીકળી પડો છો? ચાલવું કે દોડવું એ સૌથી સસ્તી ફિટનેસ એક્ટિવિટી છે. એમાં નથી કોઈ ઉપકરણની જરૂર પડતી કે નથી કોઈ જિમ, ક્લબ યા ટીમમાં જોડાવું પડતું. તમારી પાસે બે સાબૂત પગ અને દિલમાં ઇરાદો હોય એટલું પૂરતું છે!

પણ કોઈ ચીજનું સીધાસાદાપણું આપણને સદતું નથી. વોકિંગ-જોગિંગ-રનિંગને ઝમકદાર (કે કોમ્પ્લિકેટેડ?) બનાવી દેતી પ્રકાર-પ્રકારની ચીજવસ્તુઓનું આખું બજાર ધમધમે છે. વોકિંગ શૂઝ અને રનિંગ શૂઝ બન્ને અલગ વસ્તુઓ છે અને તેમાં ગૂંચવાઈ જવાય એટલું બધું વૈવિધ્ય છલકાય છે. અઠંગ દોડવીરો રનિંગ શૂઝ ખરીદતી વખતે પોતાના પગનું પ્રોનેશન ધ્યાનમાં રાખે છે. દોડતી વખતે પગ એડીથી અંગૂઠા તરફ જે રીતે વળે છે તેને પ્રોનેશન કહે છે. હિલ-ટુ-ટો મૂવમેન્ટ જો એકસમાન હોય તો તે ન્યુટ્રલ પ્રોનેશન છે. પગનો પછડાટ જો પાનીની બહારનો ભાગ વધારે એબ્સોર્બ કરતો હોય તો તેને અન્ડર-પ્રોનેશન કહે છે. પાનીના અંદરના ભાગ પર શોક વધારે ઝીલાતો હોત તો તેને ઓવર-પ્રોનેશન કહે છે. દોડવાની સ્ટાઇલ અને પ્રોનેશનના પ્રકાર પરથી દોડવીરે નક્કી કરવાનું છે કે એણે કેવા સોલવાળા જૂતાં ખરીદવાં- મોશન કન્ટ્રોલ રનિંગ શૂઝ, ન્યુટ્રલ કુશન્ડ રનિંગ શૂઝ કે સ્ટેબિલિટી રનિંગ શૂઝ!

શૂઝ સિલેક્ટ કરવામાં સુગમતા રહે તે માટે તમારા પગનો પ્રકાર જાણી લો. તમારો પગ ભીનો કરી તેની છાપ લો. જો ફૂટ પ્રિન્ટ ઘાટીલી હોય, એડી અને પાનીને જોડતી સરસ મજાની પહોળી પટ્ટી દેખાતી હોય તો તમારો પગ ‘નોર્મલ’ છે. એને રનર્સ ફૂટ પણ કહે છે. તમારા માટે સ્ટેબિલિટી શૂઝ બેસ્ટ છે. જો તમારા પગની છાપ એકદમ પહોળી હોય તો ફ્લેટ ફૂટ ધરાવો છો (ઓવર પ્રોનેટેડ) જેના માટે મોશન કંટ્રોલ શૂઝ યોગ્ય રહેશે. ફૂટ પ્રિન્ટમાં પાની અને એડી વચ્ચે ખાલી જગ્યા દેખાતી હોય તો એનો મતલબ એ થયો કે તમે હાઈ આર્ચ્ડ ફૂટ ધરાવો છો (અન્ડર પ્રોનેટેડ). તમારે કુશન્ડ યા તો ન્યુટ્રલ શૂઝ પહેરવા. જો ઊબડખાબડ કે પથરીલા રસ્તા પર ઓફ-રોડ રનિંગ કરવું હોય તો ટ્રેઇલ શૂઝ પહેરો અને ઘાસ પર, માટી પર કે બરફ પર દોડવું હોય તો ક્રોસકન્ટ્રી સ્પાઇક્સ ધારણ કરો. ઉફ્ફ! આ બધું સાંભળીને ચક્કર આવી ગયાં? ડોન્ટ વરી. મોંઘા માંહ્યલા બ્રાન્ડેડ શૂઝના શો રૂમના સેલ્સમેનને પણ આ બધામાં ગતાગમ પડતી નથી!

ઓકે, ચાલો, કાચી-પાકી સમજણના આધારે રનિંગ શૂઝ લેવાઈ ગયા. પછી? હવે બજેટ તગડું બનાવો અને માંડો પ્રકાર-પ્રકારનાં ઉપકરણો પસંદ કરવાં. એક રનિંગ વોચ વસાવી લો. તમે કેટલું અંતર કાપ્યું, કઈ સ્પીડથી કાપ્યું અને કેટલા સમયમાં કાપ્યું એની નોંધ આ ઘડિયાળ કરતી જશે. રનિંગ વોચનાં સારાં મોડલ્સ પલ્સ રેટ મોનિટર પણ ધરાવતું હોય છે. દોડતાં દોડતાં હાંફ ચડી જાય, હૃદયના ધબકારા હદ કરતાં વધારે વધી જાય તો તે બધા પર આ પલ્સ રેટ મોનિટર ચાંપતી નજર રાખશે. તમે જેટલી કેલરી બાળી હોય એનો આંકડો પણ સતત ડિસ્પ્લે થયા કરશે. તમે કયા રૂટ પર કેટલું દોડયા એની પાક્કી નોંધ રાખતી જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) ધરાવતી વોચ પણ અવેલેબલ છે. તમે સાદા મેદાન પર યા તો જોગિંગ ટ્રેક પર ગોળ-ગોળ ચક્કર મારતા હો તો અલગ વાત છે, પણ જો ડિસ્ટન્સ રનર હો તો રનિંગ બેલ્ટ વસાવવો પડશે. આ કમરપટ્ટામાં તમારો મોબાઇલ, ચાવીઓ, કેમેરા અને એનર્જી જેલ

જેવો સામાન રહી જશે. પાણીની નાની બોટલ ભરાવી શકાય તે માટેના લૂપ પણ એમાં હશે. પાણી માટે એક ઔર વિકલ્પ પણ છે- કેમલબેક! દેખાવે તે બેકપેક યા તો કોલેજિયનોની શોલ્ડર-બેગ જેવી હોય છે. કેમલબેકમાં બે-ત્રણ લિટર પાણી સહેજે સમાઈ શકે. એમાંથી એક પાતળી પાઇપ નીકળતી હોય જેને તમે સીધી મોંમાં લઈ પાણીના ઘૂંટ ભરી શકો. મતલબ કે પાણી પીવા માટે ખાસ બ્રેક લેવાની જરૂર નથી.

ધારો કે તમે બહુ બિઝી માણસ છો, તમને રનિંગ માટે મોડી રાતે જ ટાઇમ મળે છે અને તમને રસ્તા પર જ દોડવામાં મોજ પડે છે. આ સ્થિતિમાં એક રિફ્લેક્ટિવ વેસ્ટ કે રિફ્લેક્ટિવ જેકેટ વસાવી લેવું. એમાં એલઈડી (લાઇટ એમિટિંગ ડાયોડ્સ) જડેલાં હોય છે. તમે રોડ પર દોડતા હશો ત્યારે આ એલઈડી લબૂકઝબૂક થયા કરશે, તેથી તમારી પાછળથી કે સામેથી આવતાં વાહનોના ડ્રાઇવર્સનું દૂરથી જ ધ્યાન જશે અને એક્સિડન્ટ-બેક્સિડન્ટ થતાં રહી જશે. આખું જેકેટ ન પહેરવું હોય તો ફક્ત કાંડે બાંધવાના રિફ્લેક્ટિવ બેન્ડ પણ ધારણ કરી શકો છો.

દોડવું આમ તો એકાકી ક્રિયા છે, પણ મ્યુઝિક તમને કંપની આપી શકે છે. જો હજુ સુધી આઈપોડ ન વસાવ્યું હોય તો વસાવી લો,એમાં તમારાં મનગમતાં ગીતડાં સ્ટોર કરી લો ને પછી પછી દોડતાં દોડતાં સાંભળતા રહો. હા, ‘લહુ મુંહ લગ ગયા’ સાંભળતી વખતે આસપાસના માહોલનું ને ટ્રાફિકનું ધ્યાન રાખવાનું. નહીં તો મુંહ, હાથ, પગ, પીઠ, ગોઠણ બધે જ લહુ લાગી જશે.

મોબાઇલ દોડવીરોથી દૂર રહી જાય તેવું કેમ બને? રનર્સ લોકોને મોજ પડી જાય એવી કંઈકેટલીય મોબાઈલ એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે. તેમાંથી RunKeeper (રન કીપર) અને Map My Run (મેપ માય રન) સૌથી પોપ્યુલર છે. રનકીપર ૨૦૦૮માં લોન્ચ થયેલી ઇન-બિલ્ટ જીપીએસ ધરાવતી ફિટનેસ-ટ્રેકિંગ એપ્ છે, જેને અત્યાર સુધીમાં ૨ કરોડ ૩૦ લાખ લોકો ફ્રી ડાઉનલોડ કરી ચૂક્યા છે એવો દાવો કરાય છે. તમારા વિશેની માહિતી તેમાં ઇનપુટ કરવાની અને દોડતી વખતે સ્માર્ટફોન ખિસ્સામાં મૂકીને એપ્ ઓન કરી દેવાની. તમે કાપેલું અંતર, સમય, તમારો પ્રોગ્રેસ, તમારું બેસ્ટ પર્ફોર્મન્સ વગેરે માહિતી રનકીપર એકધારું નોંધતું રહેશે. તમારો ડેટા વખતોવખત ઈ-મેઇલ કરતા રહીને તમને સતર્ક પણ રાખશે. ફેસબુક અને ટ્વિટર સાથે પણ રનકીપરનું સંધાન છે એટલે તમે દોસ્તો સાથે ડેટા શેર કરતા રહીને એકમેકને પાનો ચડાવી શકો છો.

આપણામાં એક કહેવત છે- ઠોઠ નિશાળિયાને વતરણાં ઝાઝાં. મતલબ કે વિદ્યાર્થી ઠોઠ હશે તો હજાર નખરાં કરશે ને ભણવા સિવાયની બધી બાબતોમાં ધ્યાન આપશે. કેટલાય આળસુડાઓ શરીરને હલાવવાનું કષ્ટ નહીં કરે, પણ ઉપર નોંધ્યાં એવાં ઉપકરણોનું શોપિંગ કરશે, રનિંગ વિશેની ચોપડીઓ અને મેગેઝિનોનાં પાનાં ફેરવશે, યુટયુબ પર જઈને રનિંગ વિશેના વીડિયો જોયા કરશે અને આટલું કરીને ઓર્ગેઝમ જેવો પરમ સંતોષ અનુભવવા લાગશે. અચ્છા, જોગિંગ-જિમિંગના મામલામાં તમે કેવાંક સિન્સિયર છો?

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2013 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.