Sun-Temple-Baanner

માતૃત્વ અને પિતૃત્વ કદી ભૂતકાળ બનતાં નથી…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


માતૃત્વ અને પિતૃત્વ કદી ભૂતકાળ બનતાં નથી…


ટેક ઓફ – માતૃત્વ અને પિતૃત્વ કદી ભૂતકાળ બનતાં નથી…

Sandesh – Ardh Saptahik Purti – 21 May 2014

ટેક ઓફ

“સંતાનના મૃત્યુનું દુઃખ ક્યારેય ઓછું થતું નથી. એને માત્ર દબાવી રાખવાનું હોય છે. હૃદયમાં એક એવો ઓરડો છે જેને હું ખોલતી નથી,બંધ રાખવાની કોશિશ છું પણ આ ઓરડો એવો ને એવો રહેશે, હું જીવીશ ત્યાં સુધી.”

* * * * *

પંદર-સોળ વર્ષની એક તરુણી. ભાવનગરના સુસંસ્કૃત, કલાપ્રેમી અને મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલી. યોગિની એનું નામ. એના માટે જીવનનો નકશો એટલે હું ભણીશ-ગણીશ, લગ્ન કરીશ, વ્યવસાય કરીશ, મારું ઘર હશે, વર હશે, સંતાનો હશે! સંતાન જન્મે એની બહુ પહેલાં માતૃત્વ અને પિતૃત્વ માણસની કલ્પનામાં જન્મી જતું હોય છે, એક ખયાલ રૂપે, એક સંકલ્પના રૂપે.

લગ્ન થયાં. યોગિની પંડયા હવે યોગિની જયંત ભટ્ટ બન્યાં. પહેલું સંતાન ગર્ભમાં હતું ત્યારે તબિયત ખૂબ નરમ-ગરમ રહ્યા કરે. ઘરમાં ધીમા અવાજે ગંભીર ચર્ચા ચાલતી હોયઃ બાળકને બચાવી શકાશે? ધારો કે બચશે તો પણ એ ખોડખાંપણવાળું નહીં હોય તેની શી ખાતરી? મૃત્યુની છાયા, અદીઠ અનિષ્ટની છાયા સંતાન કૂખમાં હતું ત્યારે જ પહેલી વાર પડી ગઈ હતી…

… અને દીકરો અવતર્યો. બિલકુલ તંદુરસ્ત, નોર્મલ. એ ધન્યતાની અનુભૂતિ હતી – માતા અને પિતા બન્ને માટે. એ સાચા અર્થમાં ઘરદીવડો હતો એટલે નામ પાડવામાં આવ્યુંઃ ચિરાગ. બહુ આનંદી અને લાગણીશીલ છોકરો. સાવ નાનપણથી સંગીત પ્રત્યે રુચિ સપાટી પર આવવા લાગી હતી. યોગિનીબહેન સ્કૂલમાં ટીચર. નવરાત્રિમાં વિદ્યાર્થિનીઓને ગરબાની પ્રેક્ટિસ કરાવે ત્યારે ત્રણ વર્ષનો ચિરાગ કન્યાઓના વર્તુળની વચ્ચે તબલાં પર થાપ મારતો હોય.

“એ વખતે મને પહેલી વાર થયું હતું કે આ છોકરાને તાલ અને લયની કુદરતી સમજ છે,” યોગિનીબહેન કહે છે, “ચિરાગ પાંચ વર્ષનો થયો ત્યારે મારો નાનો દીકરો અવતર્યો – કૃતાર્થ. પરિવાર હવે પૂર્ણ થયો હોય એવો સંતોષ જાગ્યો હતો.”

મમ્મી-પપ્પાના અટેન્શનમાં ભાગ પડયો એટલે શરૂઆતમાં તો પાંચ વર્ષનો ચિરાગ ચીડાતો, પણ પછી એનેય ભઈલો વહાલો લાગવા માંડયો. મમ્મી-પપ્પા દીકરાઓને લઈને ટેનિસ કોર્ટ લઈ જાય. બાપ-દીકરો ટેનિસ રમે, નાનો ટગર ટગર જોતો રહે. કૃતાર્થ પાંચ વર્ષનો થયો ને બીમાર પડયો. એને વિલ્સન ડિસીઝ તરીકે ઓળખાતો રોગ લાગુ પડયો હતો, જેમાં લિવરમાં કોપર ધાતુ જમા થવાને કારણે પેટ ફૂલવા માંડે, હાથ-પગ પાતળા થતા જાય, લોહી બનતું અટકી જાય. બીમારી વારસાગત હતી. અસાધ્ય અને જીવલેણ પણ. યોગિનીબહેનને કોઈ કશું કહે નહીં, પણ એ કળી ગયાં હતાં કે વાત બહુ ગંભીર છે. પણ હૃદયમાં શ્રદ્ધા હતી. મારા કૃતાર્થને કંઈ નહીં થાય. ભગવાન અવારનવાર ચમત્કાર કરતો હોય છે તો મારા દીકરાને બચાવવા ચમત્કાર નહીં કરે શું?પણ ચમત્કાર ન થયો. એક બપોરે લોહીની ભયાનક ઊલટી થઈ. રાત્રે નાનકડા બાળે દેહ છોડી દીધો. મા-બાપની છાતી ચિરાઈ ગઈ.

“સંતાનના મૃત્યુનું દુઃખ ક્યારેય ઓછું થતું નથી. એને માત્ર દબાવી રાખવાનું હોય છે,” યોગિનીબહેનનો અવાજ તૂટે છે, “હૃદયમાં એક એવો ઓરડો છે જેને હું ખોલતી નથી, બંધ રાખું છું… પણ આ ઓરડો જીવીશ ત્યાં સુધી એવો ને એવો જ રહેશે.”

દસમા ધોરણમાં આવ્યો ત્યાં સુધીમાં ચિરાગના મનમાં સ્પષ્ટતા થઈ ચૂકી હતી કે મારે સંગીતના ક્ષેત્રમાં જ આગળ વધવું છે. કોલેજમાં કોમર્સનું ભણતાં ભણતાં એણે તબલાંવાદનની વિશેષ તાલીમ લેવા મુંબઈવાસી અનીશ પ્રધાનને પોતાના ગુરુ બનાવીને ટયુશન શરૂ કર્યું. માત્ર બે કલાકના ટયુશન માટે દર મહિને ત્રણથી ચાર વખત ભાવનગરથી મુંબઈ અપ-ડાઉન કરવા માટે કેટલું જબરદસ્ત પેશન જોઈએ!

ડિસેમ્બર ૨૦૧૨. ચિરાગ બીમાર પડયો. આમ તો ન્યુમોનિયા જેવું લાગતું હતું, પણ ખરી બીમારી પકડાય નહીં. એક રાત્રે એને ઊંઘ ન આવે. પથારી પર દીવાલને અઢેલીને એ બેઠો ને એકાએક એના ચહેરાની રેખાઓ ખેંચાવા લાગી. માએ એની આંખો પર હાથ મૂક્યો. એ “મમ્મી…” કહીને ભેટી પડયો ને જીવ ઊડી ગયો. તબીબી ભાષામાં આને રેસ્પાયરેટરી એરેસ્ટ કહે છે. સાદી ભાષામાં કહીએ તો શ્વસનતંત્રનું એકાએક સંકોચાઈ જવું. આ એક દુલર્ભ બીમારી છે, જે ચિરાગની કુંડળીમાં લખાઈ હતી. ચિરાગ ન રહ્યો. બસ, આટલું જ અંતર હોય છે એક જીવતાં-જાગતાં-ધબકતાં સંતાનના હોવામાં અને ન હોવામાં.

મા-બાપ ફાટી પડયાં. હૃદયમાં એક કમરો મરણિયા થઈને માંડ માંડ બંધ રાખ્યો હતો. હવે એની બાજુમાં બીજો વધારે મોટો કમરો તૈયાર થઈ ગયો જેનાં કમાડ કેમેય કરીને ચસોચસ બંધ થાય તેમ નહોતાં. જીવનમાં જે કંઈ બની રહ્યું હતું તે સઘળું સહનશક્તિના કિનારા ફાડીને બહાર ફેંકાઈ ગયું હતું. મન-બુદ્ધિ-ઈન્દ્રિયોની સમજણશક્તિ ટૂંકી પડતી હતી. એક પછી એક બબ્બે દીકરાઓને ખેંચી લેવા પાછળ શું તર્ક કે ગણતરી કે યોજના હોઈ શકે ઉપરવાળાની? જો ભગવાન નિયતિને બદલી શકતો ન હોય તો એને ભજવાનો મતલબ શો છે? કર્મનો સિદ્ધાંત, ભલાઈનો બદલો, ભક્તિનું ફળ… શું છે આ બધું? દુષ્ટ માણસોનો તું વાળ પણ વાંકો કરતો નથી, જ્યારે તેં જ ચીંધેલા રસ્તે ચાલનારા, ખરાબ કામોથી ડરનારા ભલા માણસોને તું કેમ મરણતોલ ઘા મારતો રહે છે, ભગવાન?

વત્સલ મા ચિત્તભ્રમ જેવી સ્થિતિમાં મુકાઈ ગઈ. લગભગ આત્મહત્યાની ધાર સુધી પહોંચી ગઈ… પણ હું આ રીતે જીવન ટૂંકાવીશ તો મારા દીકરાઓનો આત્મા કકળશે એ વિચારે અટકી ગઈ. જીવી જવાયું. કોઈ અકળ શક્તિ જિવાડી નાખતી હોય છે માણસને. મનોબળ, સંસ્કાર તેમજ જીવનસાથીના સતત સધિયારા જેવાં નક્કર પરિબળો પણ ભાગ ભજવતાં હોય છે. પણ મરવાના વાંકે જીવવાનું નહોતું, આનંદમાં રહેવાનું હતું. “કૃતાર્થ ગયો ત્યારે ચિરાગે અમને સંભાળી લીધાં હતાં અને ચિરાગ ન રહ્યો ત્યારે એના દોસ્તારોએ અમને સાચવી લીધાં,” યોગિનીબહેન કહે છે, “છોકરાઓ સતત અમારી સાથે રહે, અમને હસતાં-હસાવતાં રાખે,ચિરાગની જેમ જ લાડ કરે, જીદ કરે. અમે સૌ સાથે બહાર જમવા જઈએ. હવે અમે જ એમને કહીએ છીએ કે છોકરાંવ, બસ કરો,અમને એકલાં, અમારા ખાલીપા સાથે જીવતાં શીખવા દો…”

ચિરાગની સ્મૃતિમાં ‘ચિરાગ ભટ્ટ ફાઉન્ડેશન ઓફ પર્ફોમિંગ આર્ટ્સ’ની રચના કરવામાં આવી, www.naadsetu.com વેબસાઈટ જણાવે છે કે ચિરાગ એક તબલાંવાદક તરીકે ઓળખાવા માગતો હતો એટલે ઓલ ગુજરાત તબલાં કોમ્પિટિશનની તૈયારી શરૂ થઈ છે. બબ્બે સંતાનોનાં મૃત્યુની વેદનાને સકારાત્મક માર્ગે વાળવાનો આ ઉદ્યમ છે.

તરુણાવસ્થામાં સંતાનનાં સપનાં જોયાં હતાં. આજે સંતાન ખુદ સપનું બની ગયાં છે. માતૃત્વની કલ્પનાથી એક ચક્ર શરૂ થયું હતું, પણ સંતાનના મૃત્યુથી ચક્ર પૂરું થતું નથી, ફક્ત એની ધરી બદલાય છે. સંતાન ભૂતકાળ બની શકે છે, પણ માતૃત્વ અને પિતૃત્વ ક્યારેય ભૂતકાળ બની શકતો નથી. એ સતત ધબકતાં રહે છે, જીવનના અંત સુધી.

“બરાબર સમજાય છે કે આ બધાં થૂંકનાં થીંગડાં છે, એ પણ સમજાય છે કે જીવનમાં સરવાળે તો બધું શૂન્ય થઈ ગયું છે, પણ…” યોગિનીબહેન સમાપન કરે છે, “… પણ હું ને મારા પતિ એકમેકનું મોઢું જોઈને અમે જીવતાં રહીએ છીએ. સામેનું પાત્ર ભાંગી ન પડે તે માટે સારામાં સારાં અભિનેતા-અભિનેત્રી બનીને હોઠ હસતાં રાખીએ છીએ…”

…પણ જીવનમાં આ બિંદુએ પણ નવો ઉઘાડ થઈ શકે છે. ઉપરવાળાએ બે દીકરા ભલે છીનવી લીધા, પણ ત્રીજી વખત એ સંતાન હોવાનું સંપૂર્ણ સુખ આપવા માગતો હોય એવું ન બને? અને ત્રીજું સંતાન દત્તક પણ હોઈ શકે છે. માણસને જીવવા માટે ટેકણલાકડી જોઈતી હોય છે. જીવનને અર્થપૂર્ણ અને સહ્ય બનાવવા એ વલખાં મારતો હોય છે, પણ આ વલખાંનું પણ આગવું સૌંદર્ય હોઈ શકે છે!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2014 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.