Sun-Temple-Baanner

સ્ટીવ જોબ્સની આગાહી જ્યારે ખોટી પડી…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


સ્ટીવ જોબ્સની આગાહી જ્યારે ખોટી પડી…


ટેક ઓફ – સ્ટીવ જોબ્સની આગાહી જ્યારે ખોટી પડી…

Sandesh – Ardh Saptahik Purti – 10 Sept 2014

ટેક ઓફ

બહુ આશા જાગી હતી જ્યારે અમેરિકામાં સેગવેની શોધ થઈ હતી. આશા શું, ઉન્માદ જ કહોને. એપલ ફેમ સ્ટીવ જોબ્સે તો ત્યાં સુધી કહી દીધું કે કમ્પ્યૂટરની શોધને કારણે જેમ દુનિયાની તાસીર પલટાઈ ગઈ એવું જ કંઈક આ કરામતી શોધને કારણે બનવાનું છે. ડિન કેમેનની શોધને લીધે ટ્રાન્સ્પોર્ટેશનની દુનિયામાં ક્રાંતિ થઈ જવાની હતી, પણ….

* * * * *

દિલ્હીમાં જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર બની છે ત્યારથી અમેરિકાની સેગવે નામની કંપનીમાં જરા સળવળાટ થઈ ગયો છે. આ કંપની એક વિશિષ્ટ પ્રકારનું વાહન બનાવે છે, જે પ્રદૂષણમુક્ત હોવાથી ગ્રીન વ્હિકલ તરીકે પણ ઓળખાય છે. કંપનીને આશા છે કે નરેન્દ્ર મોદી જેવો ટેક્નોલોજીપ્રેમી માણસ આ પ્રદૂષણમુક્ત વાહનને જરૂર ઉત્તેજન આપશે.

આશા તો ત્યારેય બહુ જાગી હતી જ્યારે અમેરિકામાં સેગવેની શોધ થઈ હતી. આશા શું, ઉન્માદ જ કહોને. ૨૦૦૧ની આ વાત. ડિન કેમેન નામના ઉત્સાહી અમેરિકન સંશોધક દસ વર્ષથી એક ઉપકરણ બનાવવામાં બિઝી હતા. એમણે પ્રયોગો ટોપ સિક્રેટ રાખ્યા હતા, પણ એમની ગતિવિધિઓ મીડિયામાં લીક થઈ ગઈ, તે સાથે જ તરખાટ મચી ગયો. ડિન કેમેન નામનો આ આદમી કંઈક અજબગજબની શોધ કરી રહ્યો છે તેવી જોરદાર હવા બંધાવા લાગી. એપલ ફેમ સ્ટીવ જોબ્સે તો ત્યાં સુધી કહી દીધું કે કમ્પ્યૂટરની શોધને કારણે જેમ દુનિયાની તાસીર પલટાઈ ગઈ એવું જ કંઈક ડિન કેમેનની કરામતી શોધને કારણે બનવાનું છે. એમણે તો ડિનના મશીનને ઇન્ટરનેટ કરતાંય વધારે મોટું ઇન્વેન્શન ગણાવ્યું. સ્ટીવ જોબ્સ જેવો સિલિકોન વેલીનો માંધાતા છાતી ઠોકીને આવી આગાહી કરે એટલે પૂછવું જ શું. લોકોની ઉત્તેજનાનો પાર ન રહ્યો. આ મશીનને ‘જિંજર’ એવું કામચલાઉ નામ આપવામાં આવ્યું હતું. રહસ્યનો કિલ્લો એટલો દુર્ગમ હતો કે લોકોને સમજાતું નહોતું કે આ જિંજર એક્ઝેક્ટલી છે શું? એટલો અંદાજ જરૂર મળ્યો કે ડિનભાઈની શોધને લીધે ટ્રાન્સ્પોર્ટેશનની દુનિયામાં ક્રાંતિ થઈ જવાની છે.

આખરે જબરદસ્ત હાઇપને અંતે ડિન કેમેનની શોધ દુનિયાની સામે આવી. આ હતું સેગવે પીટી નામનું બે પૈડાંવાળું વાહન. સેગવેમાં ‘સેગ’ શબ્દ segue પરથી આવ્યો છે, જેનો મતલબ છે, સ્મૂધ ટ્રાન્ઝિશન. ‘વે’ એટલે રસ્તો. પીટી એ પર્સનલ ટ્રાન્સ્પોર્ટરનું શોર્ટ ફોર્મ છે. સેગવે નામનું આ વાહન બેટરીથી ચાલે છે. એમાં એન્જિન કે ગિયર શું, સીટ, સ્ટિયરિંગ કે બ્રેક પણ નથી. એમાં છે મોટર, સેન્સર અને કોમ્પ્લિકેટેડ હાર્ડવેર તેમજ સોફ્ટવેર. જોકે, દેખાવમાં એની રચના સાવ સીધીસાદી છે. બે વ્હિલને જોડતા પ્લેટફોર્મ પર દંડના ટેકે સીધા ઊભા રહી જવાનું. સહેજ ઝૂકીને દંડ પર શરીરનું વજન આપો એટલે સેગવે માંડે આપોઆપ ચાલવા. અટકવું હોય ત્યારે શરીરનું વજન દંડ પરથી હટાવી દેવાનું. સેગવેમાં એકાધિક ગિયરોસ્કોપિક અને લેવલિંગ સેન્સર જડેલાં હોય છે, જે આગળ-પાછળ શિફ્ટ થતાં વજનને ડિટેક્ટ કરી શકે છે. દંડની ઉપર એક હેન્ડલબાર હોય છે. ડાબે-જમણે વળવું હોય ત્યારે આ હેન્ડલબારને પ્રેસ કરવાનું. સિમ્પલ. આદર્શ સ્થિતિમાં સેગવે કલાકના લગભગ ૨૦ કિલોમીટર જેટલું અંતર કાપી શકે છે. આખો દિવસ એકધારા સેગવે પર ફરો તોય મામૂલી ઇલેક્ટ્રિસિટી બળે. તેની વજન ઉઠાવી શકવાની ક્ષમતા ૧૦૦ કિલો જેટલી છે. થોડા અરસા પહેલાં રિલીઝ થયેલી ‘હોલીડે’ ફિલ્મના એક ગીતમાં તમે સેગવેને જોયું છે. તેમાં રમ

સેગવેનું મોડલ ડેવલપ કરવામાં ડિન કેમેને ૧૦૦ મિલિયન ડોલર ખર્ચી નાખ્યા હતા. કંપનીની નજર અબજો ડોલરના ટ્રાન્સ્પોર્ટ સેક્ટર પર હતી. પેટ્રોલ-ડીઝલની ઝળુંબતી કારમી અછત અને તેના વપરાશથી પેદા થતાં પોલ્યુશનની સમસ્યાનું એક અસરકારક સમાધાન સેગવેના સ્વરૂપમાં દેખાતું હતું. ડિનનું સાદું લોજિક એ હતું કે લાંબું અંતર કાપવા માટે કાર બરાબર છે, પણ શહેરની ગલીઓમાં ફરવું હોય તો હડમદસ્તા જેવી કાર કે બાઇક ફેરવીને પેટ્રોલ અને પૈસાનું પાણી શું કામ કરવાનું? ર્પાિંકગની ત્રાસદાયક સમસ્યા તો લટકામાં. સેગવે લોન્ચ કરતા પહેલાં ડિને ‘ટાઇમ’ મેગેઝિનને આપેલા લાંબા ઇન્ટરવ્યૂમાં કહેલું, “તમે સેગવે પર ફરશો ત્યારે એનું ગિયરોસ્કોપ તમારા કાનની ગરજ સારશે, તમારા દિમાગનું કામ ઇન-બિલ્ટ કમ્પ્યૂટર કરશે, મોટર તમારા મસલ્સ અને વ્હિલ તમારા પગ બની જશે. સમજોને કે સેગવે પર ફરતી વખતે તમને એવું જ લાગશે કે જાણે તમે જાદુઈ જૂતાં પહેલી લીધાં છે!”

તેર વર્ષ પહેલાં સેગવે લોન્ચ થયું ત્યારે મજાની વાત એ બની કે ડિન કેમેનના લગભગ બધા ટેક્નોલોજિકલ દાવા સાચા પુરવાર થયા. અપેક્ષા તો એવી હતી કે જોતજોતામાં દુનિયાભરમાં સેગવે ધૂમ મચાવી દેશે. શહેરોમાં પરિવહનનું આખું ચિત્ર જ બદલાઈ જશે. મોટાં વાહનો ઓછાં વપરાવાથી રસ્તા પર ટ્રાફિક અને પોલ્યુશન બન્ને ઓછાં થઈ જશે ને વર્ષેદહાડે લાખો લિટર પેટ્રોલ-ડીઝલની બચત થશે.

એવું કશું જ ન બન્યું. સેગવે એક કમર્શિયલ પ્રોડક્ટ તરીકે તદ્દન નિષ્ફળ પુરવાર થયું. ડિન કેમેનની કંપનીએ ઉત્સાહમાં આવીને વર્ષે પાંચ લાખ યુનિટ પેદા કરી શકે એવું તોસ્તાનછાપ માળખું ઊભું કરી નાખ્યું હતું, પણ પહેલાં સાત વર્ષ દરમિયાન પૂરાં ૩૦ હજાર પીસ પણ ન વેચાયા. સેગવેેને ટેક્નોલોજિકલ ડિઝાસ્ટરનું બિરુદ મળ્યું. ક્યાં કાચું કપાયું? સ્ટીવ જોબ્સ જેવા વિઝનરી માણસની આગાહી શા માટે ખોટી પડી?

સેગવેની નિષ્ફળતા પછી તો ખૂબ બધાં વિશ્લેષણો થયાં, જેમાંથી સૌથી કોમન મુદ્દા બહાર આવ્યા તે આ હતા. સૌથી પહેલું તો એની કિંમત. રૂપિયામાં કન્વર્ટ કરીને ગણતરી કરીએ તો, એક સેગવે ખરીદવા તમારે ચારથી પાંચ લાખ રૂપિયા ખર્ચવા પડે. આટલાં નાણાંમાં બ્રાન્ડ-ન્યૂ નાની કાર અથવા સેકન્ડ-હેન્ડ મોટી કાર આવી જતી હોય તો કોઈ શું કામ સેગવે નામનું રમકડું ખરીદે? નિષ્ફળતાનું બીજું સૌથી મોટું કારણ હતું, ટ્રાફિકના કાયદા. સેગવેને રોડ વ્હિકલની કઈ કેટેગરીમાં મૂકવું એ જ નક્કી કરી શકાતું નહોતું. સેગવેને રોડ પર ચલાવવાનું કે ફૂટપાથ પર? દુનિયાભરનાં શહેરોની ફૂટપાથ રાહદારીઓ માટે અને સડકો ઝડપી વાહનો માટે ડિઝાઇન થયેલી છે. સેગવે આ બેમાંથી એકેયમાં ફિટ થતું નહોતું. અમુક દેશોમાં તો તેને રસ્તા કે ફૂટપાથ પર ચલાવવાનું જ ગેરકાયદે ઠેરવવામાં આવ્યું. તમે ઇચ્છો તો ક્લબ કે કેમ્પસ કે રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ જેવી પ્રાઇવેટ પ્રોપર્ટીમાં ફેરવી શકો છો, પણ એને રસ્તા પર નહીં કાઢવાનું!

ઘણા લોકોને એનો દેખાવ જરાય ન ગમ્યો. એમનું કહેવું હતું કે સેગવે પર ઊભા ઊભા કશેક જતાં હોઈએ તો જોકર જેવા દેખાઈએ છીએ. વટ પડવાની તો વાત જ ભૂલી જાઓ! સેગવે પરથી લોકો ગબડી પડવાને કારણે ઘાયલ થઈ ગયા હોય એવા બનાવ પણ નોંધાયા. વચ્ચે ખામીયુક્ત ૨૮,૦૦૦ મોડલ માર્કેટમાંથી પાછાં ખેંચી લેવાં પડયાં હતાં.

ભારતમાં સેગવેની એન્ટ્રી ૨૦૧૦માં થઈ. ભારતમાં હજુ સુધીમાં એના અઢીસો નંગ જ વેચાયા છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન,પાર્લામેન્ટ, ઇન્ડિયા ગેટ વગેરેને આવરી લેતી સેગવે ટૂરનું આયોજન થાય છે. મહારાષ્ટ્રના અલ્ટ્રા ગ્લેમરસ (અને વિવાદાસ્પદ) લ્વાસા સિટીમાં સેગવેનો ઉપયોગ ટૂરિસ્ટોને આકર્ષવા માટે થાય છે. મનમોહન સરકારે ગયા વર્ષે નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પ્લાન ઘડી કાઢયો હતો, જેમાં એન્વાયર્નમેન્ટ-ફ્રેન્ડલી વાહનોના વપરાશ પર જોર દેવાની વાત છે. ખાટલે મોટી ખોડ એ છે કે સેગવેનો સમાવેશ આ પ્લાન હેઠળ થઈ શકતો નથી. સેગવે એક વ્હિકલ છે અને તેના પર ભારતનો મોટર વ્હિકલ એક્ટ લાગુ પડે છે. છતાંય સેગવે કંપનીને આશા છે કે તાજેતરમાં જાપાનમાં જઈને ઢોલ વગાડી આવેલા નરેન્દ્ર મોદીની કૃપાદૃષ્ટિ વહેલીમોડી સેગવે પર જરૂર પડશે. વેલ, અહીં અનુપમ ખેરનો તકિયા કલામ ‘કુછ ભી હો સકતા હૈ’ વાપરી શકાય તેમ છે કે કેમ, તે મોટો સવાલ છે!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2014 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.