Sun-Temple-Baanner

વિદ્યાર્થી એટલે કે…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


વિદ્યાર્થી એટલે કે…


ટેક ઓફ – વિદ્યાર્થી એટલે કે…

Sandesh- Ardh Saptahik Purti- 1 July 2015

ટેક ઓફ

ડિગ્રી અમુક વર્ષોમાં મળી જાય, પણ કેળવણી આજીવન ચાલતી પ્રક્રિયા છે. વિદ્યાર્થી હોવું તે જીવનનો એક તબક્કો નહીં, પણ સ્વભાવ યા મિજાજનું અંગ હોવું જોઈએ.

* * * * *

સ્કૂલો ખૂલી ગઈ છે. સ્ટુડન્ટ્સ નવા સ્કૂલડ્રેસ પર રેઇનકોટ પહેરીને,નવાં પાઠયપુસ્તકોને વરસાદથી બચાવવા પ્લાસ્ટિકનાં કવર ચડાવીને સ્કૂલે જવા માંડયા છે. આપણી શિક્ષણવ્યવસ્થા પરફેક્ટ નથી, પણ બહેતર વિકલ્પના અભાવે એને સ્વીકાર્યા વગર છૂટકો પણ નથી. મહાન આવિષ્કારો પ્રવર્તમાન એજ્યુકેશન સિસ્ટમનો હિસ્સો બનનારાઓએ પણ કર્યા છે અને હિસ્સો ન બનનારાઓએ પણ કર્ર્યા છે. દુનિયાને આંજી નાખે એવી સિદ્ધિઓ આ બન્ને જૂથોએ હાંસલ કરી છે. તેજસ્વી વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ પોતાને જે કંઈ અનુકૂળ હોય એવું અપનાવી લેવાનો અને પ્રતિકૂળ હોય તેને ચાતરી જવાનો નીરક્ષીર વિવેક સામાન્યપણે કેળવી લેતા હોય છે.

અમેરિકા જેવા વિકસિત દેશોના શિક્ષણતંત્રથી અભિભૂત થઈ જવાની આપણને મજા આવે છે. વિશ્વના મોટાભાગના દેશો કરતાં અમેરિકા એજ્યુકેશન સિસ્ટમ પાછળ વધારે બજેટ ફાળવે છે, ત્યાં ક્લાસદીઠ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે. શિક્ષણનું સ્તર સુધારવા માટે દર વર્ષેે કંઈકેટલાંય નવાં પગલાં ભરવામાં આવે છે, પણ તેથી શું અમેરિકાની એજ્યુકેશન સિસ્ટમ સર્વાંગસંપૂર્ણ અને ક્ષતિમુક્ત બની ગઈ છે? ના. અમેરિકાના કેટલાય હિસ્સાઓમાં ૬૦ ટકા વિદ્યાર્થીઓ હાઈસ્કૂલ પછી આગળ ભણતા નથી. અમુક નેટિવ અમેરિકન કમ્યુનિટીઝમાં ડ્રોપ-આઉટ રેટ ૮૦ ટકા જેટલો ઊંચો છે. એક અંદાજ એવો છે કે આ આંકડાને અડધા કરવામાં આવે (એટલે કે અડધોઅડધ વિદ્યાર્થીઓ ઊઠી જવાને બદલે ભણતર પૂરું કરે), તો દસ વર્ષમાં અમેરિકાના અર્થતંત્રને એક ટ્રિલિયન ડોલરનો જબ્બર ફાયદો થાય. એક ટ્રિલિયન એટલે એકડાની પાછળ બાર મીંડાં.

શું ભણવું જોઈએ અને કેવી રીતે ભણાવવું જોઈએ એ નિરંતર ચાલતી ચર્ચા છે. માત્ર આપણે ત્યાં નથી, પણ સર્વત્ર. ‘ધ ફાઉન્ટનહેડ’ અને ‘એટલાસ શ્રગ્ડ’ જેવી ઓલટાઇમ ગ્રેટ નવલકથાઓ આપનાર અમેરિકન લેખિકા એન રેન્ડે કહ્યું છેઃ “ભણતરનો એકમાત્ર ઉદ્દેશ વિદ્યાર્થીની બુદ્ધિનો વિકાસ કરીને અને એને વાસ્તવિકતાનો મુકાબલો કરવા માટે સજ્જ કરીને, જીવન સારી રીતે કેવી રીતે જીવવું તે શીખવવાનો છે. વિદ્યાર્થીને અપાતી તાલીમ થિયરેટિકલ એટલે કે કન્સેપ્ચ્યુઅલ હોવી જોઈએ. એને વિચારતા, સમજતા, વિશ્લેષણ કરતા અને સાબિત કરતા શીખવવાનું છે. ભૂતકાળ આપણા માટે પુષ્કળ જ્ઞાાન પાછળ મૂકતો ગયો છે. વિદ્યાર્થીએ આ જ્ઞાાનનો ઉપયોગ કરતાં અને જાતે પ્રયત્નો કરીને ભવિષ્ય માટે વધારે જ્ઞાાન શી રીતે હાંસલ કરી શકાય તે શીખવાનું છે.”

સ્વ-અધ્યયન બહુ મહત્ત્વની બાબત છે. જાતે શીખવું. જાતે અધ્યયન કરવું. શિક્ષક માત્ર દિશાસૂચન કરે. કમનસીબે, પરીક્ષાકેન્દ્રી અને ટયુશનકેન્દ્રી માહોલમાં આવી પરિસ્થિતિ પેદા થઈ શકતી નથી. વિદ્યાર્થીને અને સંતાનને બધું અત્યંત અનુકૂળ અને આસાન કરી દેવાની ચિંતા નુકસાનકારક બનવા લાગે છે. આખો વખત છાતીએ વળગાડી રાખેલા બાળકને પહેલી વાર અળગું કરીને કે.જી. કે પ્રિ-સ્કૂલમાં ભણવા મોકલે ત્યારથી ઘણાં મમ્મી-પપ્પાઓ ચિંતાથી અડધાં થઈ જતાં હોય છે કે કેવી રીતે મેનેજ કરશે મારું બચ્ચું?ઘણાં માબાપ પોતાનાં સંતાનને ભણવા માટે બહારગામ મોકલતા ગભરાતાં હોય છે. સંતાનને હોસ્ટેલ કે બોર્ડિંગ હાઉસમાં મૂકવાની આદર્શ ઉંમર કઈ? એ હાઈસ્કૂલમાં આવે ત્યારે? હાયર સેકન્ડરી કે જુનિયર કોલેજમાં આવે ત્યારે? કે પછી કોલેજમાં આવે ત્યારે?ઓગણીસમી સદીમાં થઈ ગયેલા સ્વામી દયાનંદ સરસ્વતીએ એમના વિખ્યાત ‘સત્યાર્થપ્રકાશ’ પુસ્તકમાં શું કહ્યું હતું?

‘પઠનપાઠનના સંબંધમાં રાજનિયમ અને જાતિનિયમ હોવો જોઈએ કે પાંચ વર્ષ અથવા આઠ વર્ષ પછી કોઈ પણ માબાપે પોતાનાં બાળકોને ઘરે રાખવાં નહીં, પાઠશાળામાં મોકલી આપવાં. આ નિયમનો ભંગ કરનારને યોગ્ય શિક્ષા થવી જોઈએ. કન્યાશાળા અને કુમારશાળા એકબીજાથી એક-બે ગાઉના અંતરે હોવી જોઈએ.’

પાંચ-સાત વર્ષના બચ્ચાને ફરજિયાત ગુરુકુળ અથવા તો બોર્ડિંગ હાઉસમાં મોકલી દેવાની કલ્પનામાત્રથી આજના વાલીઓ થરથર કાંપી ઊઠે. તે સ્વાભાવિક પણ છે. વિદ્યાર્થી અવસ્થા વિશે ભારતીય શાસ્ત્રોમાં કેટલીય રસપ્રદ વાતો લખાઈ છે. તૈત્તિરીય ઉપનિષદમાં વિદ્યાર્થીઓ માટે એક સરસ શ્લોક છે. ગુરુકુળમાં નવા નવા દાખલ થયેલા શિષ્યોને સમાવર્તન સંસ્કાર વખતે આચાર્ય કહે છે, “હે શિષ્ય! તારે જીવનમાં ઋત અને સત્યનું પાલન કરવાનું છે. એનું પાલન ત્યારે જ થઈ શકશે, જ્યારે તું એના વિશે વધુ ને વધુ સ્વાધ્યાય કરીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશ અને તારા અનુભવોનો લાભ સત્સંગ દ્વારા બીજાઓને પહોંચાડીશ. પ્રલોભનોથી બચીને રહેવું એ તપ છે, પ્રલોભનોનું દમન કરવું એ દમ છે અને પ્રલોભનોની વચ્ચે પણ શાંત રહેવું એ શમ છે. આ ત્રણેય સદ્ગુણોની સિદ્ધિ ત્યારે જ થશે, જ્યારે તું તેના પર વિચાર કરીને બીજાઓને પણ એ વિશે સંભળાવીશ. તું વેદશાસ્ત્રો અને અગ્નિ વગેરે પદાર્થોની મદદથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરજે. અતિથિસેવા પણ ધર્મનું લક્ષણ છે. તેના દ્વારા જગતમાં સત્ય, ઉપદેશ, વિદ્યા અને પરોપકારની ભાવના વિસ્તૃત થાય છે. એ અતિથિઓની સેવા કરતાં કરતાં પણ પોતાનાં સ્વાધ્યાય અને સત્સંગને ભૂલવાં નહીં.’

વિદ્યાભ્યાસ પૂરો થયા પછી શિષ્યએ શું કરવાનું છે? આ પ્રલંબ શ્લોકમાં આગળ કહેવાયું છેઃ ‘તારે આધીન હોય તેવા માણસોનું યથાયોગ્ય પાલન કરજે. તેમને કામ આપીને તેમના યશ અને શ્રીની વૃદ્ધિ કરજે. ઉત્તમ કાર્યોમાં ખર્ચ પણ કરતો રહેજે. આ રીતે પુરુુષાર્થ કરીને તું ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેજે. કેવળ જનક કે જનની થઈ જવા માત્રથી પુત્રેષ્ઠિ યજ્ઞાની સમાપ્તિ થઈ જતી નથી, પરંતુ જ્ઞાાનની તૈયારીમાં ઉત્તમ ભોજન અને ઔષધ-સેવનની સાથે સાથે પોતાના સંકલ્પો અને વિચારોનું મનન કરીને, સ્વાધ્યાય અને સત્સંગ દ્વારા પોતાના ગર્ભસ્થ શિશુ પર શ્રેષ્ઠ સંસ્કારો નાખવા એ પ્રજનન ધર્મ છે. તારા પરિવારનું ભરણપોષણ કરજે, સંતાનોને વિદ્યા તથા સંસ્કારથી અલંકૃત કરજે, તેમને ધાર્મિક અને પુરુષાર્થી બનાવીને પ્રજાધર્મનું પાલન કરજે. આ જ મનુષ્ય ધર્મ છે.”

આપણી સંસ્કૃતિમાં ગુરુને દેવતુલ્ય ભલે ગણ્યા, પણ ગુરુય આખરે તો માણસ છે. એનામાં પણ અસંખ્ય માનવસહજ ખામીઓ હોવાની. આ સત્ય ઉપનિષદોના જમાનામાં પણ સ્વીકારાયું હતું, તેથી જ તૈત્તિરીય ઉપનિષદના ઋષિ પાસે શિષ્યો ભણવા આવે છે ત્યારે ઋષિ એમને મહત્ત્વની વાત પણ કરે છે, “હે મારા શિષ્યો! તમે તમારા ચરિત્રનાં જે કંઈ સારાં પાસાં છે અથવા અમારે જે કંઈ ઉત્તમ કર્મો છે, ફક્ત તેને જ ગ્રહણ કરજો. અમારા ચરિત્રમાં જે કંઈ ત્રુટિઓ અને દુર્ગુણો છે, એને કદાપિ ગ્રહણ ન કરતા.”

ડિગ્રી અમુક વર્ષોમાં મળી જાય, પણ કેળવણી આજીવન ચાલતી પ્રક્રિયા છે. વિદ્યાર્થી હોવું તે જીવનનો એક તબક્કો નહીં, પણ સ્વભાવ યા મિજાજનું અંગ હોવું જોઈએ. ઈશ્વર પેટલીકરે પાંચેક દાયકા પહેલાં કહેલી વાત આજેય એટલી જ પ્રસ્તુત છેઃ “શાળા-કોલેજોમાં આપણું શિક્ષણ સમાપ્ત થતું નથી. શિક્ષણ લઈને જે સ્નાતકો બહાર પડે છે તેમણે અમુક વિષયમાં નિપુણતા પ્રાપ્ત કરેલી હોય છે, પરંતુ એક નાગરિક તરીકે બીજા ક્ષેત્રનું સામાન્ય જ્ઞાાન પ્રાપ્ત કરવું તેમને માટેય જરૂરી હોય છે. તે પ્રાપ્ત કરવાનું સ્થાન શાળા-કોલેજો નથી. માણસ આખા જીવન દરમિયાન કેટલો વિદ્યાર્થી રહે છે તેના ઉપર એનો આધાર છે. માણસ વિવિધ ક્ષેત્રના વાચનનો રસ કેળવે અને દરરોજ ઓછામાં ઓછો અમુક સમય વાચન માટે કાઢે, તેને વ્યસન બનાવે, તો જ એને કેળવાયેલો કહી શકાય. આજે આપણને એવા ઘણા માણસો મળી આવશે કે જે એમના ક્ષેત્રમાં ઊંડા અભ્યાસી હોય, પણ સામાન્ય જ્ઞાાનમાં ખાલી હોય, પરંતુ વિશિષ્ટ જ્ઞાાન જેટલું જરૂરી છે તેટલું જ જીવનઘડતર માટે સામાન્ય જ્ઞાાન પણ જરૂરી છે જ. શહેરીજનોમાં અને ઉચ્ચ શિક્ષણ લીધેલાઓમાં પણ એની ભૂખ ઓછી છે.”

તમે તમારી ભીતર રહેલા વિદ્યાર્થીને કેવોક જીવંત રાખ્યો છે?

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2015 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.