Sun-Temple-Baanner

જોઈ લેવાશે!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


જોઈ લેવાશે!


ટેક ઓફ – જોઈ લેવાશે!

Sandesh- Ardh Saptahik Purti- 8 July 2015

ટેક ઓફ

જુવાનીમાં જોશની તીવ્રતા વધારે હોય છે, મન વધારે સ્વપ્નિલ હોય છે, જીવન પ્રત્યેની મુગ્ધતા હજુ ટકેલી હોય છે. આથી’સોચના ક્યા જો ભી હોગા દેખા જાએગા’વાળો સ્પિરિટ ધખધખતો હોય છે. બસ, સફર કરવી છે અને મંજિલ પર પહોંચવું છે એટલી જ ખબર છે. ગંતવ્યસ્થાન કેટલું દૂર છે, ત્યાં સુધી પહોંચવા માટે કેટલું અંતર કાપવું પડશે એ બધું જોઈ લેવાશે!

* * * * *

બે કવિઓ છે. બે ગઝલો છે. મિજાજ એક છે. ‘મિલાપની વાચનયાત્રા’ શૃંખલાની ૧૯૫૯વાળી એડિશનમાં રતિલાલ ‘અનિલ’ની ગઝલને સ્થાન મળે છે, જ્યારે ૧૯૬૦વાળા સંગ્રહમાં હેમંત દેસાઈની કૃતિ છપાય છે. બન્નેનું શીર્ષક એક- ‘જોઈ લેવાશે!’ દરેક શેરમાં આ શબ્દો રદીફ બનીને પુનરાવર્તિત થતા રહે છે. એકમેકના એક્સટેન્શન જેવી આ બંને ગઝલો મસ્ત મજાની છે. બન્ને પાનો ચડાવી દે એવી છે. કવિ હિતેન આનંદપરા જણાવે છે તેમ, આ બન્ને રચનાઓ તરાહી પ્રકારના મુશાયરામાં જન્મી હોઈ શકે,જેમાં એક કોમન શબ્દપ્રયોગ પકડીને રચાયેલી ગઝલો પેશ થતી હોય છે. આ સામ્ય કેવળ યોગાનુયોગ હોય એવુંય બને. આપણે ગઝલો માણીએ એક પછી એક. રતિલાલ ‘અનિલ’ શરૂઆત કેમ કરે છે તે જુઓઃ

ભલે આવે ગમે તેવો જમાનો જોઈ લેવાશે,
નવો રસ્તો પરિવર્તન ફનાનો જોઈ લેવાશે.

અમોને તોળનારાઓ જશે તોળાઈ ખુદ પોતે,
હશે દેવાળિયો કે દોસ્ત દાનો જોઈ લેવાશે.

સમય તો બદલાયા કરે. એ બદલાશે જ. જમાનાનો સ્વભાવ છે પરિવર્તન પામવાનો, પણ તેથી શું ડરી જવાનું? નવા વાતાવરણમાં કે નવાં નીતિ-મૂલ્યોમાં ગોઠવાઈ નહીં શકાય એનો ડર, બીજાઓ તમને ફેંકીને આગળ નીકળી જશે એનો ડર,રિલેવન્ટ ન રહી શકવાનો ડર. ના. કવિ કહે છે, ભલે ગમે તેવો બદલાવ આવે, જોઈ લેવાશે! વધારે સંઘર્ષ કરીશું, વધારે મહેનત કરીશું, જરૂર પડયે માહ્યલાને અકબંધ રાખીને ખુદને રિ-ઇનવેન્ટ કરીશું. સમય આવ્યે જ સમજાતું હોય છે કે કોણ દેવાળિયો છે, કોણ દાનવીર છે, કોણ પોતાનું છે, કોણ પારકું છે, કોણ અણીના સમયે પડખે ઊભું રહે છે, કોણ પીઠ ફેરવીને નાસી જાય છે.

સુરત છુપાવશે, કિન્તુ અનુભવ ક્યાં છુપાવવાનો?
હશે શાણો હકીકતમાં દીવાનો જોઈ લેવાશે!

હલેસું હાથમાં લઈને ઝુકાવી નાવ સાગરમાં-
તરંગો જોઈ લેવાશે, તુફાનો જોઈ લેવાશે.

બહુ સુંદર પંક્તિઓ છે. માણસ દુનિયાથી પોતાનો ચહેરો છુપાવી શકે છે, જે નથી તે હોવાનો આડંબર કરી શકે છે, જે છે એને ઢાંકી શકે છે, પણ જેમાંથી પસાર થવું પડયું છે તે અનુભવોને અને તે અનુભવોને લીધે વ્યક્તિત્વમાં ઉમેરાઈ ગયેલાં સારાં-માઠાં તત્ત્વોને શી રીતે છુપાવી શકશે? અનુભવો માણસનો વર્તમાન રચે છે અને વર્તમાન ક્રમશઃ એનો અતીત બનતો જાય છે. માણસ ગમે તેટલો ઠાવકાઈનો આડંબર કરે, પણ વાસ્તવમાં જો એ દીવાનો હશે તો એનું દીવાનાપણું વહેલું-મોડું છતું થવાનું જ છે. પછીના શેરમાં કવિ કહે છે, ક્યાં સુધી ગણી ગણીને પગલાં ભરીશું? ક્યાં સુધી જે આવ્યું નથી એનાથી ડરતા રહીશું? નાવ છે,હલેસું છે, બસ, ઝુકાવી દો સમુંદરમાં. મોજાં ઊછળવાનાં હશે તો ઊછળશે. તોફાન આવવાનું હશે તો આવશે. જોઈ લેવાશે! આમ ક્યાં સુધી તોફાનની બીકે કાંઠે બંધાઈ રહીશું. યાહોમ કરીને કૂદી પડવાનું છે. આગળ ફતેહ મળશે જ એવી શ્રદ્ધા રાખવાની છે. પરિસ્થિતિ બધું જ શીખવી દે છે માણસને.

તરસ એવી લઈ નીકળ્યો છું હું દુનિયાના બાઝારે,
પરબ છે કે કલાલોની દુકાનો? જોઈ લેવાશે.

કબરમાં પ્રાણ કે મુર્દા વસે છે કોઈ આલયમાં?
મઝારો જોઈ લેવાશે, મકાનો જોઈ લેવાશે.

સપાટી પર રખડવાથી શિખર પર પહોંચવું સારું,
‘અનિલ’ ત્યાંથી જગતનાં સર્વ સ્થાનો જોઈ લેવાશે.

કલાલ એટલે દારૂ બનાવનારો. કવિ કહે છે કે તરસ તો ખૂબ છે, પણ તરસ છિપાવનારો કોણ છે? પરબ ખોલીને બેઠેલો સેવાભાવી કે દારૂ બનાવીને વેચનારો ધંધાદારી? જીવનમાં કયા તબક્કે કોેની સાથે ભેટો થઈ જવાનો છે તે નસીબ નક્કી કરતું હોય છે?સાત્ત્વિક અને તામસિક વચ્ચેની પસંદગી આખરે તો આપણે જ કરવાની છે. કવિ પૂછે છે કે કોણે કહ્યું કે મદડાં ફક્ત કબ્રસ્તાનમાં જ વસે છે? જીવતી લાશ જેવા નિષ્પ્રાણ માણસો આપણે નથી જોતા શું? ગઝલને અંતે કવિ કહે છે, નજારો જોવાના બે વિકલ્પો છે- કાં તો સપાટી પર ચારેકોર ફરી વળો અથવા તો પર્વતના શિખર પર પહોંચી જાઓ અને પછી ટોચ પરથી વિહંગાવલોકન કરો. કવિ કહે છે કે નીચે નીચે ફરવા કરતાં સંઘર્ષ કરીને શિખર પર પહોંચવું સારું, કેમ કે નીચે રહીને જે ક્યારેય નજરે ચડવાનું નથી તે જોઈ શકવાનો લહાવો પણ અહીંથી મળશે. લંબાઈ નહીં, પણ ઊંચાઈ મહત્ત્વની છે!

હવે બીજી રચના. કવિ છે હેમંત દેસાઈ. એ જ જુસ્સો છે, એ જ આવેગ છે, જે આગલી કૃતિમાં હતો. ગઝલનો ઉઘાડ જુઓ-

થવા દે થાય તે, અમને નથી ડર, જોઈ લેવાશે!
જવાની પર ભરોસો છે સદંતર, જોઈ લેવાશે!

બનીને બુંદ આલમનો સમુંદર જોઈ લેવાશે!
સફર કરવા કરી છે હામ, અંતર જોઈ લેવાશે!

જુવાનીમાં જોશની તીવ્રતા વધારે હોય છે, મન વધારે સ્વપ્નિલ હોય છે, જીવન પ્રત્યેની મુગ્ધતા હજુ ટકેલી હોય છે. આથી ‘સોચના ક્યા જો ભી હોગા દેખા જાએગા’વાળો સ્પિરિટ ધખધખતો હોય છે. બસ, સફર કરવી છે અને મંજિલ પર પહોંચવું છે એટલી જ ખબર છે. ગંતવ્યસ્થાન કેટલું દૂર છે, ત્યાં સુધી પહોંચવા માટે કેટલું અંતર કાપવું પડશે એ બધું જોઈ લેવાશે! આ યુવાનીનાં લક્ષણો છે. યુવાની કેવળ શારીરિક નહીં, માનસિક અવસ્થા પણ છે. શરીરની ઉંમર વધે તોય મનનો જુવાન મિજાજ જળવાઈ રહેતો હોય છે, જળવાઈ રહેવો જોઈએ. પોતાની જાત પરનો પૂર્ણ ભરોસો માત્ર જુવાની દરમિયાન નહીં, જીવનના કોઈ પણ તબક્કે હોવો જોઈએ.

મને ગભરાવ ના રાહી! ‘વિકટ આ પંથ છે’ કહીને,
પથિકની પહોંચ તો જોજોને, પથ પર જોઈ લેવાશે!

જહીં હસતાં જ હસતાં જીવવાની નેમ લઈ બેઠા,
પડે છે કેટલી માથે જીવનભર, જોઈ લેવાશે!

જીવનની ચાંદની અવરોધતી આ શ્યામ વાદળીઓ
વહી જાય રમત રમતી ઘડીભર, જોઈ લેવાશે!

સાહસ કરવા નીકળીએ ત્યારે ‘બહુ અઘરું છે… તારાથી નહીં થઈ શકે’ એવું કહીને ડરાવનારાઓ અચૂક મળી આવવાના. ઉત્સાહ ભાગી નાખતા શબ્દોને કાન પર ધરવાના જ નહીં, પણ શુભ આશય સાથે ઉચ્ચારાયેલા સાવચેતીના સૂર સાંભળી લેવાના, એમાંથી જે કંઈ પૂર્વતૈયારી દરમિયાન ઉપયોગી બની શકે તેમ હોય તેને અલગ તારવી લેવાના અને પછી નીકળી પડવાનું. એ જ ઝનૂન સાથે, એ જ પેશન સાથે. ખુદની અંદર કેટલી શક્યતાઓ ધરબાયેલી છે એની આપણને ઘણી વાર ખબર હોતી નથી. રસ્તે ચાલતાં ચાલતાં નવાં નવાં કૌશલ્યોની જરૂર પડશે તો એ શીખતાં જવાનાં. હસતા રહેવું છે, ઝિંદાદિલીથી જીવવું છે એટલું નિશ્ચિત છે. આફતો આવશે, અવરોધો પેદા થશે, નિરાશાની ક્ષણો પણ આવશે, પણ આમાંનું કશું કાયમી રહેવાનું નથી. સૂર્યની સામે વાદળાંનું કેટલું જોર? એ સૂરજને થોડી વાર ઢાંકી શકશે, પણ આખરે તો એણે વિખરાવું જ પડશે.

ગઝલની અંતિમ પંક્તિઓ-

નથી શ્રદ્ધા જગતની ખાનદાની પર હવે મુજને,
અને એથી જ હું ભટકું છું કે ઘર ઘર, જોઈ લેવાશે!

જવાનીમાં જ આફતનાં અનેરાં ઝેર પી લીધાં,
હવે શું આવશે એથી ભયંકર?- જોઈ લેવાશે!

જમાનાના ગગન પર તારલા શું સ્થાન તો લાદ્યું!
ચમકવું કેટલું, ક્યારે?- વખત પર જોઈ લેવાશે!

ગઝલનો સૂર હવે બદલાય છે. સારા કરતાંય માઠા અનુભવો માણસને ઘણું બધું શીખવી દે છે. સફર દરમિયાન કેટલાય ભ્રમો ભાંગે તેેવું બને. સફર જેવી કલ્પી હતી તેવી સુખદ પુરવાર ન પણ થાય. જમાનો ખરાબ છે એવું અવારનવાર કહેવાય છે. કદાચ આ પ્રકારની અતિશયોક્તિભરી સમગ્ર અસર ઊપજી શકે, પણ તેનો મતલબ એવો નથી કે આ જમાનામાં જીવતો એકેએક જણ ખરાબ છે. તે શક્ય જ નથી. ખરાબ કરતાં સારા માણસોની સંખ્યા હંમેશાં ઘણી વધારે હોવાની. તો જ સંતુલન જળવાઈ રહે. ખરાબ અનુભવો થાય અને વિશ્વાસ ડગમગી જાય પછી માણસોને સાવધાનીપૂર્વક પિક-એન્ડ-ચૂઝ કરવા પડે છે. કહે છેને કે જેટલાં દુઃખ પડવાનાં હોય એ બધાં જુવાનીમાં પડી જાય તો સારું. જુવાનીમાં સહન કરવાની તાકાત વધારે હોય છે. પડયા પછી ઝડપથી ઊભા થઈ શકાય છે. જે કંઈ અનિષ્ટ હતું તે યુવાનીમાં જ જોઈ લીધું હોય પછી એક ખાતરી આવી જાય છેઃ હવે આના કરતાં વધારે ખરાબ બીજું શું હોવાનું? અંતમાં કવિ કહે છે, આટલા વિરાટ આકાશમાં એક નાના અમથા તારાની શી વિસાત એવું વિચારવા કરતાં એવું શા માટે ન વિચારવું કે તારો બનવાનું સૌભાગ્ય સાંપડયું તે પણ કંઈ નાનીસૂની વાત છે? ક્યારે કેટલું ચમકવું એ પછી જોઈ લેવાશે!

‘જોઈ લેવાશે’ રદીફવાળી અન્ય કોઈ કવિતા તમારા ધ્યાનમાં છે? હોય તો જરૂર શેર કરજો!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2015 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.