Sun-Temple-Baanner

જીવન ચલને કા નામ…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


જીવન ચલને કા નામ…


ટેક ઓફ – જીવન ચલને કા નામ…

Sandesh- Ardh Saptahik Purti- 9 Sept 2015

ટેક-ઓફ

એવી કેટલીક વાતો હોઈ શકે છે જે નિકટનાં સ્વજનો કે મિત્રોને પણ કહી શકાતી નથી. અમુક લોકો સાઇકિયાટ્રિસ્ટને પણ બધેબધું કહી શકતાં નથી. માનસિક પીડા હદ બહાર વધી જાય અને આત્મહત્યાના વિચારો આવવા લાગે એવી સ્થિતિમાં શું કરવું?

* * * * *

જેનું જીવની જેમ જતન કરીને મોટો કર્યો હોય એવો સત્તર વર્ષનો દીકરો એકાએક આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી નાખે તો મા-બાપની શી હાલત થાય? એ ફાટી પડે, એવો ભયાનક ઝટકો લાગે કે મરતાં સુધી કળ ન વળે પણ મુંબઈમાં વસતા એન્થની ફર્ટાડો નામના સજ્જન જુદી માટીમાંથી બન્યા છે. સગા દીકરાનાં કમોતની પ્રતિક્રિયા એમણે સાવ જુદી રીતે આપી. આવતી કાલે દુનિયાભરના દેશોમાં સુસાઇડ પ્રિવેન્શન ડે(આપઘાત નિવારણ દિવસ) નિમિત્તે કંઈકને કંઈક પ્રવૃત્તિઓ થવાની છે ત્યારે એન્થની વિશે વિગતવાર જાણવા જેવું છે.

એન્થનીનો દીકરો મિખાઈલ ભણવામાં બહુ કાચો હતો. પહેલા ધોરણથી જ બધા વિષયોમાં નાપાસ થયા કરે. પ્રકૃતિ અતિ ચંચળ,હાઈપર-એક્ટિવ. કલાકો સુધી ફૂટબોલ અને હોકી રમે તો પણ થાકવાનું નામ ન લે, આથી એની એનર્જીને સાચા રસ્તે વાળવા પિતાએ એને એથ્લેટિક્સમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું. લોન્ગ-ડિસ્ટન્સ રનર તરીકે એણે સારું પર્ફોર્મ કર્યું, ઈનામો પણ જીત્યાં પણ મોટો થતો ગયો તેમ તેમ એ વધુ હિંસક બનતો ગયો. ભયાનક ગુસ્સો કરે. રિમોટના ઘા કરીને તોડી નાખે, મા અને બહેન પર હાથ ઉપાડે. પિતા એને માનસ-ચિકિત્સક પાસે લઈ ગયા. ડોક્ટરે કહ્યું કે છોકરો ડિપ્રેશનથી પીડાય છે. એને આર્મીમાં જવાની ઇચ્છા હતી. લશ્કરી જવાનોની કઠિન લાઇફસ્ટાઇલ વિશે ખબર પડે તે માટે એન્થની એને પુનાની મિલિટરી કન્ટોન્મેન્ટ લઈ ગયા, પછી નક્કી થયું કે આના કરતાં મર્ચન્ટ નેવી જોઈન્ટ કરવું સારું. થોડા મહિના પછી છોકરાના દોસ્તારોએ એને કન્વિન્સ કરી નાખ્યો કે તું હોટેલ મેનેજમેન્ટમાં જા અને કોઈ મસ્ત ફાઇવસ્ટાર હોટેલ જોઈન કરી લે. છોકરાનું ચંચળ મન વારે વારે બદલાયા કરતું હતું.

છોકરો માંડ માંડ દસમા ધોરણ સુધી પહોંચ્યો. ઘરમાં ભણતર માટે એના પર સહેજ પણ દબાણ કરવામાં આવતું નહોતું. ઊલટાનું,એન્થની એને શાકભાજી વેચનાર કાછિયાનું ઉદાહરણ આપીને કહેતા કે જો, આ માણસ ખાલી ચાર ચોપડી ભણ્યો છે પણ તોય મહિને બાર હજાર રૂપિયા કમાઈ લે છે, એટલે તારે ભણવાનું બિલકુલ ટેન્શન લેવાનું નથી. છોકરો તાડની જેમ વધીને છ-ફૂટિયો થયો હતો, તોય બાપના ખોળામાં માથું મૂકીને સૂતો. છોકરાને ઇલેક્ટ્રિશિયનના કોર્સમાં દાખલ કરવામાં આવ્યો. એમાં એ પહેલી વાર બધા વિષયોમાં પાસ થઈ ગયો. ૭૧ ટકા માર્ક્સ લઈ આવ્યો. છોકરો રાજીનો રેડ થઈ ગયો. એણે બારમા ધોરણની પરીક્ષા આપવાનું નક્કી કરી લીધું.

બધું સરસ થઈ રહ્યું હતું, સાઇકિયાટ્રિસ્ટની દવા નિયમિત લેવાને લીધે છોકરાનું ડિપ્રેશન કંટ્રોલમાં આવી ગયું હતું ત્યાં ફરી પાછી ફાચર પડી. એકવાર કોઈએ એને સાઇકિયાટ્રિસ્ટનાં ક્લિનિકમાંથી બહાર નીકળતા જોઈ લીધો. દોસ્તો ચીડવવા લાગ્યા – અલ્યા,તારા ઘરવાળા તને ગાંડાના ડોક્ટર પાસે શું કામ લઈ જાય છે? તું ગાંડો છે? પત્યું. છોકરાએ ગોળીઓ ગળવાનું બંધ કરી દીધું. ડિપ્રેશનની દવા બંધ થતાં જ દિમાગનું કેમિકલ સંતુલન પાછું ખોરવાવા માંડયું. ગાડી પાછી પાટા પરથી ઊતરવા માંડી. બારમા ધોરણનું એક પેપર આપીને છોકરાએ ઘરે ધમાલ મચાવી મૂકી – મારું પેપર ખરાબ ગયું છે, હું ફેલ થઈશ. એ જ દિવસે એણે પોતાનાં ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી નાખ્યો.

એન્થની ફર્ટાડોએ નક્કી કર્યું – હું મારા દીકરાનું મોત એળે નહીં જવા દઉં. બીજાઓનાં સંતાનોને આપઘાત કરતાં અટકે તે માટે હું મારાથી બનતા તમામ પ્રયત્ન કરીશ. છેલ્લાં સત્તર વર્ષથી તેઓ ફોન પર હેલ્પલાઈન શરૂ કરી દેશભરમાં ફરીને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગ્રતિ ફેલાવવા સ્કૂલો, કોલેજો, સોસાયટીઓ, ઝૂંપડપટ્ટીઓમાં સેમિનાર યોજે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં જ એમણે ૨૭૪ કરતાં વધારે સેમિનાર ગોઠવ્યા. એન્થનીનું સૂત્ર છે – કોલ બિફોર યુ ક્વિટ. આપઘાતનું આત્યંતિક પગલું ભરતાં પહેલાં બસ એક ફોન કરો. તમારા મનમાં જે કંઈ જે તે બહાર ઠાલવી દો. ભયંકર રીતે પીડાઈ રહેલા કોલરને એન્થની પ્રેમથી સાંભળે છે, સમજાવવાની કોશિશ કરે, વાતોમાંને વાતોમાં સામેના માણસની આપઘાત કરવાની ઝંખના મંદ પડી જાય છે, કટોકટીભરી નિર્ણાયક ક્ષણ પસાર થઈ જાય છે. મોટાભાગના કેસમાં આવું બને છે. એન્થનીએ આ રીતે રેલવે ટ્રેક પાસે પહોંચી ગયેલા અને ઊંચી બિલ્ડિંગની અગાસી પર ચડી ગયેલાં લોકોને પાછાં વાળ્યાં છે.

મુંબઈના મહેશ પોદ્દારની કહાણી એન્થની જેવી જ છે. એમની એકની એક દીકરીને દસમા ધોરણમાં ૮૨ ટકા આવ્યા. મનગમતી જુનિયર કોલેજમાં એડમિશન મળે એમ નહોતું. સોળ વર્ષની છોકરીએ આપઘાત કરી નાખ્યો, જ્યારે જ્યારે એ કોલેજની વાત કાઢતી ત્યારે મહેશ પોદ્દાર અને તેમની પત્ની કહ્યાં કરતાં – તેઓ એટલું જ કહેતાં – બેટા, શું ફરક પડે છે ધાર્યા માર્ક્સ ન આવ્યા તો? એસએસસીને હવે ભૂલી જા, આગળ વધ. પતિ-પત્નીએ કયારેય એની સાથે લંબાણપૂર્વક ચર્ચા કરી જ નહીં. છેલ્લે છેલ્લે દીકરીનું ખાવાનું સાવ ઓછું થઈ ગયું, કાયમ અડધે ભાણે ઊઠી જતી. ઊંઘ ઘટી ગઈ હતી. રાત્રે ત્રણ-ચાર વાગ્યા સુધી એના રૂમની લાઈટ બળતી રહેતી. ટીવી જોવામાંય એને રસ નહોતો પડતો. એક વાર પપ્પાને પોતાની હથેળી બતાવીને કહેલું પણ ખરુંં – પપ્પા, જુઓ તો, મારી આયુષ્યની રેખા કેટલી ટૂંકી છે. પપ્પાને પોતાની હથેળી ધરીને કહ્યુંં – એમાં શું? મારી લાઇફલાઇન તો તારી લાઇફલાઇન કરતાંય નાની છે, જો.

દીકરીનો આ સઘળો વર્તાવ ચોક્કસ સંકેત કરતો હતો પણ મા-બાપ તે ઉકેલી ન શકયાં. એમનો કદાચ વાંક પણ નહોતો. આપઘાતની વૃત્તિનું તાવ જેવું તો છે નહીં કે મોંમાં થર્મોમીટર મૂકયું ને ખબર પડી જાય. દીકરીના આપઘાત પછી મહેશ પોદ્દાર છેલ્લે ચૌદ વર્ષથી દેશભરની શાળા-કોલેજોમાં જાય છે,

વાલીઓને મળે છે અને તરુણો-યુવાનોને આપઘાત કરતાં શી રીતે બચાવી શકાય તે વિશે પ્રવચન આપે છે. અત્યાર સુધીમાં લગભગ સવાસો લેક્ચર લીધાં છે. એન્થનીની માફક તેઓ પણ દર વખતે ખુદની દીકરીનાં મોતની અત્યંત વેદનાભરી સ્મૃતિ લોકો સાથે શેર કરીને કહે છે – મારી સાથે જે થયું તે તમારી સાથે ન થવું જોઈએ.

મહેશ પોદ્દાર એક વાત હંમેશાં કહે છે કે હું અને મારી વાઇફ અમારી દીકરીને વધારે પડતાં સાચવ-સાચવ કરતાં હતાં. ઓવર-પ્રોટેક્ટિવ બનીને અમે મોટી ભૂલ કરી નાખી. સંતાનોને છુટ્ટાં મૂકી દેવાં જોઈએ. અસલી દુનિયાનો સામનો કરાવતાં શીખવવું જોઈએ. ભલે એ પડે-આખડે, ભૂલો કરે, એેને ખબર પડવી જોઈએ કે દર વખતે આપણે ઇચ્છીએ છીએ તેવું ન પણ થાય. સંતાન ભણેશરી હોય અને આખો દહાડો ભણ-ભણ જ કરતું હોય તો ઘણાં મા-બાપ ગર્વ લેતાં હોય છે – જુઓને, અમારી ગુડ્ડી(કે મુન્નો) કાયમ વાંચતી જ હોય, એને બહાર જઈને રમવું પસંદ જ નથી. આ ખોટું છે. બાળકોેએ એની ઉંમરનાં બીજાં છોકરાછોકરીઓ સાથે રમતગમત કરવી જોઈએ. વાલીઓએ સંતાનોને સ્પોર્ટ્સમાં થોડાઘણાં એક્ટિવ રાખવાં જોઈએ. સ્પોર્ટ્સ માણસને હારતાં શીખવે છે. સ્વસ્થતાપૂર્વક પરાજયને પચાવતાં શીખવે છે. હાર્યા પછી હથિયાર હેઠાં મૂકી દેવાને બદલે જીતવા માટે નવેસરથી પ્રયત્ન કરતાં શીખવે છે.

ભારતમાં આત્મહત્યાનંુ પ્રમાણ વધ્યું છે તે સાચી વાત છે. ૨૦૦૩માં આત્મહત્યાના ૧,૧૦,૮૫૧ કેસ નોંધાયા હતા. દસ વર્ષમાં આ આંકડો ૧,૩૪,૭૯૯ પર પહોંચી ગયો. ચેન્નઈમાં આપઘાતના કિસ્સા સૌથી વધારે નોંધાય છે ત્યાર બાદ બેંગ્લુરુ, દિલ્હી અને મુંબઈનો ક્રમ આવે છે. યંગસ્ટર્સમાં ડિપ્રેશન અને આત્મહત્યાનું પ્રમાણ સતત વધી રહ્યું છે તે ચિંતાનું કારણ છે. અલબત્ત, વાત કેવળ જુવાનિયાઓની નથી. તરુણોથી લઈને ગૃહિણીઓ, મધ્યવયસ્ક પુરુષો અને એકલતા અનુભવતા વૃદ્ધો સુધીના તમામ વયજૂથનાં લોકો આત્મહત્યાની ધાર સુધી ફેંકાઈ શકે છે. આવી સ્થિતિમાં અમુક સંસ્થાઓ ટેલિફોનિક હેલ્પલાઈન ચલાવીને માનસિક રીતે પીડાઈ રહેલાં લોકોનું દુઃખ હળવું કરવાનું ઉત્તમ કાર્ય કરી રહી છે. આજે મીડિયા બે બદામનાં ફાલતુ લોકોને ચગાવી મારશે, અર્થહીન ઘટનાઓનું દિવસ-રાત રિપોર્ટિંગ કર્યા કરશે પણ નિષ્ઠાપૂર્વક ચૂપચાપ કામ કરી રહેલી જેન્યુઈન સેવાભાવી માણસો કે સંસ્થાઓની સામે પણ નહીં જુએ.

આવી એક સંસ્થાનું નામ છે, ધ સમારિટન્સ. મુંબઈમાં છેલ્લાં બાવીસ વર્ષથી આ સંસ્થા સુસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઈન ચલાવે છે. બેન્ક એકિઝકયુટિવ તરીકે નિવૃત્ત થયા બાદ છેલ્લાં પંદર વર્ષથી સંસ્થા સાથે સંકળાયેલા સંસ્થાના ૭૮ વર્ષીય ડિરેક્ટર મનોહર રાંગણેકર કહે છે, ‘દુખિયારાં લોકોની આસપાસ ઘણીવાર એવું કોઈ હોતું નથી, જેની પાસે એ વિના સંકોચે પોતાનું હૈયું ઠાલવી શકે. એવી કેટલીક વાતો હોઈ શકે છે જે સાવ નિકટનાં સ્વજનો કે મિત્રોને પણ કહી શકાતી નથી. અમુક લોકો ઈવન સાઇકિયાટ્રિસ્ટને પણ બધેબધું કહી શકતાં નથી, આવાં લોકો માટે અમારી હેલ્પલાઈન ઉપલબ્ધ છે. લોકો અમને નિઃસંકોચ ફોન કરીને પોતાનું દુઃખ શેર કરે છે. અમે નથી એમનું નામ પૂછતા કે નથી એમની ઓળખ માગતા. અમારા વોલિન્ટિયર્સ તેમના માટે બિલકુલ અજાણ્યા હોય છે. વોલિન્ટિયર સંપૂર્ણ અનુકંપાથી, સામેનો માણસ સાચો છે કે ખોટો એવો કોઈ ચુકાદો તોળ્યા વગર સાંભળે છે અનેે કોલર ખુદ પોતાની સમસ્યાનો ઉકેલ શોધી શકે તે માટે મદદ કરે છે. કયારેક આપણને કોઈકની સમસ્યા સાવ ક્ષુલ્લક લાગતી હોય પણ એના માટે તે જીવન-મરણનો પ્રશ્ન હોઈ શકે. લોકોને કેવી રીતે સાંભળવાં તે વિશે અમારા વોલિન્ટિયર્સને સઘન તાલીમ આપવામાં આવે છે. કયારેક પાંચ-દસ મિનિટમાં વાત પૂરી થઈ જાય તો કયારેક દોઢ-દોઢ કલાક સુધી કોલર વાત કરતો રહે એવુંય બને. અમે કયારેય સામેથી ફોન ડિસકનેક્ટ ન કરીએ. સામેના માણસને જ્યાં સુધી અને જેટલી વાત કરવી હોય તે કરવા દઈએ.’

અહીં ફક્ત ભારતભરમાંથી નહીં, લંડન અને અફઘાનિસ્તાનથી પણ ફોન આવે છે. ધ સમારિટન્સ જેવી બીજી સંસ્થા છે, ધ વાંદરેવાલા ફાઉન્ડેશન અને આસરા. આ તમામ સંસ્થાઓ માનસિક સ્વાસ્થ્યનાં ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી બજાવે છે. આ સૌના કોન્ટેકટ નંબર નોંધી રાખવા જેવા છે અને જરૂરતમંદ દોસ્ત કે પરિચિત સાથે શેર કરવા જેવા છે. આ બિલકુલ મફત સેવા છે. કોઈએ આ સંસ્થાઓને એક રૂપિયો પણ ચૂકવવાનો હોતો નથી. આત્મહત્યાના વિચારો આવતા હોય ત્યારે જ નહીં પણ ડિપ્રેશન હોય કે કોઈ વાત માનસિક પીડા આપી રહી હોય તો આ નંબરો પર સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી શકાય છે :

ધ સમારિટન્સ – ૦૨૨-૩૨૪૭૩૨૬૭(સમય – બપોરે ૧૨થી રાતના ૯). ધ વાંદરેવાલા ફાઉન્ડેશન – ૦૨૨-૨૫૭૦૬૦૦૦(ચોવીસે કલાક). આસરા – ૦૨૨-૨૭૫૪૬૬૬૯(ચોવીસે કલાક). મિસ્ટર એન્થની ફર્ટાડો – ૦૯૮૨૦૬-૨૦૩૭૭(ચોવીસે કલાક).

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2015 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.