Sun-Temple-Baanner

ગુડ ન્યૂઝ વર્સિસ બેડ ન્યૂઝ – સઘળો વાંક ઉત્ક્રાંતિનો છે?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ગુડ ન્યૂઝ વર્સિસ બેડ ન્યૂઝ – સઘળો વાંક ઉત્ક્રાંતિનો છે?


ગુડ ન્યૂઝ વર્સિસ બેડ ન્યૂઝ – સઘળો વાંક ઉત્ક્રાંતિનો છે?

Sandesh- Ardh Saptahik Purti- 2 Dec 2015

ટેક ઓફ

અસહિષ્ણુતા (ઇન્ટોલરન્સ) અને અસલામતી (ઇનસિકયોરિટી) એક અનુભૂતિ છે, અહેસાસ છે. પ્રેમની જેમ અથવા ધિક્કારની જેમ. ઘામાંથી વહેતાં લોહી કે શરીર પર પડી ગયેલાં નિશાનની માફક અસહિષ્ણુતા અને અસલામતીની લાગણીને નજરે જોઈ શકાતી નથી. તેને મીટર-સેન્ટિમીટરમાં માપી શકાતી નથી, વેઈંગ મશીન પર તેનું વજન થઈ શકતું નથી કે થર્મોમીટરમાં તેનું ઉષ્ણતામાન નોંધી શકાતું નથી.

* * * * *

મીડિયાની તકલીફ એ છે કે નેગેટિવ ઘટનાને ઉછાળી ઉછાળીને ચૂંથી નાખશે પણ કયાંક સારું બની રહ્યું હશે તો, કાં તો તેને સાવ અવગણશે અથવા ઓછામાં ઓછું કવરેજ આપશે. જે કંઇ શિષ્ટ, શાલીન અને પોઝિટિવ છે તે મીડિયા માટે બોરિંગ અને નકામું છે, જે કંઇ ભ્રષ્ટ, વિકૃત કે કુત્સિત છે તે મીડિયા માટે ઉપયોગી છે. ગુડ ન્યૂઝ ઇઝ નો ન્યૂઝ એ થિયરી સમાચાર માધ્યમોએ જરૃર કરતાં વધારે ઝનૂનથી અપનાવી લીધી છે. થોડા દિવસો પહેલાં દિલ્હીના જંતરમંતર પર જમિયત ઉલેમા-એ-હિંદ નામનાં મહત્ત્વનાં મુસ્લિમ સંગઠને આતંકવાદી સંસ્થા આઈએસઆઈએસના વિરોધમાં દેખાવો કર્યા હતા. આઈએસઆઈએસને ઇસ્લામ સાથે કોઈ લેવાદેવા નથી, આ આતંકવાદીઓ ધર્મના નામે લોહી વહાવનારા નઠારાં લોકો છે, સભ્ય અને સમજદાર મુસલમાનો દેશ-દુનિયાની બાકીની પ્રજાની જેમ જ આ કહેવાતા ઇસ્લામિક સંગઠનોને વખોડી કાઢે છે એ મતલબનો સંદેશો તેઓ ફેલાવવા માગતાં હતાં.

દિલ્હી પછી મુંબઈમાં પણ મૌલાનાઓ, મુફતીઓ અને મહત્ત્વની મુસ્લિમ સંસ્થાઓના વડાઓનું એક સંમેલન યોજાયું હતું, જેમાં સિદ્ધિવિનાયક મંદિરના ચેરમેન તેમજ ખ્રિસ્તી ધર્મના પ્રતિનિધિ જેવા અન્ય ધર્મનાં લાકો હાજર રહ્યાં હતાં. ભાઈચારાનાં નાટકો ને દંભ-દેખાડા ખૂબ થતા હોય છે પણ વિવિધ ધર્મના પ્રતિનિધિઓ અકઠા થઇને એક સૂરમાં સમાજવિરોધી તત્ત્વોને વખોડી કાઢે અને અેકતાનું જેન્યુઈન પ્રદર્શન કરે એવા પ્રસંગો બહુ ઓછા બનતા હોય છે.

પ્રગતિશીલ મુસ્લિમો તરફથી આ પ્રકારનું સ્પષ્ટ, નક્કર અને બોલકું સ્ટેન્ડ પાંચ-સાત-દસ વર્ષ પહેલાં લેવાઇ જવું જોઇતું હતું. ખેર, બેટર લેટ ધેન નેવર. અહીં મુદ્દો એ છે કે આ વખાણવાલાયક અને શુભ પગલામાં મીડિયાને રસ ન પડયો. ફાલતુ, ઘટિયા અને ઝેરીલા સમાચારોને દિવસ-રાત સતત દેખાડ-દેખાડ કરીને આપણાં દિમાગમાં કાણાં કરી નાખતી ટીવી ચેનલોએ કાં તો આ બંને પ્રસંગની નોંધ જ ન લીધી યા તો માંડ નામ પૂરતો ઉલ્લેખ કરીને સમાચારને ફેંકી દીધા. પ્રાઇમટાઇમ ડિબેટમાં દેખીતી રીતે જ આ ઘટનાઓને સ્થાન ન મળ્યું, કેમ કે એન્કરો અને પેનલિસ્ટો ઊછળી-ઊછળીને ચીસો પાડી શકે એવા ‘ચટાકેદાર મસાલા’ની તેમાં કમી હતી. ફ્રન્ટ-પેજ ચમકાવી શકાય એવી ન્યૂઝ-વેલ્યૂ તેમાં ન દેખાઇ એટલે છાપાંઓમાં આ અહેવાલને અંદરના પાને કશેક ધકેલી દેવાયા. દેશભરનાં ૭૫ જેટલાં શહેરોમાં આ પ્રકારના સેન્સિબલ મુસ્લિમો ઇસ્લમાને નામે આતંકવાદી પ્રવૃત્તિઓ સામે વિરોધ નોંધાવવા આ પ્રકારના દેખાવો ક્રમશઃ યોજાવાના છે. અસાદુદ્દીન ઓવૈસી જેવા મુસ્લિમ નેતાના ધિક્કાર ફેલાવતા સ્ટેટમેન્ટ્સને દિવસમાં અસંખ્ય વખતે રીપીટ કર્યા કરતાં ઇલેક્ટ્રોનિક મીડિયાને, ઓફકોર્સ, આ પ્રગતિશીલ મુસ્લિમ ભાઈઓના પોઝિટિવ ડેમોન્સ્ટ્રેશનમાં ટીઆરપી વધારી શકે એવું કોઈ તત્ત્વ નજરે પડવાનું નથી.

મેઇનસ્ટ્રિમ મીડિયાનો આવો વર્તાવ હજુય સમજીએ એવો છે પણ સોશિયલ મીડિયાએ પણ દિલ્હી-મુંબઈના મુસ્લિમોના દેખાવોના મામલે મૌન ધારણ કરી લીધું. વાતવાતમાં તલવાર ને છરી-ચાકાં લઇને ફેસબુક-ટ્વિટર-વોટ્સએપનાં સમરાંગણમાં ધસી આવતી જનતાને આ ડેવલપમેન્ટમાં કશુંય સેલિબ્રેટ કરવા જેવું ન લાગ્યું ? આનું કારણ સાવ સાદું છે. સોશિયલ મીડિયા પર થતી ધમાલ ન્યૂઝ-ચેનલોની સનસનાટીની ગુલામ છે. ન્યૂઝ-ચેનલો હોબાળો મચાવશે તો એનાં પગલે પગલે સોશિયલ મીડિયા પણ છાકટું થશે. રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતી જે ઘટના વિશે ન્યૂઝ-ચેનલો ચૂપ રહેશે તે સામાન્યપણે સોશિયલ મીડિયા પણ પોતાની હાજરી નહીં બતાવી શકે.

છેલ્લાં કેટલાંય અઠવાડિયાં દરમિયાન આપણે ત્યાં કયા શબ્દ સૌથી વધારે ચર્ચાયા ? સહિષ્ણુતા અને સલામતી, રાધર, અસહિષ્ણુતા(ઇન્ટોલરન્સ) અને અસલામતી(ઇન્સિકયોરિટી). આ એેક અનુભૂતિ છે, અહેસાસ છે, પ્રેમની જેમ અથવા ધિક્કારની જેમ. ઘામાંથી વહેતાં લોહી કે શરીર પર પડી ગયેલાં નિશાનની માફક અસહિષ્ણુતા અને અસલામતીની લાગણીને નજરે જોઈ શકાતી નથી. તેને મીટર-સેન્ટિમીટરમાં માપી શકાતી નથી, વેઇંગ મશીન પર તેનું વજન થઇ શકતું નથી કે થર્મોમીટરમાં એનું ઉષ્ણતામાન નોંધી શકાતું નથી.

અક અભ્યાસ કહે છે કે આપણે દર એક સારા સમાચારની સામે સત્તર ખરાબ સમાચારથી એક્સ્પોઝ થઈએ છીએ. ટીવી ચેનલો અને છાપાંનાં પાનાં પરથી શા માટે નેગેટિવિટી વરસતી રહે છે ? આપણું લોહી બાળી નાખે એવી ઘટનાઓને શા માટે આટલું બધું કવરેજ મળે છે ?

એક મિનિટ, એક મિનિટ. શું બધો વાંક મેઇનસ્ટ્રીમ ટીવી ચેનલો અને છાપાંઓનો જ છે ? દર્શકોનો કે વાંચકોનો કોઇ દોષ નથી ? શું આપણને સારા સમાચાર કરતાં ડિપ્રેસિંગ સમાચાર વધારે આકર્ષે છે તે હકીકત નથી ? શું ડિમાન્ડ અને સપ્લાયનો નિયમ અહીં પણ લાગુ પડતો નથી ? લાકોને જે જોઇએ છે એ જ અમારે તો આપવું પડે એવું મીડિયા તરફથી જ્યારે કહેવામાં આવે ત્યારે શું આ વિધાન સોએ સો ટક ખોટું હોય છે ? કેટલાંય લોકો કહેતાં હોય છે કે અમારે તો પોઝિટિવ ન્યૂઝ જ સાંભળવા કે જોવા હોય છે, પણ એ છે કયાં? કેટલી ખરાઈ છે આ વાતમાં ?

મેકગિલ યુનિવર્સિટી ઓફ કેનેડામાં વચ્ચે અક ઇન્ટરેસ્ટિંગ પ્રયોગ થયો. આઈ-ટ્રેકિંગ એટલે કે વાંચતી વખતે આપણી આંખો કઇ રીતે કમ્પ્યૂટર સ્ક્રીન પર ફરે છે તેનો અભ્યાસ કરવા માટે રિસર્ચરોએ કેટલાક લાકોને લેબોરેટરીમાં આમંત્રણ આપ્યું. ભાગ લેનારાઓને કહેવામાં આવ્યું કે તમે ન્યૂઝ વેબસાઈટ્સ પરથી કોઇ પણ સમાચાર જાતે સિલેક્ટ ક્રીને વાંચો. કયા સમાચાર વાંચો છો તે મહત્ત્વનું નથી, તમે કંઈ પણ વાંચો પણ ન્યૂઝ આઇટમ આખેઆખી વાંચવાની. વાંચતી વખતે તમારી આંખોની મુવમેન્ટ પર કેમેરા ચાંપતી નજર રાખશે. તેના આધારે આંખના સ્નાયુઓ વગેરેનો અભ્યાસ થશે.

વાસ્તવમાં અહીં ચાલાકી કરવામાં આવી હતી. રિસર્ચરો ખરેખર તો એ ચકાસવા માગતા હતા કે પાર્ટિસિપન્ટ્સ ક્યા પ્રકારના સમાચાર વધારે પસંદ કરે છે, પણ આ હકીકત તેમનાથી છુપાવવામાં આવી. પ્રયોગને અંતે રિસર્ચરોએ જોયું કે લાકોએ ભ્રષ્ટાચાર, વિનાશ, નુકસાની, કંકાસ, જૂઠ વગેરે જેવી નેગેટિવ બાબતોને લગતા ન્યૂઝ વધારે પસંદ ર્ક્યા હતા. પોઝિટિવ સ્ટોરીઝ પર એમનું ઓછું ધ્યાન ગયું હતું. કરન્ટ અફેર્સ અને પોલિટિક્સમાં રસ ધરાવનારાઓને સારા કરતાં ખરાબ સમાચારમાં વધારે રસ પડતો હોય છે. છતાંય એમને જ્યારે પૂછવામાં આવ્યું કે જો તમારે પસંદગી કરવાની હોય તો કયા સમાચાર વધારે વાંચવાનું પસંદ કરો-ગુડ ન્યૂઝ કે બેડ ન્યૂઝ? તો મોટાભાગનાઓએ જવાબ આપ્યો ઃ એ તો ગુડ ન્યૂઝ જ હોયને !

કેમ આમ બન્યું ? ઇવોલ્યુશનરી સાઈકોલોજિસ્ટો અને ન્યુરોસાયન્ટિસ્ટો આના જવાબમાં ઉત્ક્રાંતિની પ્રક્રિયા તરફ આંગળી ચીંધે છે. એમની થિયરી કહે છે કે પ્રાગૈતિહાસિક કાળમાં માણસ ગુફામાં રહેતો અને શિકાર કરીને પોતાનું પેટ ભરતો ત્યારે એણે સતત જંગલી પશુઓથી તેમજ આસપાસના માહોલથી સતર્ક રહેવું પડતંુ. જરાક કયાંક કશુંક અજુગતુ કે ખતરાજનક લાગે કે એ પોતાનો ભાલો હાથમાં લઇને હુમલો કરવા સજ્જ થઇ જતો. અસ્તિત્ત્વ ટકાવી રાખવા માટે આ જરૃરી હતું. નિષ્ણાતો કહે છે કે આજે માણસ સભ્ય બની ગયો છે, ગુફામાંથી ઊંચી ઈમારતોમાં રહેવા જતો રહ્યો છે, એને હવે ભાલા લઇને ફરવાની જરુર નથી છતાંય એના દિમાગનું ‘વાયરિંગ’ હજુય ગુફાયુગ જેવું જ છે. એના બ્રેઈનનું બંધારણ જ એવી રીતે ઘડાયું છે કે તે ખતરાની સંભાવના જોતાં એ તરત એલર્ટ થઇ જાય છે. ખરાબ સમાચાર ભય કે ખતરાનું સૂચન કરે છે. આથી માણસનું મન તરત એને ચેતવે છે કે, સાવધાન થઈ જા, કશુંક કર, કશુંક બદલ કે જેથી તારે આ પરિસ્થિતિમાં મૂકાવું ન પડે !

બીજી થિયરી એવી છે કે લાકો પોઝિટિવ કરતાં નેગેટિવ શબ્દોને વધારે ઝડપથી રિએક્ટ કરે છે. ‘સ્મિત’, ‘આનંદ’, ‘બાળક’ જેવા પોઝિટિવ શબ્દો કરતાં આપણું ધ્યાન ‘કેન્સર’, ‘બોમ્બ’, ‘યુદ્ધ’ જેવા નેગેટિવ શબ્દો તરફ વધારે ખેંચાય છે. ઓર એક થિયરી કહે છે કે ખરાબ સમાચાર વાંચવાથી આપણાં મનને જાણે-અજાણે સાંત્વના મળતી હોય છે કે બહારની દુનિયા ખરાબ છે, પણ આપણી સ્થિતિ તો કેટલી બહેતર છે. બીજા શહેરો કે દેશોમાં બોમ્બધડાકા કે કોમી રમખાણો થાય છે, પણ આપણે ત્યાં શાંતિ છે. બીજાઓની સ્ત્રીઓ પર બળાત્કારો થાય છે પણ આપણી બહેન-દીકરીઓ સલામત છે. આવી લાગણી મનને સારી લાગે છે !

તો? શું અર્થ કાઢવો આ બધાનો ? મીડિયામાં એકધારી નકારાત્મક બાબતો ઊછળ્યા કરે છે તેનો સઘળો દોષ ઉત્ક્રાંતિની પ્રક્રિયાનો છે ? જો એમ જ હોય તો પછી જેમ ચાલે છે તેમજ ચાલવા દેવાનું? પહેલાં ઈંડું ક્ે પહેલી મરઘી જેવો આ ક્લાસિક કેસ છે. લાકોને નેગેટિવ ન્યૂઝમાં વધારે રસ પડતો હોવાથી મીડિયા મોકાણના સમાચાર પર વધારે ફેાકસ કરે છે, કે પછી, મીડિયા આપણને જે કંઇ આપણા માથા પર મારે છે તેવું જ જોવાની આપણને ટેવ પડી ગઇ છે? શું એક સારા સમાચારની સામે સત્તર ખરાબ સમાચારનો રેશિયો બદલાઇ ન શકે? મેઇનસ્ટ્રિમ મીડિયા પોતાની પેટર્ન બદલે કે ન બદલે, કમસે કમ આપણે તો સોશિયલ મીડિયા પર અલગ રીતે વર્તી શકીએને? ફેસબુક-ટ્વિટર-વોટ્સએપ પર પોતાના વિચારો અને ગમા-અણગમા વ્યકત કરવાનો આપણો જે કંટ્રોલ છે તે કયારે કામ આવવાનો ? સોશિયલ મીડિયા પર નેગેટિવિટી પર કાપ મૂકીને પોઝિટિવિટીને વધારે ફેલાવીએ. કમસે કમ, કોશિશ તો કરીએ!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2015 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.