Sun-Temple-Baanner

ગુજરાતી પુસ્તકોની દુનિયામાં લિટરરી એડિટરો કેમ નથી?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ગુજરાતી પુસ્તકોની દુનિયામાં લિટરરી એડિટરો કેમ નથી?


ટેક ઓફ – ગુજરાતી પુસ્તકોની દુનિયામાં લિટરરી એડિટરો કેમ નથી?

Sandesh – Ardh Saptahik Purti – 20 Jan 2016

ટેક ઓફ

‘લેખક કાચો નથી, એનાં લખાણમાં કયાંક કચાશ રહી ગઈ છે, જો આપણે નવી ટેલેન્ટને પ્રોત્સાહન નહીં આપીએ તો ભવિષ્યમાં ગંભીર પરિણામો આવી શકે. હાલ જે લેખકો લખે છે તે બધા ગુજરી જશે અને નવા લેખકો ઊભા જ નહીં થયા હોય તો આપણે છાપીશું શું?’

* * * * *

અખબાર અને મેગેઝિનની ઓફિસમાં અલગ અલગ એડિટરો હોય એ તો જાણે બરાબર છે પણ પુસ્તકોના એડિટર એટલે ? પ્રકાશકો પાસે લેખક બનવા માગતા ઉત્સાહીઓ પોતાનું લખાણ લઈને પહોંચી જતા હોય છે. લિટરરી એડિટર એટલે, સાદી ભાષામાં કહીએ તો, એવી વ્યક્તિ જે કાચી હસ્તપ્રતો કે પ્રિન્ટઆઉટ્સના ઢગલામાંથી સારાં-નરસાં લખાણ અલગ તારવે, જે છાપવા જેવાં લાગે તેને વારંવાર મઠારે, તેમાં વધુ ને વધુ નિખાર લાવવા માટે લેખક પાસે મહેનત કરાવે અને આ આખી પ્રક્રિયા પૂરી કર્યા પછી જ પુસ્તકને છપાવા માટે મોકલે. અંગ્રેજી પ્રકાશકો પાસે એડિટરોની આખી ફોજ હોય છે. પુસ્તક છપાવાના તબક્કે પહોંચે તે પહેલાં એડિટિંગનાં કેટલાંય રાઉન્ડ્સમાંથી પસાર થાય છે. એડિટિંગની પ્રોસેસને કારણે છપાઈને માર્કેટમાં મુકાતાં પુસ્તકોમાં સામાન્યપણે ગુણવત્તાનું એક મિનિમમ સ્તર જળવાઈ રહે છે. ભાષાની ચોખ્ખાઈ, જોડણી અને ફોર્મેટની દૃષ્ટિએ આ પુસ્તકો શિસ્તબદ્ધ લાગે છે.

તકલીફ થાય એવી વાત એ છે કે ગુજરાતી પ્રકાશનજગતમાં એડિટર નામની પ્રજાતિનું લગભગ અસ્તિત્વ જ નથી. ભાગ્યે જ કોઈક પ્રકાશકસંસ્થામાં કન્ટેન્ટ પર કામ કરવા માટે, લેખકો સાથે લખાણ સંબંધિત ચર્ચા કરવા માટે અલાયદી વ્યક્તિઓની નિમણૂક થાય છે. એડિટરો ન હોવાને લીધે ગુજરાતી પુસ્તકોનાં બજારમાં કાચાં, શિસ્તહીન, ચરબીથી લથપથ અને નકામાં પુસ્તકોના ગંજ ખડાકાતા રહે છે. જોડણી અને ભાષાશુદ્ધિની તો વાત ભૂલી જવાની. છાપાંમાં છપાતી કોલમના લેખોને ભેગા કરીને પુસ્તક બનાવી નાખવાનો આપણે ત્યાં ધમધોકાર ટ્રેન્ડ ચાલે છે. દર અઠવાડિયે લખાતા લેખ અને પુસ્તક સ્વરૂપ બહાર આવતાં લખાણની જરૂરિયાત, શિસ્ત અને અપીલ જુદાં છે. લેખોને સંગ્રહ પ્રગટ કરતાં પહેલાં એકની એક વાતનું વારે વારે થતું પુનરાવર્તન તેમજ બિનજરૂરી ચરબી કાઢી નાખવાનાં હોય, ‘ગયા અઠવાડિયે આપણે જોયું કે…’ પ્રકારની વાકયરચનાઓ દૂર કરી નાખવાની હોય,જરૂર પડે તો અલગ વિભાગો પાડીને વ્યવસ્થિત ફોર્મેટ કરવાનું હોય, પુસ્તકમાં એક ચોક્કસ રિધમ લાવવાની હોય.

આપણા આળસુ લેખકો છાપાનાં કટિંગ્સના થોકડા અપડેટ કર્યા વિના પ્રકાશકના માથે મારે છે ને પ્રકાશકો તે છાપી નાખે છે. ઘણા લેખકો તો ‘વધારાની મહેનત કરવાની જ નહીં, હું તો છાપાંમાં જે છપાયું છે તેમાં એક અક્ષર પણ ફેરફાર કર્યા વગર બેઠું પુસ્તક બનાવી નાખુંં’ એવું ગર્વથી કહેતા હોય છે. અશ્વિની ભટ્ટ ધારાવાહિક સ્વરૂપમાં છપાઈ ચૂકેલી તેમની નવલકથાઓને પુસ્તકનાં સ્વરૂપે બહાર પાડતાં પહેલાં એના પર નવેસરથી ખૂબ કામ કરતા, જરૂર લાગે તે પોર્શન રી-રાઇટ કરતા. સૌરભ શાહ એમનાં પુસ્તકોની પહેલી આવૃત્તિ તો ઠીક, નવી આવૃત્તિ થવાની હોય ત્યારે પણ નવેસરથી મઠારવામાં પુષ્કળ મહેનત કરતા હોય છે. આ પ્રકારનો એટિટયૂડ લેખનકળાને ગંભીરતાથી લેતા તમામ લેખકોએ અપનાવવા જેવો છે.

અંગ્રેજી સાહિત્યની દુનિયામાં લેખક, પ્રકાશક અને વિવેચકની સાથે સાથે લિટરરી એડિટરો પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આનું ઉત્તમ ઉદાહરણ મેક્સવેલ પર્કિન્સનું છે. લેખકોનાં જીવન પર અવારનવાર ફિલ્મો બનતી રહે છે પણ પહેલી વાર એવું બની રહ્યું છે કે એક લિટરરી એડિટરનાં જીવન પર હોલિવૂડના ટોચના કલાકારોને લઈને ફિલ્મ બની હોય. આ વર્ષે વિધિવત્ રિલીઝ થનારી જિનિયસ’ નામની આ લિટ-ફિક(લિટરરી ફિક્શન)માં કોલિન ફર્થ, જુડ લો અને નિકોલ કિડમેન જેવા ટોચના કલાકારો છે. મેક્સવેલ પર્કિન્સ એ માણસ છે જેણે નોબલ પ્રાઇઝવિનર અર્નેસ્ટ હેમિંગ્વેની ટેલેન્ટ પારખીને એમની નવલકથાઓને નિખારી હતી,જેમણે થોમસ વોફ અને એફ. સ્કોટ ફિટ્ઝજેરલ્ડ જેવા મોટા ગજાના અમેરિકન લેખકોને સફળતાની ઊંચાઈ સુધી લઈ જવામાં મદદ કરી હતી.

હેમિંગ્વે, વોલ્ફે અને ફિટ્ઝજેરલ્ડ ત્રણેય નવલકથાઓ લખતા. માહિતીપ્રધાન અથવા નોનફિક્શન લખાણને મઠારવું એક વાત છે પણ કાબેલ, જેન્યુઇન અને સુસજ્જ એડિટર કોઈએ લખેલી નવલકથાને પણ નિખારી શકે છે. પર્કિન્સે(જન્મ – ૧૮૮૪, મૃત્યુ – ૧૯૪૭) કરિયરની શરૂઆત ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ અખબારના રિપોર્ટર તરીકે કરી હતી, પછી ચાર્લ્સ સ્ક્રિબનર્સ સન્સ નામની પ્રતિષ્ઠિત પ્રકાશનસંસ્થામાં જોડાયા. એ વખતે ચાર્લ્સ સ્ક્રિબનર્સ સન્સ ઓલરેડી મોટા ગજાના લેખકોનાં પુસ્તકો પ્રકાશિત કરતા હતા. એક વાર પર્કિન્સ પાસે ‘ધ રોમેન્ટિક ઇગોઇસ્ટ’ નામની નવલકથાની હસ્તપ્રત આવી. કોલેજ પૂરી કરેલા બાવીસ વર્ષના એક છોકરડાએ આ નવલકથા લખી હતી. કંપનીના બીજા એડિટરોને આ નવલકથા જરાય નહોતી ગમી. તેમની નેગેટિવ કોમેન્ટ્સનું કાગળિયું પણ હસ્તપ્રત સાથે બીડેલું હતું. પર્કિન્સે ખુલ્લા દિમાગે વાંચવાનું શરૂ કર્યું. લેખનશૈલી અને કન્ટેન્ટમાં કયાંક કયાંક જે તાકાત વર્તાતી હતી તે જોઈને તેઓ ચકિત થઈ ગયા. તેમણે લેખકનો સંપર્ક કરીને કહ્યું – લખાણ સારુંં છે પણ આટલા ફેરફારો કરવાની જરૂર છે,જો તમને આ સૂચનો યોગ્ય લાગે તો એનો અમલ કરી અમને નવો ડ્રાફ્ટ મોકલી આપજો. એડિટોરિયલ ટીમના બીજા સભ્યોએ પર્કિન્સનો વિરોધ કર્યો – આવા કાચા લેખક પાછળ શા માટે સમય અને શક્તિ વેડફો છો ? પર્કિન્સે કહ્યુંું – લેખક કાચો નથી, એનાં લખાણમાં કયાંક કચાશ રહી ગઈ છે, જો આપણે નવી ટેલેન્ટને પ્રોત્સાહન નહીં આપીએ તો ભવિષ્યમાં ગંભીર પરિણામો આવી શકે. હાલ જે લેખકો લખે છે તે બધા ગુજરી જશે અને નવા લેખકો ઊભા જ નહીં થયા હોય તો આપણે છાપીશું શું ?

પેલો બાવીસ વર્ષનો છોકરડો એટલે એફ. સ્કોટ ફિટ્ઝજેરલ્ડ. પર્કિન્સે એક નહીં પણ બે વાર આખેઆખી નવલકથા ફરીથી લખાવી અને પછી ૧૯૨૦માં શીર્ષક બદલીને ‘ધિસ સાઇડ ઓફ પેરેડાઇઝ’ નામે છાપી. નવલકથા ખૂબ સફળ થઈ. ફિટ્ઝજેરલ્ડ પહેલા જ પુસ્તકથી સાહિત્યજગતના સ્ટાર બની ગયા. પાંચ વર્ષ પછી એમણે ‘ધ ગે્રટ ગેટ્સબાય’ નામની નવલકથા લખી, જે આજેય અમેરિકાની ઓલટાઇમ ગે્રટેસ્ટ નોવલ્સમાંની એક ગણાય છે. આ પુસ્તક પરથી હોલિવૂડમાં એક કરતાં વધારે ફિલ્મો બની ચૂકી છે.

ફિટ્ઝજેરલ્ડે એક વાર પર્કિન્સને વાત કરી – મારો એક દોસ્તાર છે, અમેરિકન છે પણ પેરિસમાં રહે છે અને સરસ લખે છે. મને લાગે છે કે તમને એમાં રસ પડશે. એ છોકરાનું નામ હતું, અર્નેસ્ટ હેમિંગ્વે. પર્કિન્સે હેમિંગ્વેનો કોન્ટેક્ટ કર્યો, એનું લખાણ મગાવ્યું અને તેના પર મહેનત કરી. બે વર્ષ પછી પુસ્તક બહાર પાડયું – ‘ધ સન ઓલ્સ રાઇઝિસ'(૧૯૨૬). નવલકથા ખૂબ વખણાઈ અને ફિટ્ઝજેરલ્ડની જેમ ૨૭ વર્ષના હેમિંગ્વેની પણ નામના થઈ ગઈ. આ જ હેમિંગ્વેએ આગળ જતાં સાહિત્યનું નોબલ પ્રાઇઝ જીત્યું. હેમિંગ્વેની મર્દાના શૈલીએ આપણા ચંદ્રકાંત બક્ષી સહિત દુનિયાભરના લેખકોને પ્રભાવિત કર્યા છે. પર્કિન્સ હેમિંગ્વેની કક્ષાના લેખકને કહી શકતા કે ભાઈ, ફલાણા ચેપ્ટરમાં તમે બહુ લાઉડ થઈ ગયા છો, તમારા લખાણને ત્યાં જરા ટોન-ડાઉન કરો તો કેવું !

થોમસ વોફનો કિસ્સો પણ સરસ છે. એમણે ‘ઓ લોસ્ટ’ નામની ૧,૧૧૪ પાનાંની તોતિંગ નવલકથા લખી હતી. કેટલાય પ્રકાશકો તે રિજેક્ટ કરી ચૂકયા હતા પણ પર્કિન્સે અને વોફે સાથે મળીને મહિનાઓ સુધી કામ કરીને પુસ્તક એડિટ કર્યું, ૯૦,૦૦૦ જેટલા શબ્દો ઓછા કર્યા અને નવલકથાનંુ આખું માળખું બદલી કાઢયું. આ પુસ્તક પછી ‘લુક હોમવર્ડ, એન્જલ’ ટાઇટલ સાથે ૧૯૨૯માં પ્રકાશિત થયું અને કલાસિક ગણાયું.

આવા ત્રણ ત્રણ જાયન્ટ લેખકો ઉપરાંત બીજા કેટલાય મોડર્ન અમેરિકન સર્જકોની પ્રતિભાને પારખીને, તરાશીને સાહિત્યજગતમાં પ્રવેશ કરાવનારા દીર્ઘદૃષ્ટા મેક્સવેલ પર્કિન્સની પ્રકાશનની દુનિયામાં કેટલી ધાક હશે તે સમજી શકાય એવું છે. અલબત્ત, પર્કિન્સે રાઇટર-એડિટરના સંબંધની ગરિમા અને મર્યાદા હંમેશાં જાળવી, તેઓ કહેતા, ‘એડિટર પુસ્તકમાં કશુંય ઉમેરતો નથી, જે કંઈ કરે છે તે લેખક કરે છે. એડિટર બહુ બહુ તો લેખકનો પર્સનલ આસિસ્ટન્ટ બની શકે, આથી એડિટરોએ કયારેય ખોટા ભ્રમમાં ન રહેવું અને ખુદને વધુ પડતું મહત્ત્વ ન આપવું. એડિટર માત્ર લેખકની ક્રિયેટિવ ઊર્જાને દિશા આપી શકે છે. એ ખુદ કશુંય સર્જન કરતો નથી.’

લેખકો સાથે પર્કિન્સની વ્યકિતગત સ્તરે દોસ્તી હતી. તેઓ સાથે ફિશિંગ કરતા, ખાણીપીણી કરતા, બહારગામ ફરવા જતા.ફિટ્ઝજેરલ્ડ એક વાર નાણાભીડમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પર્કિન્સે આર્થિક મદદ કરીને તેમનો સમય સાચવી લીધો હતો. હેમિંગ્વે પોતાનાં અંગત જીવનમાં થઈ રહેલી ઊથલપાથલ વિશે પર્કિન્સ સાથે વાતો કરી દિલનો બોજ હળવો કરી શકતા. લેખકો સાથેનો એનો પત્રવ્યવહાર ‘એડિટર ટુ ઓથર’ નામનાં પુસ્તકમાં સંગ્રહ પામ્યો છે.

અંગ્રેજી સાહિત્યજગતમાં મેક્સવેલ પર્કિન્સ જેવા દીર્ઘદષ્ટિ અને અંતઃસ્ફૂરણાવાળો ક્રિયેટિવ એડિટર પાકયો નથી. તેમની એક સલાહ ઊભરતા લેખકોએ ધ્યાનથી સાંભળવા જેવી છે – ‘નવલકથા લખતી વખતે કયારેક હતાશાની લાગણી જાગવી એ કંઈ ખરાબ વસ્તુ નથી. તમને લાગતું હોય કે મજા આવતી નથી, લખાણમાં જોઈએ એવી જમાવટ થતી નથી, તો સમજી લો કે આ લાગણી મહાન લેખકોને પણ જાગતી હોય છે. આજ સુધીમાં મેં એક પણ એવો ઉત્તમ નવલકથાકારને જોયો નથી જે કોઈક ને કોઈક તબક્કે નાહિંમત ન થઈ ગયો હોય, આથી હતાશાને તો ઊલટાનું સારુંં લક્ષણ ગણ્યું છે.’

ગુજરાતી પ્રકાશકો પાસે કાબેલ એડિટરોની વ્યવસ્થિત ટીમ કામ કરતી હોય તેવું સપનું જોવું જોઈએ ?

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.