ટેક ઓફ – જીવનમાં દિવ્ય અનુભૂતિ કઈ ઉંમરે થઈ શકે?
Sandesh – Ardh Saptahik purti – 3 Feb 2016
ટેક ઓફ
આધ્યાત્મિકતા અને ઉંમર વચ્ચે શો સંબંધ હોય છે? શું માણસ પચાસ-પંચાવન-સાઠ વર્ષની ઉંમરે સાંસારિક જવાબદારીઓમાંથી ક્રમશઃ મુકત થઈ રહૃાો હોય ત્યારે આપોઆપ આધ્યાત્મિક થવા માંડે છે? અથવા આ તબક્કે એને આધ્યાત્મિક બનવાનું વધારે ફાવે છે? આત્મજ્ઞાાનની પ્રાપ્તિ કે એન્લાઈટન્મેન્ટ થવું એ સંભવતઃ આધ્યાત્મિક સફરની ચરમ સીમા છે, અંતિમ લક્ષ્ય છે. દિવ્ય અનુભૂતિના સ્તરે પહોંચવા માટે કેટલાં વર્ષોની કઠિન તપસ્યા જરુરી છે?
* * * * *
આગળ વધતાં પહેલાં સૌથી પહેલાં તો, દિવ્ય અનુભૂતિ કે આત્મજ્ઞાાન કે એન્લાઈટન્મેન્ટ જેવું ખરેખર કશુંક હોય છે એવું આપણે સ્વીકારી લઈએ. દુન્યવી વાસ્તવની સપાટીથી ઉપર ઉઠીને પરમ ઈશ્વરીય શકિત સાથે સંધાન થવું માણસ માટે શકય છે એવી પૂર્વધારણા બાંધી લઈએ. હવે પહેલો સવાલઃ આધ્યાત્મિકતા અને ઉંમર વચ્ચે શો સંબંધ હોય છે? શું માણસ પચાસ-પંચાવન-સાઠ વર્ષની ઉંમરે સાંસારિક જવાબદારીઓમાંથી ક્રમશઃ મુકત થઈ રહૃાો હોય ત્યારે આપોઆપ આધ્યાત્મિક થવા માંડે છે? અથવા આ તબક્કે એને આધ્યાત્મિક બનવાનું વધારે ફાવે છે?
બુદ્ધને બોધિવૃક્ષની નીચે જ્ઞાાનોદય થયો હતો. કાલિભકત સ્વામી રામકૃષ્ણ પરમહંસની દિવ્ય અનુભૂતિ વિશે અનક કથા પ્રચલિત છે. આત્મજ્ઞાાનની પ્રાપ્તિ કે એન્લાઈટન્મેન્ટ થવું એ સંભવતઃ આધ્યાત્મિક સફરની ચરમ સીમા છે, અંતિમ લક્ષ્ય છે. હવે બીજો સવાલઃ દિવ્ય અનુભૂતિના સ્તરે પહોંચવા માટે કેટલાં વર્ષોની કઠિન તપસ્યા જરુરી છે? શું આ મામલામાં કોઈ ‘શોર્ટ કટ’ હોઈ શકે ખરો? આ સંદર્ભમાં આધ્યાત્મિક ક્ષેત્રે જાણીતી બનેલી કેટલીક સમકાલીન વ્યકિતઓના અનુભવો જાણવા જેવા છે.
આધ્યાત્મિક ગુરુ જગ્ગી સદગુરુના અનુયાયીઓમાં આમજનતાથી માંડીને સેલિબ્રિટીઓ સુધીની મોટી રેન્જ જોવા મળે છે. ૫૭ વર્ષીય સદગુરુના લેખો-પુસ્તકો અને વિડીયો કિલપિંગ્સ વાંચવા-જોવા ગમે તેવાં હોય છે. સદગુરુ સાઉથ ઈન્ડિયન ડોકટર-પિતાના દીકરા છે. એમનું મૂળ નામ જગદીશ. નાનપણથી સ્વભાવે અલગારી. જંગલોમાં અને પહાડો પર રખડપટ્ટી કરવી એમને બહુ ગમે. ઓગણીસ વર્ષની ઉંમરે એક યોગીએ જગદીશને સાદાં યોગાસનો શીખવ્યાં, જે તેઓ એક પણ દિવસ પાડયા વગર નિયમિત કરતા. અંગ્રેજી સાહિત્ય સાથે ગ્રેજ્યુએશન કરી રહૃાા હતા તે વર્ષોમાં જગદીશ ઘણી વાર દોસ્તો સાથે બાઈક પર મૈસૂર નજીક આવેલી ચામુંડી હિલ પર ફરવા જતા.
આ પહાડી પર આવેલી એક વિશાળ ચટ્ટાન જગદીશની પ્રિય જગ્યા હતી. એક બપોરે જગદીશ આ ખડક પર એકલા બેઠા હતા. આંખો ખુલ્લી હતી. સમય શાંતિથી વહેતો રહૃાો. ‘થોડી મિનિટો પછી કશુંક થયું. મને એ વાતની સભાનતા જ ન રહી કે હું કયાં બેઠો છું,’ સદગુરુએ વર્ષો પછી તે પ્રસંગ વર્ણવતા એક વખત કહેલું, ‘તે ક્ષણ પહેલાં હું હંમેશાં એમ જ માનતો આવ્યો હતો કે આ ‘હું’ છું અને ‘તે’ બીજું કોઈ છે, પણ તે દિવસે પહેલી વાર મને અહેસાસ થયો કે હું ખરેખર શું છું અને શું નથી તેની મને કશી ખબર જ નથી. જાણે કે ‘હું’ મારામાંથી નીકળીને ચારે બાજુ ફેલાઈ રહૃાો હતો. મને એમ કે પાગલપણના જેવી માનસિક દશા પાંચ-દસ મિનિટ ચાલી હશે, પણ હું એકાએક ભાનમાં આવ્યો ત્યારે સમજાયું કે સાડાચાર કલાક પસાર થઈ ચુકયા છે. હું જાગ્રત અવસ્થામાં, આંખો ખુલ્લી રાખીને, એ જ ખડક પર, એ જ પોઝિશનમાં બેઠો હતો. સમજણો થયો પછી હું કયારેય રડયો નહોતો, પણ તે દિવસે મારી આંખોમાંથી આંસુનો એવો પ્રવાહ વહી રહૃાા હતા કે મારું આખું શર્ટ પલળી ગયું હતું.’
તેમને શંકા ગઈ કે પોતે કયાંક પાગલ તો નથી થઈ રહૃાાને. પાગલપણું તો પાગલપણું, પણ તેઓ આ અવસ્થામાંથી બહાર આવવા માગતા નહોતા. તેઓ માની શકતા નહોતા માણસને આવી સુંદર અનુભૂતિ થઈ શકે છે. સદગુરુ હંમેશાં એક ખુશમિજાજ અને પોતાની રીતે સફળ યુવાન હતા, પણ આ પ્રસંગ બન્યો ત્યારે તેમણે જે દિવ્ય આનંદ અનુભવ્યો તે કંઈ જુદો જ, શબ્દોમાં મૂકી ન શકાય એવો અદભુત હતો.
થોડા દિવસ પછી આ અનુભૂતિનું પુનરાવર્તન થયું. આ વખતે તેઓ એકલા નહોતા, બલકે ડાઈનિંગ ટેબલ પર ઘરના સભ્યો સાથે જમી રહૃાા હતા. એમને થયું કે માંડ બે મિનિટ પસાર થઈ હશે, પણ વાસ્તવમાં તેઓ એક જ જગ્યાએ સાત કલાક સુધી જાગ્રત અવસ્થામાં બેસી રહેલા! પછી આવંુ અવારનવાર બનવા લાગ્યું. એક વખત આ અનુભૂતિ લાગલગાટ તેર દિવસ સુધી નિરંતર ચાલી હતી.
‘પહેલી વાર અનુભૂતિ થઈ તે પછીનાં છ અઠવાડિયાં દરમિયાન જાણે કે હું કોઈ નવો માણસ બની ગયો હતો,’ સદગુરુ કહે છે, ‘મારો અવાજ, મારી આંખોનો આકાર બદલાઈ ગયો હતો. મારા શરીરમાં, મારા દેખાવમાં ફેરફાર થઈ રહૃાા હતા. મારે કશુંક કરવું હતું, પણ શું કરવું તે સમજાતું નહોતું. મારી ભીતર જાણે દિવ્ય આનંદના ફુવારા ઉડી રહૃાા હતા. એક વાત હું સ્પષ્ટપણે સમજી રહૃાો હતો કે જો આ અનુભવ મને થઈ શકતો હોય તો કોઈને પણ થઈ શકે છે. માણસમાત્રનાં આંતરિક તત્ત્વો આખરે તો એક જ છે.’
આધ્યાત્મિક ગુરુ આનંદમૂર્તિ ગુરુમા (ઉંમર ૪૯ વર્ષ)ને દિવ્ય અનુભૂતિ થઈ ત્યારે પુખ્ત પણ બન્યાં નહોતાં. તેઓ ધાર્મિક માહોલમાં મોટાં થયાં છે. મા સાથે તેઓ નિયમિતપણે સત્સંગ, ધાર્મિક પ્રવચનો વગેરેમાં જતાં. એમના ઘરે સાધુસંતોનો આવરોજાવરો ખૂબ રહેતો. ગુરુમા એમને કઠિન પ્રશ્નો પૂછીને મૂંઝવી નાખતાં.
‘મને દિવ્ય અનુભૂતિ થઈ ત્યારે હું સોળ વર્ષની હતી,’ ગુુરુમાએ એક મુલાકાતમાં કહે છે, ‘આ અનુભૂતિ થવા પાછળ કયાં ગૂઢ કારણો હશે તે હું જાણતી નથી. દિવ્ય અનુભૂતિ પછી પણ હું પહેલાંની જેમ સ્કૂલે જતી, સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લેતી. આ બધી ઈતર પ્રવૃત્તિ કોલેજનાં વર્ષોમાં પણ ચાલતી રહી. દિવ્ય અનુભૂતિ પછી મારી જીવનશૈલીમાં કોઈ ખલેલ નહોતી પહોંચી નહોતી. તેથી જ હું કહું છું કે દિવ્ય અનુભૂતિ માટે જુવાનિયાઓ શ્રેષ્ઠ ઉમેદવારો છે.’
આધ્યાત્મિકતા પર કંઈ કેવળ પૂર્વનો એકાધિકાર નથી. મૂળ જર્મન પણ કેનેડામાં સ્થાયી થયેલા ૬૭ વર્ષીય એકહાર્ટ ટોલનો કિસ્સો પણ સાંભળવા જેવો છે. તેમને ‘ધ મોસ્ટ સ્પિરિચ્યુઅલી ઈન્ફ્લ્યુન્શીઅલ પર્સન ઈન ધ વર્લ્ડ’ તેમજ ‘ધ મોસ્ટ પોપ્યુલર સ્પિરિચ્યુઅલ ઑથર ઈન ધ યુનાઈટેડ સ્ટેટ્સ’ જેવા ખિતાબ મળી ચુકયા છે. એમણે લખેલી ‘ધ પાવર ઓફ નાઉ’ અને ‘અ ન્યુ અર્થ’ નામનાં પુસ્તકોના વેચાણનો આંકડો પચાસ લાખ નકલોને વટાવી ચુકયો છે.
એકહાર્ટ બાર વર્ષના હતા ત્યારે તેમનાં માતા-પિતાના ડિવોર્સ થઈ ગયા હતા. પિતા જર્મનીથી સ્પેન જતા રહૃાા. સ્કૂલમાં જરાય મજા નહોતી આવતી એટલે એકહાર્ટે સ્કૂલે જવાનું બંધ કરી દીધું. અલબત્ત, તેમનું ભણતર ચાલતું રહ્યું. તેઓ પુષ્કળ વાંચતા. બપોરે અને સાંજે લેંગ્વેજ કલાસ અટેન્ડ કરતા. સ્કૂલના ટેન્શનથી મુકત રહીને એકહાર્ટે જાતજાતના કોર્સ કર્યા. ૧૯ વર્ષની ઉંમરે તેઓ ઈંગ્લેન્ડ ગયા. ફોર્મલ એજ્યુકેશન લીધું ન હોવા છતાં તેમને એક જગ્યા જર્મન અને સ્પેનિશ ભાષા શીખવવાની નોકરી મળી ગઈ.
જુવાન થઈ ગયેલા ઈકહાર્ટ અવારનવાર ડિપે્રશનમાં સરી પડતા. એમને એમ કે કદાચ યુનિવર્સિટીના પ્રોફેસરો મારી મૂંઝવણો દૂર કરી શકશે. તેમણે યુનિવર્સિટીમાં એડમિશન લઈ ભણવા માંડયું, પરીક્ષાઓ સુધ્ધાં પાસ કરી, પણ હતાશા દૂર ન થઈ. યુનિવર્સિટીના એક પ્રોફેસર માટે એમને ખૂબ માન હતું. કશાક કારણસર તે પ્રોફેસરે આત્મહત્યા કરી નાખી. ઈકહાર્ટની હતાશા ઓર ઘૂંટાઈઃ જે માણસને હું ખૂબ સમજદાર અને પરિપકવ સમજતો હતો એણે પણ જો આપઘાત કરવો પડતો હોય તો બીજાઓની શું વાત કરવી?
૨૯ વર્ષના થયા ત્યાં સુધીમાં એકહાર્ટનું ડિપ્રેશન ખૂબ તીવ્ર બની ચુકયું હતું. એક રાતે અચાનક તેઓ ઊંઘમાંથી ઝબકીને જાગી ગયા. તેમનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયેલું. છાતીના ધબકારા વધી ગયેલા. કશાક અજાણ્યા ભયથી તેઓ થરથર કાંપતા હતા. જોરજોરથી માથું ધૂણાવીને તેઓ ખુદને કહેવા લાગ્યાઃ ‘નહીં… આ રીતે હું મારી જાત સાથે વધારે સમય રહી નહીં શકું.’
એકાએક તેઓ સભાન બન્યા. તેમને થયું: આ હમણાં મને કેવો વિચાર આવી ગયો? ‘હું મારી જાત સાથે વધારે રહી નહીં શકું’ એટલે? શું ‘હું’ અને ‘મારી જાત’ બન્ને અલગ અલગ વ્યકિતઓ છે? એકહાર્ટના મનમાં વિચારોનું તાંડવ શરુ થઈ ગયું: હું કોણ છું?અને જેની સાથે હું રહી શકું તેમ નથી તે મારી જાત કોણ છે?
એકહાર્ટને સમજાયું કે એક ‘હું’ છે જે શુદ્ધ અને નિર્ભેળ છે અને બીજી ‘મારી જાત’ છે જે સતત આસપાસની પરિસ્થિતિઓ તેમજ લોકોથી પ્રભાવિત થતી રહે છે. એકહાર્ટને લાગ્યું કે તેઓ જાણે કોઈ જબરદસ્ત આંતરિક ઊર્જાના સ્રોત તરફ ધકેલાઈ રહૃાા છે. આ અનુભૂતિને લીધે એક તરફ એમને ડર લાગી રહૃાો હતો તો બીજી તરફ અજબ મુકિતનો અહેસાસ થઈ રહૃાો હતો. માંહૃાલામાંથી એક અવાજ સતત એને કહી રહૃાો હતોઃ ‘વહેતો જા…કશાયને રોકીશ નહીં!’
આ નિર્ણાયક રાત્રિએ એકહાર્ટનું આખું જીવન પલટી નાખ્યું. બીજે સવારે તેઓ ઉઠયા ત્યારે નવી જ વ્યકિત બની ગયા હતા. એમની સમગ્ર દષ્ટિ બદલાઈ ચુકી હતી. બધું નવું નવું અને જાણે પહેલી વાર જોઈ રહૃાા હોય તેવું લાગતું હતું. માત્ર મન-હ્ય્દયમાં જ નહીં, બલકે આસપાસ તમામ ચીજવસ્તુ-વ્યકિતઓમાં અજબ શાંતિ વર્તાતી હતી. એકહાર્ટ ધીમે ધીમે ધાર્મિક શિક્ષણ તરફ વળ્યા અને ક્રમશઃ સ્પિરિચ્યુઅલ વ્યકિત તરીકે જાણીતા થતા ગયા.
આમ, સદગુરુ, આનંદમૂર્તિ ગુરુમા અને એકહાર્ટ ટોલ આ ત્રણેયને નાની ઉંમરે દિવ્ય અનુભૂતિ થઈ હતી. મધ્યવય કે ઉત્તરાવસ્થા આધ્યાત્મિકતા માટે વધારે અનુકૂળ છે તે કેવળ એક માન્યતા છે, સચ્ચાઈ નહીં. ગુરુમા કહે છે તેમ, આધેડ વ્યકિતઓ અને વૃદ્ધોની તુલનામાં જુવાનિયાઓ દિવ્ય અનુભૂતિ માટેને વધારે યોગ્ય ઉમેદવાર છે!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2016 )
Leave a Reply