Sun-Temple-Baanner

વ્યક્તિ નહીં, વિદ્યા મહત્ત્વની છે…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


વ્યક્તિ નહીં, વિદ્યા મહત્ત્વની છે…


ટેક ઓફઃ વ્યક્તિ નહીં, વિદ્યા મહત્ત્વની છે…

Sandesh – Ardh Saptahik Purti – 9 March 2016

ટેક ઓફ

વિપશ્યના કેન્દ્ર કંઈ ફેન્સિ સ્પિરિચ્યુઅલ રિસોર્ટ નથી કે જ્યાં પૈસા વસૂલ કરીને તમને પરમાત્મા તરફ લઈ જવાનો શોર્ટકટ દેખાડવામાં આવતો હોય. પૈસા નહીં, પબ્લિસિટી નહીં,કમર્શિયલાઈઝેશનનું નામોનિશાન નહીં. ગોએન્કાજી અને તેમના કાબેલ સાથીઓ શી રીતે વિપશ્યનાની ગતિવિધિઓને શુદ્ધ રાખી શકયા? શું છે ગોએન્કાજીની કહાણી?

* * * * *

ગયા અઠવાડિયાની વાત આગળ વધારીએ. સહેજે સવાલ થાય કે ભ્રષ્ટ, બોગસ, સડી ગયેલું ક્રિમિનલ માનસ ધરાવતા, છીછરા, ગંદા, લોકોને ખોટી દિશામાં ધકેલતા, સમાજને અંદરથી ફોલી ખાતા સાધુ-બાબા જોરશોરથી પૂજાતા રહે છે, એમની તસવીરવાળાં કેલેન્ડરો ઘરોમાં ને ઓફિસોમાં લટકતાાં રહે છે, પણ વિપશ્યના જેવી કલ્યાણકારી, માણસને વધારે પ્રેમાળ-સહિષ્ણુ-કરુણામય બનાવતી શુભ અને અતિ પ્રાચીન વિદ્યાને પુનઃ ભારતમાં ને પછી આખી દુનિયામાં પ્રસ્થાપિત કરનાર, સત્યનારાયણ ગોએન્કાનું નામ કેમ ઘરે-ઘરે પહોંચ્યું નથી? કેમ અમુક અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા, મીડિયામાં એમનું નામ ચર્ચાયું નહીં? સરકારે એમને પદ્મભૂષણ ખિતાબથી સન્માનિત કર્યા હતા તે બરાબર છે, પણ વિપશ્યનાનાં સીમિત વર્તુળની બહાર કેમ એસ. એન. ગોએન્કાને એક હાઈ પ્રોફાઈલ સેલિબ્રિટીનું સ્ટેટસ મળ્યું નહીં?

આનો ઉત્તર તમે વિપશ્યનાના ઈગતપુરી સ્થિત હેડક્વાર્ટરમાં કે ફોર ધેટ મેટર, વિપશ્યનાના કોઈપણ સેન્ટરમાં લટાર મારો, તો તરત મળી જાય છે. વિપશ્યનાનાં એકપણ કેન્દ્રમાં કયાંય એસ.એન. ગોએન્કાની ફૂલમાળા લગાડેલી તસવીર દેખાતી નથી. હવે ખુદ વિપશ્યનાનાં કેન્દ્રોમાં જ જો સંસ્થાપક ગોએન્કાજીની તસવીર મૂકાયેલી ન હોય, ત્યારે રસ્તા પરના હોર્ડિંગ્ઝ-બેનરોમાં કે છાપા-મેગેઝિનોની જાહેરખબરોમાં ગોએન્કાજી કયાંથી દેખાવાના.

– અને આ જ વિપશ્યનાની તાકાત છે. વ્યક્તિ નહીં, પણ વિદ્યા મહત્ત્વની છે. વ્યક્તિપૂજા નહીં, પણ નિર્ભેળ સાધના કરવાની છે. પોતાનાં વિશે ઢોલનગારાં વગાડવાની વિપશ્યનાની તાસીર જ નથી. વિપશ્યના કેન્દ્ર કંઈ ફેન્સિ સ્પિરિચ્યુઅલ રિસોર્ટ નથી કે જ્યાં પૈસા વસૂલ કરીને તમને પરમાત્મા તરફ લઈ જવાનો શોર્ટકટ દેખાડવામાં આવતો હોય. પૈસા નહીં, પબ્લિસિટી નહીં,કમર્શિયલાઈઝેશનનું નામોનિશાન નહીં. ગોએન્કાજી અને તેમના કાબેલ સાથીઓ શી રીતે વિપશ્યનાની ગતિવિધિઓને શુદ્ધ રાખી શકયા? શું છે ગોએન્કાજીની કહાણી?

સત્યનારાયણ ગોએન્કાનો જન્મ ૧૯૨૪ની સાલમાં, પેઢીઓથી બર્મામાં સ્થાયી થયેલા અને ચુસ્ત સનાનત હિન્દુ ધર્મ પાળતા પરિવારમાં થયો હતો. ગોએન્કાજીને પાંચ બહેનો અને ચાર ભાઈઓ, પણ દાદાજી સાથે સૌથી વધારે ફાવે. દાદાજી દોહા બહુ સરસ ગાતા. અસંખ્ય દોહા એમને કંઠસ્થ હતા. દાદાજીના આ દોહાનો સત્યનારાયણ પર ઊંડો પ્રભાવ પડયો. ગોએન્કાજીને નાનપણથી જ માઈગ્રેન એટલે કે માથાના તીવ્ર દુઃખાવાની તકલીફ શરૂ થઈ ગઈ હતી. વર્ષમાં કમસે કમ બે વાર માઈગ્રેનનો એટેક આવે જ. માં એમનું માથું ખોળામાં લઈને પ્રેમથી સહલાવ્યા કરે એટલે ધીમે ધીમે એમનું દરદ ઓછું થવા માંડે.

તીક્ષ્ણ બુદ્ધિમત્તા ધરાવતા તેજસ્વી ગોએન્કાજી અઢાર વર્ષની ઉંમરે પરણી ગયા. પરિવારના બિઝનેસમાં ખૂબ જમાવટ કરી. ખૂબ ધન કમાયા. ઉપરવાળાએ એમનામાં લીડરશીપ ક્વોલિટી ઠાંસી ઠાંસીને ભરી હતી એટલે ધીમે ધીમે બર્મામાં વસતા ભારતીયોના આગેવાન તરીકે ઊપસતો ગયા. ધાર્મિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક કે એવી કોઈપણ પ્રવૃત્તિ હોય, હંમેશાં સત્યનારાયણ ગોેએન્કાને આગળ કરવામાં આવે. નેતાગીરીને કારણે એમનો અહં ફુલાઈને ગુબ્બારો બનવા લાગ્યો હતો. સમયની સાથે સ્વભાવ વધારે ક્રોધી બનતો જતો હતો. એમને ભાષણો દેતા સારાં આવડે એટલે કેટલીય સભાઓમાં ‘મન પર શી રીતે અંકુશ રાખવો’ ને ‘મોહ-માયા-વાસના-આસક્તિથી શી રીતે મુકત થવું’ વગેરે જેવા સુષ્ઠુ સુષ્ઠુ વિષયો પર ડાહી ડાહી વાતો કરીને ઓડિયન્સને મંત્રમુગ્ધ કરી નાંખે, પણ ભીતરથી બરાબર જાણે કે, પોતે આ જે કંઈ બોલ્યા છે એમાંનું કશું જ વ્યવહારમાં ઉતારી શકતા નથી.

એમની માઈગ્રેનની બીમારી ગંભીર બનતી જતી હતી. દુઃખાવામાં રાહત મળે તે માટે ડોક્ટરો એમને મોર્ફિન આપતા, પણ ડોક્ટરોને પછી ચિંતા એ વાતની પેસી કે ગોએન્કાજીને માથું તો મટતાં મટશે, પણ આ રીતે મોર્ફિન આપતાં રહેવાથી એમને મોર્ફિનનું હાનિકારક બંધાણ થઈ જશે. ગોએન્કાજી ચિક્કાર નાણાં ખર્ચીને યુરોપ-અમેરિકાના ડોક્ટરો પાસે પણ જઈ આવ્યા, પણ માઈગ્રેનથી છૂટકારો ન થયો તો તે ન જ થયો.

નિરાશ થઈને બર્મા પાછા ફરેલા ગોએન્કાજીને કોઈ મિત્રે સલાહ આપી કે, તું વિપશ્યનાનો કોર્સ કરી જો, કદાચ કંઈ ફર્ક પડે. ગોએન્કાજીએ ના પાડી દીધી. નાનપણથી જ શીખવવામાં આવ્યંુ હતું કે, જીવ છોડવો પડે એમ હોય તો છોડી દેવો, પણ પારકો ધરમ કયારેય ન અપનાવવો. એમને એમ કે વિપશ્યના તો ગૌતમ બુદ્ધની વિદ્યા સાથે મારા જેવા પાક્કા હિંદુને શું લાગેવળગે?

પણ કહે છે કે, ‘મરતા કયા નહીં કરતા’. માઈગ્રેનની તકલીફ એટલી વધી ગઈ હતી કે, એમણે આ ઉપાય પણ અજમાવી જોવાનો કમને નિર્ણય કર્યો. ૧૯૫૫માં, ૩૧ વર્ષની ઉંમરે, તેઓ પહેલી વાર વિપશ્યના ગુરુ સયાગી ઉ બા ખિનને મળ્યા. વિપશ્યના ભારતની અતિ પ્રાચીન વિદ્યા છે, જે અઢી હજાર વર્ષ પૂર્વે દેશમાંથી સંપૂર્ણપણે લુપ્ત થઈ હતી. સદ્ભાગ્યે એકમાત્ર બર્મામાં તે ગુરુ-શિષ્ય પરંપરાથી બિલકુલ શુદ્ધ સ્વરૂપમાં જળવાઈ રહેલી. વિપશ્યના એટલે સાક્ષીભાવ તેમજ સમતાભાવ કેળવીને, શ્વાસને માધ્યમ બનાવીને મનનું શુદ્ધિકરણ કરવાની વિદ્યા. ઉ બા ખિને ચોખ્ખું કહી દીધંુ કે,વિપશ્યના તો બહુ ઊંચો આધ્યાત્મિક માર્ગ છે. તેના પર ચાલવાની તૈયારી હોય તો જ આવજે, માઈગ્રેનના ઈલાજ માટે અહીં આવવાની કોઈ જરૂર નથી. ગોએન્કાજીના ગળે વાત ઊતરી ગઈ.

તેમણે દસ દિવસનો કોર્સ કર્યો. પછી ઘરે રોજ સવાર-સાંજ એક-એક કલાક વિપશ્યના કરવા લાગ્યા. વિપશ્યનાએ એમનું જીવન પલટી નાંખ્યું. ચમત્કાર થયો હોય તેમ માઈગે્રનની બીમારી ગાયબ થઈ ગઈ. ક્રોધ શાંત થવા લાગ્યો. ફુલાઈને ફુગ્ગો થઈ ગયેલા મિથ્યા અહંકારમાંથી હવા નીકળવા માંડી. સ્વભાવમાં એટલું બધું પરિવર્તન આવ્યું કે, એમના પરિવારના સભ્યો અને સાથીઓને સાનંદાશ્ચર્ય થવા માંડયું. ગોએન્કાજીએ પછી પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ ૧૪ વર્ષ દરમિયાન વિપશ્યનાના કેટલાય કોર્સ કર્યા. ગૌતમ બુદ્ધે પાલી ભાષામાં ઉપદેશ આપ્યા હતા તેથી પાલી ભાષા પણ શીખ્યા.

ઉ બા ખિન દઢપણે માનતા હતા કે, વિપશ્યના તો ભારતે બર્માને આપેલી અમૂલ્ય ભેટ છે, એટલે આ ઋણ બર્માએ ઉતારવું જ જોઈએ. તેઓ એમ પણ માનતા હતા કે, બુદ્ધના મૃત્યુનાં ૨૫૦૦ વર્ષ પછી ભારતમાં બૌદ્ધજ્ઞાાનનો પુનઃ ઉદય થઈને જ રહેશે. દરમિયાન એક ઘટના બની. ગોએન્કાજીનાં માતાપિતા થોડાં વર્ષો પહેલાં મુંબઈ આવી ચુકયાં હતાં. માતાજીની તબિયત નાદુરસ્ત હતી. એટલે ગોએન્કાજી એમને મળવા ભારત જવાનું આયોજન કરી રહૃાા હતા. ઉ બા ખિને ગોએન્કાજીને બોલાવીને કહ્યું: ભારતના ઉપકારનો બદલો ચુકવવાનો સમય આવી ગયો છે. તારે વિપશ્યના વિદ્યાને પાછી ભારત લઈ જવાની છે. તું એકલો નથી. ધમ્મ (ધર્મ)ના સ્વરૂપમાં હું પણ તારી સાથે ભારત આવી રહૃાો છું. ગુરુએ ગોએન્કાજીને વિધિવત્ આચાર્યની પદવી આપી.

જોકે, મુંબઈ આવ્યા બાદ ગોએન્કાજીના ઉચાટનો પાર નહોતોઃ હું કેવી રીતે વિપશ્યનાની શિબિર ગોઠવીશ? કેવી રીતે ગોઠવીશ? એમાં કોણ આવશે? કોઈને શું કામ એમાં રસ પડે? આખરે એક મિત્રની મદદથી દિવસ અને સ્થળ નક્કી થયાં. ગોએન્કાજીનાં માતા-પિતા સહિત ૧૪ માણસો શિબિરમાં જોડાયાં. આમ, જૂન, ૧૯૬૯માં ભારતમાં સૌથી પહેલી વિપશ્યનાની શિબિર યોજાઈ ને સફળતાપૂર્વક પૂરી થઈ.

ગોએન્કાજી તો બે-ત્રણ મહિનામાં પાછા બર્મા ચાલ્યા જવા માગતા હતા, પણ શિબિરમાં ભાગ લઈ ચૂકેલા અમુક દોસ્તારો અને સગાં-સંબંધીઓએ આગ્રહ કર્યો કે, જતાં પહેલાં પ્લીઝ એક વધુ શિબિર ગોઠવો. આ રીતે એકમાંથી બીજી શિબિર, બીજીમાંથી ત્રીજી શિબિર, ત્રીજીમાંથી ચોથી શિબિર…. વર્ડ-ઓફ-માઉથથી ખ્યાતિ ફેલાતી ગઈ. બહારગામથી આમંત્રણો મળવાં લાગ્યાં. સ્કૂલો અને કોલેજોમાં, લાઈબ્રેરીઓમાં, હોટલો અને ઈન્ડસ્ટ્રીઅલ બિલ્ડિંગોમાં, ધનિક લોકોના વિશાળ ઘરોમાં, ખુલ્લા મેદાનોમાં, હેલ્થ સેન્ટરોમાં, હોસ્ટેલ અને હોલિડે કેમ્પોમાં, પોલીસ એકેડેમી અને જેલમાં, શાહી મહેલોમાં, ખંડિયર જેવી જગ્યાઓમાં દસ-દસ દિવસની શિબિરો ગોઠવાવાં લાગી. ટોચના રાજકારણીઓ અને સુપર સેલિબ્રિટીઓથી માંડીને ગરીબ ખેડૂત તેમજ મહેનતકશ રિક્ષાચાલક સુધીની દરેક વર્ગની વ્યક્તિઓ, તમામ ધર્મના લોકો તેમાં ભાગ લેવા લાગ્યા અને વિપશ્યનાવિદ્યાનો લાભ ઉઠાવવા લાગ્યા. ગોએન્કાજીએ બર્મા પાછા જવાનું માંડી વાળીને નક્કી કર્યુ કે, બસ, વિપશ્યનાનો પ્રસાર-પ્રચાર જ મારું જીવનકર્મ છે… અને આ જ મારી ગુરુદક્ષિણા છે!

દેશમાં વિપશ્યનાનો પાયો મજબૂત કરવા માટે, ૧૯૭૩માં મુંબઈ અને નાસિક વચ્ચે રળિયામણાં ઈગતપુરી શહેરમાં રેલવેલાઈન નજીક પહાડી પર વિપશ્યનાનું પહેલંુ સેન્ટર સ્થાપવામાં આવ્યું. ૧૦૭ એકરમાં વિસ્તરેલું આ ખૂબસૂરત કેન્દ્ર આજે વિપશ્યનાનું હેડ ક્વાર્ટર છે. તમે વિપશ્યનાના કોઈ પણ કેન્દ્રમાં દસ દિવસનો કોર્સ કરશો, ત્યારે રોજ સાંજે સવા-દોઢ કલાક ગોએન્કાજીના મુગ્ધ કરી દેતાં વિદ્વત્તાપૂર્ણ વીડિયો પ્રવચન સાંભળવા મળશે. તમને સમજાશે કે, આ માણસ કેટલો ગજબનો વક્તા છે. એમનું અંગ્રેજી પણ હિન્દી જેટલું જ પ્રવાહી અને પ્રભાવશાળી છે. ૧૯૭૦ના દાયકામાં પશ્ચિમના વિદેશીઓએ વિપશ્યનાનું કોર્સ કરવાનું શરૂ કર્યું હતું. આમાંના મોટા ભાગના હિપ્પીઓ હતા, જે અધ્યાત્મ માર્ગની ખોજ કરવા ભારત આવતા હતા. વિદેશીઓના લાભાર્થે ગોએન્કાજીએ હિન્દી ઉપરાંત અંગ્રેજીમાં કોર્સ આપવાનું શરૂ કરેલું.

આજે ગુજરાતમાં ધોળકા, માંડવી(કચ્છ), વડોદરા, રાજકોટ, મહેસાણા, સુરેન્દ્રનગર, નવસારી અને પાલિતાણા તેમજ યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા સહિત દેશ-દુનિયામાં ૧૬૦ કરતાં વધારે વિપશ્યનાનાં કેન્દ્રો સક્રિય છે.

આ ૪૭ વર્ષમાં અસંખ્ય લોકો વિપશ્યનાની સાધનાનો લાભ ઉઠાવીને જીવનને વધુ સુખમય બનાવી ચૂકયા છે. છેક ઉત્તર યુરોપમાં પોલેન્ડ નજીક લિથુએનિયા જેવા, આપણે જેનું નામ પણ સાંભળ્યું ન હોય એવા ત્રીસ લાખની વસતી ધરાવતા ટચુકડા દેશમાં, કે અંગ્રેજી જેની મુખ્ય ભાષા પણ નથી, ત્યાં વર્ષમાં બે વખત વિપશ્યનાના કોર્સ થાય છે અને ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓપન થતાંની સાથે બે-ત્રણ દિવસમાં જ બધી સીટ ભરાઈ જાય છે! સયાગી ઉ બા ખિનની ભવિષ્યવાણી સાચી પડી છે. ગૌતમ બુદ્ધના મૃત્યુના ૨૫૦૦ વર્ષ બાદ ભારતમાં પુનઃ બૌદ્ધ શિક્ષણનો નક્કર ઉદય થયો ને પછી આખા વિશ્વમાં ફેલાયો છે. આ ગંજાવર કામ કરનાર સત્યનારાયણ ગોએન્કા ૨૦૧૩માં ૮૯ વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન પામ્યા.

અલબત્ત, આજની તારીખેય બહુમતી લોકોને વિપશ્યના શું છે એની કશી જાણકારી નથી. વિપશ્યનાએ જીદપૂર્વક પોતાની શુદ્ધતા અને સાત્ત્વિકતા જાળવી રાખી છે. સમય જતાં તેમાં ભેળસેળ થવા લાગે તેવું જોખમ છે જ, પણ સાધકો અને આયોજકોની નિષ્ઠા અકબંધ રહેશે, ત્યાં સુધી આ પવિત્ર અને કલ્યાણકારી વિદ્યાને ‘ઊની આંચ પણ આવવાની નથી’ એ તો નક્કી.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.