Sun-Temple-Baanner

ઝુબિન મહેતા, સિમ્ફ્ની અને લીલાં મરચાં


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ઝુબિન મહેતા, સિમ્ફ્ની અને લીલાં મરચાં


ટેક ઓફ – ઝુબિન મહેતા, સિમ્ફ્ની અને લીલાં મરચાં

Sandesh – Ardh Saptahik Purti – 27 April 2016

ટેક ઓફ

એંશી વર્ષની ઉંમરે પણ માણસ ફિઝિકલી-મેન્ટલી-ઈમોશનલી ફિટ હોય, ભરપૂર સક્રિય હોય, પોતાનાં કાર્યક્ષેત્રમાં સતત રિલેવન્ટ હોય, એટલું જ નહીં, નવી પેઢીના ખેલાડીઓ દ્વારા પૂજાતો હોય તો એનાથી વધારે બીજું શું જોઈએ. પારસી ગુજરાતી ઝુબિન મહેતા આ કક્ષાના આંતરરાષ્ટ્રીય કલાકાર છે.

* * * * *

ઝુબિન મહેતા બે દિવસ પછી એંશી વર્ષના થશે. આ એક એવા હાઈ પ્રોફાઈલ પારસી ગુજરાતી છે જેના વિશે મીડિયામાં પ્રમાણમાં ઓછું લખાય છે ને દર્શાવાય છે. એનું એક કારણ એ હોઈ શકે કે તેઓ ગ્લોબલ સેલિબ્રિટી ખરા પણ એમની કર્મભૂમિ ભારત નહીં, બલકે યુરોપ-અમેરિકા છે. તેઓ મ્યુઝિકલ કંડક્ટર છે. બીથોવન અને મોઝાર્ટ જેવા પશ્ચિમના મહાનતમ સંગીતકારોની રચનાઓ તેેઓ મંચ પરથી પેશ કરે છે. એમના ઓપેરા અને કોન્સર્ટ્સ દુનિયાભરમાં મશહૂર છે. મુંબઈમાં તાજેતરમાં એમના એંશીમા જન્મદિન નિમિત્તે બેક-ટુ-બેક ત્રણ કેન્સર્ટ્સ યોજાઈ ગઈ. પહેલી બે એનસીપીએમાં અને ત્રીજી બ્રેબોર્ન સ્ટેડિયમમાં. ટિકિટના ભાવ ૧૧૪૫ રૂપિયાથી શરૂ થતા હતા, સૌથી મોંઘી (એક) ટિકિટની કીમત ૧૭,૧૭૫ રૂપિયા હતી અને છતાં ત્રણેય કોન્સર્ટ્સ હાઉસફુલ હતી. કોણ કહે છે કે ભારતમાં વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિકના કદરદાનો નથી?

એંશી વર્ષની ઉંમરે પણ માણસ ફિઝિકલી-મેન્ટલી-ઈમોશનલી ફિટ હોય, ભરપૂર સક્રિય હોય, પોતાનાં કાર્યક્ષેત્રમાં સતત રિલેવન્ટ હોય, એટલું જ નહીં, નવી પેઢીના ખેલાડીઓ દ્વારા પૂજાતો હોય તો એનાથી વધારે બીજું શું જોઈએ. આવી વ્યક્તિ આપોઆપ આદરણીય બની જતી હોય છે. એના ફ્લ્ડિ સાથે આપણો સીધો સંબંધ ન હોય તોપણ. ઝુબિન મહેતા આ કક્ષાના આંતરરાષ્ટ્રીય કલાકાર છે. કાચી ઉંમરે એમણે સંગીતને કરીઅર બનાવવાનો નિર્ણય લીધો ત્યારે એમનાં મમ્મીએ ચિંતાતુર થઈને જ્યોતિષીઓને કુંડળી બતાવી હતી. જ્યોતિષીઓનું વળગણ સાર્વત્રિક છે – ગામડાગામની મહિલાથી લઈને ઝુબિનનાં માતા જેવાં દક્ષિણ મુંબઈના પોશ ઈલાકામાં રહેતાં પારસી સન્નારી સુધીના સૌને જ્યોતિષશાસ્ત્રમાં સંકટ સમયની સાંકળ દેખાઈ શકે છે! જ્યોતિષીઓએ ઝુબિનનાં માતુશ્રીને સધિયારો આપ્યો કે તમારા દીકરાની કુંડળીમાં તો રાજયોગ લખ્યો છે. તમતમારે જવા દો એને મ્યુઝિકના ફિલ્ડમાં. એક દિવસ આખી દુનિયામાં એ નામ કાઢશે. એેવું જ થયું.

સંગીત તો જોકે ઝુબિન મહેતાના લોહીમાં હતું. એમના દાદા સંગીતના શિક્ષક હતા એટલે ઘરે કાં તો કોઈ સંગીત શીખવા આવ્યું હોય અથવા દાદા ખુદ સંગીતનો રિયાઝ કરતા હોય. ‘મેં સંગીત અને મારી માતૃભાષા ગુજરાતી સાથેસાથે જ શીખવાનું શરૂ કર્યું હતું,’ – ઝુબિન મહેતા એક મુલાકાતમાં કહે છે.

ઝુબિનના પિતાજી મેહિલ મહેતાએ આમ તો ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી લીધી હતી, પણ છાશવારે ક્રોફોર્ડ માર્કેટ જઈને ઇંડાંવાળા અને ચાના ગલ્લાવાળા પાસેથી ટેક્સ ઉઘરાવવાનાં કામથી એમને ભારે ત્રાસ થતો. સંગીતકાર બનવા મેહિલ મહેતાએ નોકરી છોડી દીધી. અમેરિકા જઈને ચાર વર્ષ સુધી વાયોલિનવાદનનું પદ્ધતિસરનું જ્ઞાાન લીધું. આ બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારની વાત છે. ૧૯૪૯માં તેઓ મુંબઈ પાછા ર્ફ્યા ત્યારે ઝુબિન તેર વર્ષના ટીનેજર હતા. મેહિલ મહેતા આખો દિવસ વાયોલિનની પ્રેક્ટિસ કરે, પોતે અમેરિકામાં શું શું શીખ્યા એની વાતો કરે, સંગીતના ખેરખાંઓની ખૂબીઓ વિશે ચર્ચા કરે. એમણે ઝુબિન મહેતા સામે વેસ્ટર્ન કલાસિક મ્યુઝિકની, ઓરકેસ્ટ્રા અને ઓપેરા અને સિમ્ફનીની આખી દુનિયા ખોલી આપી. પિતાજી તરફ્થી મળેલાં સંગીતના આ સંસ્કારોએ ઝુબિન મહેતાના જીવનનો નકશો દોરવાનું કામ કર્યું.

મેહિલ મહેતા ઇચ્છતા હતા કે, દીકરો પિયાનો શીખે અને એ પણ પોતે જેમની પાસે શીખ્યા હતા એ જ ગુરુ પાસેથી. તકલીફ એ થઈ કે ગુરુ મુંબઈ છોડીને પૂના શિફ્ટ થઈ ગયા હતા. આથી ઝુબિન અઠવાડિયામાં એક વાર મુંબઈથી વહેલી સવારે ટ્રેન પકડી પૂના પહોંચે, ત્રણ ક્લાસ સુધી પિયાનોના ક્લાસ લે અને સાંજે વળતી ટ્રેનમાં પાછા આવે.

તરુણ માણસ જુવાન બની રહૃાો હોય ત્યારે ઘણીવાર પોતાનાં પેશન, હોબી અને કરીઅર વચ્ચે ગોથાં ખાધા કરતો હોય છે. એને સમજાતું હોતું નથી કે જેના તરફ્ તીવ્રતાથી દિલ-દિમાગ ખેંચાય છે તે વસ્તુને માત્ર હોબી પૂરતી મર્યાદિત રાખવાની છે કે એમાં ઊંડા ઊતરવું છે. ઝુબિન મહેતાના કેસમાં પણ એવું જ બન્યું. તેમણે મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હતું. બે વર્ષ ભણ્યા પણ ખરા, પણ આટલા સમયગાળામાં તેમને સમજાઈ ગયું કે આ આપણી લેન નહીં. આપણે તો રહૃાા નખશિખ મ્યુઝિકના માણસ. કરીઅર તો મ્યુઝિકમાં જ બનાવવાની હોય.

પિતાજીનો પૂરેપૂરો સપોર્ટ હતો. માને શરૂઆતમાં ટેન્શન થઈ ગયું હતું, પણ જ્યોતિષીઓએ રાજયોગની વાત કરી એટલે એમના જીવને ઠીક ઠીક ટાઢક થઈ ગઈ હતી. માં-બાપને જોકે ફિકર એ વાતની હતી કે ભારતમાં પરંપરાગત શાસ્ત્ર્રીય રાગ-રાગિણી ચાલે, ફ્લ્મિી સંગીત ચાલે અને થોડું ઘણું સુગમ સંગીત ચાલે. આપણે ત્યાં વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિક જાણનારાઓનું ભવિષ્ય શું?ભારતમાં વેસ્ટર્ન ક્લાસિકલ સંગીતકારનું જીવન એકાકી અને અઘરું બની જાય છે એ મેહિલ મહેતા અનુભવે સમજ્યા હતા. બે છેડા ભેગા થતા નહોતા એટલે એમણે ખુદ અમેરિકા શિફ્ટ થઈ જવું પડયું હતું.

ખેર, ઝુબિનની જીવનની દિશા નક્કી થઈ ચૂકી હતી એટલે એને વાલી તરીકે પોતાનાથી બનતું શ્રેષ્ઠ કરવા એમણે અઢાર વર્ષના ઝુબિનને વેસ્ટર્ન મ્યુઝિક ભણવા માટે વિએના મોકલ્યા. વિએના એટલે ઓસ્ટ્રિયાનું ખૂબસૂરત પાટનગર જ્યાં બીથોવન જેવી વિભૂતિનો જન્મ થયો હતો. મોઝાર્ટ પણ વિએનામાં જ સોળે કળાએ ખીલ્યા હતા. ઝુબિન મહેતાએ અહીં પહેલી વાર લાઈવ સિમ્ફ્ની ઓરકેસ્ટ્રા માણ્યું. અત્યાર સુધી માત્ર ગ્રામોફેનની રેકોર્ડ્ઝ સાંભળી હતી અને કયારેક મુંબઈના ઓપેરા હાઉસમાં બોમ્બે સિમ્ફ્નીનાં પર્ફોર્મન્સિસ જોયાં હતાં, જેમાં મોટે ભાગે તો નવાસવા શિખાઉ સંગીતકારો, ગોવાનીઝ પ્રોફેશનલ્સ અને ઈન્ડિયન નેવી બેન્ડના યનિર્ફોર્મધારી સભ્યોની ખીચડી રહેતી.

વિએનામાં ટીચરો અને અન્ય વિદ્યાર્થીઓને નવાઈ લાગતી કે, ઇન્ડિયાનો છોકરો શા માટે વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિક શીખવા માગે છે? જોકે, અહીં વાતાવરણ હૂંફાળું અને મૈત્રીભર્યું હતું. સૌથી મોટી તકલીફ ખાવાપીવાની હતી. યુરોપિયન ખાણું ભાવે નહીં ને પારસી ભાણું સતત યાદ આવ્યા કરે. આથી ઝુબિન જાતે રાંધવાના અખતરા કરે, મિક્સ-એન્ડ-મેચ કરે અને જેમતેમ ગાડું ગબડાવે.

તેઓ ઝપાટાભેર સંગીતમાં કુશળતા પ્રાપ્ત કરતા ગયા. ચાર જ વર્ષમાં, બાવીસ વર્ષની ઉંમરે મ્યુઝિકલ કન્ડક્ટર તરીકે વિએનામાં પહેલું પર્ફોર્મન્સ આપ્યું. (મ્યુઝિક કંડક્ટર એટલે ચાલીસ-પચાસ-સો સાજિંદાઓ જાતજાતનાં વાદ્યો વગાડતા હોય ત્યારે એમની સામે એક માણસ ઝનૂનથી હાથ ઊંચાનીચા કરતો સૌને સાંકેતિક ઈન્સ્ટ્રક્શન્સ આપતો હોય, એ.) એ જ વર્ષે ઝુબિન લિવરપૂલમાં યોજાયેલી ઈન્ટરનેશનલ કન્ડક્ટિંગ કોમ્પિટિશન જીતી ગયા. રોયલ લિવરપૂલ ફ્લિહાર્મોનિક નામની પ્રતિષ્ઠિત મ્યુઝિક્ સ્કૂલમાં એમને આસિસ્ટન્ટ કંડક્ટર તરીકે જોબ મળી. ચોવીસ વર્ષની ઉંમરે મોન્ટ્રીઅલ સિમ્ફ્ની ઓરકેસ્ટ્રામાં ડિરેક્ટર બનાવવામાં આવ્યા. ક્રમશઃ યુરોપ-અમેરિકાના ક્લાસિકલ સંગીતનાં વર્તુળમાં આ પારસી ગુજરાતી છોકરાનું નામ થતું ગયું. આજકાલ પ્રિયંકા ચોપડાની ચારેકોર વાહવાહ થઈ રહી છે, કેમ કે અમેરિકાનાં ખ્યાતનામ ‘ટાઈમ’ મેગેઝિનનાં કવર પર એ અધિકારપૂર્વક ચમકી છે. ઝુબિન મહેતા આજથી ૪૮ વર્ષ પહેલાં, ૧૯૬૮માં ‘ટાઈમ’નાં કવર પર ચમકી ચૂક્યા હતા અને તે પણ કોઈ લિસ્ટના ભાગરૂપ નહીં. ‘ટાઈમ’ મેગેઝિને ઝુબિન મહેતા પર રીતસર કવરસ્ટોરી કરી હતી. તે વખતે એમની ઉંમર ફ્ક્ત ૩૨ વર્ષ હતી!

સાત વર્ષ વિએનામાં રહૃાા પછી તેઓ ઈઝરાયલ આવી ગયા હતા. ‘અહીંની ગલીઓ મને મુંબઈ જેવી લાગતી,’ ઝુબિન મહેતા કહે છે, ‘મુંબઈની જેમ અહીં પણ લોકો ઉતાવળે ભાગદોડ કરતા હતા. ગ્રૂપમાં હોય તો બધા એકસાથે બોલે અને એકને પૂછીએ તો ચાર જણા જવાબ આપે! એટલે મને અહીં એકદમ ઘર જેવું લાગ્યું! સમજોને કે ઈઝરાયલ સાથે મને લવ-એટ-ફર્સ્ટ સાઈટ જેવું થઈ ગયું હતું.’

ઝુબિન ઈઝરાયલ ફિલહાર્મોનિક ઓરકેસ્ટ્રાના મ્યુઝિક ડિરેક્ટર બન્યા એ વાતને ચાલીસ કરતાંય વધારે વર્ષ થઈ ગયા છે. ૧૯૭૮થી ૧૯૯૧ સુધી લાગલગાટ તેર વર્ષ સુધી તેઓ ન્યુયોર્ક ફિલહાર્મોનિકના ડિરેક્ટર અને પ્રિન્સિપલ કંડક્ટર તરીકે પણ સક્રિય રહૃાા. આ બહુ જ મહત્ત્વની પોસ્ટ પર એક જ માણસ તેર-તેર વર્ષ સુધી રહૃાો હોય એવું ઝુબિન મહેતાની પહેલાંય નહોતું બન્યું ને પછીય નથી બન્યું. ઝુબિન મહેતાની કરીઅરમાં આવાં તો કેટલાંય કીર્તિમાનો સ્થપાયા છે.

ઝુબિન મહેતાની આટલી બોલબાલા છે તે સાચું; પણ તેઓ કંઈ મૌલિકપણે સંગીત-સર્જન કરતા નથી. ‘હું સંગીતને ક્રિએટ નહીં,પણ રી-ક્રિએટ કરું છું,’ તેઓ કહે છે, ‘બીથોવન અને મોઝાર્ટ જેવા મહાન સંગીતકારોની સિમ્ફ્નીઓને કંડક્ટ કરવા માટે જ હું સંગીતકાર બન્યો છું. આ ખેરખાંઓની રચનાઓમાં એક કોમા કે ફુલસ્ટોપ પણ આમથી તેમ કરવાની ગુસ્તાખી કરતો નથી.’

ઝુબિન મહેતા કહે છે કે, મ્યુઝિકલ કન્ડક્ટરો તો હિટલર કરતાંય બદતર હોય છે. સેંકડો સાજિંદાઓ પાસેથી ધાર્યું કામ લેવાનું હોય એટલે ક્યારેક એમને ધક્કા મારવા પડે, ક્યારેક કુનેહથી કામ લેવું પડે તો ક્યારેક કડકાઈ પણ દેખાડવી પડે.’ પેલી અફલાતૂન ઓસ્કરવિનિંગ ફ્લ્મિ ‘વ્હીપલેશ’ યાદ આવે છે? જોકે, ઝુબિન મહેતા ‘વ્હીપલેશ’ના શેતાન મ્યુઝિક્ ક્ંડક્ટર જેવો આતંક તો ન જ ગુજારી શકે કેમ કે મૂળ તો એ મીઠડા પારસી રહૃાાને!

ઝુબિન મહેતાની આત્મક્થા પહેલાં જર્મન ભાષામાં પ્રસિદ્ધ થઈ હતી. પછી અન્ય ભાષાઓમાં. તેમાં એમણે પોતાનાં બે લગ્નો (પહેલું ટૂંકજીવી, બીજું ચાર દાયકાથી અડીખમ), લગ્નબાહૃા સંબંધ થકી થયેલાં સંતાન વગેેરે વિશે પ્રામાણિકતાથી લખ્યું છે. આ ગ્લોબલ સિટીઝનનું ઓફિશિયલ એડ્રેસ લોસ એન્જલસ છે, પણ તેલ અવીવ, વિએના અને ફ્લોરેન્સને તેઓ પોતાનાં’સ્પિરિચ્યુઅલ હોમ્સ’ ગણે છે. બે-અઢી વર્ષે મુંબઈ આવે છે ત્યારે ટિપિકલ બમ્બૈયા બની જાય છે. આજની તારીખે પણ એમણે આગ્રહપૂર્વક ઈન્ડિયન પાસપોર્ટ અને ઈન્ડિયન સિટીઝનશીપ જાળવી રાખ્યાં છે.

‘વિદેશમાં આટલા બધા દાયકા ગાળ્યા પછી પણ મારા અંગ્રેજી ઉચ્ચારો તો હિન્દુસ્તાની જેવા જ રહૃાા છે!’ ઝુબિન મહેતા હસે છે, ‘માં-બાપ ગુજરી ગયાં પછી ગુજરાતીમાં વાતચીત ક્રવાવાળું કેઈ રહ્યું નથી તે વાત મને કયારેક ખૂબ સાલે છે.’

…અને યુરોપિયન-અમેરિકન ફ્ૂડ હજુ સુધી એમને માફક આવ્યું નથી! ‘હું દુનિયાભરનાં શહેરોમાં કેન્સર્ટ્સ કરવા જાઉં છું ત્યારે પફેર્મન્સિસ પછી યજમાન અમને જે ફેન્સી વાનગીઓ પીરસે છે તે જોઈને મારું મોઢું બગડી જાય છે!’ ઝુબિન મહેતા કહે છે, ‘પણ આ સમસ્યાનો તોડ મેં શોધી કઢયો છે. હું લીલાં મરચાં હંમેશાં મારી સાથે રાખું છું! શું છે કે સાથે મરચાં હોય તો બેસ્વાદ ભોજન પણ જેમતેમ ગળે ઉતારી શકાય છે!’

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.