Sun-Temple-Baanner

કોણ છે તમારો ફેવરિટ યુટ્યુબર?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


કોણ છે તમારો ફેવરિટ યુટ્યુબર?


ટેક ઓફઃ કોણ છે તમારો ફેવરિટ યુટ્યુબર?

Sandesh – Ardh Sapthik purti – 20 April 2016

ટેક ઓફ

એમટીવીનો દબદબો ભૂતકાળ બની ચુક્યો છે. જમાનો ડિજિટલ સ્ટાર્સનો છે. યુટ્યુબ પર પોતાની સુપરહિટ ચેનલ ચલાવતા સુપરસ્માર્ટ જુવાનિયા નવી પેઢીના લેટેસ્ટ રોલમોડલ બની ચુક્યા છે.

(From L to R) PewDiePie, Lilly Singh and Yo Yo Gujarati

બાર-તેર વર્ષનો એક છોકરો કેટલાય મહિનાઓથી અઘીરાઈપૂર્વક રાહ જોઈ રહૃાો છે કે કયારે એની એકઝામ પૂરી થાય ને કયારે સમર વેકેશન શરૂ થાય. ના, એનાં મમ્મી-પપ્પાએ એને કોઈ ફેન્સી હિલસ્ટેશન પર કે ડિઝનીલેન્ડ લઈ જવાનું પ્રોમિસ આપ્યું નથી. વેકેશન માટેની એની ભયંકર તાલાવેલીનું કારણ જૂદું છે.

‘આઈ વોન્ટ ટુ બી અ સક્સેસફુલ યુટયુબર!’ છોકરો એક દિવસ થનગન થનગન થતો ઘોષણા કરે છે, ‘જસ્ટ લાઈક પ્યુડીપાઈ એન્ડ સ્મોશ!

છોકરાનાં મા-બાપ એકબીજાનાં મોં સામે તાકે છે. આ શું બોલે છે છોકરો? પ્યુડીપાઈ અને સ્મોશ એટલે? માં-બાપ ખુદ ટીનેજમાંથી જુવાનીમાં પ્રવેશી રહૃાાં હતાં ત્યારે એમટીવી જનરેશનનો હિસ્સો હતાં અને માઈકલ જેક્સન, મડોના અને મારિયા કૅરીનાં મ્યુઝિક પર ઝૂમતાં હતાં. આજે એમટીવીનો દબદબો ભૂતકાળ બની ચૂકયો છે. મડોનાનાં સમયના પોપસ્ટાર્સ હવે લગભગ અપ્રસ્તુત બની ચૂકયાં છે. આજે જમાનો પ્યુડીપાઈનો છે. પ્યુડીપાઈ એ છવ્વીસ વર્ષના ફિલિક્સ નામના એક જર્મન-બ્રિટિશ યુવાનનું તખલ્લુસ છે. એ પોપસ્ટાર કે રોકસ્ટાર નહીં, પણ ડિજિટલ સ્ટાર છે. યુટયુબ પર એની ચેનલ ધમધમે છે. જાતજાતની વીડિયો ગેમ્સ રમતાં રમતાં એ રમૂજી ઢબથી કોમેન્ટરી આપે છે અને પોતાના આ વીડિયોને એ ખુદની યુટયુબ ચેનલ પર અપલોડ કરે છે. યુટયુબની આ નંબર વન ચેનલ છે, જેને દુનિયાભરના ચાર કરોડ ત્રીસ લાખ કરતાં વધારે લોકોએ, ખાસ કરીને ટીનેજર્સ-યંગસ્ટર્સે, સબસ્ક્રાઈબ કરી છે. પ્યુડીપાઈ યુટયુબરો લેટેસ્ટ યુથ આઈકન છે, નવી પેઢીનો બ્રાન્ડ-ન્યુ રોલમોડલ છે.

સ્મોશ એ ઈયાન અને એન્થની નામના બે અમેરિકન યુવાનોની જોડીનું સંયુકત નામ છે. તેઓ કોમેડિયન છે. જાતજાતના વિષય પર રમૂજી વીડિયો બનાવીને યુટયુબ પર શૅર કરતા રહે છે. યુટયુબની સૌથી પોપ્યુલર ચેનલના લેટેસ્ટ લિસ્ટમાં સ્મોશનો ક્રમ ચોથો છે. એના સબસ્ક્રાઈબર્સનો આંકડો બે કરોડ ૧૦ લાખ જેટલો છે. અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં રહેતી લિલી સિંહ નામની એનઆરઆઈ પંજાબી યુવતીની સુપરવૂમન નામની ચેનલ પણ યુટયુબ પર સુપરહિટ છે. અઠવાડિયામાં બે વખત એ નવા નવા મસ્ત રમૂજી વીડિયો અપલોડ કરતી રહે છે. એણે ૨૦૧૦માં પોતાની ચેનલ શરૂ કરી હતી. પાંચ વર્ષમાં એના વીડિયોઝને કુલ એક અબજ વ્યૂ મળી ચૂકયા હતા (એટલે કે જોવાઈ ચૂકયા હતા) અને સબસ્ક્રાઈબર્સની સંખ્યા ૮૦ લાખ પર પહોંચી ચૂકી હતી. ૨૦૧૫માં ‘ફેબર્સ’ મેગેઝિને વર્લ્ડ્ઝ હાયેસ્ટ પેઈડ યુટયુબ સ્ટાર્સનુું લિસ્ટ જાહેર કરેલું જેમાં લિલી આઠમા ક્રમે હતી. ગયા એક વર્ષમાં એની કમાણી ૩ મિલિયન ડોલર એટલે કે લગભગ વીસ કરોડ રૂપિયા જેટલી હતી. સૌથી વધારે કમાણી, અફ્કોર્સ, નંબર-વન યુટયુબર પ્યુડીપાઈએ કરી હતી – પૂરા પંદર મિલિયન ડોલર્સ એટલે કે, લગભગ ૮૦ કરોડ રૂપિયા! જુદી જુદી બ્રાન્ડ્સ સાથે થયેલા ટાઈ-અપ્સ તેમજ વીડિયો પર મૂકાતી એડ્સ આ કમાણી નક્કી કરે છે.

ડિજિટલ ક્રાંતિએ મનોરંજનની દુનિયાનાં સમીકરણો બદલી નાંખ્યાં છે. આજે તમે ફિલ્મોમાં કામ કરો કે ટીવી પર દેખાઓ તો જ ફેમસ બની શકો તે જરૂરી નથી. આજે કોઈ પણ વ્યકિત સાદા વીડિયો-કેમેરા કે ઈવન સ્માર્ટફોનથી વીડિયો બનાવવાની શરૂઆત કરી શકે છે. જો એેનામાં ખરેખર ટેલેન્ટ હશે અને એકધારા અફ્લાતૂન વીડિયો બનાવી શકશે તો ઈન્ટરનેશનલ સ્ટાર બનીને એ કરોડો કમાઈ શકે છે! યુટયુબને લીધે એન્ટરટેઈન્મન્ટ વર્લ્ડમાં લોકશાહી સ્થાપાઈ ગઈ છે. તમારે હવે કોઈ પ્રોડયુસર-ડિરેકટર,ટીવી ચેનલ, મોટા બેનર, મોટા બજેટ, નેટવર્ક કે કનેકશન્સના મોતાજ થવાની જરૂર નથી. તમે પોતે જ તમારું કન્ટેન્ટ લખો, ખુદના ઘરમાં ખુદના કેમેરાથી શૂટિંગ કરો, સારી રીતે એડિટ કરો અને પછી એક પણ પૈસો ખર્ચ્યા વગર ઈન્ટરનેટ પર અપલોડ કરી દો. જો વીડિયોમાં દમ હશે તો તમને ઓડિયન્સ મળ્યા વગર રહેશે નહીં.

જસ્ટિન બીબર તરુણાવસ્થામાં જ પોપસ્ટાર તરીકે વર્લ્ડફેમસ થઈ ચૂકયો હતો. જસ્ટિન યુટયુબની પેદાશ છે. એ સાવ નાનો હતો ત્યારથી સરસ ગાતો-વગાડતો. એની મમ્મી એના વીડિયો બનાવી-બનાવીને યુટયુબ પર અપલોડ કર્યા કરતી કે જેથી દોસ્તો અને સગાંવહાલાં તે જોઈ શકે. કોઈ મ્યુઝિક કંપનીના સાહેબનું ધ્યાન આ વીડિયો પર પડયું. એને છોકરામાં વિત્ત દેખાયું. મ્યુઝિક કંપનીએ જસ્ટિનને ઊંચકી લીધો, એનું મ્યુઝિક આલબમ બહાર પાડયું. રેસ્ટ ઈઝ હિસ્ટ્રી!

લેખની શરૂઆતમાં જેની વાત કરી એ પ્યુડીપાઈ સ્વીડનમાં જન્મ્યો છે ને મોટો થયો છે. એ સ્કૂલમાં ભણતો ત્યારે કલાસ બંક કરીને ઈન્ટરનેટ કાફેમાં જઈને કલાકો સુધી વીડિયો ગેમ્સ રમ્યા કરતો. ઈન્ડસ્ટ્રીઅલ ઈકોનોમિકસનું ભણવા એણે કોલેજમાં એડમિશન તો લીધું, પણ પછી ભણતર અધૂરું છોડીને ફુલટાઈમ યુટયુબર બની ગયો. ટેન્શનમાં આવી ગયેલાં એનાં મા-બાપને સમજાતું નહોતું કે છોકરો આખો દિવસ વીડિયો ગેમ્સ રમતાં રમતાં કેમેરા સામે શું બબડયા કરે છે. એના આ જ ગેમિંગ વીડિયોઝે એને ડિજિટલ વર્લ્ડનો સ્ટાર બનાવી દીધો.

લિલી સિંહ કોલેજકાળમાં ડિપ્રેશનનો ભોગ બની ગઈ હતી. આ માનસિક બીમારીથી બચવા એણે રમૂજી વીડિયો બનાવી-બનાવીને યુટયુબ પર અપલોડ કરવાનું શરૂ કર્યું હતું. એ રોજબરોજના જીવનમાં બનતી નાની નાની ઘટનાઓને પોતાના વીડિયોના વિષય બનાવે છે, જેમ કે, ‘હાઉ ગર્લ્સ ગેટ રેડી’ (છોકરીઓ તૈયાર થવામાં કેવી લપ કરતી હોય છે), ‘ટાઈપ્સ ઓફ્ ફાર્ટ્સ’ (અલગ અલગ પ્રકારની વા-છૂટ), ‘હાઉ માય પેરેન્ટ્સ ફાઈટ’ (મારાં મા-બાપ કેવી રીતે ઝઘડે છે. પોતાની ચેનલ પર મા-બાપનાં કેરેકટર્સ પણ લિલી પોતે જ ભજવે છે. આ પંજાબી કિરદાર પણ સારાં એવાં પોપ્યુલર છે), વગેરે. લિલી સ્ટેન્ડ-અપ કોમેડિયન પણ છે. સફ્ળ યુટયુબર બની ગયા પછી એ ગ્લોબલ પોપસ્ટાર્સની માફ્ક રીતસર વર્લ્ડટૂર કરતી થઈ ગઈ છે. શરૂઆત ભલે હોમ વીડિયોથી થઈ હોય, પણ સફ્ળતા મળે પછી આ ટોચના ફુલટાઈમ યુટયુબર્સનો કારભાર સંભાળવા માટે આખી પ્રોફેશનલ ટીમ કામ કરતી થઈ જાય છે.

યુટયુબ પર આંતરરાષ્ટ્રીય સ્તરે અંગ્રેજી ચેનલો જ સુપરહિટ થાય છે એવું નથી. હાલ દુનિયાનો બીજા નંબરનો સૌથી પોપ્યુલર યુટયુબર હોલાસોયજર્મન જર્મન ભાષામાં પોતાની ચેનલ ચલાવે છે.

સૌથી વધારે જોવાતી ભારતીય યુટયુબ ચેનલ્સ કઈ છે? લગભગ તમામ મુખ્ય એન્ટરટેઈનમેન્ટ ટીવી ચેનલો ઉપરાંત ટી-સિરીઝ જેવી કંપનીઓ, યશરાજ જેવાં બોલિવૂડનાં બેનરો વગેરે પોતપોતાની યુટયુબ ચેનલ ચલાવે છે, પણ વ્યકિતગત ધોરણે તૈયાર થતી મોસ્ટ પોપ્યુલર યુટયુબ કઈ કઈ છે?

એક ઘોષિત થયેલી સૂચિ પ્રમાણે, એઆઈબી નિર્વિવાદપણે ભારતમાં નંબર વન છે. (એઆઈબીનું ફુલ ફોર્મ લખીશું તો ચોખલિયાઓની સુરુચિ ભંગ થઈ જશે!) એઆઈબીના મશ્કરાઓનું હૃાુમર ખરેખર ધારદાર હોય છે. આ ચેનલની નામના એટલી હદે વધી ગઈ કે ઈવન સ્ટાર પ્લસ અને સ્ટાર વર્લ્ડ ચેનલે વચ્ચે એમની પાસે ‘ઓન એર વિથ એઆઈબી’ નામનો મસ્તમજાનો દ્વિભાષી વીકલી શો કરાવ્યો હતો. બીજા નંબર પર છે, ‘ધ વાઈરલ ફીવર’. લાઈફસ્ટાઈલ, રાજકારણ, ફ્લ્મિો વગેરે વિષયો પર તેઓ વ્યંગાત્મક વીડિયોઝ બનાવે છે. એકલા ૨૦૧૫માં તેના ૪,૩૬,૦૦૦ નવા સબસ્ક્રાઈબર્સ નોંધાયા હતા.

યુટયુબ પર માત્ર ઠઠ્ઠામશ્કરી ને હાહાહીહી જ ચાલે છે એવું નથી. ભારતની ટોપ ટેન યુટયુબ ચેનલોમાંથી ત્રણ કૂકિંગને લગતી છે. તેમાં પહેલા છે સંજીવ કપૂર જે ઓલરેડી સેલિબ્રિટી સુપર શેફ્ તરીકે સ્થાપિત થઈ ચૂકયા છે. બીજા સંજય થુમ્મા નામના શેફ્ (વેનશેફ્) જે એનઆરઆઈ ઓડિયન્સમાં વધારે પોપ્યુલર છે. ત્રીજા નિશા મધુલિકા, જે હિન્દીમાં આસાન વેજિટેરીઅન રેસિપીઓ પોતાની ચેનલ પર શૅર કરે છે. એન્જિનીયરમાંથી ફેશન બ્લોગર બનેલાં શ્રુતિ અર્જુન આનંદ નામનાં બીજાં માનુનીએ લગ્ન પછી પોતાની યુટયુબ ચેનલ શરૂ કરી હતી. તેમાં એે હેરસ્ટાઈલ અને મેકઅપ વિશે જાતજાતની ટિપ્સ આપે છે. ગીકી રંજિત નામની ચેનલ પર મોબાઈલ, વીડિયો કેમેરા જેવાં ગેજેટ્સનાં લેટેસ્ટ મોડલના રિવ્યૂ રજૂ થાય છે. ટોપ ટેન ઈન્ડિયન યુટયુબ ચેનલ્સમાં ટેક્નોલોજી સંબંધિત આ એકમાત્ર ચેનલ છે. મોબાઈલનું કયું મોડલ સારું ને કયું નકામું તે જાણવા માટે આ ચેનલ કામની છે. આ સિવાય વીર દાસ જેવા બીજા ઘણા યુટયુબર્સ પણ ખાસ્સા પોપ્યુલર છે.

સંદીપ મહેશ્વરીના મોટિવેશનલ છતાંય હળવાફુલ હિન્દી વીડિયો ખૂબ જોવાય છે. આધ્યાત્મિક ચેનલોમાં પણ કેટલી બધી વેરાયટી જોવા મળે છે. જગ્ગી સદગુરુના પાંચ-દસ-પંદર મિનિટના વીડિયો બેેચેન બની ગયેલાં મન-હૃદયને શાંત કરી નાંખે એવા પાવરફુલ હોય છે.

યુટયુબ પર યશરાજની અફલાતૂન ‘બેન્ગ બાજા બારાત’ (બેન્ડ નહીં પણ બેન્ગ) જેવી કેટલીય વેબ સિરીઝ પણ અવેલેબલ છે,પરંતુ વ્યક્તિગત ચેનલો અને વેબ સિરીઝ વચ્ચે કન્ફ્યુઝ થવા જેવું નથી. વેબ સિરીઝ વાસ્તવમાં ટીવી સિરીયલના વિકલ્પ જેવો ફિકશન શો છે. એનાં પ્રોડક્શનમાં ખૂબ બધી તામજામ હોય છે અને બજેટ મોટાં હોય છે ઇન્ડિવિડયુલ યુટયુબર તો ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારા વીડિયો બનાવી જાણે છે.

જેમ કે, યો યો ગુજરાતી. અમદાવાદ સ્થિત બ્રહ્મ રાવલની યો યો ગુજરાતી ચેનલ ખડખડાટ હસાવી દે તેવી રમૂજી અને કલ્પનાશીલ છે. હોલિવૂડ અને બોલિવૂડની ફિલ્મોનાં દશ્યો પર તેઓ ટિપિકલ કાઠિયાવાડી-અમદાવાદી લહેકામાં બોલાયેલા હૃાુમરસ સંવાદો ફિટ કરે છે. એક જ વર્ષમાં આ ચેનલના પચાસેક જેટલા વીડિયોેને ૩૫ લાખ વ્યુઝ મળી ચૂકયા છે. વોટ્સએપ પર ફેરવર્ડ થતા વીડિયો જોનારાઓની સંખ્યા સંભવતઃ આના કરતાં ઘણી વધારે હોવાની.

‘સ્ક્રિપ્ટિંગથી માંડીને એડિટિંગ સુધીનું બધું જ હું જાતે કરું છું,’ બ્રહ્મ રાવલ કહે છે,’ ડબિંગ આર્ટિસ્ટોને હાયર કરવા પોસાય તેમ નથી એટલે તમામ કિરદારોનું ડબિંગ પણ હું જ કરી નાંખું છું. ઈવન સ્ત્રીપાત્રોનું ડબિંગ પણ! એક્ચ્યુઅલી, હું મારા નોર્મલ અવાજમાં સંવાદો બોલું છું અને પછી અવાજને અલગ અલગ રીતે મોડયુલેટ કરું છું એટલે જાણે જુદી જુદી વ્યકિતઓએ ડાયલોગ ડબ કર્યા હોય એવી અસર ઊભી થાય છે.’

યો યો ગુજરાતી ચેનલનો મોટો પ્લસ એ છે કે, તેમાં કયાંય કશુંય અભદ્ર હોતું નથી. કોમેડી ફેકટરી નામની ગુજરાતી ચેનલ પણ ખાસ્સી જોવાય છે. ઐશ્વર્યા મઝુમદારની યુટયુબ ચેનલ એ કેવી કમાલની ગાયિકા છે તે હકીકતનું પ્રતીક છે. એની સંગીતમય ચેનલ પર તમે કલાકો સુધી રમમાણ રહી શકો છો. ઐશ્વર્યાએ જોકે પોતાની ચેનલને વધારે સારી રીતે મેનેજ કરવાની જરૂર છે,કેમ કે એના કેટલાય ઉત્તમ વીડિયો એની પર્સનલ ચેનલની બહાર અન્યત્ર વેરાયેલા છે.

ફેસબુક અને ટ્વિટરની માફક યુટયુબ પણ બેધારી તલવાર જેવી વેબસાઈટ છે. અહીં ક્રિયેટિવિટી, કલ્પનાશીલતા, બુદ્ધિમત્તા, વિસ્મય, રમૂજ અને માહિતીનો આખો મહાસાગર ઊછળે છે, તો સાથે સાથે અશ્લીલતાથી છલકાતું મટિરિયલ પણ વિપુલ માત્રામાં ખદબદે છે. પ્યુડીપાઈ જેવા દુુનિયાના નંબર વન યુટયુબર પર પણ સારાં એવાં માછલાં ધોવાઈ ચૂકયાં છે કેમ કે એ પોતાના વીડિયોઝમાં છૂટથી ગાળાગાળી કરતો હોય છે. યુટયુબ સાથે કામ પાર પાડતી વખતે સેલ્ફ સેન્સરશિપ જાળવીને સારા-નરસાનો ભેદ કરવો જરૂરી છે. ટીનેજરો અને જુવાનિયાઓએ ખાસ!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.