Sun-Temple-Baanner

એક દિન તુઝસે મિલને જરૂર આઉંગા…જિંદગી મુઝકો તેરા પતા ચાહિએ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


એક દિન તુઝસે મિલને જરૂર આઉંગા…જિંદગી મુઝકો તેરા પતા ચાહિએ


ટેક ઓફ: એક દિન તુઝસે મિલને જરૂર આઉંગા…જિંદગી મુઝકો તેરા પતા ચાહિએ

Sandesh – Ardh Saptahik Purti – 6 April 2016

ટેક ઓફ

શું મેળવી લીધું આપણે, આપણે એકમેકનો સાથ છોડીને? શું બંને સુખી-સુખી થઈ ગયા એકબીજા વગર? ના. દુશ્મનીની પણ હદ હોય છે. આપણે શું કામ એકબીજાને ધિક્કારીને શક્તિ અને જીવન વેડફી રહ્યાં છીએ?

* * * * *

મારા પર અમુક લોકોનો સૌથી વધુ પ્રભાવ છે, દરજ્જેદાર ફિલ્મમેકર અને સંગીતકાર વિશાલ ભારદ્વાજ કહે છે, એમાં ડો. બશીર બદ્ર મુખ્ય છે. આ ૮૧ વર્ષીય ગઝલકાર અને કવિ આધુનિક ગઝલના સમાનાર્થી ગણાય છે. વિશાલ ભારદ્વાજ કહે છે કે, જ્યારે પણ હું હતાશ હોઉં કે વિષાદ અનુભવતો હોઉં ત્યારે ડો.બશીર બદ્રનું કોઈપણ પુસ્તક-ઊંચકી રેન્ડમલી વાંચવા લાગું છું અને દર વખતે અચૂકપણે મારી મૂંઝવણનો ઉકેલ ડો.બશીર બદ્રની કોઈ રચનામાંથી મળી જાય છે! અગાઉ કેટલીયવાર આ સઘળી ગઝલો વાંચી હોય, પણ દર વખતે એમાંથી નવા નવા અર્થ સ્ફૂટ થતા હોય એવું લાગે. વિશાલ ભારદ્વાજના ક્રિયેટિવ કંપેનિયન ગુલઝાર કહે છે, ‘ઉનકી ગઝલ કા શેર સિર્ફ એક ખ્યાલ નહીં રહ જાતા, હાદસા ભી બન જાતા હૈ,અફસાના ભી. મૈં ડો. બશીર બદ્ર કા બહુત બડા ફેન હૂં.’

ગુલઝારસાહેબ જેવા ગુલઝારસાહેબ જેના ખૂબ મોટા ફેન છે એવા ડો. બશીર બદ્રનું નામ લોકજીભે એટલું ચડયું નથી જેટલું ચડવું જોઈતું હતું. ખાસ કરીને નોન-હિન્દી બેલ્ટ્સમાં. આ વાતનો વિશાલ ભારદ્વાજને અફસોસ છે, જે વાજબી પણ છે. આજે આપણે ડો. બશીર બદ્રની કેટલીક ચુનંદી રચનાઓથી પસાર થવું છે. એમની ગઝલોમાં જીવનના કંઈકેટલાય રંગો ઊઘડે છે. એમાંના કેટલાંક રંગોમાં આજે નહાવું છે.

બદ્રસાહેબ કહે છે-

લોગ ટૂટ જાતે હૈં એક ઘર બનાને મેં.
તુમ તરસ નહીં ખાતે બસ્તિયાં જલાને મેં.
હર ધડકતે પથ્થર કો લોગ દિલ સમજતેં હૈં
ઉમ્ર બીત જાતી હૈ દિલ કો દિલ બનાને મેં.

જેને પોતાનું કહી શકાય એવું ઘર ઊભું કરવામાં કે હર્યોભર્યો, સાચુકલો સંબંધ વિકસાવવામાં ક્યારેક આખી જિંદગી નીકળી જતી હોય છે. રમખાણો ફાટી નીકળ્યા હોય કે, ગમે તેવી કટોકટી ઊભી થઈ હોય, પેલા નિર્દયી લોકો ઘરોની આખેઆખી વસાહતને સળગાવી નાંખે છે? શહેરમાં પોતાનાં માથા ઉપર છત હોવી મોટી વાત છે. ક્યારેક સ્થિતિ એટલી દયનીય હોય છે કે-

ઝિંદગી તૂને મુઝે કબ્ર સે કમ દી હૈ જમીં
પાંવ ફેલાઉં તો દીવાર મેં સર લગતા હૈ.

જે જમીનનો ટુકડો મારા ભાગે આવ્યો છે, એ તો કબર કરતાંય નાનો છે. કબરમાં કમસે કમ પગ તો સીધા રાખી શકાય છે, જ્યારે અહીં તો પગ લંબાવવા જાઉં તો માથું દીવાલ સાથે અથડાય છે! જગ્યા પણ એવી ને ઓઢવાનું પણ એવું. કાં પગ ઢાંકી શકાય છે,કાં માથું.

જિંદગી ઈક ફકીર કી ચાદર
જબ ઢંકે પાંવ હમને, સર નિકલા.

એક સાંધો ત્યાં તેર તૂટે. આખી જિંદગી ક્યારેક ફકીરની ચાદર જેવી હોય છે. અસ્તિત્વને ટકાવી રાખવાનો સંઘર્ષ કારમો છે. આખો દિવસ ઊંધું ઘાલીને મહેનત કરીએ ત્યારે માંડ બે છેડા ભેગા થાય છે.

શામ તક કિતને હાથોં મેં ગુઝરુંગા મૈં
ચાયખાનોં મેં ઉર્દૂ કે અખબાર-સા.

સાંજ પડતાં સુધીમાં તો માણસની હાલત ડૂચા જેવી જેવી થઈ જાય છે. કોઈ રોડસાઈડ રેસ્ટોરામાં એક છાપું આખા દિવસ દરમ્યાન કેટલાંય ઘરાકના હાથમાં ફરીને ડૂચો થઈ જાય છે, એમ જ! બદ્રસાહેબ આ જ પ્રકારનાં અન્ય ખૂબસૂરત શબ્દચિત્રો ઊપસાવે છે. જુઓ-

બાદલ થે કમરે મેં બિખરે પડે
બિસ્તર પર લેટી થી થકી હુઈ શામેં.
થકે-થકે પૈડલ કે બીચ સૂરજ
ઘર કી તરફ લૌટી દફતર કી શામ.

બિસ્તર પર આડી પડેલી થાકેલીપાકેલી સાંજ. સાયકલ પર સવાર થઈને ઘર તરફ આવી રહેલી ઓફિસની થાકેલી સાંજ! કામ પૂરું થઈ ગયું હોય તોય સાંજે ઘેર જવાને બદલે બહાર દોસ્તો સાથે સમય વીતાવવાનું પસંદ કરતા લોકોની પણ કયાં કમી છે? ઘરે પ્રતીક્ષા કરી રહેલું સ્વજન કહે છે.

યૂં હી બસબબ ન ફિરા કરો, કોઈ શામ ઘર ભી રહા કરો
વો ગઝલ કી સચ્ચી કિતાબ હૈ, ઉસે ચૂપકે-ચૂપકે પઢા કરો.
મુઝે ઈશ્તિહાર-સી લગતી હૈ, યે મોહબ્બતોં કી કહાનિયાં,
જો કહા નહીં વો સુના કરો, જો સુના નહીં વો કહા કરો.

બેસબબ એટલે અકારણ. ઈશ્તિહાર એટલે જાહેરખબર. સંબંધની માવજત કરવી પડે છે. સતત. જો વાતચીત બંધ થઈ જશે,કમ્યુનિકેશન નહીં રહે તો પ્રેમને વરાળ બનીને ઊડી જતા વાર નહીં લાગે. પ્રેમની વાતો પછી વિજ્ઞાાપન જેવી બનાવટી લાગવા માંડશે. અમુક વાત કદાચ હું બોલીને કમ્યુનિકેટ નહીં કરી શકું. પણ આવી ન બોલાયેલી મારી વાતોને તું સમજી લે…અને અમુક વાત હું તારા મોઢે સાંભળવા માગું છું, એ બોલવામાં તું મોડું ન કર!

કમનસીબે ક્યારેક ખરેખર ખૂબ મોડું થઈ જતું હોય છે. ક્યારેક ઘરનાઓને માણસની ગેરહાજરીની ટેવ પડી જાય છે. એટલે જ.

બેવકત અગર આઉંગા સબ ચૌંક પડેંગે
ઈક ઉમ્ર હુઈ દિન મેં કભી ઘર નહીં દેખા.

હૃદયથી હૃદયનો મેળ ન રહે અને આત્મીયતા ભૂતકાળ બની જાય, ત્યારે પ્રિયજન પારકું લાગવા માંડે. આવી સ્થિતિમાં ઉપરવાળાને ફકત ફરિયાદ થઈ શકે.

તમામ રિશ્તેં કો મૈં ઘર પે છોડ આયા થા
ફિર ઉસકે બાદ મૂઝે કોઈ અજનબી ન મિલા.
ખુદા તેરી ઈતની બડી કાયનાત મેં મૈંને
બસ એક હી શખ્સ માંગા, મુઝે વહી ન મિલા.

હે ઈશ્વર, દુનિયાની કરોડો-અબજોની વસ્તીમાંથી મેં એક જ પ્રિયજન માગ્યો હતો. એક જ સાચો સંબંધ જે જીવનના અંત સુધી ટકી રહે, લીલોછમ્મ રહે. તું એ પણ મને આપી ન શક્યો? કેમ આવું બન્યું? કેમ અમારો સંબંધ હર્યોભર્યો ન રહી શક્યો? કેમ એકમેકનો હાથ છોડી દેવો પડયો? એવી તે કેવી મજબૂરી હતી?

તુમ ભી મજબૂર હો, હમ ભી મજબૂર હૈં
બેવફા કૌન હૈ, બાવફા કૌન હૈ.

બાવફા એટલે વચન નિભાવનાર, બેવફાનું વિરુદ્ધાર્થી . આપણા બેમાંથી કોને બેવફા કહીશું? તને કે મને? આપણા બેમાંથી કોણે વચન નિભાવ્યું? તેં કે મેં?

ઉન્હીં રાસ્તોં ને જિન પર કભી તુમ થે સાથ મેરે
મુઝે રોક-રોક પૂછા- તેરા હમસફર કહાં હૈ.

હવે રસ્તાઓ મને પૂછે છે કે અરે, તારો હાથ પકડીને ચાલતી હતી એ વ્યક્તિ, એ હમસફર કયાં છે?

દેને વાલે ને દિયા સબકુછ અલગ અંદાજ મેં
સામને દુનિયા પડી હૈ ઔર ઉઠા સકતે નહીં.

વક્રતા જો. ઉપરવાળાએ બધું જ આપી દીધું, પણ હવે એનો શો મતલબ છે? કોની સાથે શેર કરું આ બધું? કહેવાતી સફળતા અને ભૌતિક-સમૃદ્ધિની પાછળ મેં એવી દોટ મૂકી કે મારાં મૂળ સપનાં તો કયાંય દફન થઈ ગયાં.

ખ્વાબ જિસ દિલ મેં રહા કરતે થે કબ કા મર ચૂકા
કિસકા દરવાજા યે બચ્ચે ખટખટાને આયે હૈં.
આજ હમ સબ એક બેહતર ઝિંદગી કી દૌંડ મેં.
કૈસે કૈસે ખ્વાબ કબ્રોં મેં સુલાને આએ હૈ.

સમાજમાં મોટું નામ કરવું હતું. કરી લીધું. કીર્તિ મેળવવી હતી. મેળવી લીધી પછી શું? કીર્તિ હાંસલ કરવાની આખી એકસરસાઈઝ કેટલી અર્થહીન છે તે મને સમજાઈ ચૂકયું છે.

શોહરત કી બુલંદી ભી પલ ભર કા તમાશા હૈ
જિસ ડાલ પૈ બૈઠે હો વો ભી ટૂટ સકતી હૈ.

સંબંધ તૂટે તેની સાથે બીજું ઘણું બધું તૂટતું હોય છે. ભ્રમ માંગી જતા હોય છે. એકલા પડયા પછી જીવનમાં બીજી વ્યક્તિ આવતી હોય છે, પણ-

સબ નઝર કા ફરેબ હૈ વરના
કોઈ હોતા નહીં કિસી કી તરહ.
જાનતા હૂં હિ એક દિન મુઝકો.
વો બદલ દેગા ડાયરી કી તરહ.

ડાયરી બદલાય એમ સંબંધો બદલાય છે. સંબંધો તો હજુ બંધાય છે, પણ ઊંડી અપેક્ષા વગર.

મૈં ઈસ ખ્યાલ સે ઉસકે કરીબ આયા થા
કિ દૂસરોં કી તરહ વો ભી બેવફા હોગા.

ખબર હોય કે દગાબાજી થવાની છે, માનસિક રીતે તૈયાર પણ હોઈએ, છતાંય જ્યારે તે ક્ષણ આવે છે ત્યારે પીડા જરૂર થાય છે. ઘા પર ઘા થતા રહે છે. વ્યક્તિત્વ બહારથી સખત બનતું જાય છે, એક ડિફેન્સ મિકેનિઝમ તરીકે. પણ દિલ ભીતરથી એટલું જ કોમળ છે જેટલું પહેલાં હતું એટલે જ.

દે તસલ્લી કોઈ તો આંખ છલક ઉઠતી હૈ
કોઈ સમઝાયે તો દિલ ઔર ભી ભર આતા હૈ

મૂળ પ્રિયજન સાથેનો સંબંધ ભૂતકાળ બની ગયો. વર્ષો વીતી ગયાં. હવે ધારો કે એ વ્યક્તિ સાથે ફરી આમનોસામનો થાય તો?

મૈં ઉસકો પહચાન નહીં પાયા તો ક્યા
યાદ ઉસે ભી આયા મેરા નામ કહાં.

એક સમયે જેને ખૂબ પ્રેમ કર્યો હતો એનું નામ પણ યાદ ન આવે એ તો આત્યંતિક સ્થિતિ થઈ. શક્ય છે કે તારી સાથે નવેસરથી ભેટો થવામાં વધારે વાર ન પણ લાગે.

મુસાફિર હૈં હમ ભી મુસાફિર તુમ ભી
કિસી મોડ પર ફિર મુલાકાત હોગી.

તું ફરી મળીશ ત્યારે પ્રેમથી મળીશ, કડવાશ વગર મળીશ, પણ હા, એટલું જરૂર પૂછીશ કે-

મેરે સાથ ચલને વાલે તુઝે કયા મિલા સફર મેં
વહી દુઃખ કી જમી હૈ વહી ગમ કા આસમાં હૈ.

શું મેળવી લીધું આપણે, આપણે એકમેકનો સાથ છોડીને? શું બંને સુખી-સુખી થઈ ગયા એકબીજા વગર? ના. દુશ્મનીની પણ હદ હોય છે. આપણે શું કામ એકબીજાને ધિક્કારીને શક્તિ અને જીવન વેડફી રહ્યાં છીએ?

દુશ્મની જમ કર કરો લેકિન યુ ગુંજાઈશ રહે
જબ કભી હમ દોસ્ત હો જાએં તો શર્મિંન્દા ન હોં.
દુશ્મની કા સફર ઈક કદમ દો કદમ
તુમ ભી થક જાઓંગે હમ ભી થક જાયેંગે.

દુશ્મની થકવી નાંખે છે. પ્રેમ જીવંત રાખે છે…અને પ્રેમમય હોવું એ જ જીવન જીવવાની આદર્શ રીત છે! તેથી જ ડો.બશીર બદ્ર કહે છે-

એક દિન તુઝસે મિલને જરૂર આઉંગા
જિંદગી મુઝકો તેરા પતા ચાહિએ ?

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year Apr, 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.