હોલીડેટિંગ – પાંચ રાત સાથે વીતાવ્યા પછી…!
Sandesh – Ardh Saptahik Purti – 12 Oct 2016
ટેક ઓફ
* * * * *
‘હું ફ્લાણા (કે ફ્લાણી) સાથે રિલેશનશિપમાં છું’ એવું કોઈ કહે તો તેનો સ્પષ્ટ મતલબ એ છે કે અમારી વચ્ચે ઓલરેડી શારીરિક સંબંધો સ્થપાઈ ચૂકયા છે. ‘હૂક અપ’માં છોકરા-છોકરી બેમાંથી કોઈને કમિટમેન્ટ-બમિટમેન્ટમાં ખાસ રસ નથી, આમાં માત્ર એક્બીજાનું શરીર મુખ્ય છે! સંબંધોના મામલામાં આજની યંગ જનરેશન કન્ફ્યુઝ્ડ છે કે વધારે પડતી ક્લીયર છે? પંદરથી પચ્ચીસ વર્ષ વચ્ચેના છોકરા-છોકરીઓ વચ્ચે ચક્કર આવી જાય એટલી ત્વરાથી સંબંધોનું સ્વરૂપ બદલાતું રહે છે.
પ્રિયંકા અમદાવાદની એક કોલેજના થર્ડ યરમાં ભણે છે. રૂપકડી છે. સરસ કપડાં પહેરવાની અને જાતજાતની સેલ્ફી પાડી ફેસબુક્-ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવાની શોખીન છે. ઓગણીસમા બર્થ-ડે પર મમ્મી-ડેડીએ લઈ આપેલી કારમાં એ રોજ કોલેજ જાય છે. પોતાનાથી એક વર્ષ સિનિયર એવા સાગર નામના હેન્ડસમ છોકરાને પ્રિયંકાએ ‘જસ્ટ ગુડ ફ્રેન્ડ’ કરતાં વિશેષ દરજ્જો આપ્યો છે. કદાચ. કોલેજ પૂરી કર્યા પછી સાગર ખુદનો બિઝનેસ કરવા માગે છે. સાગર માટે પણ પ્રિયંકા ‘જસ્ટ ગુડ ફ્રેન્ડ’ કરતાં થોડી વિશેષ છે. કદાચ.
તો… સાગર તારો બોયફ્રેન્ડ છે, રાઈટ? સાગર સાથે સતત હરતી-ફરતી પ્રિયંકને તમે પૂછો છો.
‘યા. યુ કેન સે ધેટ,’ પ્રિયંકા જવાબ આપે છે.
ભવિષ્યમાં એકબીજાને પરણવાના છોને તમે બંને?
પ્રિયંકાના ચહેરા પર ‘આ કેવો વિચિત્ર સવાલ પૂછો છો તમે?’ પ્રકારના એકસપ્રેશન્સ આવે છે. પછી ખભા ઉછાળીને કહે છે,’આઈ ડોન્ટ નો!’
કેમ? તને સાગર પસંદ છે, તું એની ઘરે આવ-જા કરે છે, તો પછી પરણવામાં શો વાંધો છે?
‘વાંધો કશો નથી, પણ સાગર હજુ સેટલ કયાં થયો છે? એનું ઘર પણ કેટલું નાનું છે…’
ધારો કે તને સરસ સેટલ થયેલો અને બંગલાવાળો છોકરો મળે તો? તું સાગર પર ચોકડી મારીને ગાડી-બંગલાવાળા છોકરા સાથે લગ્ન કરવાનું વિચારી શકે?
‘અફ કોર્સ,’ પ્રિયંકા સ્પષ્ટતાથી કહે છે.
પણ તું અને સાગર એકબીજાના પ્રેમમાં નથી?
‘ફીલિંગ્ઝ છે આમ તો… પણ આખી લાઈફ્નો સવાલ હોય ત્યારે ઘણું બધું જોવું પડે, યુ નો.’
સાગર પણ તારી જેમ વિચારે છે? એણે પણ વિકલ્પો ખુલ્લા રાખ્યા છે?
‘હાસ્તો વળી. અમે બંનેએ એકબીજાને કમિટ કયાં કર્યું છે?’
ટૂંકમાં, પ્રિયંકા અને સાગરે એકબીજાને ‘સ્ટેન્ડ-બાય’ પર રાખ્યા છે. વધારે સારી ચોઈસ મળે તો એને પકડીને પરણી જવાનું, નહીં તો પછી આ તો છે જ. આ બંને અસલી પાત્રો છે, માત્ર નામ બદલાવી નાખ્યા છે. આ આજની જનરેશન છે. ફ્રેન્ડ, બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ, લવર્સ અને એન્ગેજ્ડની કેટેગરીની બહાર નીકળીને, સંબંધોના બીજા કેટલાય સગવડિયા ખાના પાડીને નવી પેઢી બિન્દાસ્ત જીવે છે. સંબંધોના મામલામાં આજની યંગ જનરેશન કન્ફ્યુઝ્ડ છે કે વધારે પડતી ક્લીયર છે? પંદરથી પચ્ચીસ વર્ષ વચ્ચેના છોકરા-છોકરીઓ વચ્ચે ચક્કર આવી જાય એટલી ત્વરાથી સંબંધોનું સ્વરૂપ બદલાતું રહે છે. અઢાર વર્ષની છોકરી પોતાના કરતાં પાંચ જ વર્ષ મોટી બહેનને બેધડક કહી શકે છેઃ તમારી જનરેશનમાં વાત જુદી હતી, અમારી જનરેશનમાં તો…
‘તમારી’ જનરેશન? હવે પાંચ જ વર્ષમાં પેઢી અને મૂલ્યો બંને બદલાઈ જાય છે? જે કાં તો ભણી રહૃાા છે અથવા કોલેજ પૂરી કર્યા પછી જોબ કે બિઝનેસ કે ટાઇમપાસ કરી રહૃાા છે, જેમને ત્રીસીમાં પ્રવેશવાને હજુ વાર છે અને જેમને લગ્ન વિશે વિચારવાનો પણ કંટાળો આવે છે તેવા મહાનગરવાસી યંગસ્ટર્સમાં ચમકી જવાય એવું કલ્ચરલ શિફ્ટ થઈ ગયું છે.
‘આજે છોકરા-છોકરી વચ્ચે પરિચય થાય પછી ઘણી વાર ફ્રેન્ડશિપનો તબક્કો આવતો જ નથી,’ એક આઈટી કંપનીમાં જોબ કરતો વિવેક કહે છે, ‘તેઓ સીધા રિલેશનશિપમાં જ ઝંપલાવે છે! રિલેશનશિપમાં હોય એ દરમિયાન એકબીજાને ઓળખવાની પ્રોસેસ ચાલતી રહે અને તે પછી જેન્યુઈન લવ થાય કે ન પણ થાય. જો પ્રેમ થાય તો ઠીક છે, નહીં તો… ધે જસ્ટ મુવ ઓન!’
વિવેકની વાતમાં આંશિક અતિશયોકિતવાળું સત્ય છે. પ્રિયંકા અને સાગરના કેસમાં કદાચ આવું જ બન્યું છે. સાદા દોસ્તાર બનતાં પહેલાં જ બંને રિલેશનશિપમાં બંધાઈ ગયા છે. દોસ્તી, પ્રેમ, શરીરના આવેગો, સરખામણી, સ્વકેન્દ્રી ગણતરી… આ બધાનું એક વિચિત્ર કોકટેલ તૈયાર થતું જાય છે.
મોટા શહેરોમાં વસતા યંગસ્ટર્સ ઉપરાંત ત્રીસીમાં પ્રવેશ કરી ચુકેલાં અને સરસ કમાતા સિંગલ સ્ત્રી-પુરુષોના સ્માર્ટફોનમાં બે-ચાર ડેટિંગ એપ ડાઉનલોડ થયેલી હોય તો આઘાત નહીં લગાડવાની. કોલેજ, ઓફ્સિ કે બાજુવાળી બિલ્ડિંગમાં કોઈ સાથે અખિયાં લડાવીને મૂંગો રોમાન્સ કરવા જેટલી ધીરજ તેમનામાં નથી. પાર્ટનર શોધવા માટે કલબ કે ડાન્સપાર્ટીમાં જવાની વાત પણ તેમને જૂનવાણી લાગે છે. આવી મહેનત કરવાને બદલે તેઓ ડેટિંગ એપ પર સર્ફિંગ કરે છે, ફોટાગ્રાફ્ અથવા પ્રોફાઈલ અથવા બંને જોઈને અનુકૂળ પાર્ટનર શોધે છે, થોડો સમય ઓનલાઈન ચેટિંગ કરે છે, પછી સમય ફ્કિસ કરી કોઈ સ્ટાઈલિશ મૉલની કોફી શોપમાં મળે છે. વાતચીતની પહેલી ત્રીસ જ મિનિટમાં તેઓ નક્કી કરી નાખે છે કે આની સાથે આગળ વધવા જેવું છે કે નહીં.
આજના યુવક-યુવતીઓ વચ્ચે શારીરિક નિકટતાના ઘણાં સ્તરો ડિફાઈન થઈ ચૂકયાં છે. તમે કોઈને ‘લાઈક’ કરતાં હો પણ તમે એના પ્રેમમાં ન હો તો જાહેરમાં એનેે સ્પર્શી શકાય, ભેટી પણ શકાય. હા, હોઠ પર કિસ નહીં કરવાની. બે પાત્રો એકમેકને જાહેરમાં હળવી રીતે ભેટી શકતા હોય તો તેનો અર્થ માત્ર એટલો થાય કે તેઓ માત્ર એકમેકના ‘સાદાં ફ્રેન્ડ્ઝ’ છે, તેમની વચ્ચે સેકસનો સંબંધ નથી. ‘ગોઇંગ આઉટ વિથ સમવન’ એટલે તમને કોઈ વ્યકિત પસંદ છે, તમે એની સાથે હરોફરો છો, એને ઓળખવાનો પ્રયાસ કરી રહૃાા છો એને સ્પર્શો છો અને ભેટો છો, પણ સંભવતઃ મામલો હજુ ફુલફ્લેજ્ડ સેકસ સુધી પહોંચ્યો નથી.
‘હું ફ્લાણા (કે ફ્લાણી) સાથે રિલેશનશિપમાં છું’ એવું કોઈ કહે તો તેનો અર્થ માત્ર એટલો નથી થતો કે હું એ વ્યકિતના પ્રેમમાં છું, બલકે એક સ્પષ્ટ મતલબ એ પણ છે કે અમારી વચ્ચે ઓલરેડી શારીરિક સંબંધો સ્થપાઈ ચૂકયા છે. ‘હૂક અપ’નો તો અર્થ જ સેકસ્યુઅલ રિલેશનશિપ થાય છે. ‘હૂક અપ’માં છોકરા-છોકરી બેમાંથી કોઈને કમિટમેન્ટ-બમિટમેન્ટમાં ખાસ રસ નથી, આમાં માત્ર એક્બીજાનું શરીર મુખ્ય છે! આપણે ત્યાં હજુ પોપ્યુલર નથી, પણ પશ્ચિમમાં ‘ર્ફ્સ્ટ બેઝ’, ‘સેકન્ડ બેઝ’ અને ‘થર્ડ બેઝ’ શબ્દપ્રયોગ થાય છે. ર્ફ્સ્ટ બેઝ એટલે અમે કિસ સુધી પહોંચી ગયાં છીએ, સેકન્ડ બેઝ એટલે અમે એકમેકને કમરથી ઉપરના શરીરને સ્પર્શી શકીએ છીએ. થર્ડ બેઝનો સંબંધ કમરના નીચેના હિસ્સા પર સ્પર્શ સાથે છે. આના પછીનો, સંપૂર્ણ શારીરિક સંબંધનો ત્રીજો તબક્કો એટલે હોમ-રન.
‘સીઇંગ ઈચ અધર’ શબ્દપ્રયોગ જરા અસ્પષ્ટ છે. એમાં બંને પાત્રો વચ્ચે સેકસનો સંબંધ હોય પણ ખરો, ન પણ હોય. ‘ડેટિંગ’ શબ્દ વાપરો એટલે સંબંધ ઓફિશિયલ બનવાની દિશામાં જઈ રહૃાો છે એમ કહેવાય. ‘હૂક-અપ’ જેવી અર્થચ્છાયા ધરાવતો બીજો એક શબ્દપ્રયોગ છે ‘ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ’. અહીં છોકરો-છોકરી પ્રેમમાં નથી, તેમની વચ્ચે ફ્કત દોસ્તી છે અને જસ્ટ ફેર ફ્ન, બિલકુલ કેઝ્યુઅલી, કોઈપણ જાતના કમિટમેન્ટ વગર તેઓ શારીરિક સંબંધ બાંધે છે. બંને મુકત છે, બંને બીજા લોકો સાથે પણ સંબંધો ધરાવી શકે છે. કોઈ ખુલાસા કરવાની જરૂર નથી, કમિટમેન્ટની તો વાત જ નથી. જુવાન શરીરની કેટલીક જરૂરિયાતો છે અને દોસ્ત તરીકે એકમેકની જરૂરિયાત સંતોષવાનો છે. ફ્રેન્ડ હોવાનો આ બેનિફ્ટિ છે!
ચલણમાં આવેલો એક લેટેસ્ટ શબ્દ છે, ‘હોલીડેટ’. હોલીડે વત્તા ડેટિંગ. જેની સાથે ડેટિંગ કરતાં હો એની સાથે બે-ત્રણ-ચાર કે વધારે દિવસો માટે બહારગામ ફરવા જવું એટલે હોલીડેટિંગ. હજુ સામેના પાત્રને ઓળખવાની – પારખવાની પ્રક્રિયા ચાલુ છે, હજુ સુધી કોઈ કમિટમેન્ટ થયું નથી, પણ એની કંપનીમાં નવા સ્થળે ફરવાની મજા આવશે એવું લાગે છે. ડેટિંગની શરૂઆત જ સીધી બહારગામ ફરવા જવાથી થાય તે પણ શકય છે. અમુક વાતોની ચોખવટ પહેલેથી જ કરી લેવાની. આપણે સાથે સાઈટ-સીઇંગ કરીશું, ખાઈશું-પીશું, ખર્ચ શૅર કરીશું, પણ આપણી વચ્ચે સેકસના સંબંધ નહીં હોય. આપણે અલગ-અલગ કમરામાં રહીશું અથવા પૈસા બચાવવા એક જ કમરાના જુદા જુદા બેડ પર સુઈશું. એવી આગોતરી સ્પષ્ટતા પણ થઈ શકે કે આપણી વચ્ચે મામલો કદાચ સેકસ સુધી પહોંચી જાય તો વાંધો નથી, પણ હા, શારીરિક નિકટતાને કોઈ જાતનું કમિટમેન્ટ નહીં ગણી લેવાનું. ધારો કે બંનેને અથવા બેમાંથી એક પાત્રને ચાર-પાંચ દિવસ-રાતના સાથસંગાથમાં મજા ન આવી તો હોલીડે પૂરી થયા પછી સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવાનું. અાવી સ્થિતિમાં કોઈએ સેન્ટીમેન્ટલ થઈને ઉધામા નહીં મચાવવાના!
અપરિચિત વ્યકિત સાથે આ રીતે ફરવા નીકળી જવાનું, અલબત્ત, જોખમી છે જ. એવી સલાહ પણ અપાય છે કે હોલીડેટિંગ કરતાં પહેલાં સાઈકોલોજિસ્ટ કે કાઉન્સેલરને મળીને સલાહ જરૂર લેવાની. આ પ્રકારની રિલેશનશિપ તમને લાગણીના સ્તરે નુકસાન તો નહીં પહોંચાડેને? તમને પછી ગિલ્ટ કે ડિપ્રેશનના અટેક તો નહીં આવેને? આ બધું સમજી લેવાનું.
લાગે છે કે પવિત્ર પ્યાર, પ્લેટોનિક લવ, રોમાન્સ, નૈતિક્તા ને એવું બધું ચોપડીઓ અને (જૂની) ફ્લ્મિો પૂરતું જ સીમિત થઈ જવાનું છે! હોલીડેટિંગ અને ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ પ્રકારનું કલ્ચર એકવીસમી સદીના મુંબઈ – ગુજરાતના મોડર્ન યંગસ્ટર્સમાં – અને એના કરતાં થોડી મોટી પેઢીમાં પણ – ફૂંકાયા વગર રહેવાનું નથી. કદાચ ઓલરેડી ફૂંકાવા લાગ્યું છે. એના પર રોક લગાવી શકાય એવું કોઈ મિકેનિઝમ અસ્તિત્વમાં નથી. આ બધું આપણા સમાજમાં થવાનું જ છે. એ થશે જ. વડીલો આતંકિત થઈ જવાને બદલે આ સત્ય જેટલું વહેલા સ્વીકારશે એટલાં ઓછા દુઃખી થશે!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2016 )
Leave a Reply