શ્રદ્ધા અને સ્વચ્છતાને બાપે માર્યા વેર છે?
Sandesh – Ardh Saptahik Purti – 5 April 2017
ટેક ઓફ
વૈષ્ણોદેવીના મંદિરે રોજ પચ્ચીસથી ત્રીસ હજાર લોકો દર્શને આવે છે. તે હિસાબે વર્ષેદહાડે મુલાકાતીઓનો આંકડો એક કરોડને ઓળંગી જાય છે. જો વૈષ્ણોદેવી જેવું ભારતનું બીજા નંબરનું બિઝી ધર્મસંસ્થાન સ્વચ્છ રહી શકતું હોય તો આપણાં અન્ય ધાર્મિક સ્થળો શા માટે સાફ્સૂથરાં ન રહી શકે?
* * * * *
મૃત માતા કે પિતાની અંતિમ ક્રિયાના ભાગ રુપે તમે દ્વારકા જાઓ છો ત્યારે મોંમાં મસાલો દબાવીને આવેલો કોઈ દુષ્ટ માણસ તમને લગભગ હાઈજેક કરીને ખેંચી જાય છે અને પાનની પિચકારીઓ મારતાં મારતાં આડેધડ મંત્રોચ્ચારણ કરીને, તમારા પૈસા ખિસ્સામાં સેરવીને એ બીજા બકરાની શોધ કરવા નાસી જાય છે. તમે જે લાગણીભીનું માનસિક વાતાવરણ લઈને આવ્યા હતા તેના આ અણધડ માણસ ટુકડેટુકડા કરી નાખે છે. ઓરિસાના જગન્નાથ પુરીના વિશ્વવિખ્યાત મંદિરમાં પોતાને પૂજારી કહેડાવતા સપાટ ચહેરાવાળા માનવપ્રાણીઓ એક યા બીજા બહાને તમારા પર્સમાંથી પૈસા કઢાવતા જ જાય છે, કઢાવતા જ જાય છે. મંદિરની બહાર આવો ત્યાં સુધીમાં તમે ત્રાસી ચુકયા હો છો, ક્રોધથી તમતમી ગયા હો છો. કોલકાતાના વિખ્યાત કાલીઘાટના મંદિરે બે ટોપલેસ ધોતિયાધારી માણસો નફ્ફ્ટની જેમ ગર્ભદ્વાર આડા ઊભા રહી જાય છે. તમે જ્યાં સુધી એમના હાથમાં પૈસા ન પકડાવો ત્યાં સુધી એ દેવીનાં દર્શન કરવા દેતા નથી. ધાર્મિકતા કેવી ને વાત કેવી. આધ્યાત્મિક અનુભૂતિ? ભકિતભાવ? તે વળી શું?
ગંદકી, ડગલે ને પગલે પૈસા પડાવતા ભ્રષ્ટ પંડા-પૂજારી, ધક્કામૂક્કી, અરાજકતા… આ બધાં અતિ પ્રસિદ્ધ કે અલ્પ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોનાં સામાન્ય લક્ષણો છે. વાત કેવળ હિન્દુ સ્થાનકોની નથી, અન્ય ધર્મના પવિત્ર સ્થળોએ પણ વત્તે-ઓછે અંશે આવો જ માહોલ હોય છે અને તેથી જ જમ્મુમાં આવેલા જગવિખ્યાત વૈષ્ણોદેવીનાં દર્શનનો સાફ્સુથરો અને સ્ટ્રેસ-ફ્રી અનુભવ આપણને ભકિત સિવાયના અન્ય સ્તરોએ પણ તીવ્રતાથી અપીલ કરે છે.
વૈષ્ણોદેવી જેવું મસ્તમજાનું મેનેજમેન્ટ ભારતનાં અન્ય ધાર્મિક સ્થળોએ કેમ થતું નથી? કટરા નગરના બેઝ કેમ્પથી દેવીનાં મુખ્ય સ્થાનક સુધીનું ૧૩.૫ કિલોમીટરનું અંતર શ્રદ્ધાળુઓએ પગપાળા, ઘોડા પર, પાલખીમાં કે ખાસ પ્રકારના વાહનમાં કાપવું પડે છે, (હવે તો ખેર, હેલિકોપ્ટર પણ આવી ગયાં છે), પણ આ આખા રસ્તે સફેદ રંગેલી ત્રુટક દીવાલો પર કે નીચે બિછાવેલા ઇન્ટરલોકડ પેવિંગ બ્લોકસ પર કયાંય પાનની પિચકારી દેખાતી નથી. પ્લાસ્ટિકની ચીમળાયેલી કોથળીઓ કે મિનરલ વોટરની ખાલી બોટલો છૂટાછવાયા અપવાદોને બાદ કરતાં લગભગ ગેરહાજર છે. વૈષ્ણોદેવીની મુખ્ય ગુફ સુધી પહોંચતો ત્રિકુટ પહાડનો આખો રસ્તો આઘાત લાગે એટલો બધો સ્વચ્છ છે! યાદ રહે, વૈષ્ણોદેવી સૌથી વધારે માત્રામાં શ્રદ્ધાળુઓને આકર્ષતું ભારતનું બીજા નંબરનું ધાર્મિક સ્થળ છે (પહેલો નંબર તિરુપિત મંદિરનો આવે છે). વૈષ્ણોદેવીના મંદિરે રોજ પચ્ચીસથી ત્રીસ હજાર લોકો દર્શને આવે છે. તે હિસાબે વર્ષેદહાડે મુલાકાતીઓનો આંકડો એક કરોડને ઓળંગી જાય છે. જો વૈષ્ણોદેવી જેવું અત્યંત બિઝી ધર્મસંસ્થાન સ્વચ્છ રહી શકતું હોય તો આપણાં અન્ય ધર્મસ્થળો શા માટે સાફ્સૂથરાં ન રહી શકે?
વૈષ્ણોદેવીમાં ચૈત્ર નવરાત્રીની ઉજવણી હજુ ચોથી એપ્રિલ, મંગળવારે જ પૂરી થઈ. આપણે મહીસાગરને આરે ઢોલ વગાડતા વગાડતા ધૂમધામ સાથે સપ્ટેમ્બર-ઓકટોબરમા જે નવરાત્રી મનાવીએ છીએ તે શરદ નવરાત્રી છે. વર્ષમાં આમ તો ચાર નવરાત્રી આવે છે, પણ તેમાં ચૈત્ર અને શરદની નવરાત્રી મુખ્ય છે. ઉત્તર ભારતીયોમાં ચૈત્ર નવરાત્રી માટે ‘નવરાત્રા’ શબ્દપ્રયોગ થાય છે. ચૈત્ર નવરાત્રી દરમિયાન વૈષ્ણોદેવીના પવિત્ર ધામે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઉછાળો આવે છે. તેમાં જોકે ગુજરાતીઓનું સંખ્યા પાંખી હોય છે, કેમ કે નોર્થ ઈન્ડિયાની તુલનામાં આપણે ત્યાં ચૈત્ર નવરાત્રીનું મહાત્મ્ય ઓછું છે.
વૈષ્ણોદેવી આજે આપણને ચોખ્ખું અને વેલ-મેનેજ્ડ લાગે છે, પણ ૧૯૮૭ પહેલાં અહીં પણ પરિસ્થિતિ અત્યંત ખરાબ હતી. ન પીવાનું ચોખ્ખું પાણી મળે, ન સરખું ખાવાનું મળે, ન રહેવાની સારી જગ્યા મળે. બન્ને બાજુ દુકાનની લાઈનો કરીને બેસી ગયેલા વેપારીઓ, લેભાગુ પંડાઓ અને માખીની જેમ બણબણતા ભિખારીઓ સહિતનું બધું જ અહીં હતું. ભયંકર હાડમારી વેઠીને, સાત-આઠ કલાકનું પર્વતારોહણ કરીને શ્રદ્ધાળુ ઉપર પહોંચે તે પછી પણ દેવીના દર્શન થશે કે કહી શકાતું નહીં, કેમ કે સઘળો આધાર તમે પૂજારી-પંડાને કેટલા રુપિયા ધરો છો તેના પર રહેતો. વૈષ્ણોદેવીની ગુફની આસપાસ આડેધડ ઊભાં થઈ ગયેલાં મકાનોમાં અથવા ખુલ્લામાં યાત્રાળુઓ જેમતેમ રાતવાસો કરતા, સવારે ખુલ્લામાં હાજતે જઈ આવતા ને પછી દેવીનાં દર્શન માટે રાહ જોઈને બેસી રહેતા.
પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે સરકારે વૈષ્ણોદેવીની જાત્રાનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લેવાનો નિર્ણય લેવો પડયો. તે વખતે કાશ્મીર ગર્વનર શાસન હેઠળ હતું. તત્કાલિન ગર્વનર જગમોહનની દોરવણી હેઠળ વૈષ્ણવ દેવી શ્રાઈન ડેવલપમેન્ટ બોર્ડની રચના કરવામાં આવી. આ પગલું દેખીતી રીતે જ વિવાદાસ્પદ પૂરવાર થયું. કેટલાક રાજકારણીઓ, ધાર્મિક સંગઠનો તેમજ વૈષ્ણોદેવીના સ્થાનક પર પરંપરાગત રીતે અંકુશ ધરાવતા પરિવારે તીવ્ર વિરોધ નોંધાવ્યો. અદાલતમાં કેસ દાખલ થયા.
ગર્વનર જગમોહન અને વૈષ્ણોદેવી બોર્ડ હવે યુદ્ધના ધોરણે આ યાત્રાધામની કાયાપલટ કરવાની હતી, કેમ કે જો નક્કર પરિણામ ન દેખાય તો બે વર્ષ પછી બોર્ડ વિખેરાઈ શકે એવી શકયતા ઊભી થઈ હતી. કામગીરી શરુ થઈ. સૌથી પહેલાં તો તળેટીથી ટોચ સુધીના રસ્તા દરમિયાન પચાસ જગ્યાઓએ સિન્ટેકસની ટાંકીઓ તેમજ વોટર કૂલર્સ મૂકીને પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરવામાં આવી. સાડાચારસો જેટલાં ટોઈલેટ્સ ઊભાં કરવામાં આવ્યા.
અગાઉ તબીબી વ્યવસ્થાના નામે લગભગ મીંડું હતું, પણ હવે સ્ટ્રેચર, બેડ અને ઓકિસજન સિલિન્ડર વડે સુસજ્જ એવાં મેડિકલ યુનિટ્સ ઊભાં કરવામાં આવ્યાં. ખાડાખડબાવાળા ભંગાર રસ્તાની જગ્યાએ પાક્કો રસ્તો બન્યો. તેની ધાર પર પાક્કી રેલિંગ બની. આખા રસ્તે લાઈટ્સ, થોડા થોડા અંતરે સાઈનપોસ્ટ્સ, માહિતી કેન્દ્રો તેમજ એનાઉન્સમેન્ટ બૂથ ગોઠવવામાં આવ્યાં. ટોચ પર યાત્રાળુઓએ ઉતારા માટે આધુનિક સંકુલોએ આકાર લીધો. ૧૪,૦૦૦ જેટલા નવા ધાબળા ખરીદવામાં આવ્યા અને એકસાથે બે હજાર ધાબળા એકસાથે ધોવાઈ શકે તેવાં ઉપકરણો વસાવવામાં આવ્યાં. આ સ્વચ્છ ધાબળા ખુલ્લામાં રાતવાસો કરનારા જાત્રાળુઓને મફ્ત વાપરવા માટે આપવામાં આવતા. બોર્ડે ધાર્મિક વિધિ કરાવી આપવાનો દેખાડો કરતા ચલતાપૂરજા પંડાઓને એકઝાટકે દૂર કરી નાખ્યા. દેવીનાં ચરણમાં શ્રદ્ધાળુઓ જે રોકડ રકમ તેમજ સોનુંચાંદી ધરતા તેનું કુલ મૂલ્ય વર્ષે પાંચ કરોડ પર પહોંચી જતું. યાદ રહે, આ ત્રીસ વર્ષ પહેલાંના આંકડા છે! સરકાર પાસે એક પણ પૈસો લીધા વિના બોર્ડે આ નાણાંનો ઉપયોગ કરીને બે નહીં, દોઢ જ વર્ષમાં એવું ધરખમ સ્વરુપાંતર કરી દેખાડયું કે સૌ હેરત પામી ગયા.
કટરા નગરમાં નાયબ તહેસીલદારને ખસેડીને એક આઈએએસ અધિકારની નિમણૂક કરવામાં આવી. કટરાની સાથે સાથે આસપાસનાં ગામોનો પણ વિકાસ થયો. હજારો લોકોને રોજીરોટી મળી. બે જ વર્ષમાં યાત્રાળુઓની સંખ્યા છ લાખથી વધીને બાવીસ લાખ પર પહોંચી ગઈ.
વૈષ્ણોદેવી બોર્ડ આ ત્રીસ વર્ષ દરમિયાન સતત સુધારાવધારા કરતું આવ્યું છે. હાલ વર્ષે એક કરોડ જેટલા શ્રદ્ધાળુઓ અહીં આવે છે, પણ પ્રત્યેક મુલાકાતીએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. મુલાકાતીઓના ધસારા પર ચાંપતી નજર રહેતી હોવાથી ભાગદોડ થવાના ને એમાં લોકોના ચગદાઈને મૃત્યુ પામવાની દુર્ઘટનાઓ બનતી નથી. હમણાં ચૈત્ર નવરાત્રી નિમિત્તે માતાની ગુફા પાસે છેક થાઈલેન્ડ, બેંગલોર, પુના વગેરે જગ્યાએથી ખાસ ઇમ્પોર્ટ કરવામાં આવેલા ફુલોની આંખો પહોળી થઈ જાય એવી અદભુત સજાવટ કરવામાં આવી હતી. આજે તળેટીથી ટોચ સુધીનો લગભગ આખો રસ્તો ઉપરથી ઢંકાયેલો છે, જેના લીધે યાત્રાળુઓનું ધોમધખતા તાપ અને વરસાદથી રક્ષણ થાય છે. અહીં ઘોડા પણ એટલા ટ્રેઈન્ડ અને સ્વચ્છતાના આગ્રહી છે કે તેઓ મૂત્રત્યાગ નિશ્ચિત જગ્યાએ રેતીના ઢગલા પર જ કરે છે કે જેથી પેશાબ રેતીમાં શોષાઈ જાય અને એના રેલાં દૂર સુધી ન વહે! હા, ગ્રામ્ય લોકોને હજુ ટોઈલેટમાં મળત્યાગ કરતાં આવડતું નથી એ તકલીફ્ છે ખરી!
જાણીતા ધર્મસ્થળે આપણે સ્વચ્છ, વેલ-મેનેજ્ડ અને કરપ્શન-ફ્રી માહોલમાં દર્શન કરી શકીએ એ જ ઉપરવાળાનાં સૌથી પહેલાં આશીર્વાદ ગણાય. પારદર્શક અને કાબેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેનેજ થતાં ધર્મસ્થાનો સામાન્યપણે સ્વચ્છ અને સુંદર હોય છે. ઝગમગતા ચોખ્ખાચણક શોપિંગ મોલની માફ્ક સ્વચ્છ ધર્મસંસ્થાનનું પણ આગવું કલ્ચર બની જાય છે જ્યાં લોકો આપોઆપ ગંદકી કરતાં સંકોચ અનુભવે છે. અઠ્ઠાવીસ-ત્રીસ વર્ષ પહેલાં જ લેન્ડમાર્ક કેસ ગણાઈ ચુકેલું વૈષ્ણોેદેવીનું સ્થાનક આજે પણ ઉદાહરણરુપ છે. વૈષ્ણોદેવી બોર્ડે પૂરવાર કર્યુ કે સરકારની જેન્યુઈન દરમિયાનગીરી ઉત્તમ પરિણામ લાવી શકે છે. દિલ્હી સરકારે ગંગા નદીની સાથે સાથે સર્વાધિક લોકપ્રિય ધર્મસ્થળોની દરેક સ્તરે સાફ્સફઈ કરવાનું અભિયાન પણ હાથ ધરવું જોઈએ.
જય માતા દી!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2017 )
Leave a Reply