Sun-Temple-Baanner

શ્ર્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


શ્ર્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો


શ્ર્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો

સંદેશ – અર્ધસાપ્તાહિક પૂર્તિ – બુધવાર – ૫ જુલાઈ ૨૦૧૭

ટેક ઓફ

‘મૃત્યુ નજીક આવે છે ત્યારે લગભગ બધું જ – તમામ બાહ્ય અપેક્ષાઓ, ગર્વ, છોભીલા પડવાનો કે નિષ્ફળ જવાનો ડર – આ સઘળું અપ્રસ્તુત બનીને દુર વિખેરાઈ જાય છે. માત્ર એ જ વસ્તુઓ ટકી રહે છે જે આપણા માટે ખરેખર મહત્ત્વની છે. મૃત્યુની સભાનતા હંમેશા રહેતી હોય તો આપણા હૃદૃયના અવાજને ન અનુસરવાનું કોઈ કારણ જ રહેતું નથી.’

* * * * *

થોડાં વર્ષ પહેલાં એક વિચિત્ર ઘટના બની ગઈ. મુંબઈમાં પથરાયેલા સંજય ગાંધી નેશનલ પાર્ક નામનું વિરાટ અને સુંદૃર જંગલ ફેલાયેલું છે. ચોમાસામાં એનું રુપ ખીલી ઉઠે છે, પણ ક્યારેક આ સિઝનમમાં અપ્રિય ઘટનાઓ પણ બની જતી હોય છે. જેમ કે, એક ચોમાસામાં નેશનલ પાર્કમાં વહેતી નદૃીમાં એવું પૂર આવ્યું પુલ પરથી પસાર થઈ રહેલી એક કાર તણાઈ ગઈ. એમાં બેઠેલા તમામ લોકો મૃત્યુ પામ્યા. આ દુર્ઘટના પછી એક મુંબઈગરાને સપનું આવ્યું. તેમાં કારમાં મૃત્યુ પામેલી એક મહિલા દેખાઈ. મહિલાએ આખી દુર્ઘટનાએ કેવી રીતે આકાર લીધો હતો એની રજેરજની માહિતી આ સજ્જનને દૃશ્યરુપે દેખાડી. સવારે ઉઠ્યા પછી પણ સજ્જનને ભારે નવાઈ લાગી. આ મહાશય ન કોઈ આધ્યાત્મિક આંતરદૃષ્ટિ ધરાવતા હતા, ન તેઓ સાધક હતા કે ન પેલી મહિલા સાથે તેમનો વિશેષ પરિચય હતો. છતાંય મહિલાએ પોતાના મોતનાં દૃશ્યો દેખાડવા માટે આ સજ્જનને શા માટે પસંદૃ કર્યા?

સજ્જને આ વાત કવિ મકરન્દૃ દૃવે સાથે શેર કરી હતી. મકરન્દૃ દૃવે ખુદૃને આવો અનુભવ થયો હતો. પ્રોફેસર કે. ટી. મર્ચન્ટ એટલે મુંબઈની સિડનહામ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સીપાલ અને જાણીતા અર્થશાસ્ત્રી. પાછલી વયે તેઓ એકલા રહેતા હતા. નાનાંમોટાં કામ કરવા ઘરમાં એક જુવાનિયો હતો. પ્રો.મર્ચન્ટનું અડધી રાતે અવસાન થયું. મૃત્યુ પછી તેઓ મકરન્દૃ દૃવેના સપનામાં આવેલા. મૃત્યુની ઘડી આવી ત્યારે પોતે કયા ઓરડામાં કઈ રીતે સૂતા હતા, એમણે જુવાનિયાને મદૃદૃ માટે કઈ રીતે બોલાવ્યો આ બધી વિગતો એમણે માટે કહી નહીં, દૃષ્યરુપે દેખાડી.

શેરલોક હોમ્સનું અમર જાસૂસી કિરદૃાર સર્જનાર સર આર્થર કોનન ડાયલે સંપૂર્ણ ગાંભીર્ય સાથે જાહેરમાં કહ્યું છે કે મૃત્યુ પામેલા મિત્રો અને સ્વજનો સાથે એમણે વાત કરી છે. તેમણે કહેલું, ‘મારા મામા અને ભત્રીજાને મેં જાણે જીવતા જાગતા હોય એવા સ્થૂળ રુપમાં જોયા છે. એટલે મૃત્યુ પછી આપણું અસ્તિત્ત્વ રહે છે એ મારા માટે પુરવાર થયેલી બાબત છે.

આપણે જેને સુપર નેચરલ કહીએ છીએ તે પ્રકારના કિસ્સા શા માટે બનતા હોય છે? બીજા કોઈ કહે તો આપણે કદૃાચ આ વાતને મેન્ટલ પ્રોજક્શન કે ભ્રાંતિ કહીને એક બાજુ હડસેલી દૃઈએ, પણ કવિ મકરન્દૃ દૃવે જેવા અધ્યાત્મના ક્ષેત્રમાં ઊંડા ઊતરેલા સાહિત્યક્ાર કે આર્થર કોનન ડાયલ જેવો સુપરસ્ટાર રાઈટર આ પ્રકારના કિસ્સા વર્ણવે ત્યારે ગંભીરતાપૂર્વક સાંભળવું પડે. ઈશા-કુન્દૃનિકાએ ‘અંતવેળાએ’ નામના એક અતિ સુંદૃર પુસ્તકમાં આ કિસ્સા ટાંક્યા છે. મૃત્યુ જીવનનું સૌથી પહેલું, સૌથી અંતિમ અને સૌથી સુનિશ્ર્ચિત સત્ય છે. દુનિયાભરની વિભૂતિઓ, ફિલોસોફરો, સાહિત્યકારો અને કલાકારોએ મૃત્યુ વિશે પુષ્કળ ચિંતન કર્યું છે. ‘અંતવેળાએ’માં આ ચિંતનના અંશોનો સુંદૃર સંગ્રહ થયો છે.

‘મૃત્યુ ન હોત તો માનવ કાયમ એક અપૂર્ણ સ્વરુપની અંદૃર જીવ્યા કરત, શ્રી અરિંવદે કહ્યું છે, ‘મૃત્યુ તેની પાછળ પડ્યું છે તેથી જ તે પૂર્ણ જીવનના વિચાર પ્રતિ જાગે છે, અને તે પ્રાપ્ત કરવાનાં સાધનો અને તેની શકયતાઓ માટે પ્રયાસ કરે છે. ભૌતિક તત્ત્વ ચેતનામાં પૂર્ણતાના જરુરિયાત, પ્રગતિની જરુરિયાત જગાડવા માટે મૃત્યુ એ અનિવાર્ય સાધન છે. મૃત્યુની લટકતી તલવાર ન હોત બધા માનવો પોતે જે છે તે સ્થિતિમાં જ સંતોષ માની લેત.’જે. કૃષ્ણમૂર્તિનો એમના અનુયાયી સાથેનો સરસ સંવાદૃ છે. કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે, ‘માણસે પોતાનો એક દિૃવસ કેવી રીતે જીવવો?

‘જાણે કે પોતે એક દિૃવસ માટે જ, એક કલાક માટે જ જીવવાનો હોય.’

‘એ કેવી રીતે?’

‘જો તમારે હવે માત્ર એક જ કલાક જીવવાનું છે એમ તમને ખબર પડે તો તમે શું કરો? તમે કામધંધો, વ્યવહાર યોગ્ય રીતે ગોઠવી લ્યો. જેમને દૃૂભવ્યા હોય તેમની માફી માંગો. બીજાઓએ તમને દૃૂભવ્યા હોય તો તેમને માફ કરી દૃો. મનના બધા વ્યાપારો, તૃષ્ણાઓ, ઇચ્છાઓનું તમારા સંસારનું તમે વિસર્જન નહીં કરો? અને તમે જો આ એક કલાક કે એક દિૃવસ માટે કરી શકો તો બાકીના દિૃવસો માટે પણ એ રીતે ન જીવી શકો? તમે એક કલાક પણ જીવનની પૂર્ણતામાં જીવી શકો તો બાકી રહેલા જીવનમાં પણ એ જ સભરતાથી જીવી શકશો.’

સભરતા. અર્થપૂર્ણ જીવનનું આ મુખ્ય લક્ષણ છે. માંહ્યલાને અનુસરતા રહીએ તો આ સભરતા તરફ વધારે ઝડપથી પહોંચી શકાતું હોય છે. વિશ્ર્વવિખ્યાત એપલ બ્રાન્ડના સર્જક સ્ટીવ જોબ્સે સરસ કહ્યું છે:

‘મૃત્યુ નજીક આવે છે ત્યારે લગભગ બધું જ – તમામ બાહ્ય અપેક્ષાઓ, ગર્વ, છોભીલા પડવાનો કે નિષ્ફળ જવાનો ડર – આ સઘળું અપ્રસ્તુત બનીને દુર વિખેરાઈ જાય છે. માત્ર એ જ વસ્તુઓ ટકી રહે છે જે આપણા માટે ખરેખર મહત્ત્વની છે. આપણે ક્યારેક મૃત્યુ પામવાના છીએ તે હકીકત હંમેશાં યાદૃ રાખવી. આ રીતે કશુંક ગુમાવવાના ડરથી મુક્તિ મળી જશે. એવું સમજો કે તમે ઓલરેડી બધું ગુમાવી ચુક્યા છો, તમારા શરીર પર કપડાં પણ રહ્યાં નથી. આ પ્રકારની સભાનતા રહેતી હોય તો આપણા હૃદૃયના અવાજને ન અનુસરવાનું કોઈ કારણ જ રહેતું નથી.’

સ્ટીવ જોબ્સ પાત્ર પ૬ વર્ષ જીવ્યા, પણ કાકા કાલેલકર લાંબું જીવન પામ્યા હતા. પોતાના દૃીર્ઘાયુનું રહસ્ય સમજાવતા એક વાર કાકા કાલેલકરે કહેલું કે મૃત્યુના િંચતનને લીધે હું દૃીર્ઘાયુ બની શક્યો છું. એમણે તો તો એવી ટેવી જ પાડી દૃીધી હતી. મૃત્યુનું સ્મરણ એમને આઠે પહોર રહેતું. કાકાસાહેબ કહે છે, ‘હું અનુભવે કહી શકું છું કે આ રીતે મૃત્યુનું સ્મરણ કરતાં રહેવાથી હર્ષશોકથી પર એવો જે આનંદૃ, તેનો સાક્ષાત્કાર હું કરી શકયો છું. તેથી જ મારું ચિત્ત પ્રસન્ન રહે છે. આરોગ્ય પર પણ એની સારી અસર થાય છે.’

‘પરમ સખા મૃત્યુ’ પુસ્તકમાં કાકાસાહેબે લખ્યું છે કે, ‘મરણને પણ જો ન્યાય કરવો હોય તો તેને મનુષ્યનો પરમ મિત્ર કહેવો જોઈએ. મોટા મોટા ધન્વતરિ અને મનોવૈજ્ઞાનિકો પણ જે શાંતિ અને સાંત્વન માણસને આપી નથી શકતા, તે આ પરમ સખા નિશ્ર્ચિંત અને સ્થાયી રુપે આપે છે. ખરેખર તો મરણમાં દુખ નથી. જેને આપણે મરણનું દુખ માનીએ છીએ તે સાચી રીતે તો કષ્ટ વેઠી જીવવાનું દુખ છે. એ દુખ જ્યારે અસહ્ય બને છે ત્યારે મિત્રની માફક મરણ આવીને માણસનો એ દુખમાંથી છૂટકારો કરે છે. દુખ જીવન-કર્તુક છે, મરણ-કર્તુક નથી.’

સ્વામી વિવેકાનંદે પણ કંઈક આવા જ સૂરમાં કહ્યું છે કે, ‘જ્યારે પણ હું મૃત્યુ વિશે વિચારો કરું છું ત્યારે મારી બધી દુર્બળતાઓ અલોપ થઈ જાય છે. એ બાબત કોઈ ભીતિ કે શંકા મારા મનમાં રહેતી નથી. એ મહાયાત્રા માટે તૈયાર થવામાં હું પૂરેપૂરો ડૂબી જાઉં છું. હું જાણું છું કે ત્યાં એક અવર્ણનીય પ્રકાશપુંજનો મને સાક્ષાત્કાર થવાનો છે. પછી ભય શાનો?’

મૃત્યુ પૂર્ણવિરામ નથી. તે અલ્પવિરામ પણ નથી. મૃત્યુ અપૂર્ણવિરામ છે. કશુંક જીવ્યા કરતું હોય છે મોત પછીય. સ્વજન સાથેના ગાઢ સંંબંધને મૃત્યુ ક્યાં તોડી શકે છે? હૃદૃયમાં ધબકતા મૃત પ્રિયજન પ્રત્યેના પ્રેમને ક્યારેક ગેબી પરિમાણ મળી જતું હોય છે. એક આખેઆખું પુસ્તક છે, જેનું શીર્ષક છે, ‘રવીન્દ્રનાથેર પરલોક-ચર્ચા’. અમિતાભ ચૌધરીએ લખેલા આ મૂળ પુસ્તકનો હિન્દૃી અનુવાદૃ પણ પ્રગટ થયો છે. આ પુસ્તકમાં મૃતાત્માઓને બોલાવવાની પ્લાન્ચેટ નામની એક જાણીતી વિધિ વિશે ખૂબ બધી વાતો છે. નોબલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોરને મૃત જીવાત્માઓ સાથે સંપર્ક સ્થાપિત કરી શકાય છે એ વાતમાં વિશ્ર્વાસ હોવો જોઈએ, કેમ કે એમણે ખુદૃ અનેક વાર આ પ્રયોગો કરી જોયા હતા. ટાગોરનો પુત્ર શમી અને પુત્રી બેલા નાનપણમાં મૃત્યુ પામ્યાં હતાં. ટાગોર માધ્યમ મારફતે મૃત સંતાનો સાથે વાતો કરતા. માધ્યમ ટાગોરના મિત્રની દૃીકરી ઉમા બનતી. મૃતાત્માઓનું આહ્વાન કરવામાં આવે ને પછી ભયાનક ઝડપથી ઉમાની કલમ કાગળ પર ચાલવા માંડે. આ લખાણમાં કયાંય કશુંય અસંગત ન હોય, ભુલ કે રુકાવટ ન હોય.

દેહ છોડવો એ કંઈ અનિવાર્યપણે અશુભ ઘટના નથી. ઈશા-કુન્દૃનિકાએ ‘અંતવેળાએ ‘પુસ્તકમાં એક જગ્યાએ સરસ મુદ્દો ઉઠાવ્યો છે કે અવસાનના સમાચાર આપતા પોસ્ટકાર્ડ કે પત્રમાં આપણે મોટા અક્ષરે ‘અશુભ’ એવું શા માટે લખીએ છીએ? એક વાર એમને મરણસંદેશ આપતું પોસ્ટકાર્ડ આવેલું જેના પાછળના હિસ્સા પર, ફોર અ ચેન્જ, ‘શુભ’ શબ્દૃ લખ્યો હતો. ઈશા-કુન્દનિકા કહે છે, ‘મૃત્યુની ઘટનાને જેઓ ‘શુભ’ તરીકે જોઈ શકે, તેમની ચેતના નિ:શંક અતિ ઉચ્ચ અવસ્થાએ પહોંચી હોવી જોઈએ. અકાળ કે અપમૃત્યુ કે ક્રૂર હસ્તોએ કરેલી હત્યા, કશી પૂર્વસૂચના આપ્યા વગર ભરવસંતે છીનવી લીધેલા પ્રિયજનનું જવું – એવી અતિ આઘાતપ્રેરક ઘટનાઓને બાદૃ કરીએ તો, સહજ સ્વાભાવિકપણે, જીવનના સર્વે કાર્યોનો સંકેલો કરી ચિરનિદ્રામાં કોઈ પાઢી જાય તો એને અશુભ ન કહીએ.’

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2017 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.