વિશ્વ પુસ્તક દિવસ પર નિખાલસ કબૂલાત : હું હાસ્ય અને બાળ સાહિત્ય ખૂબ વાંચુ છું
વાંચતા આવડી જાય પછી શું વાંચવું અને શું ન વાંચવું એ તમારી પસંદગીની વસ્તુ છે. હા, અનુભવીઓ સલાહ આપી શકે છે. માત્ર વાંચવું પણ જરૂરી નથી. વાંચવાની અને રખડવાની ક્રિયામાં સમતોલનપણું લાવી શકનારા ખૂબ ઓછા લોકો હોય છે. વાંચ્યા બાદ સત્તત લખ્યા કરતાં પણ ઓછા લોકો હોય છે. ઘણા ને માત્ર વાંચવું જ ગમે છે. એ સૌથી સારી ક્રિયા છે. ઘણા ને ઓછું વાંચવું અને વધારે લખવું ગમે છે. હવે ફેસબુક યાદ અપાવે છે. ગયા વર્ષે આ દિવસે તમે શું અપલોડ કરેલું. એમાં લખેલો તમારો એકાદ લેખ હોય તો વાંચજો અને પછી તેની તુલના તમારા આજના લેખ સાથે કરજો. વાંચવું કેટલું જરૂરી છે તેની તમને ખબર પડી જશે.
આજે વિશ્વ પુસ્તક દિવસ છે. પુસ્તક રસિયાઓ માટેનો દિવસ. મેં પ્રથમ પુસ્તક આઠમાં ધોરણમાં વાંચેલું અને તે મને 12માં ધોરણમાં સમજાયેલું. પત્રકારત્વના પ્રથમ વર્ષમાં મેં તેનો રિવ્યૂ કરેલો. 8 વર્ષ પછી જ્યારે જ્યારે મેં તે પુસ્તક વાંચ્યું ત્યારે ત્યારે મને તેમાંથી અલગ અલગ વસ્તુઓ જાણવા મળી. એ પુસ્તકનું નામ છે ભદ્રંભદ્ર. પપ્પા લાવેલા તે હું હોશિયારીનું પપુડુ થયેલો કે આપણે તો મોટા થોથા જ વાંચીએ. ત્યાંથી શરૂ થયેલી એ પુસ્તક યાત્રા આજે પણ અડીખમ છે અને અકબંધ છે.
આ બધા સાથે પનારો કઈ રીતે પડ્યો એ મને ખબર નથી. કદાચ સ્કૂલકાળમાં જ લાગી જતો હોય છે. જ્યારે તમારો પ્રિય વિષય ગણિત, વિજ્ઞાન કે અંગ્રેજી મટી ગુજરાતી બની જતો હોય છે. નરસિંહ મહેતાના પદ્યથી લઈને જોસેફ મેકવાનના ગદ્ય સુધી વાંચવાની જે મઝા આવે છે તે ગણિતનો દાખલો સોલ્વ કરતા પણ નથી આવતી. પન્નાલાલ પટેલની કાશીમાની કૂતરી વાંચો કે લાડુનું જમણ, ધૂમકેતુની વિનીપાત વાંચો કે જુમ્મો ભિસ્તી, અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટની બાબુ વિજળી કે પછી જોસેફ મેકવાનની ભવાન ભગત. ત્યારે આને વાર્તા કહેવાય કે ચરિત્ર નિબંધ કહેવાય તેની પણ ખબર નહોતી. આજે એ તમામ સંગ્રહો મારી પાસે છે. તણખા મંડળ, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, નામરૂપ, વ્યથાના વીતક. મને લાગે છે કે બાળપણમાં મારું જે સ્વપ્ન હતું તે મેં પૂર્ણ કર્યું. એ લેખકોના આખેઆખા સંગ્રહો ખરીદી અને વાંચીને. કોઈ પાસેથી કોઈ દિવસ માગ્યા નથી. એની જરૂર પડી નથી.
પત્રકારત્વમાં આવીને ભૂલ કરી એવું નથી પણ ગુજરાતી વિષય સાથે આગળ ન ભણ્યો તેનો વસવસો હજુ સાલે છે. રેફરન્સ માટે એક પુસ્તક ખોલું એટલે તુરંત યાદ આવી જાય છે. છતાં લાગે છે કે હું તેનાથી દૂર છું એટલે જ એ વસ્તુને પ્રેમ કરૂ છું. જો નજીક હોત તો કોઈ તાલુકાની શાળામાં નિષ્ફળ પ્રધ્યાપક બનીને રહી ગયો હોત ? મને યાદ છે 8-9-10માં ગુજરાતી વિષય ભણાવતા ખખ્ખર સાહેબ અને રૂપારેલિયા સાહેબ. એ કેટલા હોશિયાર હતા. શું હું એમના જેવો બની શકેત ? મને જરા પણ નથી લાગતું.
આમ તો મસમોટા થોથાઓ વાંચ્યા છે. ગુજરાતીમાં સૌથી વધુ, પછી હિન્દીમાં અને પછી અંગ્રેજીમાં. એમાંય ગુજરાતીમાં જે મઝા આવી તે આજ લગી કોઈ ન અપાવી શક્યું. સારું છે હું ગુજરાતી જ પાક્યો. હું આજે પણ કોઈ ક્લાસિક નવલકથા કે રિલ્કે, કામૂ, સાર્ત્રની જગ્યાએ રમણલાલ સોનીની બાળવાર્તાઓ વારંવાર વાંચું છું. એમના અનુવાદો વાંચું છું. મને શેરલોક હોમ્સ ખૂબ ગમે છે. નવરા હોઈએ ત્યારે વિનોદ ભટ્ટને ફરી રિફર કરી લઉં છું. શાહબુદ્દીન રાઠોડના પુસ્તકો મને અતિ પ્રિય છે. મને ગોલીબારની ભૂતકથાઓ પણ ખૂબ પસંદ છે. મારી પાસે બધી છે. અશ્વિની ભટ્ટ આયનો નવલકથાથી એટલે જ ગમેલા. આ ફકરો લખતી વખતે તો મને સુરેશ જોષી યાદ આવી ગયા. વિનોદ ભટ્ટે તમે યાદ આવ્યાં પુસ્તકમાં સુજો વિશે લખ્યું છે, ‘એ વાતનું મને કાયમ અચરજ થાય છે કે નાનપણમાં તે કાળરાત્રિનું ખૂની ખંજર, નીલમ અને માણેક ભાગ 1થી7 અને જુલ્મી જલ્લાદ જેવા પુસ્તકો વાંચતા.’
આજે અંગત સંગ્રહમાં એટલા પુસ્તકો છે કે લાઈબ્રેરીમાં ખાતુ ખોલવાની મારે જરૂર નથી. પાંચ વર્ષ માટે જૂનાગઢની લાઈબ્રેરીમાં ખાતુ ખોલાવેલું અને પછી રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં. એ પછી ખૂદનું જ ગ્રંથાલય ખોલી નાખ્યું.
મયૂર ખાવડુ
Leave a Reply