વીસ વર્ષ પછી
સ્ફૂર્તિપૂર્વક એક પોલીસ અધિકારી પ્રભાવશાળી રીતે પેટ્રોલિંગ કરતાં રાજમાર્ગ તરફ જઈ રહ્યો હતો. આ દેખાડો પ્રદર્શન માટે નહોતો, સ્વાભાવિક હતો. એ સમયે ત્યાં લોકોની ચિક્કાર ભીડ પણ ન હોતી. રાતના દસ વાગ્યા હતા. વરસાદથી ભીંજાયેલ અને ઠંડી હવાની થપાટોએ રસ્તાને નિર્જન બનાવી દીધો હતો.
ઘરના દરવાજાઓને તપાસતો હતો. પોતાના ડંડાને કોઈ કલાત્મકતાનો નમૂનો રજૂ કરતો હોય તેમ ઘુમાવતો હતો અને શાંત નિર્જન રસ્તા પર કોઈ કોઈ વાર પોતાની નજર ફેરવી લેતો એ ઓફિસર પોતાના ખડતલ શરીર અને રૂઆબના કારણે શાંતિ-રક્ષકની જીવતી જાગતિ પ્રતિમા સમર્થ દૈદિપ્યમાન થઈ રહ્યો હતો. આ વિસ્તારમાં જલ્દી જ શાંતિ પથરાઈ જતી હતી. કોઈ કોઈ વાર સિગાર-સ્ટોર કે હોટલની બારીઓમાંથી પ્રકાશ દેખાઈ જતો હતો. મોટાભાગની વેપારીઓની દુકાન હતી. જે તો ક્યારની બંધ થઈ જતી હતી.
રસ્તાની વચ્ચોવચ આવીને પોલીસવાળાએ પોતાની ગતિ ધીમી કરી નાખી. લોઢાના સામાનની દુકાનના અંધારા દરવાજા પાસે એક માણસ થોડો નમેલો દેખાતો હતો. જેના મોઢામાં ન સળગાવેલ સિગાર હતી. પોલીસવાળો નજીક આવ્યો ત્યાં એ બોલી બેઠો.
તેણે વિશ્વાસ અપાવતા કહ્યું, ‘‘કંઈ વાધો નહીં સાહેબ ! હું એક દોસ્તારની રાહ જોવ છું. વીસ વર્ષ પહેલાં અમે એકબીજાને મળવા માટે વચન આપ્યું હતું. તમને અજીબ લાગતું હશે, નહીં ? કંઈ વાંધો નહીં, હું હમણાં આખી વાતનો ફોડ પાડી તમને વિશ્વાસ અપાવું કે આ આખી ઘટના સીધી છે. વીસ વર્ષ પહેલાં જ્યાં આ સ્ટોર છે ત્યાં એક રેસ્ટોરન્ટ હતું.- બિગ જો બ્રેડીનું રેસ્ટોરન્ટ.’’
પોલીસવાળાએ કહ્યું, ‘‘હા, એ પાંચ વર્ષ પહેલાં સુધી હતું. એ પછી મકાન પાડી નાખ્યું.’’
દરવાજાને અઢેલીને ઉભેલા માણસે દિવાસળી સળગાવી અને સિગારને પ્રજ્વલિત કરી. તેના પ્રકાશમાં એક તીખી આંખોવાળો, પીળો, પહોળો ચેહેરો દેખાયો, જેની જમણી ભ્રમરની નીચે ઘાનું એક સફેદ નિશાન હતું. તેની ટાઈની પીનમાં મોટો હિરો ચોંટેલો હતો.
એ માણસે કહ્યું, ‘‘બરાબર વીસ વર્ષ પહેલાં, આવી જ એક રાતે બિગ જો બ્રેડીના રેસ્ટોરન્ટમાં મેં જીમી વેલ્સ સાથે ખાવાનું ખાધુ હતું. જે મારો પાકો ભેરૂ અને આ અવની પરનો સૌથી શ્રેષ્ઠ માણસ હતો. અમે બંન્ને ન્યૂયોર્કમાં બે ભાઈની જેમ સાથે સાથે નાનાથી મોટા થયા. હું અઢારનો હતો અને જીમ્મી વીસનો. બીજા દિવસે સવારે જ હું રૂપિયા કમાવા માટે પશ્ચિમ તરફ જવાનો હતો. પણ જીમ્મીને ન્યૂયોર્ક કોણ છોડાવેત ? એ માનતો હતો કે દુનિયામાં ન્યૂયોર્ક જ એકમાત્ર રહેવા યોગ્ય જગ્યા છે. કંઈ નહીં… તો એ રાત્રે અમે દ્રઢ સંકલ્પ કર્યો. એ તારીખ અને એ સમયના બરાબર વીસ વર્ષ બાદ, ભલે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ કે આપણે કેટલુંય દૂરથી ચાલીને આવવું પડે. આપણે આ જગ્યાએ જ મળીશું. અમને વિશ્વાસ હતો કે વીસ વર્ષમાં ગમે તે થાય, આપણે પોત પોતાનું નસીબ ઘડીને રૂપિયા કમાઈ લઈશું.’’
વાતને કાપતા પોલીસવાળો વચ્ચે જ બોલી ઉઠ્યો, ‘‘વાત તો રસપ્રદ છે. બે મુલાકાત વચ્ચે સમય તો તમે લોકોએ ઘણો રાખ્યો. શું વિખૂટા પડ્યા પછી તને તારા મિત્રના કોઈ વાવળ મળ્યા ?’’
‘‘હા, થોડા સમય સુધી અમારી વચ્ચે પત્રવ્યવહાર થતો રહ્યો. પછી એકાદ વર્ષ બાદ અમે બંન્નેએ એકબીજાના ખબર-અંતર પૂછવાનું જ માંડી વાળ્યું. તમને ખબર છે, પશ્ચિમનું વિશ્વ ખૂબ વિરાટ છે. હું ખૂબ ઉત્સાહથી હડિયાપાટી કરતો રહ્યો. પણ મને વિશ્વાસ છે કે જો જીમ્મી જીવંત છે તો એ મને આજે જરૂર મળશે, કારણ કે જીમ્મી કરતાં વધારે સાચો અને નિષ્ઠાવાન માણસ કોઈ હોય જ ન શકે. એ કોઈ દિવસ નહીં ભૂલે. એક હજાર મીલ દૂરથી હું આ દરવાજા પર તેની પ્રતિક્ષા કરવા માટે આવ્યો છું અને જો મારો મિત્ર આવી ગયો તો મારું આવવું સાર્થક થઈ જશે.’’
એ માણસે ખિસ્સામાંથી એક સુંદર ઘડિયાળ કાઢી. જેના ઢાંકણા પર નાના-નાના હિરાઓ જડેલા હતા.
તેણે કહ્યું, ‘‘દસ વાગવામાં ત્રણ જ મિનિટ બાકી છે. અમે જ્યારે એ રેસ્ટોરન્ટના દરવાજાથી વિખૂટા પડ્યા હતા ત્યારે દસ વાગ્યા હતા.’’
પોલીસમેને કહ્યું, ‘‘પશ્ચિમમાં તને ખૂબ સફળતા મળી લાગે છે. નહીં ?’’
‘‘ચોક્કસથી. હું આશાવાદી છું કે જીમ્મીને મારા કરતાં અડધી સફળતા પણ હાથ લાગી હશે તો તે ખુશ જ હશે. માણસ તો ખૂબ સારો હતો, પણ હતો ખેતરનો બળદ. આ રૂપિયા કમાવવા માટે મારે દુનિયાના સૌથી મોટા હરામીઓ અને ઠગો સામે ટક્કર લેવી પડી. ન્યૂયોર્કમાં માણસનું કંઈ નથી થતું, પોતાના ઉત્સાહને પોંખવા માટે પશ્ચિમ તરફ જવું જોઈએ.’’
પોલીસવાળાએ દંડો ઘુમાવ્યો અને એક બે ડગલાં આગળ ગયો.
‘‘હું તો પેટ્રોલિંગ કરી રહ્યો છું. આશા રાખું કે તારો મિત્ર સમય પર આવી જશે. શું તું ફીટ દસ વાગ્યા સુધી તેની રાહ જોઈશ ?’’
તેણે કહ્યું, ‘‘ના, એવી તો કોઈ વાત નથી. ઓછામાં ઓછી અડધી કલાક તો તેની રાહ જોઈશ જ. જો જીમ્મી આ દુનિયામાં જીવતો છે તો એ સમય સુધીમાં અચૂક આવી જશે.’’
પોલીસવાળાએ વિદાય લીધી અને બીજા દરવાજાઓ તરફ નજર નાખતો પેટ્રોલિંગ કરવા લાગ્યો.
વરસાદની હેલી પડી રહી હતી અને મંદ પવનની જગ્યાએ હવે વાયરો ઝડપથી વાતો હતો. એ શેરીમાંથી ઉદાસ શહેરીજનો ચૂપચાપ પોતાના ઓવરકોટથી કાન ઢાંકી અને ખિસ્સામાં હાથ પરોવી લાંબી ફલાંગો ભરતા આગળ વધી રહ્યા હતા. એ દુકાનના દરવાજા પર, બાળ ગોઠિયાને મળવાના હાસ્યાસ્પદ અને અનિશ્ચિત એવા વચનને પૂર્ણ કરવા માટે, હજાર મિલ દૂરથી આવેલ એ વ્યક્તિ સિગાર પીતો તેની રાહ જોઈ રહ્યો હતો.
લગભગ વીસ મીનિટ સુધી તે રાહ જોતો રહ્યો. એટલામાં જ રસ્તાની બીજી તરફથી ઓવરકોટના કોલરને કાન સુધી ઉઠાવેલ એક લાંબો માણસ આવ્યો. એ રાહ જોનારા એ માણસ પાસે સીધો જઈ ઉભો રહી ગયો.
આશંકાથી તેની સામે જોઈ રહેલ એ આગંતુક બોલ્યો, ‘‘કોણ બોબ ?’’
દરવાજા પાસે અડકીને ઉભેલા માણસે કહ્યું, ‘‘તું કોણ ? જીમ્મી વેલ્સ ?’’
પોતાના બંન્ને હાથથી સામેની વ્યક્તિની બંન્ને ભૂજાઓને હલાવતા આગંતુકે હર્ષથી કહ્યું, ‘‘અરે યાર મળી ગયો, તું સાચે જ બોબ છે ! મને વિશ્વાસ હતો કે જો તું જીવતો હોઈશ તો અચૂક મને અહીં મળીશ. જો તો ખરો વીસ વર્ષના વહાણ વીતી ગયા. કેટલો લાંબો સમય હોય છે ! હવે તો રેસ્ટોરન્ટ પણ નથી રહ્યું. જો તે અહીં હોત તો આપણે ત્યાં જ બેસીને સાથે ખાવાનું ખાત. હવે કહે, પશ્ચિમે તારી સાથે કેવું વર્તન કર્યું ? ’’
‘‘શું કહું ! મેં જે માંગ્યું તે પામ્યું. પણ જીમ્મી તું તો બોવ જ બદલી ગયો છે. તું તો મને બે કે ત્રણ ઈંચ વધારે લાંબો લાગી રહ્યો છે.’’
‘‘હા, વીસ વર્ષનો થયો ત્યારે મારી લંબાઈ થોડી વધી ગઈ.’’
‘‘ચાલ કંઈ વાંધો નહીં, ન્યૂયોર્કમાં ગાડી કેવી ચાલી રહી છે તારી ?’’
‘‘સામાન્ય. બસ, એક દુકાનમાં નોકરી કરી રહ્યો છું. ચાલ બોબ, આપણે કોઈ સારી જગ્યાએ જઈ બેસીએ અને વિતેલા દિવસોની કેટલીક વાતો કરીએ.’’
હાથમાં હાથ પરોવી બંન્ને આગળ વધી ગયા. પશ્ચિમથી આવેલ એ માણસ જેનો અહમ સફળતાના કારણે વાચાળ થઈ ગયો હતો. પોતાના સૌભાગ્યની વાર્તા સંભળાવવા લાગ્યો. ઓવરકોટમાં દબાયેલો તેનો મિત્ર રસપૂર્વક સાંભળી રહ્યો હતો.
ખૂણામાં પ્રકાશથી ઝળહળતી એક હોટલ હતી. તેની નજીક આવતા જ એકબીજાએ પોત પોતાનું મોઢું જોયું.
પશ્ચિમથી આવેલા એ માણસને એકાએક ધ્રાંસકો પડ્યો અને પોતાના મિત્રનો હાથ છોડી દીધો.
તે આવેશમાં આવી બોલ્યો, ‘‘તું જીમ્મી વેલ્સ ન હોઈ શકે. માન્યું કે વીસ વર્ષ ખૂબ લાંબો સમયગાળો છે, પણ એટલો લાંબો નહીં કે કોઈની ધારદાર નાકને ચપટી બનાવી નાખે.’’
એ લાંબા માણસે કહ્યું, ‘‘સાચું છે. પણ આટલો સમય, ક્યારેક ક્યારેક એક સજ્જનને દુર્જન બનાવી શકે છે ! શ્રીમાન તમે પાછલા દસ મિનિટથી મારી નજરબંધીમાં છો. શિકાગો પોલીસને શંકા છે કે તમારી બાતમી આ શહેરમાંથી મળી શકે છે અને તે તમારી કેટલીક પૂછતાછ કરવા માગે છે. હવે તમે ચૂપચાપ મારી સાથે ચાલવાની કૃપા કરશો…? ઠીક છે તો ચાલો. પણ આપણે પોલીસ સ્ટેશન પહોંચીએ એ પહેલાં આ પત્રને વાંચી લો. જમાદાર જીમ્મી વેલ્સે તમારા માટે મોકલ્યો છે.’’
બોબે એ પત્ર ખોલી વાંચ્યો. શરૂઆતમાં તેનો હાથ સ્થિર રહ્યો. પણ ચિઠ્ઠી પૂર્ણ કરતાં જ તેના શરીરમાં ધ્રૂજારી વ્યાપી ગઈ. પત્ર ખૂબ ટૂંકો હતો…
વચન આપ્યા પ્રમાણે હું યથાસમય અને નિયતસ્થાન પર ઉપસ્થિત હતો. સિગાર સળગાવવા માટે જ્યારે તે દિવાસળી સળગાવી ત્યારે મેં જોયું કે આ ચહેરો તો એ જ છે. જેની શોધખોળ કરવા માટે શિકાગો પોલીસ કેટલાય દિવસથી હેરાન પરેશાન છે. ખબર નહીં કેમ, હું આ કામને ન કરી શક્યો. એટલે મેં પોલીસ સ્ટેશને જઈ એક ગુપ્ત વ્યક્તિને કામ સોંપ્યું.
-તારો… જીમ્મી
(મૂળ શિર્ષક – After Twenty Years)
લેખક- વિલિયમ સિડની પોર્ટર-ઓ.હેનરી
અનુવાદ – મયૂર ખાવડુ
Leave a Reply