સફારી @ 300 : સફારી ચોરાવાનો પણ એક રેકોર્ડ છે
ગુજરાતી પત્રકારત્વના ઈતિહાસમાં બે મેગેઝિનોનું નામ વટ સાથે લેવામાં આવે છે. એ બે મેગેઝિનોનું નામ કોઈ ગુજરાતી કોઈ અન્ય ભાષી વ્યક્તિની સામે લે તો ગર્વથી અને વળી ગયેલી કમરને ટટ્ટરા ઉભી રાખી કોલર ઉંચો કરી લઈ શકે છે. આ બે મેગેઝિનોએ ગુજરાતી વાંચકોમાં અને ભાવકોમાં વટનો સંચાર કર્યો છે. નંબર એક કુમાર મેગેઝિન. જેણે ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યજગતના સુરમાઓ આપ્યા. ખેરખાંઓ આપ્યા. બળવાખોર લેખકો આપ્યા. વિવાદો આપ્યા અને પૈસા ન હોવા છતાં તે ચાલતું રહ્યું. આજે પણ ધીરૂ પરીખના તંત્રીપદે તે કાર્યરત છે. આ કુમાર મેગેઝિનમાં જ નગેન્દ્ર વિજયના પપ્પા એટલે કે વિજય ગુપ્ત મોર્યની શિકારી વાર્તાઓ છપાતી હતી. મારો સફારી પરિવાર સાથે અહીંથી પ્રારંભ થયો.
કુમાર મેગેઝિનની ઓળખ એટલે કાળા પડી ગયેલા તપેલાને નદીના કાંઠે મળતા ઠીકરાથી ઉજળું કરવું. અહીં તપેલું એટલે લેખક અને ઠીકરું એટલે તંત્રી અને તપેલામાં ભોજન બન્યા બાદ જમે છે તે તેનો વાચક. એ શિકારીકથાઓ મારી પાસે છે. કુમાર મેગેઝિને પોતાની શ્રેષ્ઠ વાર્તાઓનું ચયન કરીને વાચકો સમક્ષ રાખ્યું છે તેમાં વિજયગુપ્ત મોર્યની બે વાર્તાઓ છે. વિદેશી શિકારીકથાઓનો અનુવાદ છે, પણ કોઈ ન કહીં શકે કે તે વિદેશીકથાઓનો કરવામાં આવેલો અનુવાદ છે. એવું જ લાગે કે કોઈ કસાયેલ કલમદારની કલમે લખાયેલી આ પોતીકી વાર્તાઓ છે.
આ તો વાત થઈ બચુભાઈના કુમાર મેગેઝિન અને વિજય ગુપ્તમોર્યની. એ કુમાર મેગેઝિન પછી કોઈ મેગેઝિનનું નામ લઈ વૈજ્ઞાનિક અભિગમથી કોલર ઉંચો કરી કહેવું હોય તો સાફ શબ્દોમાં કહી શકાય કે હું એ શહેરમાંથી આવું છું જ્યાંથી સફારી મેગેઝિન નીકળે છે. હું એ શહેરમાંથી આવું છું જ્યાં નગેન્દ્ર વિજય રહે છે. સફારી મેગેઝિન (હર્ષલ પબ્લિકેશન) અને મારા ઘર વચ્ચે વોકિંગ ડિસ્ટન્સ છે. મારા માટે તો તે સ્વર્ગથી કમ નથી કે સફારી હું તેની ઓફિસેથી ખરીદીને લઈ શકું છું.
વિદેશમાં યુદ્ધો થયા, જાસૂસી મિશનો કરવામાં આવ્યા, અણું ધડાકા કરવામાં આવ્યા, વિજ્ઞાનના સિદ્ધાંતો, બ્રહ્માંડના ગૂંઢ રહસ્યો, ઈતિહાસ અને તવારીખ સહિતની અગણિત માહિતી સફારીએ પીરસી છે. માત્ર પીરસી નથી વિશ્લેષણ કર્યું છે. અડીખમ રહીને વાંચકોની ભૂખ સંતોષવાનું કામ સફારીએ કર્યું છે. ચીલાચાલુ મેગેઝિનોની વચ્ચે લોકોમાં વિજ્ઞાનની ભાવના જગાવવાનું કામ સફારીએ કર્યું છે. ઘણા નવા વિજ્ઞાન લેખકો તૈયાર કરવાનું કામ સફારીએ કર્યું છે. જે જાનવરોની ઝુમાં નાની એવી તક્તીમાંથી માહિતી મેળવતા હતા, તેને ફુલ ફ્લેજ્ડ 8-9 પાનાંમાં આપવાનું કામ સફારીએ કર્યું છે. પત્રકારત્વમાં માત્ર સ્થળ પર ગયા અને અહેવાલ લખી નાખ્યો તેવું નહીં, ડેસ્ક જર્નાલિઝમની થીયરીઓ બદલી નાખતા, મહિનાઓ સુધી સંશોધન કરી રજૂઆતની એક કળા સફારીએ ગુજરાતી વાંચકો અને લેખકોને શીખવાડી છે. ગુજરાતી સામાયિકોને છિનાળા પ્રવૃતિમાંથી બહાર લાવવાનું કામ કર્યું છે. સફારી ગુજરાતીનું એવું લોકપ્રિય સામાયિક છે, જેમાં કોઈ પણ પ્રકારની નવલકથા નથી આવતી, આમ છતાં ગુજરાતના એક એક વ્યક્તિનું મગજ જ્યારે વલોપાત કરતું હોય કે નવી માહિતી આપો… ત્યારે દર મહિને સફારીએ ગુજરાતી વાંચકોને રિચાર્જ કરવાનું કામ કર્યું છે.
સફારીના ઈતિહાસ વિશે હું નહીં કહું. કારણ કે સફારી ઈતિહાસ બની નથી. એ વર્ષોથી ચાલ્યો આવતો વૈજ્ઞાનિક વર્તમાન છે. અને જ્યાં સુધી ગુજરાતનો વાંચક સફારીને પ્રેમ કરતો રહેશે ત્યાં સુધી તેના ઈતિહાસ બનવાના કોઈ ચાન્સ દેખાઈ નથી રહ્યા. નગેન્દ્ર વિજય વિશે વાત કરવાની હોય, તો ઉર્વીશ કોઠારીએ તેમના ઈન્ટરવ્યૂને સરસ મજાની પોકેટ બુકમાં સ્થાન આપ્યું છે. જાઓ અને વાંચો…. જો સફારીના ફેક્ટની વાત કરવાની હોય તો લલિત ખંભાયતાએ પોતાના બ્લોગ રખડે તે રાજામાં તેના વિશે લખ્યું છે. જો આ બધું લખાઈ ચૂક્યું છે તો મારો અહીં લખવાનો શું અર્થ ?
આપણે અહીં ગુજરાતી પુસ્તકો વિશે વાતો થાય છે. તેનું વિવેચન થાય છે. પણ જ્યારે સામાયિકની વાત આવે ત્યારે તેનું અવલોકન નથી થતું. તેની ચર્ચાઓ નથી થતી. તે કેવું છે તેના વિશે વાત નથી કરવામાં આવતી. કોઈ વસ્તુને જીવિત રાખવા માટે તેની ચર્ચા આવશ્યક બની જાય છે. એવી જ રીતે જેવી રીતે લેખકની લોકપ્રિયતા તેની અથવા તો તેના પુસ્તકની ચર્ચા થાય તો જ જીવંત રહે. બાકી લોકપ્રિયતા તો વેશ્યા સમાન છે. આજે તમારી સાથે ખાટલામાં સુતી છે, કાલે કોઈ બીજા સાથે ખાટલામાં સુતી હશે. અપ્રત્યક્ષ રૂપે લોકપ્રિયતા તો બસ એક શરીરની રાહ જોઈ બેઠી હોય છે. કદાચ એટલે જ સાહિત્યકારો કહેતા હોય છે કે, લોકપ્રિયતાથી દૂર રહેવું. પણ સફારીની લોકપ્રિયતાને કોઈ દિવસ ફટકો પડ્યો નથી. એવું પણ નથી કે સફારી માત્ર કિશોરો કે સાયન્સનો અભ્યાસ કરનારા માટે આવે છે. સફારી તો દરેક વર્ગના લોકો માટે આવે છે.
ગુજરાતની લાઈબ્રેરીઓમાં સફારી ચોરી થયાના દાખલા છે. આમ છતાં એક પણ પોલીસ કેસ નોંધાયો નથી. આખરે કંટાળીને કેટલાક ગ્રંથપાલો સફારીને દર્શકોના દર્શન માટે લાઈબ્રેરીમાં નથી મુકતા, તેવું ઘણાં લાઈબ્રેરીયન સ્વીકારી ચૂક્યા છે. પુસ્તક તોડવા કરતાં તેને ચોરવું એ મોટું પાપ છે. બક્ષી બાબુ નહોતા કહેતા, ‘પ્રેમિકા, પત્ની અને પુસ્તક એક વાર જાય પછી ગેરન્ટી નહીં આવે કે ન આવે!!’ મારે 10 કરતાં વધારે વખત સફારીના અંકો ફરી ફરી લેવા પડ્યા છે. પણ આજે સફારી સ્ટાઈલમાં જ સફારીને માણીએ અને જાણીએ….
->1980માં શું શું બન્યું હતું ?
મહિનો હતો ઓગસ્ટનો અને ઈ:સ હતી 1980ની. ત્યારે બુદ્ધિશાળી વાંચકો માટેના એક મેગેઝિનનો પ્રારંભ થયો. તેના તંત્રી લેખમાં તો તે બાળપાક્ષિક હોવાનું ફલિત થતું હતું. પણ મોટા ક્યારે બાળક બની ગયા ખબર પણ ન પડી ! જ્યારે મોટા લોકોને બાળકોની વસ્તુઓમાં રૂચિ જાગે ત્યારે તે વસ્તુનું મૂલ્ય વધી જતુ હોય છે. સફારીએ એવી વસ્તુઓ આપવાની શરૂઆત કરી જે બાળકો તો બરાબર, પણ મોટાય નથી જાણતા હોતા. એ સમય રૂઢીચુસ્ત લોકોથી સભર હતો. વિજ્ઞાન કરતાં અંધશ્રદ્ધામાં માનનારો એક મ્હોટો વર્ગ હતો. સાહિત્યક મેગેઝિનોએ ભાખોડીયા ભરવાની શરૂઆત કરી હતી અને લોકોમાં પણ સાહિત્ય પ્રત્યેની રૂચી પગપેસારો કરવા માંડી હતી. આજે પણ સાહિત્યને પ્રથમ ધર્મં ગણનારા લોકોની કમી નથી. ચણા મમરાના ભાવે વર્તમાન પત્રોમાં લેખકો લખતા હતા. વિદેશમાં વિજ્ઞાનના નામનો ડંકો વાગતો હતો અને ભારતમાં વિજ્ઞાની હાલત અનામત જેવી થઈ ગઈ હતી. તેને ખબર હતી કે તેનો સમય પણ આવશે જ.
1 ઓગસ્ટ 1980ના એ સમયગાળામાં Gerd Wessig રેકોર્ડ ધારક બન્યો હતો. ઈસ્ટ જર્મનીના આ ખમતીધર ખેલાડીએ સૌથી ઉંચો કૂદકો માર્યો હતો. અલબત્ત બિલ્ડીંગ પરથી નહીં, પરંતુ ઓલમ્પિકની પોલ વોલ્ટ ગેમમાં. અને આવું કરતબ દાખવનારો તે પહેલો પુરૂષ ખેલાડી બન્યો હતો. તો ઈસ્ટ જર્મનીનો જ ખેલાડી Waldemar Cierpinski 12:11:03 સમયમાં મોસ્કો ઓલમ્પિક ખાતે મેરેથોન જીત્યો હતો. એટલે જર્મની માટે આ સોને પે સુહાગાનો દિન હતો. આજ તારીખે આર્યલેન્ડમાં એ સમયની સૌથી મોટી ટ્રેન દુર્ઘટના બની હતી. એ ટ્રેન દુર્ઘટનામાં 18 લોકોનાં મોત થયા હતા જ્યારે ડઝનથી
વધારે લોકો ઘાયલ થયા હતા. 1980નો જ સમય હતો જ્યારે રૂબિક્સ ક્યૂબે પહેલીવાર ટોય ફેરમાં એન્ટ્રી મારી !! ટોય ફેરમાં ? સાંભળીને ભવાં ઉંચકાય જાય કારણ કે દુનિયાના દિગ્ગજ બુદ્ધિશાળીઓ પણ આ રમતનું સોલ્યુશન લાવવામાં ઉંધેમાથ થઈ ગયા છે.
ભારત માટે તો રાજકારણની બાદબાકી કરી નાખવામાં આવે તો કોઈ ખાસ દિવસ નહોતો. ચૌધરી ચરણસિંહને હટાવી ઈન્દિરા ગાંધી ફરી સત્તા સ્થાને આવ્યા હતા. જેને હજુ સાત મહિનાનો સમય વિત્યો હતો. આ જ સમયે 1લી ઓગસ્ટ 1980માં ગુજરાતમાં એક મેગેઝિને કંકુ પગલાં કર્યા. વિકીપીડિયામાં દર્શાવવામાં આવેલી માહિતી પ્રમાણે આ મેગેઝિન તેના ખરાબ સમયમાં શરૂ થયું હતું. વિકીપીડિયા બોલે છે,‘સફારીની શરૂઆત ૧ ઓગસ્ટ, ૧૯૮૦ના રોજ નગેન્દ્ર વિજય દ્વારા થઇ હતી. ૬ અંકો પછી તેનું પ્રકાશન બંધ થયું. તેનું ફરી પ્રકાશન જુલાઇ ૧૯૮૬માં શરૂ થયું અને ફરીથી ૧૦મા અંકે તેનું પ્રકાશન અટક્યું. મે ૧૯૯૨માં સામાયિકનું પ્રકાશન ફરી એકવાર શરૂ થયું જે હજી સુધી ચાલુ છે’
-> કેવો હતો પહેલો અંક ?
મારી પાસે પહેલો ક્લાસિક અંક નથી. જ્યાંથી સફારી યાત્રાની શરૂઆત થઈ હતી. પણ બાદમાં હર્ષલ પબ્લિકેશને પહેલા અંકને ફરી બહાર પાડ્યો હતો. આ નવા બહાર પાડેલા અંકમાં બ્રૂસલીનું પોસ્ટર હતું. જે અવસ્થામાં અંક બહાર પાડવામાં આવેલો અદ્દલ તે જ અવસ્થામાં હતો. આજે પણ યાદ છે કે સફારીની જૂની ઓફિસથી મેં એ અંક મેળવેલો હતો. કારણ કે ઈતિહાસના સહભાગી થવા માટે ઈતિહાસની ઘટનાની નજીક હોવું જરૂરી છે.
જ્યારે પ્રથમ અંક બહાર પડ્યો ત્યારથી લઈને ખૂબ લાંબા સમય સુધી જ્ઞાન નામના શબ્દની વર્જિનીટી અકબંધ રાખવામાં વેપારી પ્રજા ગુજરાતીએ મોટો ફાળો આપ્યો હતો. એ સમયે કોમ્પયુટર, ઈમેલ કે ઈન્ટરનેટનું ઝાડુ તો ગૂંથાયું જ નહોતું. લોકો મોટાભાગે અખબારને માહિતીનો સ્ત્રોત માનતા હતા. એટલે પહેલા અંકની તૈયારીમાં માથાપચ્ચી તો થવાની જ. પ્રથમ અંકના તંત્રી લેખમાં નગેન્દ્ર વિજયે શું લખ્યું હતું તેની ઝાંખી કરીએ, ‘આ અંકથી એક નવા બાળપાક્ષિકનું પ્રકાશન શરૂ થાય છે. નવા પ્રકારનું એટલા માટે કે તેમાં રાજારાણીની કે વેતાળની વાતો નથી. પરીકથાઓ નથી કે કપોળકલ્પિત કહાણીઓ નથી. અંધશ્રદ્ધા ફેલાવે તેવાં ગપગોળાં નથી કે સસ્સારાણાનાં ઉપજાવી કાઢેલાં સાહસો નથી. આ બાળપાક્ષિક તો દર અંકે તેના સૌ બાળમિત્રોને જ્ઞાનવિજ્ઞાનની સફરે લઇ જશે–અને એટલે જ તેનું નામ ‘સફારી’ છે.’
હવે મેગેઝિનમાં શું હતું તેની વાત કરીએ. જ્યાં અત્યારે બનાવ અને બેકગ્રાઉન્ડની જગ્યાએ અતુલ્ય ભારત આવે છે તે કવરપેજની પાછળના ભાગે મનિયો મસ્તીખોર આવતું હતું. ત્રણ ખાના કરી કાર્ટૂન તૈયાર કરેલું હોય અને અદ્દલ એવી જ રીતે બેકપેજમાં ટારઝનનું કાર્ટૂન હતું. જ્યાં અત્યારે સુપર સવાલ આવે છે. બે વખત અવનવું, પક્ષી જગત, ખેલ જગત, બ્રૂસલીની કવસ્ટોરી અને લુપ્ત થઈ ગયેલો પ્રકાર સાહસકથા પણ હતો. સાહસકથાનું નામ હતું ‘મોતના મોંમા ડૂબકી.’ 12 પાનામાં ચિકલેટના સાહસો નામે ચિત્રવાર્તા હતી. ટીપીકલી સફારીનો પહેલો અંક થોડો ઘણો આજની ગુજરાત સમાચારની ઝગમગ જેવો લાગતો હતો. તેમાં કોઈ લેખકનું નામ નહોતું અને એક વખત એવું બન્યુંનો જન્મ પણ નહોતો થયો.
-> વિજ્ઞાનની માફક રંગ પરિવર્તન કર્યું
સફારીના વાંચકોનો રાફડો ફાટ્યો એટલે લોકો રંગીન પેજની ભલામણ કરતાં હતા. સફારીને પણ તે ખ્યાલ હતો. પણ જ્યાં હજુ પણ કેટલાક મેગેઝિનો જીર્ણ અવસ્થામાં ચાલી રહ્યા હોય ત્યાં જીર્ણોદ્ધાર કરવાનો આ પ્રયોગ કેટલો સફળ રહેશે તે પણ કશ્મકશનો વિષય હતો. ઘણાં લોકોને મેગેઝિન કે વર્તમાન પત્રની પહેલી કોપીથી લઈને છેલ્લી કોપી સુધી હોય તેવું જ વાંચવાનું મન હોય છે. તેમના માટે પરિવર્તન કરવું એટલે પ્રકાશક પોતે જ આ બેલ મુજે મારની સ્થિતિનું સર્જન કરતો હોય છે. આમ છતાં સફારીએ માત્ર 5 રૂપિયાનો નજીવો વધારો કરી નેશનલ જ્યોગ્રોફી મેગેઝિનને ટક્કર આપતા પાના કાઢ્યા. હવે તે ચાલ્યું નહીં દોડ્યું. મેરેથોન દોડ તે 100 મીટરની દોડની માફક દોડ્યું. આ સમયે તંત્રી હર્ષલ પુષ્કર્ણાએ લખ્યું હતું, ‘આ દ્વાર મારફત હવે all-colour સામયિકોની દુનિયામાં ‘સફારી’નો સમાવેશ થઇ ચૂક્યો છે. યુરોપી દેશ સ્વીડનથી ખાસ આયાત કરાયેલા ઇકો-ફ્રેન્ડલી રિસાઇકલેબલ કાગળ પર કલરફુલ પ્રિન્ટિંગ કરાવવા જતાં જે વધારાનો ખર્ચ વેઠવાનો આવ્યો તેને પહોંચી વળવા ખરેખર તો અંકની છૂટક કિંમત કમ સે કમ 12 જેટલી વધારવી પડે. પરંતુ વાચકોના માથે વધુ આર્થિક બોજો ન આવે તે ખાતર કિંમતમાં ફક્ત 5નો વધારો કરાયો છે. આશા નહિ, બલકે વિશ્વાસ છે કે દમદાર માહિતીવાળા ‘સફારી’ને દમકદાર એવું ફુલ-કલર સ્વરૂપ આપવા જતાં કરવો પડેલો એ નજીવો વધારો સૌ વાચકો સ્વીકારી લેશે.’
-> જ્યારે પિતા સાથે પુત્ર જોડાયા
હર્ષલ ભાઈએ પોતાના બ્લોગમાં સફારી સાથે જોડાયાનો કિસ્સો લખ્યો છે. તેમના લાગણી સભર શબ્દોને અહીં મુકુ છું, ‘અંક નં. ૧૧થી ‘સફારી’ સાથે મારો નાતો જોડાયો ત્યારે એ મેગેઝિન નુકસાન કરતું હતું. ઘરના રૂપિયા જોડીને સામયિક શા માટે પ્રગટ કરવું ? એવો વિચાર એ વખતે આવતો અને સતાવતો, પણ ‘સફારી’ સાથેનો સંબંધ ક્રમશઃ ગાઢ બનતો ગયો તેમ એ સવાલનો જવાબ મળી ગયો. ‘સફારી’ એ સામયિક નથી, પણ નવી પેઢીને કેળવતું મિશન છે એ વાત બરાબર સમજાઇ.’
-> PDF વાઈરલ થયેલી
વચ્ચે મેગેઝિન ન ખરીદતા વાંચકો માટે કેટલાક માથા ફરેલા લોકોએ કંકુ ચોખાનો આશિર્વાદ આપેલો. સફારીના કેટલાક અંકની પીડીએફ વાઈરલ થવા લાગેલી. પણ સફારીની સાથે જળમૂળથી જોડાયેલા લોકોએ સફારીના એ પીડીએફ અંકને ખોલવાની પણ તસ્દી નહોતી લીધી. કારણ કે સ્ક્રિનમાં સફારી જોવી અને હાથમાં પકડીને વાંચવી તે એક અલગ જ લ્હાવો છે. સફારી પ્રત્યે લોકોનું આવું મમત્વ છે. પછી તો કોઈ દિવસ પીડીએફ વાઈરલ થતાં નથી જોઈ આમ છતાં પીડીએફની જૂની કોપીઓ મળતી રહે છે, ફરતી રહે છે.
-> ને એક વખત એવું બન્યું કે
ગુજરાતની દસ પાવરફુલ મેગેઝિન કોલમની વાત કરવામાં આવે તો પહેલા 10 નંબર હું એક વખત એવું બન્યું ને આપું અને 11માં નંબરે પણ મન થાય તો બીજી કોલમને આપું ! કોઈ ગુજરાતી મેગેઝિનમાં લખાતી આ સૌથી લાંબી કોલમ છે. સૌથી વધુ માહિતી આપતી કોલમ છે. સૌથી વધારે ડેટા આપતી કોલમ છે. સૌથી વધારે વિશ્વસનીય કોલમ છે. જેણે એક વખત ‘‘એક વખતને’’ વાંચી લીધી તેને જ્ઞાનનું આ ટોનિક વારંવાર લેવાનું મન થાય છે. કોણ વિચારી શકે કે B.COM કરેલા એક છોકરાના ફળદ્રુપ ભેજામાંથી નીકળેલો આ વિચાર હતો. સફારી મેગેઝિનનું કોઈ મગજ હોય તો તે એક વખત એવું બન્યું જ છે. થેન્ક યૂ નગેન્દ્ર વિજય.
-> કેવી રીતે વાંચવું ?
તમે પુસ્તક ખરીદી શકો છો, પણ જ્ઞાન ખરીદી શકતા નથી. એ પુસ્તક ખરીદ્યા પછી વાંચવું પણ જરૂરી બની જાય છે. વાંચ્યા પછી વિચારવાની પ્રક્રિયા આવે છે. સફારીનો આખો લેખ તો મહત્વનો છે જ, તેનાથી પણ વધારે મહત્વનો તેનો વિભાગ નોટબુકમાં નોંધી લો છે. મહત્વનું છે કે સફારી જેવા સરસમજાના પાનાંને કાપવાની જુર્રત નહીં કરો. કોઈ ન કરી શકે ! એટલે તેને તમારી અલગ સફારી નોટબુક બનાવી તેમાં લખી નાખો. જેમ જેમ વાંચતા જાઓ, તેમ તેમ મહત્વની લાગતી વિગતોને અલગ તારવી તમારી નોટબુકમાં લખી લેવાની. કોઈ ડેટા યાદ ન રહેતો હોય તો કાપલીમાં લખી કાપલી ખિસ્સામાં રાખી દેવાની. દિવસ દરમ્યાન જ્યાં પણ જાઓ ત્યાં કાપલીમાં રહેલું યાદ કર્યા રાખવાનું અને ભૂલાઈ જાય તો ફરી કાપલી કાઢી વાંચી લેવાનું. આ આઈડિયા મારો નથી. જૂનાગઢના સફારીના એક ભાવક અને મિત્ર ધવલ જોશીનો છે.
મને દુ:ખ એ વાતનું છે કે, સફારી જેવી મેગેઝિનનો કોઈ લેખ વાંચ્યા બાદ તેમાં થોડુ મીઠું મરચું ભભરાવી એક સરસ મજાની સાયન્સ ફિક્શન નવલકથાને આકાર આપી શકાય છે. આમ છતાં ગુજરાતીઓમાં વિજ્ઞાન લેખન આવ્યું પણ વિકસ્યું નથી. હવે પછી કોઈ નવો લેખક વિજ્ઞાનકથા લખે તો સફારીના ડેટાને જરૂર યુઝ કરે. જેથી ન માત્ર ફિક્શન પણ ફેક્ટ તરીકે પણ એ વિજ્ઞાનકથા ઉભરે.
-> ઓપન ક્લોઝ્ડ
સફારી ક્યારે ક્લાસિક વસ્તુઓને પરત લઈ આવે તે કહી ન શકાય. બનાવ અને બેકગ્રાઉન્ડના પાટીયા પડી ગયા છે અને ત્યાં અતુલ્ય ભારત આવે છે. એ પ્રમાણે પહેલા અંકથી લઈને અત્યાર સુધી ઘણી વસ્તુઓ ચાલી અને ઘણી બંધ થઈ, બંધ થઈ તે ફરી ચાલુ થઈ. ઉપર જે અંક નંબર 1ની વાત કરી તેમાંથી મોટાભાગનું હવે નથી આવતું. ફોર યોર ઈન્ફોર્મેશન ફરી શરૂ થયું છે. આ પણ એક ફેરફાર જ છે કે તેની શરૂઆત બાળકો માટે થઈ હતી, પણ બાદમાં બુદ્ધિશાળી વાંચકો માટેનું મેગેઝિન બની ગયું.
-મયૂર ખાવડુ
Leave a Reply