સાહિત્યમાં કંઈક શીખવા મળે એટલે વાંચીએ બાકી તલ્લીન થઈ મનોરંજન મેળવવા માટે તો લોકપ્રિય સાહિત્ય પાસે જ જવું પડે. હા, એ ચીરકાલીન નથી પણ શું કરવું ? હમણાં એક વેબસાઈટ પર ફોટો જોયો હતો. તેમાં એક છોકરી બે અલગ અલગ રીતે પુસ્તકને વાંચતી હતી. એક રિડર તરીકે જેમાં તેના ચહેરા પર આછું સ્મિત દેખાતું હતું અને બીજું… ચહેરો ગંભીર રાખીને, જેથી સાબિત થતું હતું કે તે હવે રાઈટર થવાના અભરખા સાથે વાંચી રહી છે. મોટાભાગના લોકોએ પહેલી કે બીજી વખત અશ્વિની ભટ્ટને વાંચતી વખતે તેમાંથી કંઈ શીખવા મળશે એ હેતુથી નહીં વાંચ્યું હોય. તમે કે હું બસ અશ્વિની ભટ્ટના કથાપ્રવાહમાં તણાયા કરીએ છીએ. મઝા લઈએ છીએ. બાકી અશ્વિની ભટ્ટ પાસેથી કથા પ્રવાહ સિવાય શબ્દોનો વૈભવ શીખ્યા જેવો છે. ધ્યાનથી વાંચવાનું એક નુકસાન એ છે કે રિડર કરતાં એક ફેન તરીકેની મૌજ મરી જાય છે. એક પુસ્તકમાંથી વાંચી લખતા શીખવાની શરૂઆત કરો અને પછી બીજા પુસ્તક સાથે તેની તુલના કરો તો તમારી અંદર વિવેચકનો જન્મ થઈ ગયો સમજવો. પછી પેલી ફેનગીરી અલિપ્ત થતી જાય છે. મોટાભાગના લોકો જે અશ્વિની ભટ્ટને વાંચે છે તે તેમને તેમના મોટા ફેન ગણાવીને વાંચે છે. કદાચ એટલે જ બક્ષી, નગેન્દ્ર વિજય, યશવંત મહેતા, હરકિષન મહેતા અને ભટ્ટ સહિતના લેખકો હજુ જીવંત છે. અગાઉ વાત કરી તેમ ચહેરો જ્યારે ગંભીર થઈ જાય અને હાથમાં કાગળનું પાનું આવી જાય તો સમજવું કે ફેનગીરી ખત્મ થઈ અને શીખવાગીરી શરૂ થઈ ગઈ.
2007માં દેવેન્દ્ર પટેલની કભી કભી સાથે મેળાપ થયો પછી અંદરખાને એવું થતું હતું કે કભી કભી જેવી વાર્તાઓ લખીએ. હું તો દેવેન્દ્ર પટેલનો એ સમયથી જબરો આશિક. તેમની સંસ્મરણકથા આંતરક્ષિતિજ વાંચ્યા બાદ તો તેમની સાથે ગાઢ સંબંધ ઘડાય ગયો હતો. દેવેન્દ્ર પટેલ છાપામાં લખતાં હતા એટલે તેમના પુસ્તકો ન હોય તેવું મને શરૂઆતમાં લાગતું હતું. પણ જૂનાગઢની આઝાદ ચોક લાઈબ્રેરીમાં દેવેન્દ્ર પટેલની મન સોનાના તન રૂપાનાં જોઈ અને ખ્યાલ આવ્યો કે છાપામાં લખતા હોય તો એમની પણ ચોપડીઓ છપાતી હોય. વિનોદ દાદા સિવાય દેવેન્દ્ર પટેલની રેડ રોઝ અને કભી કભી આ બે કોલમોએ મને આર્ટિકલો લખવા માટે પ્રેરિત કરેલો હતો. આજે જૂની તો જૂની એમ કરી ઓનલાઈન ચોપડીઓ મંગાવી. કભી કભીની એ વાર્તાઓ વિશે કોણ માનશે કે જ્યારે તે ગુજરાત સમાચારમાં છપાતી ત્યારે નીચે લેખકનું નામ જ નહોતું આવતું. પણ કભી કભીનો ઈતિહાસ તો લાંબો છે તેની જગ્યાએ દેવેન્દ્ર પટેલની નવલકથા તરફ કૂચ કરીએ.
ગુજરાત સમાચારમાં એ સમયે એક નવલકથા પૂરી થવાની હતી. નવાઈ લાગશે પણ ગુજરાત સમાચારની ચિત્રલોક પૂર્તીમાં એ નવલકથા છપાતી હતી. એ પૂર્તીમાં જે ફિલ્મની હતી. હવે પછી કોની નવલકથા હોય શકે ? આ માટે શશીકાન્ત નાણાવટીની નજર નવા આવેલા છોકરા દેવેન્દ્ર પટેલ પર પડી. લાંબો સરખો અને ગોરો ગોરો. ગુજરાત સમાચારના સ્ત્રી સાપ્તાહિકમાં તેની મન સોનાના તન રૂપાનાં શીર્ષક હેઠળ નવલિકાઓ છપાઈ હતી. શશિકાન્તભાઈને લાગ્યું કે જે નવલિકા લખી શકે તે નવલકથા અચૂકથી લખી શકે. તેમણે દેવેન્દ્ર પટેલ પાસે વહિદા રહેમાન, ગુરૂદત્ત અને ગીતા દત્તના પ્રણય ત્રિકોણવાળી નવલકથા સજન રે જૂઠ મત બોલો લખાવી તે પણ ચિત્રલોકમાં. એ પછી તો દેવેન્દ્ર પટેલે ઈબ્લીશ, અભિસારિકા, પુષ્પ એક પલાશનું અને આજે ખરીદી તેમાંની કંકાલ, લવિંગીયું અને આવિર્ભાવ જેવી નવલકથાઓ પર કલમ ચલાવી છે. વચ્ચે એક એવો સમય આવ્યો કે દેવેન્દ્ર પટેલે નવલકથા લખવાનું છોડી દીધું અને હવે ફરી શરૂ કર્યું છે.
આજે દેવેન્દ્ર પટેલની લોહી નિતરતો ઉગશે સૂરજ પણ ખરીદી. જેની પ્રસ્તાવનામાં તેમણે લખ્યું છે, ‘લેખક જેવા દેખાવા માટે હું કારણ વગર દાઢી રાખતો નથી. ખભે થેલો રાખતો નથી. મોંમા ચીરૂટ રાખતો નથી. લેખકની મંડળીનો સભ્ય બનતો નથી. લેખકોની લડાઈમાં પડતો નથી. લેખકોની ઈર્ષ્યા કરતો નથી. લોકપ્રિય લેખકોને બિરદાવવાનું ચૂકતો નથી. સન્માનનીય લેખકોને જાહેરમાં માન આપવાનું ભૂલતો નથી. કોઈ મારી અદેખાઈ કરે તો પરવા કરતો નથી. કારણ કે હું મારા નિજાનંદ અને મારા વાંચકો માટે લખું છું.’
અન્ય એક બુક ખરીદી તેનું નામ છે કેવડાનું અત્તર. તેમાં આપણા ક્લાસિક હાસ્ય લેખક બકુલ ત્રિપાઠીની પ્રસ્તાવના છે. બકુલ ત્રિપાઠીએ તેમની ઈન્ટરવ્યૂ ટાઈપ પ્રસ્તાવનામાં એક પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે કોફીનો ઘૂંટ ગળે ઉતારતા કહ્યું, ‘મને આ વાર્તાઓ લખતાં રોજિંદા પત્રકારત્વની તાણ-ટેન્શનમાંથી મોટી રાહત અનુભવાતી લાગે છે.’
દેવેન્દ્ર પટેલ સિવાય માઈન્ડ ફ્રેશ કરી નાખતા અને ગમતાં સર્જક એટલે મહેશ યાજ્ઞિક. તેઓ લાઈમલાઈટથી બિલ્કુલ દૂર રહે છે. લોકપ્રિય સર્જક હોવા છતાં તેમને બસ રાતના અગિયાર વાગ્યે લખવામાં રસ છે. અશ્વિની ભટ્ટની વિદાય બાદ આપણી પાસે ધૈવત ત્રિવેદી અને મહેશ યાજ્ઞિક આ બે એવા સર્જકો છે જેમના પુસ્તકોનું વાંચન એકી બેઠકે કરી શકીએ. દિવ્ય ભાસ્કરમાં મહેશ યાજ્ઞિકની અંજળપાણી નવલકથા આવતી હતી ત્યારથી તેમની કથાઓમાં ઓતપ્રોત થતો આવ્યો છું. પછી તો ચિત્રલેખામાં છપાયેલી તેમની પ્રથમ નવલકથા ખેલંદો અને બાદમાં ક્રાઈમ થ્રીલર સાથે સમાજને કેન્દ્ર સ્થાને રાખી લખાતી તેમની બે-બે અને ચાર-ચાર ભાગની નવલકથાઓએ એક અનોખું વિશ્વ રચેલું. હજુ ગત રવિવારે જ તેમની પાંચમો બાદશાહ પૂરી કરી અને હવે ગમન-આગમન શરૂ કરીશ. એટલે ગમન આગમન પણ લીધી.
તેમના નવલકથા લેખન વિશે જાણવું હોય તો અંકિત દેસાઈએ કોકટેલ ઝિંદગી મેગેઝિનમાં લોકપ્રિય સાહિત્યકારોની ધારાવાહિક નવલકથાઓ વિશે એક ઈન્ટરવ્યૂ કર્યો હતો. જેમાં તેમની નવલકથા વિશે સવાલ પૂછવામાં આવતા મહેશ યાજ્ઞિકે કહ્યું હતું, ‘હું પ્રથમ ત્રણ ચેપ્ટર જ રિ-રાઈટ કરું છું, કારણ કે પ્રથમ ત્રણ ચેપ્ટરમાં વાચકને આકર્ષવો જરૂરી બની જાય છે. પછી એક પણ ચેપ્ટર રિ-રાઈટ કરતો નથી. જેમ મનમાં આવતું જાય તેમ લખતો જાઉં છું.’
બીજું મને મહેશ યાજ્ઞિકની વાર્તાઓ વાંચવી પસંદ છે. તેઓ પોતાની વાર્તાઓને શિર્ષક નથી આપતા. વાત એક પાગલની, વાત એક કન્ડેક્ટરની આવા શિર્ષકો આપી તેઓ શિર્ષકથી બચનારા ગુજરાતી સાહિત્યના પ્રથમ લેખક બન્યાં છે. ધોરણ 11ના નવા અભ્યાસક્રમમાં તેમની વાર્તા વાત એક શાપની પણ આવે છે. તેમની વાર્તાઓ વાંચવાનો સૌથી મોટો ફાયદો એ કે નવા નવા પ્લોટ મળ્યા રાખે. મઝા આવ્યા રાખે. બીજું તો શું જોઈએ ?
મયૂર ખાવડુ
Leave a Reply