સુરેશ જોષી : ને કેટલા બધા લેખકોની હત્યામાંથી બચી જવાયું !
આજે સુરેશ જોષી જીવતા હોત, તો ગુજરાતીમાં અસંખ્ય, ન ગમે એવા લેખકો, જે રાફડાની માફક ફાટી નીકળ્યા છે તેમાંથી ઘણા ખરા નહોત. ઘણાએ ફેસબુકનાં એકાઉન્ટ પણ ડિએક્ટિવેટ કરી નાખ્યા હોત અથવા તો સુજોને બ્લોક કરનારાઓની સંખ્યા વધી ગઈ હોત. આ વાતમાં જરા પણ અતિશ્યોક્તિ નથી. સુજો પુસ્તકનું એવું છોતરાફાડ અવલોકન કરતા હતા કે અડધે અડધા નવઉન્મેષોની વિકેટ તેમણે કરેલા વિવેચન માત્રથી જ પડી જતી હશે. કોઈ વખત તેમણે કરેલું વિવેચન વાંચશો તો ખ્યાલ આવશે કે ધીરૂબહેન પટેલ જેમનો જન્મદિવસ પાંચ દિવસ પહેલાં જ હતો, તેમના પ્રથમ બે વાર્તાસંગ્રહ પર સુરેશ જોષી રીતસરની કરવત લઈ તૂટી પડેલા હતા. અધૂરો કોલમાં તો શરૂઆતમાં જ કહી દીધું હતું, ‘અધૂરો કોલમાં નવલિકાના સ્વરૂપનું હાર્દ લેખિકા પૂરેપૂરુ સમજ્યા હોય એવી પ્રતીતિ થતી નથી.’ અન્ય એક વાર્તાસંગ્રહ માટે કટાક્ષ કરતાં કહેલું, ‘એક લહેરમાં પણ વાર્તાનો નાયક આપઘાત કરવાની હદે જાય છે, ધીરૂબહેનની પાત્રસૃષ્ટિમાં આપઘાતનું પ્રમાણ વધારે લાગે છે !’
રીતસરનો સપાટો બોલાવી દેનારો આ લેખક બાળપણથી જ મસમોટા ગ્રંથો વાંચતો હશે, આવી માન્યતા જો તમારા મગજમાં ઘર કરી ગઈ હોય તો કાઢી નાખજો. સુજો મસમોટા લેખક બની ગયા છતાં લાઈબ્રેરીમાં જઈ કાળરાત્રીનું ખૂની ખંજર જેવું પુસ્તક શોધતા રહેતા હતા. તેમણે કહેલું છે, ‘આજે આટલે વર્ષે એ નવલકથાઓ ખોલીને એનાં પૃષ્ઠોમાં આત્મવૃતાન્તની ખોવાઈ ગયેલી મારી મુગ્ધ આંખોનો અણસાર ફરીથી હું શોધું છુ.’
આ તમામ પુસ્તકો આપણી ભાષાના આ મહાન સર્જકે ચોરીછૂપીથી વાંચેલા હતા. સત્યેન્દ્રનાથ સાંકળેશ્વરની નીલમ અને માણેક નવલકથા અને છોટાલાલ ડાહ્યાભાઈ જાગીરદાર નામના લેખકની નવલકથાઓ તેમણે એક બેઠકે પૂરી કરી હતી. છોટાભાઈ એ જ લેખક છે જેમની કાળરાત્રીનું ખૂની ખંજર અને જુલ્મી જલ્લાદ નવલકથા સૌ પ્રથમ સુજોની અડફેટે આવી ગઈ હતી. શિરીષ પંચાલે સંપાદિત્ત કરેલા સુજોનાં 88 પાનાનાં આત્મપરિચયમાં લખેલું છે, ‘સાહિત્યકોશમાં સત્યેન્દ્રપ્રસાદના નામે નીલમ અને માણેક કૃતિ નોંધાઈ નથી. તો છોટાલાલ ડાહ્યાભાઈ જાગીરદાર હાસ્યલેખક હતા.’ આ છોટાભાઈને વાંચીને જ કદાચ સુજોએ નિર્ણય લીધો હોવો જોઈએ કે ભવિષ્યમાં તમામ પ્રકારનું સર્જન કરીશ પણ હાસ્ય નહીં !! આજે સુજો પાસેથી વાર્તા, નવલકથા, એકાંકી, અનુવાદ, કવિતા, વિવેચન સઘળુ મળે છે, પણ હાસ્ય નથી મળતું. આપણી ભાષાના બે સમર્થ સર્જકો, ચંદ્રકાંત બક્ષી અને સુરેશ જોષીની બે ખાસિયતો રહી છે. બંન્નેને દુશ્મનો વધારે અને બંન્નેએ લખવામાં તમામ સાહિત્ય પર આંગળીના ટચાકા ફોળ્યા સિવાય કે હાસ્ય.
છતાં સુજો કોમિક સીન ક્રિએટ કરવામાં માસ્ટર હતા. 1972ના ઉહાપોહમાં રોહિત વ્યાસ અને સુષમા વૈદ્યના નામે ઉપજાવી કાઢેલી મુલાકાત અંગેનાં આર્ટિકલમાં તેમણે આ અંગે લખ્યું છે. તેમાં સુજોની મુલાકાત લેવા આવનારા લોકો ઘરની બહાર લખેલું બોર્ડ વાંચી વ્યાકુળ થઈ જાય છે. દરવાજા પર લખેલું હોય છે, ‘તબિયત બરાબર ન હોવાથી ચાર-પાંચ દિવસ બહાર ગયો છું, પણ ખેર…’ મુલાકાત લેનારા ચિંતિત થઈ જાય છે. તેઓ એ વાતથી સભાન હોય છે કે સુજો થોડા વિચિત્ર પ્રકૃતિના છે. આ વાતની જાતતપાસ કરવા માટે છુપાય જાય છે. દસ મિનિટ પછી સુરેશ જોષી બહાર આવે છે. તેમને જુએ છે અને કહે છે, ‘આવો, મને લાગ્યું હવે બધું સલામત છે પણ…’
‘મારું બાળપણ જે ગામમાં વીત્યું તેનું નામ હું તમને નહીં કહું.’ જનાન્તિકેમાં આવો સરસ મજાનો નિબંધ લખનારા આ લેખકની જેમ જેમ ઉંમર વધતી તેમ તેમ તેઓ બાળપણ તરફ ગતિ કરતા હતા. તેમના દાદાને સાહિત્ય-બાહિત્યનો શોખ નહીં અને ઘરમાં સુરેશ જોષીનો જન્મ થયો છે એવી એ સમયે દાદાને ખબર પણ નહીં ! બાલમિત્રમાં સુજોએ 8 વર્ષની નાની વયે તોટક છન્દમાં કવિતા છપાવી નાખી. દાદાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો અને સુજોને થપ્પડ ખાવાનો વારો આવ્યો. પછી તો સાહિત્યના કારણે આવી અગણિત થપ્પડો સુજો ખાતા રહેતા હતા. સુજોને એમ હતું કે મોટા થતા મારી બીજાને ઠપકા આપવાની વય થઈ થશે, પણ એ વય અચ્છે દિનની માફક આવી જ નહીં. તેઓ લખે છે, ‘હજું હું તો ઠપકો ખાતો જ રહ્યો.’
જોકે એ વેળાએ દાદાએ શા માટે સુજો પર હાથ ઉપાડ્યો તેની સુજોને ભવિષ્યમાં જાણ થઈ. સુજોના કાકા લખવાના શોખીન હતા. તેમણે એક નવલકથા લખી હતી. જે તેમના મરણ પછી હાથમાં આવી હતી. સુજોના કાકાનું ભરજુવાનીમાં મરણ થયેલું હોવાથી દાદાના મનમાં ભય પેસી ગયેલો કે આડા પાટે ચડી ગયેલો આપણો સુરેશ પણ ક્યાંક…. ?
સુરેશને સપનામાં પણ ઠેબ ન લાગે તેવું તેમના દાદા વિચારતા હોવા જોઈએ. એક કિસ્સો ટાંકતા સુજોએ કહ્યું છે, ‘મારું નામ ધરાવતો મારો એક પિતરાઈ ભાઈ હડકાયું કૂતરું કરડવાથી મરી ગયો. કેમ જાણે એ નામની જ યમને માયા હોય તેમ દાદાએ મારું નામ બદલી નાખ્યું. નામપરિવર્તનનો એ પ્રથમ અનુભવ.’
બાળપણમાં સુરેશ જોષી કુદરતની દરેક નાની નાની વસ્તુઓમાંથી મઝા લઈ લેતા હશે તે તો તેમના નિબંધોમાંથી ખ્યાલ આવી જાય છે. પણ એમની રહેણી કહેણી કંઈ ખાસ નહોતી. એક જ પેન્ટમાં ચાર થીંગડા મારેલા હોય તેવું પહેરણ પહેરતા હતા. છતાં તેમણે ખુશીથી વ્યક્ત કર્યું છે, ‘મઝા આવતી હતી. જિંદગીનાં પંદર-સોળ વર્ષ તો મેં પગમાં કશું પહેર્યું નથી. બાળપણમાં તૂટેલા હેન્ડલવાળા કપમાં દૂધ પીતો ત્યારથી મને એવા જ કપ ફાવે છે. મારી આંગળીઓ તે કપને વીંટળાઈ વળે છે તે ખૂબ સારું લાગે છે. ચમચા-કાંટાથી મેં કદી ખાધું નથી.’ આ લખાણથી એ વાતની પ્રતીતિ થયા વિના નથી રહેતી કે સુજોને ઈયાન ફ્લેમિંગની નવલકથાના નાયક જેમ્સ બોન્ડની માફક જ દરેક વસ્તુ જૂની પદ્ધતિથી કરવી ગમતી હતી.
નવસારીમાં ભણવા ગયા ત્યારે એક રમૂજી કિસ્સો બની ગયેલો. સુજોની વય 15 વર્ષની હતી. શિક્ષકે લખાવ્યું જળ એટલે પાણી. સુજોએ સીધી નોટબુક બંધ કરી દીધી. તેને થયું કે જળ એટલે પાણી એ પણ આને લખાવવું પડે છે, તે શું સમજે છે મારા વિશે. શિક્ષક બાળ સુજોને ન લખતા જોઈ ભડક્યા, ‘કેમ ભાઈ તમારી ઉંમર કેટલી ?’
સુજોએ કહ્યું, ‘પંદર.’
શિક્ષકે ટોન્ટ માર્યો, ‘ના ભાઈ એકાવન લાગે છે. લખતા કેમ નથી ?’
સુજોએ કહ્યું, ‘તમે મને કોઈ પણ શબ્દનો અર્થ પૂછો, નહીં આવડે તો હું લખીશ, પણ આવડે એ તો હું નહીં જ લખું.’
ગમે તે હોય. સુજો પોતાના શિક્ષકો કરતાં પણ હોશિયાર હતા અને બળવો કરી બેસતા હતા એટલે જ કદાચ તેમને એ નિશાળ છોડવાનો વારો આવ્યો. શાળામાં એમને આવડતું એટલે ન લખતા અને અમને કંઈ ન આવડતું એટલે ન લખતા. બંન્ને કિસ્સામાં છોડવી તો નિશાળ જ પડેલી.
આ સમયે દાદા એમને કલ્યાણ નામનું હિન્દી માસિક વંચાવતા હતા. એમાં વાક્યોની નીચે લાલ લીટી કરેલી હોય કે આ નહીં વાંચવાનું. પણ સુજો એવું કંઈ ગંભીરતાથી ન લેતા અને બધું વાંચી મારતા. સોશિયલ મીડિયા પર કલાકો સુધી લટાર મારતા જુવાનિયાઓ જેટલી આયુના સુજો હતા ત્યારે જ તેમણે વિશ્વભરનાં લેખકોને પૂરા કરી નાખેલા.
કરાંચીમાં પણ તેઓ રહ્યા હતા, પણ ત્યાં તેમને ઘર ન હતું મળ્યું એટલે શારદામંદિર નામની સ્કૂલમાં આવેલી પાટલી પર રાતે સુતા. સવારમાં પાંચ વાગ્યે ફરજીયાત ઉઠવું પડતું હતું, કારણ કે વિદ્યાર્થીઓ ભજન ગાવા માટે આવતા હતા. તેઓ આવે એ પહેલાં ઉઠી જતા અને સ્નાન કરી લેતા. એમાં દમ થઈ ગયો. કોલેજ પૂરી કર્યા બાદ આખો દિવસ નવરા હોવાના કારણે સુરેશ જોષી લાઈબ્રેરીમાં જ પડ્યા રહેતા. સુજોએ ત્યાંથી જ વાંચવાનું સત્તત 12 વર્ષ જેટલું મેરેથોન તપ કર્યું. ટૂંકા પગારમાં પુસ્તકો ખરીદ્યા અને રશિયન, જર્મન સહિતની અગણિત ભાષાઓની ટૂંકી વાર્તાઓ વાંચી.
વિનોદ ભટ્ટે શ્લીલ-અશ્લીલ પુસ્તકનું સંપાદન કરેલું. જે હવે અપ્રાપ્ય છે. કહેવાની જરૂર નથી કે તેમાં સર્જકોની અશ્લીલ વાર્તાઓ હતી. વિનોદ ભટ્ટની ઈચ્છા કે તેની પ્રસ્તાવના સુરેશ જોષીના હાથે લખાઈ. તેમણે સુજોને પૂછ્યું પણ ખરૂ. સુજોએ નમ્રભાવે વાર્તાઓનું લિસ્ટ મોકલવાનું કહ્યું. વિનોદ ભટ્ટે સાફ સાફ કહી દીધું કે, તેમાં તમને ગમતાં કરતાં ન ગમતાં વાર્તાકારોની સંખ્યા સૌથી વધારે છે. બાદમાં સુજોની વિભાવના વિના શ્લીલ-અશ્લીલનું કાર્ય પૂર્ણ થયું. પુસ્તક માર્કેટમાં આવતા જ સુજોએ મંગાવ્યું અને વડોદરા રેડિયો સ્ટેશન પરથી ભૂક્કા બોલાવ્યા. તમે યાદ આવ્યાં પુસ્તકમાં સુરેશ જોષીનાં ચરિત્રનું આલેખન કરતાં વિનોદ ભટ્ટે કહ્યું છે, ‘સારું થયું, પ્રસ્તાવના ન લખાવીને કેટલા બધા લેખકોની હત્યામાંથી બચી જવાયું !’
પાંચ વર્ષ પહેલાં મેં સુજોને વાંચવાની શરૂઆત કરી હતી અને હું તેમના પ્રેમમાં પડી ગયો. સ્વર્ગસ્થ પ્રફુલભાઈએ મને કહેલું, ‘‘તું લખે છો એમાં કંઈ મઝા નથી આવતી છોકરા. તારે સુરેશ જોષીને વાંચવા જોઈએ. તેને વાંચી તું ખૂદ સુજો બની જઈશ એવા વહેમમાં પણ ન રહેતો, કારણ કે ઘણા તારી જેમ એ વહેમમાંથી પસાર થઈ ચૂક્યા છે. પણ વિશ્વભરનાં સાહિત્ય વિશેની માહિતી તને સુજોમાંથી જ મળશે. સાહિત્યનો માહિતીપ્રદ નિબંધ કેવી રીતે લખવો અને કેવી રીતે વાંચકને જકડી રાખવો એ કળા સુજો પાસેથી શીખવા જેવી છે. પણ જો તું તેમને માત્ર આનંદ માટે વાંચે છો, તો તેના જેવું સુખ ક્યાંય નથી.’’ મેં છેલ્લા વાક્ય પર ચાલવાનું પસંદ કર્યું.
Happy Birthday The Great One
મયૂર ખાવડુ
Leave a Reply