હેપ્પી બર્થ ડે વિનોદ ભટ્ટ : સાચું બોલો આ બધું ક્યાંથી તફડાવ્યું છે ?
ઓશો રજનીશને ગુજરાતી ભાષામાં કોઈ લેખક પ્રિય હતો તો તે વિનોદ ભટ્ટ હતા. રજનીશને કોપી કરી કેટલાક ગુજરાતી લેખકોએ પોતાની દુકાન ચલાવી છે પણ રજનીશને તો કેટલીક જગ્યાએ, આડકતરી રીતે, વિનોદ ભટ્ટના ટૂચકા કોપી કરવા પડ્યા હશે ? નહીં ? આજે વિનોદ ભટ્ટનો જન્મદિવસ છે. શાહરૂખ ખાનના ઘરની બહાર જેમ ટોળા ઉમટે તેમ વિનોદ ભટ્ટને મળવા માટે તેમના ફેન્સ પણ આવી પહોંચતા. વિનોદ ભટ્ટ પોતે સંક્રાંતિના તડકામાં હમણાં આવશે તેવી રાહ જોતા. ઓટોગ્રાફ આપતા. વ્યાજમાં ત્યાં રતિલાલ બોરીસાગર પણ મળી જાય અને બે ત્રણ ઓળખીતા ચહેરા પણ મળી જાય.
વિનોદ દાદાની વિદાય પછી તેમને યાદ કરવાવાળા જૂજ લોકો બચ્યા છે. તેમાનો હું એક છું. વિનોદ જ્યોતિન્દ્રને યાદ કર્યા કરતાં હતા. જ્યોતિન્દ્ર તેમના માટે હાસ્યનું શીખર હતા. મારા માટે વિનોદ હાસ્યનું છેલ્લું સર્વોચ્ચ શીખર રહ્યા છે. વિનોદ ભટ્ટ જો કહેતા હોય કે જ્યોતિન્દ્રને ટક્કર મારે તેવો હાસ્યલેખક ભારતની ભાષામાં પેદા નથી થયો તો ગર્વની સાથે ગુજરાતીઓએ છાતી ફુલાવી કહેવું જોઈએ કે જ્યોતિન્દ્ર કરતાં પણ કેટલીક જગ્યાએ વિનોદ સવાયો પૂરવાર થયો છે. અલબત્ત એ છાતી 56 ઈંચની નહીં હોય તો ચાલશે. તમને યાદ છે ગુજરાતી સિવાયની ભાષામાં હાસ્યમાં આટલું માતબર ખેડાણ કયા સર્જકે કર્યું છે ? કોઈએ નહીં… હિન્દીમાં હવે હાસ્ય ધીમે ધીમે લખાતું બંધ થયું છે અને બોલાતું શરૂ થઈ ગયું છે. અન્ય ભાષાઓમાં પણ હવે ક્વોલિટીવાળા હાસ્ય લેખકો સેવ ટાઈગરની શ્રેણીમાં આવે છે.
હાસ્ય લખવું કેટલું આકરૂ કામ હશે કે તેના માટે વિશ્વ સાહિત્યમાં પણ જૂજ જ પારિતોષિકો રાખવામાં આવ્યા છે. વિનોદ ભટ્ટને મન્ટો ખૂબ ગમતા હતા. તેમણે નોંધ્યું છે. મારો પ્રિય લેખક કોણ ? આ અંગે કોઈ મને પૂછે તો હું આસપાસમાં કોઈ હોય તો આંગળી ચીંધી જવાબ આપી દઉં, પણ હકિકતે મને કોઈ પૂછે તો હું મન્ટોનું જ નામ આપું. મન્ટો વિનોદ ભટ્ટના પ્રિય લેખક હોવા છતાં અને તેમને અહર્નિષ વાંચ્યા હોવા છતાં તેમણે કોઈ દિવસ વાર્તા ક્ષેત્રે ખેડાણ નથી કર્યું. હા, વાર્તા લખવાનો એક તોતિંગ નિષ્ફળ પ્રયાસ તેમના જીવનમાંથી મળે છે.
એક દિવસ તેમના પિતાના ધંધાના પાર્ટનર જદુરાય.ડી.ખંધેડિયા અમદાવાદ આંટો મારવા આવ્યા. વિનોદ ભટ્ટે આ મુલાકાતને ખરાબ ચોઘડીયું તેવું સારું વિશેષણ આપ્યું છે. વિનોદ ભટ્ટે એ સમયે 50 દુ:ખદ વાર્તાઓ લખી હતી. કદાચ શેક્સપિયર બનવા માટે ! બીજી તરફ હાસ્ય લેખો ઓછી માત્રામાં હતા. ખંધેડિયાએ તેમની વાર્તાનો ઢગલો જોઈ નજર ફેરવી લીધી અને હાસ્યલેખોની માત્રા ઓછી હોવાથી તેમના પર ઉડતી નજર નાખી. હાસ્યલેખો વાંચીને તેમણે તુરંત કહ્યું, ‘તું ગંભીર નહીં હાસ્ય લખવાનું શરૂ કર.’ જોકે ખંધેડિયાએ વિનોદની વાર્તાઓ પર નજર નહોતી ફેરવી. વિનોદ ભટ્ટે તુરંત એ 50 કરૂણાંતિક વાર્તાઓ સળગાવી નાખી અને આ સાથે જ ગુજરાતી સાહિત્યએ એક ઉમદા વાર્તાકાર કરતાં શેક્સપિયર વધારે ગુમાવ્યાનું દુખ છે. જેનો વસવસો આજે પણ ગુજરાતી ભાષાના વાર્તાકારોને નથી.
તેમને કિશોરકાળથી જ લખવાનો ચસ્કો ચળ્યો હતો. મિત્ર ઓકે. સંપૂર્ણ નામ ઓમપ્રકાશ ખન્ના સાથે તેઓ લખતા હતા. લખ્યા પછી પોતાની કૃતિને કોઈ બીજા વખોળે તેના કરતાં એકબીજાને સંભળાવી પ્રશંસા કરી નાખતા હતા. છાપાઓને લખેલું લખાણ મોકલતા. પણ મોકલવામાં જોખમ ખરૂં. તંત્રીને એ ટપાલ ક્યારે મળે ? એટલે ઉતાવળે જઈ તંત્રીને હાથોહાથ આપી આવતા. આમ ને આમ એક દિવસ અશોક હર્ષ સાથે મુલાકાત થઈ. તેમને ચાંદની મેગેઝિન માટે તેમણે લખાણ આપ્યું. એપ્રિલમાં ચાંદનીમાં હાસ્યલેખ વિશેષાંક આવતો. અશોક હર્ષ યુવા લેખકોને પ્રોત્સાહન આપતા. કોઈ વાર યુવા લેખકો પર અશોક ભાઈ ખીજાય જાય તો તેમને એ સમયના સૌથી ખોટના વ્યવસાય ગણાતા ‘મેગેઝિનને’ બહાર કાઢવાનું પણ પોરસ ચઢાવતા. અશોક ભાઈ વિનોદ ભટ્ટ અને ઓકે ને કહે, લખાણ બરાબર છે એટલે સામે વિનોદ ભટ્ટ સમજી લે કે એમનું બરાબર એટલે આપણું ઉત્તમ. જોકે વિનોદ ભટ્ટની હાલત જ્યોર્જ બર્નાડ શો જેવી જ રહી. લેખો છપાતા ઓછા અને સાભાર પરત વધારે મળતા. આ કારણે જ ભવિષ્યમાં વિનોદ ભટ્ટે એક પુસ્તકને શિર્ષક આપ્યું સાભાર પરત…
પહેલું સુખ તે મૂંગી નાર ! આ પુસ્તક વિનોદ ભટ્ટે 1200 રૂપિયા પિતા પાસેથી લઈ છપાવ્યું હતું. પિતાનું માનવું હતું કે પુસ્તક છપાવ્યા બાદ વિનોદ હવે આગળ નહીં વધે, પણ તેમને ક્યાં ખબર હતી કે વિનોદ કવિ નથી. માનવ કૌલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘દરેક લેખક આરંભમાં કવિ હોય છે. અને જો કવિત્વ છૂટતું હોય તો એ સૌથી સારી બાબત છે.’ છતાં ઘણા કવિઓ એ છોડી નથી શકતા. 18 વર્ષની ઉંમરના ઘણા કવિઓ મારી પાસે આવે છે. હું તેમને શિખામણ આપુ છું, કંઈક સારું હાસ્યનું લખો તો મઝા આવે. પણ તેમના હાસ્ય લેખો વાંચ્યા પછી મારાથી બોલાય જાય છે, ‘તમે કવિતા જ લખો. કવિતા લખીને જ તમે હાસ્યની સેવા કરી શકશો.’ કવિ વિશે લખવાનું કારણ એ કે વિનોદ ભટ્ટના પિતા હંમેશાં તેમને નન્હાલાલનું ઉદાહરણ આપી ટોકતા, ‘બેટા, કવિઓના હાલ બહુ સારા નથી.’
પોતાની આત્મકથા એવા રે અમે એવામાં વિનોદ ભટ્ટે એક સરસ વાત કહી છે, ‘‘પહેલું સુખ તે મૂંગી નાર ! પ્રગટ થયું ત્યારે હું માનતો હતો કે આ ગુજરાતી સાહિત્યનું સૌથી શ્રેષ્ઠ પુસ્તક છે. ઘણાં વર્ષો સુધી એના નશામાં હું રહ્યો પણ ખરો. પછી ધીમે ધીમે હાસ્યની સમજ વધી, અન્ય લેખકોને વાંચવા માંડ્યા ત્યારે ખબર પડી કે આ એક તદ્દન નકામું, વાહિયાત, ક્યાંય ચાલે નહીં એટલું બધું ચાલુ પુસ્તક છે.’’
ખૂદ વિનોદ ભટ્ટે કહ્યું છે, લેખકે 40 વર્ષની વયે જ પુસ્તક છપાવવું. કારણ હું કહું. તમારી વય, સમજ વધે, અન્ય લેખકોને વાંચો અને પછી ભૂતકાળના તમારા લેખોને તપાસો તો ખબર પડે કે જેને તમે ગીરની કેસર કેરી સમજતા હતા તે તો બાવળ નીકળ્યા. આ એવું છે કે, પગમાં કાંટો વાગે ત્યારે ખબર પડે કે કાંટો વાગ્યો. અનાયાસે ત્યારે જ વ્યક્તિના મોઢામાંથી ઉદ્દગાર નીકળે, ‘આ તો બાવળ છે…’ લેખકોની આત્મકથાઓ આવી સમજણ કેળવવા વાંચવી. ખાસ વિનોદ ભટ્ટની..
વિનોદ ભટ્ટ સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા તેના વિશે તેમણે ખુલીને લખ્યું છે, ‘મારા પર ક્યારેક પાગલપનનો હુમલો આવી જતો હોવો જોઈએ, કેમકે આ ગાળામાં હું ન કરવા જેવા કામ કરી બેસું છું.’
દેશ મોદી યુગમાંથી પસાર થઈ રહ્યો છે. વિનોદ ભટ્ટના છેલ્લે ત્રણ પુસ્તકો પ્રગટ થયા તેમાંનું એક ઈદમ્ ચરિત્રમ્… આ પુસ્તકમાં વિનોદ ભટ્ટે નરેન્દ્ર મોદીની હ્યુમરના ભારોભાર વખાણ કર્યા છે. ‘‘એક સભામાં અમે બંન્ને બોલવામાં સાથે હતા. એમણે ગુજરાતી સાહિત્ય પરિષદને યાદ કરતાં ઓડિયન્સને જણાવ્યું કે, આ વિનોદભાઈ ભટ્ટ મને ઘણીવાર કહે છે કે તમે સાહિત્ય પરિષદના સભ્ય બની જાવ. મેં એમને સમજાવ્યું કે વિનોદભાઈ એમાં મારું કામ નહીં. મને એમાં ન ફાવે. આઈ એમ અ મેન ઓફ લિમિટેડ પોલિટિક્સ – હું મર્યાદિત રાજકારણનો માણસ છું !’’
સારું લખતા લેખકો આ બધું ક્યાંથી તફડાવતા હોય છે ? તે અંગે આપણી પ્રજાને સારી સમજણ છે. વિનોદ ભટ્ટ પણ તેમાંથી પસાર થયા હતા. નવચેતન અને યુવક સામાયિકમાં તેમના પ્રથમ બે હાસ્યલેખો પ્રગટ થયા હતા. ખુશ થતા વિનોદભાઈ મિત્રોને બતાવવા દોડ્યા. ત્યાં મિત્ર મદને સણસણતો સવાલ કર્યો, ‘સાચું બોલ, વિનિયા, આ બધું કઈ ચોપડીમાંથી તફડાવ્યું છે ?’ ઈતિહાસ ખુદને દોહરાવે છે. વર્ષો બાદ વિનોદ દાદાના નાનાભાઈના પુત્ર શૈવલે કબાટમાં પડેલી ચોપડી તરફ આંગળી ચીંધી પૂછ્યું, ‘વિનુબાપા તમે આમાંથી જોઈ જોઈને લખો છો ?’ લગભગ રડમસ અવાજે વિનોદ ભટ્ટે કહ્યું, ‘‘ના, બધું મોઢે.’’
મયૂર ખાવડુ
Leave a Reply