ફૂલછાબ કુળ અને મૂળ : ને એ વખતે મેઘાણી ભાઈને Writer‘s Cramp થઈ ગયો…
હમણાં ગુર્જરની મુલાકાતે ગયો ત્યારે પત્રકારત્વની પાઠશાળા સમાન ફૂલછાબનું પુસ્તક ‘ફૂલછાબ કુળ અને મૂળ’ હાથમાં આવ્યું. એક જ નકલ હતી અને વર્જિન હતી. મારા ખ્યાલથી કોઈએ પાનું અડકવા સુધીની તસ્દી પણ નહોતી લીધી. પત્રકારત્વ ભવનના જ પ્રોફેસર યશવંત હિરાણીએ ફૂલછાબ પર વર્ષો પહેલા એક નાની પુસ્તિકા કરી હતી. એ.ડી.શેઠ ભવનના પ્રથમ અધ્યક્ષ શ્રીમાન યાસિન દલાલે પણ ફૂલછાબ અખબાર પર કલમ ચલાવી છે. એમના લખાયેલા લેખોનો સંગ્રહ તેમના પત્રકારત્વના અગણિત પુસ્તકોમાં જોવા મળે છે. ગુજરાતના મસમોટા અખબારો ગુજરાત સમાચાર, સંદેશ કે દિવ્ય ભાસ્કર પર સંશોધનો થયા છે પણ તેમાં એ કક્ષાનું સંશોધન હાથવગુ નથી આવ્યું જે ફૂલછાબ પાસે છે. ફૂલછાબનો ઈતિહાસ એક ફિલ્મની સ્ક્રિપ્ટ જેવો છે. ખૂબ લાંબો છે. ફૂલછાબ ખૂદ કિસ્સાગોઈ અખબાર છે. તેના વિભિન્ન પાસાઓ પર પીએચડી થનારા છાત્રોની સંખ્યા પણ માતબર છે.
તો સૌરાષ્ટ્રમાંથી પત્રકારત્વની કેડી કંડારનારા 80 ટકા લોકો ફૂલછાબમાંથી જ નીકળે છે. ફૂલછાબ પત્રકારત્વની એક એવી સંસ્થા છે જેમાં નહીં નહીંને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનના જ 90 ટકા વિદ્યાર્થીઓએ ઈન્ટર્નશિપ કરી હોય. મેં ખૂદ ભાવિક મકવાણા અને કિશન પરમાર સાથે ત્યાં ઈન્ટર્નશિપ કરી હતી. બે મહિનાની ઈન્ટર્નશિપમાં ચાર વિદ્યાર્થીઓ હોવાથી સોમ,મંગળ, બુધ અને ગૂરૂ, શુક્ર શનિ એમ વારનું વિભાજન કરવામાં આવ્યું હતું. ફૂલછાબમાં ઈન્ટર્નશિપ કરી તેનો રાજીપો આજે પણ છે. એમ.ફિલ સુધી ભણ્યા એ સમયે જયમલ્લ પરમારના લોકસાહિત્યના ઘણા પુસ્તકો વાંચ્યા હતા. તેમાંથી ફૂલછાબ કુળ અને મૂળ એ તેમનું પહેલું પુસ્તક છે જેને વસાવ્યાનો પણ અદકેરો આનંદ છે.
જયમલ્લ પરમારમાં મેઘાણીના દર્શન થયા વિના નથી રહેતા. તેઓ પત્રકારત્વના મેઘાણીશૈલી ઢાંચામાં બેસી જતા શોધ સંશોધનના માણસ રહ્યા છે. તેમનું લખાણ પણ એક ઝાટકે સોયમાં દોરો પરોવાય જાય તેવું છે. ફૂલછાબની કથામાં પણ તેમણે બે ભાગ પાડ્યા છે. આઝાદી પહેલાનો ફૂલછાબનો ઈતિહાસ અને આઝાદી બાદનો ઈતિહાસ. જેમાં આઝાદી પહેલા ફૂલછાબ કેવી રીતે સંઘર્ષ કરી આગળ વધ્યું તેની વાત છે અને આઝાદી બાદ તેના રંગ રૂપ અને તંત્રીઓની પત્રકારત્વની શૈલીમાં કેવું પરિવર્તન આવ્યું તેની કથની છે. જો કે આ વસ્તુઓ પર પુસ્તક ધ્યાન કેન્દ્રિત નથી કરતું. પુસ્તકનું સંપૂર્ણ ફોકસ ઈતિહાસની ગાથા કહેવા પર છે. તેમાં અગણિત ઈસવીસનો આવે છે. કોઈ ઈતિહાસના પુસ્તકની માફક જ તેને ટ્રીટ કરવામાં આવ્યું છે. ગુજરાતના અખબારી ઈતિહાસ પર નજર કરવામાં આવે તો ફૂલછાબ એ બાબતે સુખી રહ્યું છે કે તેના પર સૌથી વધારે સંશોધનો થયા છે અને દળદાર પુસ્તકો પણ લખાયા છે.
પુસ્તકનું મુખપૃષ્ઠ મને ખૂબ ગમ્યું. એક ફૂલ છે. જૂનવાણી છાપાને જ્યારે પીળો કલર કરવામાં આવ્યો હોય તેવું દેખાય છે. નીચે અન્ય પેટા અખબારોની સૂચિ છે. સૌથી મહત્વની વાત, પુસ્તકની જમણી બાજુ એક રેતઘડી છે. મને યાદ છે હેરી પોટર ફિલ્મમાં Harry પોતાના પ્રોફેસર Horace Slughornને પૂછે છે, ‘આ રેતઘડી શું કહે છે ?’ Horace Slughorn જવાબ આપે છે, ‘આ ઘડિયાલ વાત પર ચાલે છે. વાતો જેટલી મઝેદાર રેત એટલી જ ધીમે પડે છે અને વાતો જેટલી કંટાળાજનક રેત એટલી જ ઝડપથી નીચે પડતી જાય છે.’ જો કે પુસ્તકનાં મુખપૃષ્ઠ પર રહેલી ઘડિયાલ સમય દર્શાવે છે ! હેરી પોટરની કપોળકલ્પિત વાત માનીએ તો પુસ્તકની અંદરની વાતો રસમય છે.
ફૂલછાબનાં તંત્રીઓને સાચા અર્થમાં 56ની છાતીવાળા કહેવા જોઈએ. ઝવેરચંદ મેઘાણીએ પોતાના લેખનની શરૂઆત સૌરાષ્ટ્ર વૃતપત્રથી કરી હતી. સૌરાષ્ટ્રનો જ્યારે જન્મ થયો તેના 9 મહિના બાદ મેઘાણી તેની સાથે જોડાયા. જે પછી સોરઠી બહારવટીયાઓની કથાઓ આવી. જેમની પાસે જતા અંગ્રેજો પણ થરથર કાંપતા તેમની કથાઓ આલેખી મેઘાણીએ સાચા સાહિત્યરંગી પત્રકારત્વની તલવાર ખેંચી. આવું જ અમૃતલાલ શેઠનું હતું. પુસ્તકમાં અમૃતલાલ શેઠનું ક્વોટેશન ટાંકીને જયમલ્લ ભાઈએ લખ્યું છે, ‘‘એ દિવસોમાં સ્વરક્ષણ માટે છ ભડાકાની એક નાની પિસ્તોલ હું કાયમ ખિસ્સામાં રાખતો. એ પિસ્તોલમાંથી વધારે દૂર નહીં એટલા અંતરે લવિંગનાં નિશાના રાખી તે ઉડાવી દેવાની કાર્યદક્ષતા મેં મેળવી હતી. ઓફિસમાં પણ છ ભડાકાની બંદૂક રાખતો અને પ્રંસગે પ્રસંગે વૃક્ષો ઉપર નિશાનો ગોઠવી તે ઉડાવી દેતો. આ રીતે મારા ફરતું પિસ્તોલ અને બંદૂકોનું વાતાવરણ રાખતો અને એ વાતાવરણમાં મસ્તીપૂર્વક ફરતો. કોઈ કોઈ વાર ભર વરસાદમાં ત્રીસ-ચાલીસ માઈલની ઘોડેસવારી કરતો અને એમ ત્રણ-ચાર દિવસનો પ્રવાસ કરી આવી, અને એ પ્રવાસના વર્ણનો અને મારી જાતતપાસથી શુદ્ધ થઈ આવેલી બાતમીઓ સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ કરતો.’’
સૌથી મનોરંજક પણ શીખવા જેવી વાત એ છે કે પહેલી વખત એક અખબારે કોઈના લગ્ન નહોતા થવા દીધા. એ સમયે છોકરીઓ તુરંત મળી જતી, લગ્ન કરવા પર કોઈ પાબંધી નહોતી. પણ બીજી વખત પરણવું એ અમાન્ય હતું. એ વખતે અલવરના રાજવીએ પોતાની પત્નીની હત્યા કરેલી તેવા આક્ષેપો થયેલા. પછી તો તેને પોતાનાથી ઘણી નાની ઉંમરની છોકરી સાથે લગ્ન કરવાના અભરખા જાગ્યા. આ વાતની ખબર સૌરાષ્ટ્ર છાપું ચલાવતા શેઠને પડી ગઈ. શેઠે છાપામાં એવું લખ્યું કે તેમના બીજી વખતના લગ્ન પર જ પાબંધી લાગી ગઈ. એ લખાણ એવું જોશીલું અને તેજીલા તોખાર જેવું હતું કે વાંચનારો વાંચીને જ કોમામાં ચાલ્યો જાય. કદાચ કોઈ અખબારનાં તંત્રીએ લખ્યું હોય અને લગ્ન જ ટળી જાય તેવી ગુજરાતી પત્રકારત્વની આ પ્રથમ અને છેલ્લી ઘટના હતી.
સૌને જાણવામાં એ રસ હશે કે કલકત્તામાં નોકરી કરતાં મેઘાણી સૌરાષ્ટ્ર સાથે કેવી રીતે જોડાયા ? 1922માં માત્ર નવ મહિના જેટલા અનુભવી પત્રકાર અમૃતલાલ શેઠે મેઘાણીની ડૂબતી નૈયાને પાર લગાવી હતી. મેઘાણીનાં લેખો અમર રસની પ્યાલી, ચોરાનો પોકાર સૌરાષ્ટ્રમાં પહેલાંથી જ છપાય ગયા હતા. પહાડનું બાળક આ લેખમાં મેઘાણીએ જે લખ્યું એ જ ફૂલછાબ કુળ અને મૂળ પુસ્તકમાં પણ છે. તેમાં તેઓ લખે છે, ‘‘1922માં હું દિશાશૂન્ય હતો. કલકત્તાની નોકરી છોડીને કાઠિયાવાડ આવ્યો હતો. સ્થિર થવું હતું. ખેતીના ઉધામા ચડ્યા. વ્યાપારી સ્વજનો વ્યાપર તરફ ખેંચવા લાગ્યા. દેશી રજવાડાની નોકરી પણ બહુ દૂર નહોતી. સહુ કોઈને ભાગ્યના ભેરૂં જેવી શિક્ષકની નોકરી તો સામે જ ઉભી હતી.’’
1922થી 1926 મેઘાણીએ સૌરાષ્ટ્રમાં કામ કર્યું. તેમાં શા માટે મેઘાણીએ સૌરાષ્ટ્રનો સાથ છોડ્યો એ લેખનો કટકો ફૂલછાબ કૂળ અને મૂળ પુસ્તકમાં બે વખત આવે છે. 88 પેજ નંબર પર ‘સૌરાષ્ટ્રમાં ઝવેરચંદ મેઘાણીનું આગમન’ લેખમાં અને બીજું 149 પાનાં પર મેઘાણી ભાઈની સૌરાષ્ટ્રમાંથી નિવૃતિ. 149 પેજ પર તે યોગ્ય સ્થાને છે, 88માં ખૂબ વહેલું છપાયું હોય તેવું લાગે છે.
390 નંબરના પેજ પર આવેલ ‘મળેલા જીવ અને ખંડિત ક્લેવરો’ આ પુસ્તકનું મારું સૌથી ગમતું પ્રકરણ છે. આ પ્રકરણમાં એકધારું લેખન કર્યા બાદ મેઘાણીની લખવાની સ્થિતિ કેવી થઈ ગયેલી તેના પર લેખકે ભાર મૂક્યો છે. જયમલ્લ ભાઈ લખે છે, ‘‘આ દરમિયાન 1940માં એમણે ફૂલછાબના ભેટ પુસ્તક તરીકે ગુજરાતનો જય (ભાગ પહેલો) લખ્યું. 11 પ્રકરણ લખીને અમને વાંચવા આપ્યાં. એ દિવસોમાં એમને Writer‘s Cramp (પેન ન પકડી શકાય, અંગૂઠો ને આંગળી ખેંચાય ને સબાકો નીકળી જાય) શરૂ થયેલો. આંગળા ચાલે નહીં, બીજી રીતે પણ થાકેલા. એમાં મુનિ જિનવિજયજીએ એમને જૈન પ્રબંધો આપ્યા. પ્રબંધના પ્રસંગની અસર મેઘાણી પર ખૂબ થયેલી. એવી ઘાટી અસર નીચે એ 11 પ્રસંગો મુકી દીધેલા. સ્વતંત્ર પ્રસંગો તરીકે ઘણા સરસ, પણ નવલકથાનો પ્રવાહ કે સાતત્ય એમાં ન મળે. આખી લખાવટ જ ફેરવવી પડે એવી. પુરાં 150 પાનાં. અમે મૂંઝાયા, કરવું શું ? એમના થાક અને રોગે અમને દ્રિધામાં મુકી દીધા….’’
અહીંથી અટકું છું. પછી શું થયું તે તમે વાંચી લેજો. પણ તંત્રી હોવા છતાં મેઘાણી ભાઈ છેલ્લે સુધી મંડ્યા રહ્યા. પત્રકારત્વમાં તમારો હેડ જ્યારે કામ કરવાનું બંધ કરી દે ત્યારે માની લેવું કે હવે ત્યાં રહ્યાં જેવું નથી. ભલે લાખનો પગાર હોય. મેઘાણી અને આ સમગ્ર પુસ્તકમાંથી એ પણ શીખવા મળે છે.
પુસ્તક માત્ર ઈતિહાસના અભ્યાસુઓ કે પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે નથી. માત્ર એમ.ફિલ-પીએચડીના ડિગ્રી ઈચ્છુકોને સંદર્ભ મુકવા ખાતર નથી. જેઓ ફૂલછાબને નજીકથી જાણવા માગતા હોય તેમના માટે છે. પત્રકારત્વ શું છે તેને જાણવા માગતા હોય તો તેમના માટે છે. ઉપરથી જયમલ્લભાઈએ એક સરસ કામ કર્યું છે. તેમણે કટાર લેખન મુજબ અલગ અલગ શિર્ષક આપી ફૂલછાબનો ઈતિહાસ વર્ણવ્યો છે. ભારત આઝાદ થઈ રહ્યો હતો એ દરમિયાન ફૂલછાબ કેવી રીતે ઈતિહાસ સાથે સંકળાતું હતું તેનો પણ તુલનાત્મક અભ્યાસ થઈ જશે. શરૂઆતમાં જે ફોટોગ્રાફ મુક્યા તેની સંખ્યા પારાવાર છે. તેને અલગ અલગ કરી વચ્ચે મુકવાની જરૂર હતી. જેવું અંગ્રેજી પુસ્તકોમાં કરવામાં આવે છે. પરિણામે પ્રકરણો વાંચ્યા બાદ એ ઘટના તસ્વીર રૂપે આંખો સામે આવે તો ઘટના પુન:જીવિત થાય.
આ પુસ્તક એટલું મોટું અને કિસ્સાઓથી સભર છે કે તેના વિશે લખવા માટે પણ એક અલગ પુસ્તક કરવું પડે. માત્ર ઈતિહાસના સંદર્ભોનું પુસ્તક ન બની જતા તેની પાસે મેઘાણીના કાવ્યો છે, દોહા છે, ફુલછાબના તંત્રીઓ વિશેની વાતો છે, તેમાં હરસુખભાઈ સંઘાણીએ કેવી રીતે ફૂલછાબમાં પરિવર્તન આણ્યું એ પણ છે અને રવિવારની મધુવન પૂર્તિ લઈ આવવાનો વિચાર કયા તંત્રીનો હતો તેનો જવાબ પણ તેમાં જ છે.
મયૂર ખાવડુ
Leave a Reply