યશવંત મહેતાને મળેલું સૌથી મોટું પારિતોષિક : કરોડો વાંચકોનો પ્રેમ
પ્રહલાદ નગર તરફ જતા વચ્ચે આનંદ નગર આવે. જ્યાં ગૂર્જર પ્રકાશનની બીજી દુકાન છે. અમદાવાદનાં લાલ દરવાજા પાસે આવેલ ગૂર્જર પ્રકાશન કરતાં આ જગ્યા ખાસ્સી મોટી છે. તમામ જગ્યાએ હોય તેમ લેખકોના પુસ્તકોનું પ્રાપ્તિ સ્થાન તો ખરું જ. પણ ખાસ એટલા માટે ત્યાં ધક્કો ખાવાનો રહે કે કિશોર સાહસકથા અને બાળ સાહિત્યનો આ જગ્યા પર ખજાનો છે. જૂની ચોપડીઓ છે. ઘણી કથળેલી હાલતમાં છે કારણ કે કોઈ લેતું નથી. ઘણાં એવા પણ પુસ્તકો છે જેમને હાથ અડો તો પાનાં પાનખરની જેમ ખરી જાય. બાળસાહિત્ય અને કિશોર સાહસકથાની આવી હાલત પાછળ જવાબદાર પણ માતૃભાષાના નામે બણગાં ફૂંકતી આપણી જ પ્રજા છે.
આશરે 6 મહિના જેટલા લાંબા સમયગાળા બાદ અહીં જવાનું કારણ યશવંત મહેતા જ હતા. યશવંત મહેતાએ ગુજરાતી ભાષાને ચાર રીતે શ્રેષ્ઠ બનાવી છે. બાળ સાહિત્ય, કિશોર સાહિત્ય, કિશોર વિજ્ઞાનકથાઓ અને અનુવાદ. આ ત્રણેમાં યશવંત મહેતાએ એવું પ્રદર્શન કર્યું છે કે 400 ઉપર પુસ્તકો લખી નાખ્યા છે. જેની આપણે સૌ કલ્પના કરતાં હોઈએ તે યશવંત મહેતાએ કરી બતાવ્યું છે.
આજે યશવંત મહેતાના જ્ઞાન અને વિજ્ઞાનથી સભર પુસ્તકો ખરીદ્યા. જેમાંનું એક એટલે યશવંત મહેતાએ બાળકો માટે લખેલ પ્રેરક પ્રસંગકથાઓ. આ કથાઓમાં દેશ દુનિયાના વિવિધ મહાનુભવો સાથે બનેલા પ્રેરક પ્રસંગો છે. પણ વાત જ્યારે યશવંત મહેતાની આવે ત્યારે તેમની કિશોરકથાઓ આકર્ષણ જન્માવે છે. કિશોરોને સાંકળીને સર્જેલું તેમનું રહસ્ય અપ્રતિમ છે.
આ ચોમાસામાં આકાશમાં વીજળી ઝબૂકતી હોય, ગોદળું ઓઢેલું હોય, હાથમાં યશવંત મહેતાની સાહસકથા હોય અને આંખમાં આશ્ચર્ય હોય તો તો મઝા પડી જાય. તેમની બાલ રહસ્યકથાઓનો 1-5 ભાગનો સેટ છે. 1974માં છપાયેલું આ પુસ્તક 1995માં રિ-પ્રિન્ટ થયું હતું. મારી પાસે બીજી આવૃતિ છે. જે થોડી ઘણી જર્જરીત અવસ્થામાં છે.
બાલ રહસ્યકથાઓ સાથે તેમની ખૂબ ચાલેલી વૈજ્ઞાનિક રહસ્યકથાઓ નામનું પુસ્તક. તેમણે વિજ્ઞાનકથાઓના તમામ રસમાં ખેડાણ કરેલું છે. ખાસ વિજ્ઞાનકથાનો રસ વીર હોય છે. પણ યશવંત મહેતાએ વીર સાથે હાસ્યરસમાં પણ ખેડાણ કરેલું છે. જે એકંદરે વિજ્ઞાનકથાઓમાં જ્વલ્લે જ જોવા મળે. અત્યાર સુધી તેની ટોટલ 4 આવૃતિઓ થઈ ચૂકી છે. અને ખૂબ શોધવા છતાં તેનો બીજો ભાગ મળેલો નથી.
રસભર રહસ્યકથાઓ પુસ્તકની પ્રસ્તાવનામાં રહસ્યકથાઓ શા માટે અછૂત રહી ગઈ તેના વિશે યશવંત મહેતાએ બે પોંઈન્ટ મુક્યા છે. નંબર 1 નબળાં લોકોએ નબળી રહસ્યકથાઓ લખી તેની છાપ બગાડી નાખી અને નંબર 2 વિવેચકોએ સારી રહસ્યકથાઓ વાંચ્યા વિના પરાપૂર્વથી ચાલ્યો આવતો હીણો અભિપ્રાય સ્વીકાર્ય રાખ્યો. રસભર રહસ્યકથાઓ બાળકો માટે નથી. હા, કિશોરોની સમજણ વિકસી ગઈ હોય તો લખાણ મુશ્કેલ પણ નથી. જેમને સસ્પેન્સ થ્રીલરનો શોખ હોય તેમણે આ પુસ્તક વાંચવું જોઈએ. આ પુસ્તક વાંચતા હશો ત્યારે મનમાં આ ઘટના ગઈ કાલનાં છાપામાં છપાયેલ એવું ઝીણું ઝીણું લાગ્યા કરશે. કારણ કે ઘટના અમદાવાદના તમે જોયેલા વિસ્તારોની છે. તેમાં એલિસબ્રિજ આવે, આશ્રમ રોડ આવે, નવરંગપુરા આવે, પરિણામે અમદાવાદમાં વસતા લોકો માટે આ ઘટના કાલ્પનિક નહીં પણ સત્ય હોય અને હમણાં જ બની હોય તેવી અનુભૂતિ થશે.
આ પુસ્તકની પાછળનાં પૃષ્ઠમાં જ્યારે મેં વાંચ્યું ત્યારે દંગ રહી ગયો. યશવંત મહેતાના પરિચયમાં લખેલું હતું કે, ‘સૌથી મોટું પારિતોષિક : કરોડો વાંચકોનો પ્રેમ.’
જોનાથન સ્વીફ્ટની કૃતિનું રૂપાંતરણ ગુલીવર ટ્રાવેલ્સ પણ યશવંત મહેતાએ જ કર્યું છે. વચ્ચે આવ્યું એટલે બાળ સંસ્મરણો તાજા કરવા માટે ખરીદી લીધું. પણ હવે વાત કરીએ તેમની વિજ્ઞાનકથાઓની. આમ તો વિજ્ઞાન વાર્તાઓની.
ગુજરાતી ભાષામાં એ સ્વીકારનારો વર્ગ નથી કે ગુજરાતીમાં સાયન્સ ફિક્શન ‘નવલકથા’ લખી શકાય. અને જો લખાય તો તેને ગણનારો વર્ગ પણ આપણે ત્યાં હાજર નથી. આ તમામ વસ્તુઓ વિદેશની ધરતી પર ફુલે ફાલે છે અને વિકસે છે. આપણે ત્યાં વિજ્ઞાન હંમેશાં કિશોરનું હતું અને અત્યારે પણ કિશોરોનું જ રહ્યું છે. છેલ્લા દાયકામાં વાર્તાઓ લખવામાં થોડાં ઘણા ફેરફાર આવ્યા છે. જેમાં ગૌરાંગ અમીન અને હાર્દિક સ્પર્શે સાયન્સ ફિક્શન વાર્તાઓ લખી છે. વચ્ચે ઉત્સવ મેગેઝિનના એક અંકમાં જયેશ અધ્યારૂ અને કાના બાટવાએ વિજ્ઞાન વાર્તાઓ લખી હતી. પણ યશવંત મહેતાની વિજ્ઞાન વાર્તાઓ અત્યારના વિજ્ઞાન વાર્તાકારોની તુલનાએ ઘણી અલગ છે. તેમાં સાહિત્યના ધુરંધર થવાની હોડ કે મહેચ્છા નથી. કથાને થાય તેટલી સરળ અને પારદર્શક કરી પીરસવામાં આવી છે.
1998માં સમભાવ દૈનિકના તંત્રી ભૂપત વડોદરિયા અને પૂર્તિના સંપાદક રજનીભાઈ વ્યાસે બુધવારની પૂર્તિને વિજ્ઞાનબહુલ બનાવવાનું નક્કી કર્યું. વિજ્ઞાનની પૂર્તિ બનાવતી વેળાએ તેમના મનમાં એક જ નામ આવ્યું… યશવંત મહેતા. યશવંત મહેતાને પણ ઘણાં સમયથી વિજ્ઞાન લેખન કરવું હતું. જેથી આ આમંત્રણે તેમનામાં પોરસ ચડાવ્યું. રજનીભાઈએ સાઈઠમાં દાયકામાં વિજ્ઞાનબંધુ નામે સામાયિક ચલાવેલું જેથી તેમને વિજ્ઞાનમાં શું હોવું જોઈએ અને શું નહીં તેની પાક્કી સમજ હતી. કિશોર અને બાળ સાહિત્યના ખોળામાં જીવનારા યશવંત મહેતાએ થોડી રોકડી કરવા એકથી વધારે છાપાઓમાં પોતાની વિજ્ઞાનકથાઓ છપાવવાનું નક્કી કર્યું. સમભાવમાં છપાય, ફૂલછાબમાં છપાય અને ત્યાં વધુ એક આમંત્રણ મળ્યું. કીર્તિભાઈ ખત્રીએ પણ કચ્છમિત્રમાં છપાવવાનો આગ્રહ કર્યો. જેના પરિણામે એક વિજ્ઞાનકથા ત્રણ ત્રણ છાપાઓમાં ચાલતી હતી. અને આવું કરી બતાવનારા યશવંત મહેતા જ હતા. આ વસ્તુ અત્યારે શક્ય ખરી ?
યશવંત મહેતાનું આ વિજ્ઞાન લેખન 5 વર્ષ સુધી ચાલ્યું. 250 અઠવાડિયા સુધી તેમણે પોતાની કલમ ચલાવી, પણ પછી બંધ થઈ ગઈ. અંધશ્રદ્ધામાં જીવતી ગુજરાતી પ્રજાને આ વાત પચી નહીં. તેમને મન તો આ શું તિગડમ છે એવી ઘટનાએ આકાર લીધો. ખૂદ તંત્રીઓએ પણ કંઈ જણાવ્યું નહીં પણ આખરે યશવંત દાદાએ સામે ચાલીને આ કોલમ બંધ કરી દીધી. એ સાથે જ ગુજરાતી ભાષાના એક ગૌરવપૂર્ણ વિજ્ઞાનકથાના ઈતિહાસનો અંત આવી ગયો. આ કૉલમ બંધ થઈ તેના માટે જવાબદાર તો આપણે જ કહેવાયે ! યશવંત મહેતા બાદ એવો કોઈ લેખક નથી જે યશવંત મહેતાનો રેકોર્ડ તોડી 250 અઠવાડિયાથી વધારે વિજ્ઞાન વાર્તાઓની કોલમ ગુજરાતી પત્રકારત્વમાં ચલાવી શકે.
પણ દુખી થવાની જરા પણ જરૂર નથી. બાદમાં 250 અઠવાડિયા સુધી ચાલેલી આ વિજ્ઞાનવાર્તાઓને ખુદ યશવંત મહેતાએ પુસ્તકના પાનાંમાં કેદ કરાવી લીધી. આજે ઈતિહાસના સાક્ષી બનતા એમની જંગસંઘ, જંગજીત, કેતવનો ગ્રહ જેવી વિજ્ઞાન વાર્તાઓના ત્રણ પુસ્તકો ખરીદ્યા.
વિજ્ઞાન કથામાંથી હવે વાત કરીએ કિશોર સાહસકથાઓની. બુદ્ધની પ્રતિમાનો ભેદ એક સરસ મઝાની અને કિશોર સાહિત્યના ચોગઠામાં ફિટ બેસે તેવી વાર્તા છે. મળી જાય તો યશવંત મહેતાની ભેદ શ્રેણી અચૂક વાંચવી. તેની અન્ય શ્રેણીના પુસ્તકો શોધવા એ આકરૂં કામ છે. તેમાંથી નકશાનો ભેદ નામનું પુસ્તક આજે મળ્યું. સાથે સાહસની સફર નામનું યશવંત મહેતાનું વધુ એક કિશોર સાહસકથાનું પુસ્તક પણ હાથ લાગી ગયું.
આ તો વાત થઈ કિશોર સાહસકથા અને વિજ્ઞાનકથાઓના યશવંત મહેતાની. અને હવે વાત કરીએ અશોક હર્ષની. અશોક હર્ષ વિશે માહિતી મેળવવી હોય તો વિનોદની નજરે પુસ્તક વાંચવું. તેમાં અશોક હર્ષની સતરંગી વાતો લખેલી છે. હસી હસીને લોટપોટ થઈ જાઓ. અશોક હર્ષને વાંચ્યા હોય તો વિચાર આવે કે અશોકદાદાએ હાસ્ય પર શા માટે કલમ ન ચલાવી ?
એક વખત અશોક હર્ષ પોતાની ઓફિસમાં બેઠા હતા. સાથે વિનોદ ભટ્ટ પણ હતા. અશોક હર્ષને મળવા માટે રોજ બે છોકરાઓ આવતા. પછી થયું એવું કે એક દિવસ તેઓ આવતા બંધ થઈ ગયા. વિનોદ ભટ્ટે પૂછ્યું, ‘પેલા બે છોકરાઓ ?’
અશોક હર્ષે કહ્યું, ‘એમને મેં મેગેઝિન કાઢવાના રવાડે ચડાવી દીધા.’ એ સમયે સામાયિક કાઢવું એટલે પોતાના પગમાં કુવાડો મારવો.
વિવેચન અને કવિતા હોય ત્યાં અશોક હર્ષ તો હોવાના જ. બલ્લુ કાકા એક વખત સાહિત્યક સભામાં નહોતા આવેલા. તેમની કવિતાઓનું વિવેચન અશોક હર્ષે કર્યું. તો સામે બેઠેલી વ્યક્તિએ કહ્યું, ‘બલ્લુકાકા તો પોતાની કવિતાઓ વિશે આવું માને છે.’
અશોક હર્ષ બોલી ગયા, ‘બલ્લુકાકા તો મુર્ખ છે.’ એ સમયે બલ્લુકાકા અશોક હર્ષની પાછળ જ ઉભા હતા.
ખૂદ યશવંત મહેતાએ અશોક હર્ષને પુસ્તક અર્પણ કરેલું છે. જેમાં લખેલું છે કે જેમની પાસેથી વિજ્ઞાન સાહિત્ય મને ગળથૂંથીમાં મળ્યું એવા અશોક હર્ષને. સાથે બીજા બે ચાર નામો પણ છે. જો કે વિજય ગુપ્ત મોર્ય, મૂળશંકર ભટ્ટ સિવાય અશોક હર્ષ જ એ સમયે એવા હતા જેઓ વિજ્ઞાનકથાઓ અને જંગલની વાતો લખતા હતા. યશવંત મહેતાના તેઓ પ્રેરણાસ્ત્રોત ગણવા રહ્યા. અશોક હર્ષે સાહિત્ય માટે અલગ વાર્તાઓ લખી છે. અને કિશોરો માટે તેમની કલમમાંથી ઢગલો અનુવાદ અને પોતીકી વાર્તાઓ મળી છે. તેમાંનું પુસ્તક એટલે જંગલની વાતો અને વેલ્સની વિજ્ઞાનકથાઓ પણ આજે ખરીદી.
ગુજરાતી બાળ સાહિત્યનું શિખર એટલે રમણલાલ સોની. દૈવી પોપટ એ એમની વાર્તાઓનું એક પુસ્તક છે. જો પુસ્તક અંદર ખોલીને જુઓ તો ! કારણ કે તેમનું નામ પુસ્તકના મુખપૃષ્ઠમાં નથી લખેલું પણ અંદર લખેલું છે. આ પુસ્તક કોણે છાપ્યું છે તે જાણી હસવું આવશે. પુસ્તકની પાછળના ભાગે પ્રકાશકે એક જાહેરાત લખી છે. જાહેરાતમાં લખેલું છે કે, ‘દુર્લભ મંત્ર સિદ્ધ રહસ્ય, સર્વ મનોકામના સિદ્ધ.’ આ સિવાય અવિનાશ પરીખ લિખિત ડગલે ડગલે રહસ્ય પુસ્તક ખરીદ્યુ છે.
શ્રીકાન્ત ત્રિવેદી અંગ્રેજી નવલકથાઓનું સંક્ષેપ્તીકરણ કરી ગુજરાતીમાં ઉતારનારું એક મોટું નામ છે. ચાર્લ્સ ડિકન્સ, એલેકઝાંડર ડૂમા, રોબર્ટ લૂઈસ સ્ટીવન્સન, માર્ક ટ્વેઈન સહિતના સર્જકો તેમણે કિશોરોને સમજાય અને આખા થોથા ન ફેરવવા પડે આ માટે ગુજરાતીમાં આપ્યા છે. તેમની વિશ્વ સાહિત્ય શ્રેણીની કથા અજાણ્યો ટાપુ પણ આજે ખરીદી.
સિંહ-વાઘની સોબતમાં. આ પુસ્તકના લેખક છે ધ ગ્રેટ વિજયગુપ્ત મોર્ય. તેનો બીજો ભાગ હાથમાં આવ્યો પણ પહેલો ભાગ ત્યાં ઉભેલા કાકા પણ શોધી શોધીને થાક્યા છતાં ન મળ્યો. જેથી તેમણે નંબર રાખી લીધા છે ફોન કરશે ત્યારે જવાનું રહેશે. સિંહ-વાઘની સોબતમાં એ દામુ ઘોત્રેના સરકસના સાહસની સફર છે. એક અદભૂત લેખકનું અદભૂત વ્યક્તિ વિશેષ પુસ્તક.
અને છેલ્લે ગૌતમ શર્માની પાણીનું પાર્સલ ખરીદી. આ સસ્પેન્સ-થ્રીલર નવલકથાના ખૂબ વખાણ સાંભળ્યા હતા. ગૌતમ શર્મા નામ કંઈ અપરિચિત નથી. લાઈબ્રેરીમાં અશ્વિની ભટ્ટ, કનુ ભગદેવ અને એચ.એન.ગોલીબાર બાદ કોઈ લેખકના પુસ્તકના પાના ચીથળે હાલ થઈ ગયા હોય તો તે ગૌતમ શર્મા છે. હવે પાણીનું પાર્સલ વાંચી લેખકનું પણ પાણી માપી લઈએ.
મયૂર ખાવડુ
Leave a Reply